02 January, 2026 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હેક્ટિક અને સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલમાં માનસિક શાંતિ મળવી બહુ મુશ્કેલ છે. આપણે દિવસમાં સરેરાશ કેટલી વાર અજાણતાં અગણિત ફરિયાદો કરીએ છીએ? ક્યારેક મોડા આવતા ટ્રાફિક માટે, ક્યારેક વધતી જતી ગરમી માટે તો ક્યારેક પાડોશીના સ્વભાવ માટે. આપણી વાણીમાં વણાઈ ગયેલી આ ફરિયાદ કરવાની આદત ધીમે-ધીમે આપણા મગજને નકારાત્મકતાના પીંજરામાં કેદ કરી દે છે. પરંતુ જો તમને કહેવામાં આવે કે માત્ર ૨૧ દિવસ સુધી ફરિયાદ ન કરવાનો એક નાનકડો સંકલ્પ તમારા જીવનમાં ખુશીઓનું પૂર લાવી શકે છે અને તમારા મગજને રીવાયર કરી શકે છે તો? ચાલો જાણીએ લોકપ્રિય બનેલા ‘નો કમ્પ્લેઇનિંગ ચૅલેન્જ’ વિશે જે વ્યક્તિના વ્યક્તિત્વને બદલવાની તાકાત રાખે છે.
આ પોતાની જાતને સુધારવાની એક પ્રકારની કવાયત છે જે સામાન્ય રીતે ૭, ૨૧ કે ૩૦ દિવસ સુધી કોઈ પણ બાબતની ફરિયાદ ન કરવાનો સંકલ્પ લેવામાં આવે છે. આ પદ્ધતિનો મુખ્ય હેતુ આપણી વાણી અને વિચારની પ્રક્રિયામાં પરિવર્તન લાવીને સમસ્યાને બદલે સમાધાન પર ફોકસ કરવાનો છે.
આ કસરત ફક્ત વાણી પર સંયમ જ નહીં પણ એ સકારાત્મક દૃષ્ટિકોણ સાથે સાઇકોલૉજિકલ ટ્રાન્સફૉર્મેશન કરે છે. આ ચૅલેન્જ પૂરી કર્યા બાદ તમે સભાન બનો છો કે દિવસમાં કેટલી વાર તમે નકારાત્મક વાતો કરો છો. આ ચેન્જ મગજને મુશ્કેલીઓ શોધવાને બદલે તકો શોધવાની ટ્રેઇનિંગ આપે છે. પૉઝિટિવ વ્યક્તિ સાથે રહેવું બધાને ગમે છે. તમારી સકારાત્મકતા તમારા મિત્રો અને પરિવારમાં પણ ખુશી ફેલાવે છે. સતત ફરિયાદ કરવાથી શરીરમાં સ્ટ્રેસ હૉર્મોન્સ વધે છે. તેની સામે આભારની લાગણી એટલે ગ્રેટિટ્યુડ પ્રૅક્ટિસ હૅપી હૉર્મોન્સને વધારે છે.
સૌથી પહેલાં સમય નક્કી કરો કે તમે કેટલા દિવસ સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં કરી શકો.
તમારી ચૅલેન્જને યાદ અપાવે એવી કોઈ ચીજ જેમ કે એક રબર બૅન્ડ, બ્રેસલેટ કે કોઈ ખાસ પ્રકારનો સિક્કો સાથે રાખો.
પહેલાં ફરિયાદની વ્યાખ્યાને સમજવી જરૂરી છે. કોઈ વ્યક્તિ કે ઘટના વિશે ઉકેલ લાવ્યા વગર નકારાત્મક અભિપ્રાય વ્યક્ત કરવો એટલે ફરિયાદ. જો તમે કોઈ સમસ્યા વિશે બોલો છો તો સાથે એનો ઉકેલ પણ રજૂ કરવો જરૂરી છે.
જો તમે અજાણતાં પણ ફરિયાદ કરી બેસો તો તરત જ તમારા કાંડા પરનું બ્રેસલેટ બીજા કાંડા પર બદલી નાખો અને તમારા દિવસોની ગણતરી ફરીથી પહેલા દિવસથી શરૂ કરો. લક્ષ્ય એ છે કે બ્રેસલેટ બદલ્યા વગર નક્કી કરેલા દિવસો પૂર્ણ કરવા.
એક ડાયરીમાં લખો કે તમને સૌથી વધુ ફરિયાદ કરવાનું મન ક્યારે થાય છે. આનાથી તમે પોતાની વીકનેસ જાણી શકશો.
નકારાત્મક વાતો કરતા લોકોથી થોડું અંતર જાળવવું તમારા માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે.
વર્ષોની આદત એક દિવસમાં નહીં છૂટે. જો ચૅલેન્જ પૂરી ન થાય તો નિરાશ થયા વગર ફરીથી શરૂઆત કરો.
કોઈ ભૂલ સુધારવા માટે આપેલી સલાહ ફરિયાદ નથી પણ ઉકેલ વગર નિરાશ થવું અને રડ્યા રાખવું એ ફરિયાદ છે એ વાતને ભૂલવું નહીં. જીવનમાં સમસ્યાઓ તો આવવાની જ છે, પણ એને જોવાનો આપણો દૃષ્ટિકોણ આપણા હાથમાં છે. નો કમ્પ્લેઇનિંગ ચૅલેન્જ આપણને જીવન પ્રત્યે વધુ આભારી અને જવાબદાર બનાવે છે.