કૅન્સરને માત આપ્યા પછીયે પૂરી થઈ શકે છે માતૃત્વની ઝંખના

04 February, 2021 11:38 AM IST  |  Mumbai | Varsha Chitaliya

કૅન્સરને માત આપ્યા પછીયે પૂરી થઈ શકે છે માતૃત્વની ઝંખના

ફાઈલ તસવીર

વૈશ્વિક રોગચાળાની અણધારી આવી પડેલી આફતે પ્રજનનક્ષમતાને લગતી સારવારને વધુ પડકારજનક બનાવી છે. ઇન્ટ્રાયુટરાઇન (આઇયુઆઇ) અને ઇન-વિટ્રો ફર્ટિલિટી (આઇવીએફ)ને વૈકલ્પિક ઉપચાર માનવામાં આવતાં રોગચાળા દરમ્યાન અનેક યુગલોએ વંધ્યત્વની સારવાર મુલતવી રાખવી પડી હતી. બીજી તરફ કૅન્સરની યુવાન મહિલા દરદીઓ માટે ફર્ટિલિટી પ્રિઝર્વેશન ખૂબ જરૂરી હોવાથી વિશ્વની અસંખ્ય મહિલાઓએ પ્રોટોકોલ સાથે આ પ્રક્રિયામાંથી પસાર થવાનું પસંદ કર્યું હતું.

તબીબી વિજ્ઞાને પ્રગતિ કરતાં યંગ કૅન્સર સર્વાઇવલની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એ અચીવમેન્ટ છે, પરંતુ સારવાર દરમ્યાન પ્રજનનક્ષમતાને અસર થતાં માતૃત્વનું સપનું રોળાઈ જાય છે. કૅન્સરનું નિદાન એક આંચકો છે અને પછી બીજો આંચકો આપે છે વંધ્યત્વનું જોખમ. એવામાં અગાઉથી સુરક્ષિત રાખેલા ઓવા (અંડબીજ) યુવાન કૅન્સર સર્વાઇવલ મહિલાઓના મનમાં માતા બનવાની આશાને જીવંત રાખે છે. આજે આપણે કૅન્સરની સારવાર દરમ્યાન પ્રજનન અંગોને થતી અસર અને ફર્ટિલિટી પ્રિઝર્વેશન ટેક્નિક વિશે નિષ્ણાતો સાથે વાત કરીએ...

ફર્ટિલિટી પર અસર

કૅન્સરની શસ્ત્રક્રિયા અથવા ઉપચાર અને કેટલીક વાર કૅન્સરના સેલ્સ પોતે જ પ્રજનનતંત્રના અમુક ભાગમાં પ્રવેશીને મહિલાની ગર્ભધારણની ક્ષમતાને અસર કરે છે એવી માહિતી આપતાં મુંબઈની નોવા આઇવીએફ ફર્ટિલિટીનાં કન્સલ્ટન્ટ ડૉ. સ્નેહા સાઠે કહે છે, ‘બ્રેસ્ટ કૅન્સર, ઓવરી અને ટેસ્ટિક્યુલર જેવાં કેટલાંક કૅન્સરની સારવાર દરમ્યાન પ્રજનનને નુકસાન પહોંચવાનું જોખમ દરદીની ઉંમર, કૅન્સરનો પ્રકાર અને તબક્કો તેમ જ સારવારની પદ્ધતિ પર આધારિત છે. શસ્ત્રક્રિયા, કીમો થેરપી અને રેડિયેશન એ ત્રણ સારવારના મુખ્ય પ્રકાર છે. બ્રેસ્ટ કૅન્સરમાં માત્ર શસ્ત્રક્રિયા કરાવવાની હોય તો પ્રજનન ક્ષમતાને અસર થતી નથી, પરંતુ સર્જરીની સાથે કીમો થેરપીમાંથી પસાર થવાનું હોય તો ફર્ટિલિટીને અસર થવાનું જોખમ રહે છે. સ્તન કૅન્સરની સારવાર માટે કરવામાં આવતી હૉર્મોનની સારવાર પ્રજનનક્ષમતાને અસર કરી શકે છે.

