ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરની દવા દરરોજ લેવી પડશે?

15 June, 2021 10:37 AM IST  |  Mumbai | Dr. Sushil Shah

ઘણા લોકો ડૉક્ટરની સલાહ વિના જાતે જ દવાઓ બંધ કરી દે છે અને એને કારણે ઘણી તકલીફ ભોગવે છે

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૪૬ વર્ષ છે. છેલ્લાં ૨૦ વર્ષથી થાઇરોઈડની દવા ચાલુ છે અને મારું ૨૦૧૮માં હર્નિયાનું ઓપરેશન કરાવ્યું છે. એ વખતે હું થોડી ડરી અને ગભરાઈ ગઈ હતી એના લીધે મારે હાઈ બ્લડપ્રેશરની તકલીફ આવી હતી એટલે ડૉક્ટરે મને રોજ દવા લેવાનું કીધું છે. છેલ્લા ૩-૪ મહિનાથી ડાયાબિટીઝ આવ્યું છે તો એ પણ દવા ડૉક્ટરે મને રોજ લેવાનું કીધું છે. તો મારે શું રોજ બ્લડપ્રેશર અને ડાયાબિટીઝની દવા લેવી પડશે.

આ પ્રશ્ન તમે સારું કર્યું પૂછ્યો. ઘણા લોકો ડૉક્ટરની સલાહ વિના જાતે જ દવાઓ બંધ કરી દે છે અને એને કારણે ઘણી તકલીફ ભોગવે છે. આવું ન થાય એ માટે જરૂરી છે કે આ રોગ વિશે પૂરતી માહિતી મેળવવી. રોગ ઘણા જુદા-જુદા પ્રકારના હોય છે. અમુક રોગ એવા હોય છે જેમાં તમને તકલીફ થાય, તમે ડૉક્ટરને બતાવો, ડૉક્ટર તમને દવા આપે. તમે થોડો સમય એ દવાઓ ખાઓ અને ઠીક થઈ જાઓ. જેમકે ફ્લુ થયો હોય કે પેટ ખરાબ થયું હોય. એ દવાઓ જીવનભર ન લેવાની હોય, કારણકે એમાં રોગ મટી જાય છે, પરંતુ અમુક રોગ એવા છે જે ક્યારેય મટતા નથી. અથવા તો કહી શકાય કે જીવનપર્યંત રહે છે. માટે એની દવાઓ પણ જીવનપર્યંત ખાવી પડે છે. આવા રોગોમાં ડાયાબિટીઝ અને હાઈ બ્લડપ્રેશર બન્નેનો સમાવેશ થાય છે.

તમને લાગે છે કે તમે થોડા ડરી ગયા કે ગભરાઈ ગયા એને કારણે તમને બ્લડપ્રેશર વધી ગયેલું તો એ કારણ બરાબર નથી. થોડોઘણો સ્ટ્રેસ, ગભરામણ કે ડર વ્યક્તિને હાઈ બ્લડપ્રેશરની બીમારી આપતી નથી. હાઈ બ્લડપ્રેશર કે ડાયાબિટીઝ પાછળ ઘણા જીનેટિક અને લાઈફ-સ્ટાઇલ સંબંધિત કારણો જોડાયેલાં રહે છે. આ બન્ને રોગ મટી જાય એ માટે નહીં, એના મૅનેજમેન્ટ માટે તમારે દવા ખાવાની છે. આ બન્ને રોગોને કારણે તમારા શરીરના જુદા-જુદા અંગો પર અસર ન થાય એ માટે તમારે દવા ખાવાની છે. દવા તમને મદદ કરશે જેથી  પ્રેશર અને શુગર કન્ટ્રોલમાં રહે. આ દવાઓ દરરોજ લેવી જ પડે છે અને ફક્ત દવાઓ લેવાથી પણ કામ બનતું નથી. તમારે આ બન્ને રોગોમાં લાઈફસ્ટાઇલ યોગ્ય કરવી પણ જરૂરી છે, ત્યારે જ તમે આ બન્ને રોગોને કારણે આવી શકતા બીજા રોગોને ટાળી શકશો.

columnists