29 April, 2026 02:35 PM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
લાંબા સમય સુધી આપણે માનતા હતા કે હૃદયનું કામ લોહી પમ્પ કરવાનું છે, ફેફસાંનું કામ શ્વાસ લેવાનું છે અને મગજ આ બધા પર હુકમ ચલાવે છે. જોકે છેલ્લાં પંદરેક વર્ષમાં થયેલાં સંશોધનો કહે છે કે આપણા શરીરનાં અંગો અકલ્પનીય રીતે એકબીજા સાથે જોડાયેલાં છે અને તેઓ વિવિધ સિગ્નલ્સ દ્વારા એકબીજા સાથે વાતો પણ કરે છે. સંશોધનની આ દિશા ક્રાન્તિકારી ઇનોવેશન સાથે પરિણામલક્ષી સાબિત થઈ રહી છે. આપણું શરીર માત્ર અંગોનું જૂથ નથી પણ જાણે એક જીવંત ઇન્ટરનેટ છે. દરેક અંગ બીજા અંગ સાથે સતત ચૅટિંગ કરે છે. આપણે જ્યારે જમીએ છીએ, કસરત કરીએ છીએ કે બીમાર પડીએ છીએ ત્યારે આ અંગો એકબીજાને મેસેજ મોકલે છે. આ સંવાદમાં આવતી ખામી જ ડાયાબિટીઝ, કૅન્સર અને ઑલ્ઝાઇમર્સ જેવા રોગોનું મુખ્ય કારણ હોઈ શકે એવા તારણ પણ સંશોધકો પહોંચી રહ્યા છે. ઑર્ગન ઇન્ટરૅક્શન નેટવર્ક અથવા ઑર્ગન ક્રૉસ ટૉક તરીકે તબીબી વિશ્વમાં રિસર્ચરોના ફેવરિટ બની રહેલા આ વિષયને થોડોક વિસ્તારપૂર્વક સમજીએ અને જાણીએ કે કઈ રીતે જેમ દુનિયાના દેશો વચ્ચે હાર્મની એટલે કે સંવાદિતા જળવાયેલી રહે એ વિશ્વશાંતિ માટે જરૂરી છે એમ સ્વસ્થ શરીર માટે શરીરની અંદરના અવયવો વચ્ચે પણ હાર્મની અકબંધ રહે એ કેટલું મહત્ત્વનું છે.
શરીરના દરેક અંગને કાર્ય કરવા માટે ઊર્જા, ઑક્સિજન અને પોષક તત્ત્વોની જરૂર હોય છે. આ સંસાધનો જ્યારે મર્યાદિત હોય ત્યારે અંગો વચ્ચે એક પ્રકારનું સ્પર્ધાત્મક વાતાવરણ સર્જાય છે. જનરલ ફિઝિશ્યન ડૉ. પરેશ મહેતા કહે છે, ‘શરીરના અવયવો ૩ પ્રકારે કમ્યુનિકેશન્સ કરે છે. હૉર્મોન્સ, ચેતાતંત્ર દ્વારા અને એક્સ્ટ્રા-સેલ્યુલર વેસિકલ્સ એટલે કે કેટલાક નાના-નાના કણો જેના થકી એક અંગ બીજા અંગને મેસેજ પાસ કરે છે. વર્ષો સુધી એવું મનાતું આવ્યું હતું કે શરીરમાં રહેલી અંત:સ્રાવી ગ્રંથિઓ જ મેસેન્જરનું કામ કરતાં હૉર્મોન્સનું સર્જન કરે છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં થયેલાં સંશોધનો કહે છે કે શરીરના દરેક અવયવમાં પણ હૉર્મોન્સ સીક્રેટ થાય છે. શરીર પર જડાયેલી ચરબી હૉર્મોન્સ બનાવે છે. સામાન્ય રીતે સંતુલિત આહાર-વિહાર અને વિચાર કરનારા લોકોના શરીરનાં ઇન્ટર્નલ ઑર્ગન્સનું આપસી કમ્યુનિકેશન સ્મૂધ હોય છે, પરંતુ જેવા તમે તમારી જીવનશૈલીમાં ગોટાળાઓ શરૂ કર્યા કે એ આપસી કમ્યુનિકેશન અને હૉર્મોન્સના સર્જનમાં પણ ફાચર પડે છે. રૉન્ગ મેસેજ, રૉન્ગ રિઝલ્ટ. શરીરનું ઇન્ટર્નલ કમ્યુનિકેશન ખોરવાય એટલે એકબીજા સાથે ટીમની જેમ કામ કરવા માટે સર્જાયેલા આપણા જ અવયવો એકબીજાની વિરુદ્ધ અને પોતાના સર્વાઇવલ માટે કામ કરવા માંડે છે. દાખલા તરીકે મગજ શરીરના વજનના માત્ર બે ટકા હોવા છતાં ૨૦ ટકા ઊર્જા વાપરે છે. આપણે જ્યારે સ્ટ્રેસમાં હોઈએ અને વધુ પડતી ફિઝિકલ ઍક્ટિવિટી કરીએ ત્યારે બ્રેઇન અને મસલ્સ વચ્ચે એનર્જી મેળવવા માટે ટગ ઑફ વૉર જેવી સ્થિતિ નિર્માણ થાય છે.’