આ વિશે વધુ માહિતી આપતાં તેઓ કહે છે, ‘ગર્ભાશયના કૅન્સરની સારવાર દરમ્યાન અંડકોષો (ઑર્કિડેક્ટોમી), ગર્ભાશય (હિસ્ટરેક્ટમી) અથવા અંડાશય (ઓઓફોરેક્ટોમી)ને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવાથી ભવિષ્યની ફળદ્રુપતા પર સ્પષ્ટ નકારાત્મક અસર પડે છે. પેટ અથવા પેલ્વિસમાં ગાંઠ માટેની કૅન્સર સર્જરી પણ પ્રજનન અંગોને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. પ્રજનનક્ષમતા પર કીમો થેરપીની અસર દવા અને માત્રા પર આધારિત છે. પેટ અથવા પેલ્વિસ માટે કીમો અને રેડિયેશન થેરપી બન્નેની જરૂર હોય છે, જેમાં પ્રજનનને કાયમી નુકસાન થવાનું સૌથી વધુ જોખમ રહે છે. રેડિયેશનથી થતા નુકસાન કિરણોત્સર્ગ ક્ષેત્રના સ્થાન અને આપેલા ડોઝ પર આધારિત છે. અનેક કેસમાં રેડિયેશનની વધુ માત્રા પ્રારંભિક મેનોપોઝ તરફ દોરી અંડાશયમાં સચવાયેલાં ઘણાં બધાં અંડબીજને નષ્ટ કરી શકે છે. જોકે તબીબી વિજ્ઞાનની સહાયથી ફર્ટિલિટી પ્રિઝર્વ કરી ભવિષ્યમાં માતૃત્વનો આનંદ ઉઠાવી શકાય છે.’

પ્રજનન સંરક્ષણ વિકલ્પો

આપણા દેશમાં કૅન્સરની સારવાર શરૂ કરતાં પહેલાં યંગ એજની મહિલા દરદી સાથે પ્રજનન સંરક્ષણ સંદર્ભે ભાગ્યે જ ચર્ચા કરવામાં આવે છે. સારવારના અંતે ફર્ટિલિટી ગુમાવી દીધાનું જાણી તેઓ આઘાતમાં સરી પડે છે. મહિલાઓમાં કૅન્સરની સારવારની આ સૌથી નકારાત્મક અસર છે. ડૉ. સ્નેહા કહે છે, ‘કૅન્સરનું નિદાન થયા બાદ ઑન્કોલૉજિસ્ટે યુવાન દરદીઓની ફર્ટિલિટીને થતા નુકસાન બાબતે જાણકારી આપીને અંડબીજ સંરક્ષણ પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવું જોઈએ. એ સમયગાળો એવો હોય છે જ્યાં દરદીનું ફોકસ સારવાર તરફ હોવાથી તેઓ બીજું કંઈ વિચારી શકતા નથી. અમુક પ્રકારના જીવલેણ કૅન્સરમાં નિદાન થયાના બીજા દિવસથી જ સારવાર કરવી અત્યંત જરૂરી હોવાથી પ્રિઝર્વેશનનો સમય રહેતો નથી. જો કૅન્સરની સારવાર ત્રણ અઠવાડિયાં સુધી ટાળી શકાય એમ હોય તો ફર્ટિલિટી પ્રિઝર્વેશન કરાવવું સલાહભર્યું છે. મહિલાઓમાં ઓવા અને પુરુષોમાં સ્પર્મ પ્રિઝર્વ કરવામાં આવે છે.’

ભારતના કાયદા પ્રમાણે આઇવીએફ લૅબોરેટરીમાં પાંચ વર્ષ માટે પ્રજનન સંરક્ષણ કરી શકાય છે. આપણા દેશમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘કૅન્સરની સારવાર શરૂ કરવાનાં ત્રણ અઠવાડિયાં પહેલાં અનમૅરિડ યુવતીના શરીરમાંથી અંડબીજને લઈ ફ્રોઝન કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં દરદીના શરીરમાં ઇન્જેક્શન આપીને એગ્સને સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે. લગ્ન થઈ ગયાં હોય એવી મહિલા માટે એમ્બ્રિયો ક્રાયો-પ્રિઝર્વેશન ટેક્નૉલૉજી બેસ્ટ છે. ખૂબ જ યંગ એજની કૅન્સરગ્રસ્ત બાળકીની ઓવરીમાંથી ટિશ્યુ લઈને ફ્રીઝ કરવાની ટેક્નિક છે, પણ ભારતમાં હજી લોકપ્રિય નથી.’

