07 August, 2025 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હોમિયોપથી એક એવું સાયન્સ છે જેની સાથે ઘણી માન્યતાઓ અને ઘણી ગેરમાન્યતાઓ સંકળાયેલી છે. આવી જ એક ગેરમાન્યતા એટલે એ કે હોમિયોપથી ટ્રીટમેન્ટ લઈએ તો એ રોગને ઠીક કરતાં પહેલાં વધારે છે. એટલે કે તમને એક રોગ થયો, તમે હોમિયોપથી દવા લેવાનું શરૂ કર્યું અને એ દવા તમારા રોગને વધારે છે. એકદમ પીક સુધી પહોંચાડે છે અને પછી એ એને ઠીક કરે છે. ઘણા લોકો તો રોગ જ્યારે વધી જાય ત્યારે આ દવાની અસર છે એમ સમજીને ખુશ થતા હોય છે. મને લગભગ ૪૦ વર્ષ થઈ ગયા હોમિયોપથીની પ્રૅક્ટિસ કરતાં-કરતાં. હજારો દરદીઓને જોયા પછી હું કહીશ કે ના, એવું હોતું નથી કે હોમિયોપથીને કારણે તમારો રોગ વધે. આ દવાઓ રોગને એકદમ ટોચ પર લઈ જઈને ઠીક કરવા માટેની દવાઓ નથી. આ રીતે વ્યક્તિને ઠીક કરવી એ એના સિદ્ધાંતોમાં પણ નથી. આ દવાઓ તમારા રોગને જડથી દૂર કરવામાં માને છે, પણ એટલે એવું નથી કે એ રોગને એની ચરમસીમા સુધી લઈ જાય અને પછી મટાડે.
તો પછી ઘણા લોકોને કેમ એવું લાગે છે કે હોમિયોપથી લીધા પછી તેમનો રોગ વધ્યો? તો એનાં અમુક કારણો હોઈ શકે છે જેમાં પહેલું છે રોગનું પ્રાકૃતિક રીતે વધવું. સોરાયસિસ કે વિટિલિગો જેવા રોગોની શરૂઆત થઈ ચૂકી હોય અને તમે દવાઓ શરૂ કરો પરંતુ એ કુદરતી રીતે જ વધી રહ્યા હોય એમ બની શકે. આવા સંજોગોમાં તમારે તમારા ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ કે આ રોગની માત્રા કે તીવ્રતા વધી રહી છે. બીજું કારણ એ હોઈ શકે કે તમે તમારા રોગ માટે પહેલાં કોઈ ઇમ્યુનોસપ્રેસન્ટ દવાઓ લઈ રહ્યા હતા. જેમ કે કોઈ વ્યક્તિ કૉર્ટિકોસ્ટેરૉઇડ દવાઓ લઈ રહી હોય અને એ ૨-૩ મહિના પહેલાં બંધ કરી હોય કારણ કે એના પછી હોમિયોપથી ચાલુ કરવાની હોય તો એ સ્ટેરૉઇડ દવાઓ છોડવાને કારણે આ પ્રકારનાં ચિહ્નો દેખાતાં હોય. ત્રીજું કારણ એ હોઈ શકે કે નક્કી કોઈ ટ્રિગર્સ નડ્યાં હોય એટલે કે હવામાન બદલ્યું હોય કે લાઇફસ્ટાઇલમાં કોઈ બદલાવ આવ્યો હોય તો રોગ ટ્રિગર થયો હોય એમ બને. એનું કારણ હોમિયોપથી નથી પરંતુ કોઈ બીજું જ કારણ છે એ સમજવું. છતાં ૫૦૦માંથી એકાદ કેસમાં એવું બનતું જણાયું છે કે હોમિયોપથી દવાને કારણે રોગ વધ્યો હોય પણ આ પરિસ્થિતિ એકદમ રૅર છે. એટલે કે લગભગ આ શક્યતાને નકારી શકાય એમ છે. એટલે જો તમે સમજતા હો કે હોમિયોપથીને કારણે તમારો રોગ વધ્યો છે તો એવું નથી.
-ડૉ. રાજેશ શાહ