ડાયાબિટીઝ તથા મેટાબોલિઝમના નિષ્ણાત અમેરિકાની યેલ સ્કૂલ ઑફ મેડિસિનના પ્રોફેસર ડૉ. ગેરાલ્ડ શુલમૅન કહે છે કે લિવર, સ્નાયુઓ અને પૅન્ક્રિયાસ વચ્ચેના સંવાદમાં ગરબડ થાય ત્યારે પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જેવી સ્થિતિ સર્જાય છે જેને આપણે ડાયાબિટિઝ કહીએ છીએ. ડૉ. પરેશ કહે છે, ‘આપણાં આંતરડાંમાં પ્રોટેક્ટિવ બૅક્ટેરિયા હોય છે જે આપણા શરીરનાં બીજાં ઑર્ગન્સ માટે જરૂરી હોય એવા ન્યુટ્રિઅન્ટ્સ માટે મેસેન્જરનું કામ કરતા હોય છે, પરંતુ જો એને ડિસ્ટર્બ કર્યા તો એ આખા શરીરની સિસ્ટમને ખોરવી નાખશે. આમ શરીર જ શરીરના અન્ય અવયવો માટે શત્રુની ભૂમિકામાં આવી જાય છે.’
લાંબા સમય સુધી હાડકાંને માત્ર શરીરના ટેકા માટેનું માળખું માનવામાં આવતું હતું, પરંતુ કોલંબિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. જેરાર્ડ કારસેન્ટીના સંશોધને દુનિયાને ચોંકાવી દીધી. ડૉ. કારસેન્ટીએ શોધ્યું કે હાડકાંના કોષો ઑસ્ટિઓકૅલ્સિન નામનું હૉર્મોન છોડે છે. આ હૉર્મોન સીધું મગજમાં જાય છે અને યાદશક્તિ વધારવામાં તેમ જ ડર ઘટાડવામાં મદદ કરે છે. પ્રયોગોમાં જાણવા મળ્યું કે જે ઉંદરોમાં આ હૉર્મોન નહોતું તેઓ ખૂબ જ ડરપોક અને નબળી યાદશક્તિવાળા હતા. તેમને જ્યારે આ હૉર્મોન આપવામાં આવ્યું ત્યારે તેમની યાદશક્તિમાં અકલ્પનીય સુધારો જોવા મળ્યો. આ રિસર્ચ હવે ઑલ્ઝાઇમર્સ જેવી બીમારીઓની સારવાર માટે નવી આશા જન્માવી રહ્યું છે.
દુનિયાની પ્રતિષ્ઠિત રિસર્ચ જર્નલમાં સ્થાન પામેલી ‘નેચર’ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ હૃદય જ્યારે નબળું પડે છે ત્યારે એ ચોક્કસ પ્રોટીન છોડે છે જે કિડનીને કામ કરવાની રીત બદલવા માટે મજબૂર કરે છે. આને કારણે જ હૃદયના દરદીઓને અચાનક કિડનીની તકલીફ શરૂ થાય છે.
વૈજ્ઞાનિકોએ આંતરડાંને બીજું મગજ કહ્યાં છે. આપણાં આંતરડાંમાં રહેલા બૅક્ટેરિયા કેટલાંક એવાં કેમિકલ્સ તૈયાર કરે છે જે આપણો મૂડ નક્કી કરે છે. એના જ આધારે અત્યારે ‘સાઇકોબાયોટિક્સ’ પર કામ ચાલી રહ્યું છે એટલે કે આંતરડાંના બૅક્ટેરિયા સુધારીને માનસિક બીમારીઓ મટાડવાની દિશામાં સંશોધનો થઈ રહ્યાં છે.
