નાનાં બાળકોને ડ્રાય આઇઝની તકલીફ થાય?

01 October, 2021 04:23 PM IST  |  Mumbai | Dr. Himanshu Mehta

આંખની કોઈ પણ તકલીફમાં લાપરવાહી ન કરવી જોઈએ. તરત ડૉક્ટરને મળીને ચેક-અપ કરાવવું જોઈએ અને સાચું નિદાન મેળવવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર

મારા ૧૨ વર્ષના દીકરાને આજકાલ આંખમાં સતત ખંજવાળ આવ્યા કરે છે અને આંખો લાલ રહે છે. તેને આંખમાં સતત કશુંક ખૂંચ્યા કરે છે. મને જયારે આ લક્ષણો હતાં ત્યારે મને ડૉક્ટરે કહ્યું હતું કે મને ડ્રાય આઇઝની તકલીફ છે. છેલ્લાં દોઢ વર્ષથી કમ્પ્યુટર અને ફોનની સ્ક્રીન પર જ ચોંટેલો રહે છે. સ્કૂલ, ક્લાસિસ, કાર્ટૂન, સોશ્યલ મીડિયા, ચેટિંગમાં જ એનો બધો સમય જાય છે. ડ્રાય આઇઝનો પ્રોબ્લેમ વયસ્ક લોકોને જ થાય છે કે બાળકોને પણ થઈ શકે?

 આંખની કોઈ પણ તકલીફમાં લાપરવાહી ન કરવી જોઈએ. તરત ડૉક્ટરને મળીને ચેક-અપ કરાવવું જોઈએ અને સાચું નિદાન મેળવવું જોઈએ. ડ્રાય આઇઝનો પ્રોબ્લેમ બાળકોને થઈ શકે છે. જોકે વયસ્ક લોકો જેટલો એ કૉમન નથી બાળકોમાં. તમારા બાળકને ડ્રાય આઇઝ હોવાની શક્યતા છે કારણકે જેમ તમે કહો છો કે બાળક સ્ક્રીન સામે જ રહે છે. છેલ્લાં એક-દોઢ વર્ષમાં કોરોનાને કારણે બાળકોના જીવનમાં બધું જ ઓનલાઈન થઈ ગયું છે જેને લીધે સ્ક્રીન ટાઇમ ખૂબ વધી ગયો છે. આ સિવાય બીજું કારણ છે ઊંઘ બરાબર ન થવી. છેલ્લાં એક-દોઢ વર્ષમાં આ બન્ને ફૅક્ટર્સને કારણે બાળકોમાં પણ તકલીફ હવે શરૂ થઈ ગઈ છે. 
જ્યારે આપણે કોઈ પણ સ્ક્રીનને જોઈએ છીએ અને તેમાં રસની વસ્તુ હોય તો ઑટોમેટિક આપણે આંખ પટ-પટાવવાનું ભૂલી જતા હોઈએ છીએ. જેને લીધે આંખ સાફ થતી નથી અને તે સૂકી થતી જાય છે. આ પ્રક્રિયા વારંવાર બનતી જાય છે ત્યારે વ્યક્તિને ડ્રાય આઇઝનો પ્રોબ્લેમ થઈ જાય છે. આ માટે કોઈ ડ્રોપ નાખવાની જરૂર નથી. પહેલી જરૂર છે કે એને ડૉક્ટર પાસે લઈ જઈને એની આંખ પ્રોપર ચેક-અપ કરાવો. બીજું એ કે તમારા બાળકોને ટીવી, ટેબ્લેટ, સ્માર્ટ ફોન અને કમ્પ્યુટર્સ નિયંત્રિત સમય માટે જ વાપરવા દો. સતત અૅરકન્ડિશનમાં રહેવાનું છોડો. સ્કૂલ કે ક્લાસ સિવાયનો સમય મોબાઇલ અને કમ્પ્યુટરની સામે બાળક બેઠું ન રહે એનું ધ્યાન રાખો. દર ૧ મિનિટમાં ૩-૪ વાર પલકારા મારી શકાય તેની કાળજી રાખવી. આ ઉપરાંત ઑમેગા ૩ ફેટી એસિડયુક્ત ખોરાક ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસીના બીજ, અખરોટ, સોયાબીન, તોફુ, કોલી ફ્લાવરનું શાક વગેરેનો ઉપયોગ રોજ-બરોજના ખોરાકમાં કરવો. દિવસમાં ૮-૧૦ ગ્લાસ પાણી પીવું..

columnists