ગર્લ્સ, ડાયટિંગ નહીં, ડાઈજેશન છે મહત્વનું

07 September, 2021 05:25 PM IST  |  Mumbai | Jigisha Jain

ગમે તેટલો પોષણયુક્ત ખોરાક ખાઓ પણ જો તમે એ પચાવી ન શકો તો પોષણ કઈ રીતે મળશે? આજે સંપન્ન સ્ત્રીઓ હેલ્ધી રહેવા માટે ન્યુટ્રિશનથી ભરપૂર ખાવાનું ખાય છે પણ એનું પોષણ નથી મળતું.

પ્રતીકાત્મક તસવીર

શું તમારો ખોરાક એકદમ સારો હોય છતાં પણ તમે થોડું પણ વધારે કામ કરો તો તમને અનહદ થાક લાગ્યા કરે છે?

શું તમારાં સ્નાયુઓ અને હાડકાંઓ દિવસે-દિવસે નબળાં પડતાં જાય છે.

શું તમને ઍસિડિટી, ગૅસ, બ્લોટિંગ અને કબજિયાત જેવું હંમેશાં રહ્યા કરે છે?

શું તમને લાગે છે કે સવારે તમે દૂબળા હો છો અને સાંજે ૪ વાગ્યા પછી તમે ફૂલેલા દેખાઓ છો?

શું તમને રાત્રે સારી ઊંઘ આવતી નથી?

શું તમને વગર કોઈ તહેવાર કે ઉજવણીએ મીઠાઈ ખાવાની ઇચ્છા થયા કરે છે?

શું તમારી સ્કિન દિવસે-દિવસે ડલ થતી જાય છે અને વાળ ખૂબ ખરતા જાય છે?

શું તમને ખૂબ આળસ આવ્યા કરે છે?

તો એનો અર્થ એ છે કે તમારું પાચન નબળું છે. આજે તકલીફ એ થઈ છે કે સંપન્ન પરિવારના લોકો જેમના ઘરના કિચનમાં અન્નપૂર્ણા દેવીની કૃપા છે અને અઢળક પોષણયુક્ત વસ્તુઓ ખાવા માટે ઉપલબ્ધ છે છતાં તેમનામાં વિટામિન અને માઇક્રોન્યુટ્રિયન્ટસ ડેફિશ્યન્સી છે જેના માટે એમણે મલ્ટિવિટામિન અને પોષણ માટે સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર પડે છે. ગમે તેટલો સારો ખોરાક તમે ખાતા હો પણ જો એને પચાવી ન શકો તો એનો હેલ્થમાં કોઈ ફાયદો દેખાતો નથી. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે નૅશનલ ન્યુટ્રિશન વીક શરૂ થયું એના પહેલા જ દિવસે સોશ્યલ મીડિયામાં પાચન બાબતે આંખો ખોલનારી વાતો કરી હતી. એમાં તેણે કહ્યું હતું કે ‘આપણે ખાઈએ છીએ શું એના પર આપણી હેલ્થ એટલી નિર્ભર નથી જેટલું આપણે પચાવીએ છીએ શું એના પર છે. જોકે આ બન્ને બાબતો એકબીજા સાથે સંકળાયેલી છે. આપણે સારું ખાઈએ તો જ આપણું પાચન સારું બને છે અને જો પાચન સારું હોય તો હેલ્થ બેસ્ટ બની શકે છે. એ માટે કંઈ વિશેષ કરવાની જરૂર નથી. વર્ષોથી ભારતીય લોકોની સંસ્કૃતિ અને તેમની જીવનશૈલીમાં એ વણાઈ ગયેલી આદતો ફરી કેળવવી જોઈએ જે કદાચ બદલતા સમય સાથે ઝાંખી થતી જાય છે. ’

નૅશનલ ન્યુટ્રિશન વીકની ઉજવણીમાં શું ખાવું જોઈએ એ તો બધા જ કહે છે, પણ એ ખાધેલું કઈ રીતે પચાવી શકાય એ બાબતે આજે વાત કરીએ.