લિવર અને ઊંઘ વચ્ચેના સંબંધનો પણ એક સંશોધનમાં ખુલાસો થયો છે. લિવરમાં આવતા સોજાને કારણે મગજનાં ઊંઘ કન્ટ્રોલ કરતાં સેન્ટરો ખોરવાય છે. એટલે કે લિવર ખરાબ હોય તો ઊંઘમાં તકલીફ પડી શકે છે.
અંગો માત્ર હૉર્મોન્સથી જ વાત નથી કરતાં પણ તેઓ એક્સ્ટ્રા-સેલ્યુલર વેસિકલ્સ (EVs) નામના નાના નૅનો-કણ દ્વારા પણ વાતો કરે છે. લિપિડના બનેલા નાના ફુગ્ગાઓમાં જિનેટિક ઇમપ્રિન્ટ્સ અને પ્રોટીન હોય છે. ૨૦૨૪-’૨૫નાં સંશોધનો દર્શાવે છે કે લિવર જ્યારે તકલીફમાં હોય ત્યારે તે આવા EVs છોડે છે જે સીધા હૃદય અને કિડનીને ચેતવણી આપે છે કે તેઓ પોતાની સુરક્ષા-વ્યવસ્થા મજબૂત કરી લે. આને કારણે જ એક અંગ ફેલ થવા લાગે ત્યારે બીજાં અંગો પર એની અસર પડવાની શરૂઆત થાય છે.
લિવર અને મગજ વચ્ચેનો સંવાદ આપણી ઊંઘ અને મૂડ પર મોટી અસર કરે છે. લિવર દ્વારા ઉત્પન્ન થતું FGF21 નામનું હૉર્મોન મગજને સંકેત આપે છે કે શરીરમાં શુગરની જરૂરિયાત કેટલી છે. હવે જો લિવર નબળું હોય તો આ મેસેજ ખોટો જાય છે અને વ્યક્તિને વધુપડતી ગળી વસ્તુઓ ખાવાની ઇચ્છા થાય છે જે અંતે મેદસ્વિતા અને ડિપ્રેશનમાં પરિણમે છે.
હૃદય માત્ર લોહી પમ્પ નથી કરતું, પણ એ ANP નામનું હૉર્મોન છોડે છે જે કિડનીને જણાવે છે કે કેટલું સૉલ્ટ શરીરમાંથી બહાર કાઢવું. જો હૃદય નબળું પડે અને તે આ હૉર્મોન ન બનાવે તો શરીરમાંથી વધારાના સૉલ્ટને બહાર કાઢવાની પ્રક્રિયા ખોરવાઈ શકે છે.
આપણને જ્યારે ઠંડી લાગે છે ત્યારે મગજ ચરબીના કોષોને ઑર્ડર આપે છે કે ગરમી પેદા કરો. આ સંવાદ માટે H2A.Z નામનું ખાસ પ્રોટીન જવાબદાર છે. જો આ પ્રોટીન ન હોય તો કસરત કરવા છતાં વજન ઘટતું નથી.
આપણે જ્યારે કસરત કરીએ છીએ ત્યારે આપણા સ્નાયુઓ માત્ર લોહી પમ્પ નથી કરતા પણ એ એક કેમિકલ ફૅક્ટરી તરીકે કામ કરે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના વૈજ્ઞાનિક ડૉ. બ્રુસ સ્પિગલમૅને આઇરિસિન નામના હૉર્મોનની શોધ કરી છે જે સ્નાયુઓ દ્વારા લોહીમાં છોડવામાં આવે છે. આ હૉર્મોન લોહી દ્વારા મગજમાં પહોંચીને એક ખાસ પ્રોટીનનું પ્રમાણ વધારે છે જે મગજના કોષોના રક્ષણ માટે કવચ જેવું કામ કરે છે. એટલું જ નહીં, ૨૦૨૫-’૨૬ના તાજેતરના અભ્યાસો મુજબ સ્નાયુઓ દ્વારા છોડવામાં આવતા આ ઘટકો કૅન્સરના કોષોને વધતા અટકાવવામાં પણ મદદ કરી શકે છે.
