ફિટનેસ : ઇવનિંગ વર્કઆઉટથી થાય છે આ ફાયદા

10 June, 2019 11:56 PM IST  |  મુંબઈ

ફિટનેસ : ઇવનિંગ વર્કઆઉટથી થાય છે આ ફાયદા

File Photo

ભારતીય પરંપરા અનુસાર કસરત કરવા માટે સવારનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઇંગલિશમાં પણ કહેવત છે - 'અર્લી ટૂ બેડ, અર્લી ટૂ રાઇઝ - મેક્સ અ મેન હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇસ.' સવારના સમયે પ્રદૂષણ ઓછું રહે છે. શુદ્ધ તાજી હવાનો પ્રવાહ વહે છે. પક્ષીઓની મીઠી ધૂન સંભળાય છે. આ બધી વસ્તુઓ એકંદર આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે. તો શું વર્કઆઉટ માટે પણ આ જ સમય યોગ્ય છે? જો હા તો જે વ્યક્તિ નાઇટ શિફ્ટમાં મોડી રાત સુધી કામ કરે છે તેઓ શું કરે? આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઇને ચાલો જાણીએ કે વર્કઆઉટનો યોગ્ય સમય કયો છે.

ઈવનિંગ વર્કઆઉટ
જો તમારું કામ અને તમારી લાઇફ સ્ટાઇલ એવી છે કે તમે સવારે જલ્દી ઉઠીને વર્કઆઉટ નથી કરી શકતા તો સાંજના સમયે વર્કઆઉટ કરો. કેટલાક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સાંજના વર્કઆઉટમાં તમે વધુ સ્ટ્રેન્થ એક્ટિવિટી કરી શકો છો કારણ કે, સવારથી વિપરિત તમારું શરીર અને મગજ દિવસભરની પ્રવૃત્તિઓના કારણે પહેલેથી એક્ટિવ હોય છે. એટલે જો તમારે બોડી બનાવવી હોય તો ઈવનિંગ વર્કઆઉટ શ્રેષ્ઠ છે.


સવારે જ્યારે તમે વર્કઆઉટ કરો છો તો દિવસનાં બાકીના કાર્યો માટે પહેલેથી તણાવ રહે છે. પરંતુ સાંજના સમયે તમે આ તણાવમાંથી તો મુક્ત રહી શકો છો પણ સાથે ઈવનિંગ વર્કઆઉટ દિવસભરનો સ્ટ્રેસ પણ દૂર કરે છે. તેમજ સારી ઊંઘ મેળવવામાં મદદરૂપ બને છે.


જો તમે ઈવનિંગ વર્કઆઉટનું રૂટિન કડકાઈથી ફોલો કરો છો તો પરોક્ષ રીતે એક ફાયદો થાય છે. એક અભ્યાસ અનુસાર, આવા લોકો લેટ નાઇટ પાર્ટીઝ અને પબને વધુ અવોઇડ કરી શકે છે. તેથી ઈવનિંગ વર્કઆઉટ બીજી રીતે પણ સ્વાસ્થ્યને ફાયદો પહેંચાડે છે.


મોર્નિંગ વર્કઆઉટ
જો તમને સવારે વહેલાં ઊઠવામાં કોઈ પ્રોબ્લેમ ન હોય તો વર્કઆઉટ માટે સવારનો સમય શ્રેષ્ઠ છે. સવારના સમયે એક્સર્સાઇઝ કરવાના અનેક ફાયદા છે. ઘણાં સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો સવારના સમયે કસરત કરે છે તેઓ ફિટનેસ રૂટિનનું સારી રીતે પાલન કરી શકે છે કારણ કે, તેમની ઈચ્છાશક્તિ મજબૂત હોય છે.


સવારનું વર્કઆઉટ આપણાં મેટાબોલિઝમને ઝડપ પ્રદાન કરે છે. મેટાબોલિઝમ ઝડપી હોવાનો અર્થ છે કેલરી બર્ન કરવાની આપણી કેપેસિટીમાં વધારો થવો. એટલે કે જેને પોતાનું વજન ઓછું કરવું છે તેમના માટે સવારનું વર્કઆઉટ વધુ ફાયદાકારક છે.


જ્યારે તમે સવારે વર્કઆઉટ કરો છો તો તેનો અર્થ એ છે કે તમે તમારા દિવસની શરૂઆત વહેલી કરી દીધી છે. તેનાથી તમને મેન્ટલ સેટિસ્ફેક્શન એ થાય છે કે તમે દિવસનું એક મહત્ત્વપૂર્ણ કાર્ય પૂરું કરી લીધું છે. આ સાથે તમે દિવસભર ફ્રેશ, હેલ્ધી અને એનર્જેટિક રહી શકો છો.

health tips yoga