પાચન નબળું હોવાનાં કારણો

પાચન નબળું હોવાનાં કારણો સમજાવતાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘જો તમારા ખોરાકનો સમય ફિક્સ ન હોય, બે ભોજન વચ્ચેનું અંતર ખૂબ લાંબું હોય, જો તમે સવારે ઊઠીને કંઈ ન ખાતા હો, ફાઇબર ઓછું ખાતા હો, પાણી ઓછું પીતા હો, એક્સરસાઇઝ ઓછી અથવા ન જ કરતા હો, બેઠાડુ જીવન જીવતા હો, રાતની ઊંઘ પૂરી ન કરતા હો તો પાચન નબળું હોઈ શકે છે. આ કેટલાંક મૂળભૂત કારણો છે જેને લીધે વ્યક્તિનું પાચન નબળું પડતું હોય છે.’

પેટને આરામ આપવો

પેટને પાચન માટે સક્રિય રાખવા માટે એને થોડા-થોડા દિવસે આરામ આપવો પણ જરૂરી છે. દર અઠવાડિયે, પંદર દિવસે આપણા વડીલો જે ઉપવાસ-એકટાણા કરતા એની પાછળ આ જ સાયન્સ છુપાયેલું છે કે પેટને થોડો આરામ મળે અને પાચન સ્ટ્રૉન્ગ રહે. આ આરામ કઈ રીતે આપી શકાય એ વિશે જણાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘મુખ્ય વસ્તુ એ છે કે શરીરને આલ્કલાઇન કરવું જરૂરી છે. એટલે કે ઍસિડિક તત્ત્વોથી દૂર રહેવું પણ જરૂરી છે. આ આરામને જો આજની ભાષામાં ડિટૉક્સ કહીએ તો એ દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત અને ક્ષમતા મુજબ કે તેમને માફક આવે એ પ્રમાણે કરી શકે છે. આખો દિવસ ફ્રૂટ પર રહીને કે પછી સાત્ત્વિક ખોરાક ખાઈને કે આખો દિવસ કંઈ જ ન ખાઈને કોઈ પણ રીતે આ ડિટૉક્સ કરી શકાય છે જે ખૂબ જરૂરી છે.’

હોમ રેમેડીઝ

જ્યારે તમારું પાચન સશક્ત નથી ત્યારે અમુક ઘરગથ્થુ ઉપાય ફાયદો કરી શકે છે જે ઉપાય જણાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘પાચન જેનું સ્ટ્રૉન્ગ ન હોય તેમને જે મૂળભૂત તકલીફો થતી હોય છે એ છે ઍસિડિટી, બ્લોટિંગ અને કબજિયાત. જો તમને ઍસિડિટી રહેતી હોય તો રાત્રે ૧ ગ્લાસ પાણીમાં ૧ ચપટી જીરું અને ૧ ચપટી વરિયાળી પલાળી દેવાં. સવારે ઊઠીને એ પી લેવું. જો બ્લોટિંગ હોય તો આખા ધાણાને રાત્રે ૧ ગ્લાસ પાણીમાં પલાળી દેવા અને સવારે ગાળીને એ પાણી પીવું. કબજિયાત જેને હોય તેણે રાત્રે સૂતા પહેલાંના ૪-૬ કલાક પહેલાં અડધી ચમચી ત્રિફળા પાણીમાં પલાળવા અને સૂતા પહેલાં એ પાણી પી લેવું.’

પહેલાં લોકો કહેતા કે પાચનશક્તિ એવી હોવી જોઈએ કે પથરા પણ પચી જાય. પણ હવે સામાન્ય ખોરાક પણ માણસ પચાવી લે તો મોટી વાત છે.