આ સંશોધનોનો સૌથી મોટો ફાયદો એ થશે કે હવે ડૉક્ટરો મલ્ટિ-ઑર્ગન ચિપ ટેક્નૉલૉજી પર કામ કરી રહ્યા છે. એક નૅનો ચિપને મનુષ્યના હૃદય, લિવર અને કિડનીના જીવંત કોષોને જોડીને જોવામાં આવે છે કે કોઈ દવા આપવાથી આખા નેટવર્ક પર શું અસર થાય છે. આનાથી પ્રાણીઓ પરના પ્રયોગો ઘટશે અને સચોટ દવાઓ શોધી શકાશે.
વૈજ્ઞાનિકોના મતે અંગો વચ્ચેના સોશ્યલ નેટવર્કને મજબૂત રાખવા માટે દવાઓ નહીં પણ જીવનશૈલીમાં ચોક્કસ ફેરફારો જરૂરી છે. હાર્વર્ડ યુનવિર્સિટીના રિસર્ચર ડૉ. બ્રુસ સ્પિગલમૅનના રિસર્ચ પર આધારિત કેટલીક ખાસ ટિપ્સ જાણી લો.
૧. સમયસર ભોજન
અંગો વચ્ચેના સંવાદને સુધારવા માટે ખાવાની વિન્ડો દસથી ૧૨ કલાકની રાખવી જોઈએ. આપણે જ્યારે ૧૨ કલાક ઉપવાસ કરીએ છીએ ત્યારે લિવર અને સ્વાદુપિંડને આરામ મળે છે અને તેઓ મગજને રિપેરિંગના મેસેજ મોકલે છે. જેમ કે રાત્રે ૮ વાગ્યા પછી કંઈ ન ખાવું અને સવારે ૮ વાગ્યા પછી જ નાસ્તો કરવો. આનાથી લિવર-બ્રેઇન ઍક્સિસ મજબૂત થાય છે.
૨. હાંફ ન ચડે એવી કસરતો
સ્નાયુઓમાંથી કેટલાંક ખાસ હૉર્મોન્સને રિલીઝ કરવા માટે વૈજ્ઞાનિકો ઝોન-ટૂ કસરતની સલાહ આપે છે. આ એવી કસરત છે જેમાં તમે હાંફ્યા વગર વાત કરી શકો. જેમ કે ઝડપી ચાલવું કે સાઇક્લિંગ. આનાથી સ્નાયુઓ મગજને યાદશક્તિ તેજ કરતું પ્રોટીન તૈયાર કરવાનો મેસેજ આપે છે.
૩. ગટ બૅક્ટેરિયાનું ધ્યાન
રિસર્ચરોના મતે આપણા શરીરનાં ૯૦ ટકા હૅપી હૉર્મોન આંતરડાંમાં બને છે અને આંતરડાં એટલે કે ગટ અને બ્રેઇન વચ્ચે સતત મેસેજિસ પાસ થતા રહે છે. ગટ બૅક્ટેરિયા માટે આથો આવેલો ખોરાક (દહીં, છાશ, ઢોકળાં) અને ફાઇબરવાળો ખોરાક લેવો. બીજી વાત, વધુપડતી ખાંડ આંતરડાં અને મગજ વચ્ચેના વાયર કાપી નાખે છે જેનાથી સોજો વધે છે.
૪. ઠંડા પાણીનો પ્રયોગ
ચરબી અને મગજ વચ્ચેના સંવાદને સુધારવા માટે રિસર્ચરો કોલ્ડ એક્સપોઝર પર ભાર મૂકે છે. ઠંડા પાણીથી સ્નાન કરવાથી ખરાબ ચરબીનું સારી ચરબીમાં રૂપાંતરણ થાય છે. ગુડ ફૅટ સીધો મગજને મેસેજ મોકલે છે કે ચયાપચય ઝડપી કરો જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.
૫. સાઉન્ડ સ્લીપ
ઊંઘ દરમ્યાન મગજ અને બાકીનાં અંગો વચ્ચે ડીટૉક્સિફિકેશનનો સંવાદ થાય છે. આપણે જ્યારે ઊંઘીએ છીએ ત્યારે મગજમાં રહેલું પ્રવાહી કચરો સાફ કરે છે. જો તમે ઓછી ઊંઘ લો છો તો લિવર દ્વારા મોકલવામાં આવેલું પ્રોટીન મગજમાં જમા થાય છે અને ઑલ્ઝાઇમર્સ જેવી બીમારી કરે છે.