જો જમવાનો સમય ફિક્સ ન હોય, બે ભોજન વચ્ચે લાંબી ગૅપ હોય, જો તમે સવારે ઊઠીને કંઈ ન ખાતા હો, પાણી ઓછું પીતા હો, બેઠાડુ જીવન જીવતા હો, રાતની ઊંઘ પૂરી ન કરતા હો તો પાચન નબળું હોઈ શકે છે.  : ધ્વનિ શાહ, ન્યુટ્રિશનિસ્ટ

શું કરવું અને શું નહીં

- બપોરે ગોળ અને ઘી સાથે જમવાનું પતાવવું. પાચનને એ સરળ બનાવે છે.

- દરરોજ સવારે ઊઠીને એક કેળું ખાઓ. લંચ કે ડિનર બનાના સાથે પૂરું કરી શકાય કે સાંજે ૪થી ૬ની વચ્ચે કેળું ખાઈ શકાય. આ એક  પ્રોબાયોટિક છે જે સારા બૅક્ટેરિયાને ગ્રો થવાનું વાતાવરણ પૂરું પાડે છે. એનાથી બ્લોટિંગ પણ ઓછું થશે.

- દહીંને ઘરે મેળવતી વખતે એમાં થોડી કિશમિશ નાખો. કિશમિશ સાથે જમાવેલું દહીં બેસ્ટ કૉમ્બિનેશન છે. બપોરે સાડાત્રણ-ચાર વાગ્યે એ ખાઈ શકો છો.

- એક્સરસાઇઝ અને ઍક્ટિવિટી ખૂબ જરૂરી છે. યોગ કરો. સ્ટ્રેંગ્થ ટ્રેઇનિંગ પણ ખૂબ જરૂરી છે.

- બપોરે ૧૫-૨૦ મિનિટ નૅપ લો.

- પાણી ઓછું ન પીવું. તરસ લાગે તો પણ આળસ કરીને પાણી ઓછું ન પીવું.

- ચા અને કૉફી સાંજે ૪ વાગ્યા પછી ન પીઓ; જેમાં ગ્રીન ટી પણ સામેલ છે, કારણ કે એ ઊંઘ ખરાબ કરે છે અને એને કારણે પાચન પણ.

- શાક-દાળ-રોટલી કે ભાતને ખોટી માત્રામાં ન લો. એનું પ્રમાણ વર્ષોથી આપણા પૂર્વજોએ સેટ કરેલું છે. રોટલી કે ભાતનું પ્રમાણ દાળ કરતાં થોડું વધુ જ હોવાનું અને દાળનું પ્રમાણ શાક કરતાં વધુ હોવાનું. આ પ્રમાણને જાળવો. આજકાલ દાળ અને શાક વધુ લઈને કાર્બ્સ ઘટાડવાના ચક્કરમાં લોકો પાચન બગાડી રહ્યા છે (જોકે એની સામે એવા લોકો પણ છે જે શાક-દાળને હાથ જ નથી લગાડતા. તેમના માટે પણ આ માત્રા સમજવી જરૂરી છે.)

- સારા ફૅટ્સ ન ખાવા યોગ્ય નથી. ખાખરા પર ઘી લગાવવાનું કે વરસાદમાં એક વાર ઘરમાં ભજિયાં બનાવવાનું આપણે છોડી દીધું છે. ઘરનું સફેદ માખણ હવે ઘરમાં બનતું જ નથી, મુઠ્ઠી ભરીને શિંગદાણા ફક્ત નાનપણની યાદ બનીને રહી ગયા છે. એના બદલે આપણે ફૂડ ઇન્ડસ્ટ્રીનું માર્કેટ કરેલું પીનટ બટર ખાઈએ છીએ. કૉલેસ્ટરોલથી ડરીને આવી ભૂલ ન કરો. નૅચરલ ગુડ ફૅટ્સ ખાઓ નહીંતર કબજિયાત થશે અને એને ઠીક કરવા લેક્સેટિવ્સ લેવા પડશે.

- ઍક્ટિવિટી કરતા રહો. જેટલા પગ ઓછા વાપરશો એટલી તમને પાચનની તકલીફ રહેશે.

columnists