કૅન્સરની સારવાર પૂર્ણ થયા બાદ બે-ત્રણ વર્ષે ફૅમિલી પ્લાન કરવાની ઇચ્છા થાય ત્યારે ફ્રોઝન કરીને સાચવી રાખેલા અંડબીજ અથવા એમ્બ્રિયો મહિલાના જીવનમાં આશાનું કિરણ બનીને આવે છે એથી આ પદ્ધતિ લોકપ્રિય બનતી જાય છે.

ઑન્કોલૉજિસ્ટ શું કહે છે?

તબીબી વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે. ફર્ટિલિટી પ્રિઝર્વેશન એ વિજ્ઞાનની ઉપલબ્ધિ છે, પરંતુ કેટલીક ઉપલબ્ધિઓને પ્રૅક્ટિકલ લાઇફમાં ઇમ્પ્લીમેન્ટ કરવું સરળ નથી હોતું. યંગ વિમેનમાં કૅન્સરનો રોગ, સારવાર અને ફર્ટિલિટીઝ પ્રિઝર્વેશન સંદર્ભે ૧૦૦ ટચના સોના જેવી સ્પષ્ટ વાત કરતાં અપોલો સ્પેક્ટ્રા હૉસ્પિટલના સર્જિકલ ‍ઑન્કોલૉજિસ્ટ ડૉ. રાકેશ બઢે કહે છે, ‘મહિલાઓમાં જોવા મળતાં જુદાં-જુદાં કૅન્સરમાં બ્રેસ્ટ કૅન્સર અને સર્વાઇકલ કૅન્સર સૌથી કૉમન છે. કૅન્સર એક એવી બીમારી છે જે સામાન્ય રીતે ચાળીસી વટાવ્યા બાદ થાય છે. ભારતીય મહિલાઓમાં ૪૫ પ્લસમાં બ્રેસ્ટ કૅન્સર અને ૫૦ વર્ષ પછી સર્વાઇકલ કૅન્સરના કેસ વધુ છે. આ ઉંમરમાં માતૃત્વનો વિચાર કરનાર મહિલાઓની સંખ્યા પાંચ ટકાથી પણ ઓછી હોવાથી ઓવા (અંડબીજ)નો સંગ્રહ કરવાનો મતલબ રહેતો નથી. યંગ એજમાં કૅન્સરનું કારણ મોટા ભાગે જિનેટિક હોય છે.’

તબીબી પદ્ધતિથી અંડબીજને સાચવીને રાખ્યાં હોય તો માતા બનવાનું સપનું ચોક્કસ સાકાર કરી શકાય છે, પરંતુ આગળ જણાવ્યું એમ સાયન્સે શોધેલી દરેક ટેક્નૉલૉજીનો ઉપયોગ સામાજિક જીવનમાં શક્ય નથી હોતો. ડૉ. બઢે કહે છે, ‘જિનેટિક કારણસર નાની ઉંમરમાં બ્રેસ્ટ કૅન્સરનું જોખમ હોય અથવા થયું હોય એવી યુવતીઓને પણ અમે માતા બનવાની ભલામણ નથી કરતાં, એનાં કારણો છે. યંગ એજનું કૅન્સર અગ્રેસિવ હોય છે અને માતા બનવું એ ૨૦ વર્ષનો પ્રોજેક્ટ છે. સંતાનને જન્મ આપવાથી વંધ્યત્વ દૂર થાય છે, તમારી જવાબદારીઓ પૂર્ણ થતી નથી. પ્રારંભિક તબક્કાના બ્રેસ્ટ કૅન્સરની સારવાર બાદ ૮૦ ટકા કેસમાં મહિલા ૧૦ વર્ષ જીવે છે. ત્યાર પછીના દરેક વર્ષમાં ડેથ-રેટ વધતો જાય છે. કોઈ પણ યુવતી બ્રેસ્ટ કૅન્સરની સારવાર બાદ તરત માતૃત્વ ધારણ નથી જ કરવાની. કદાચ કોઈ યુવતીને માતા બનવાની અંદરથી ખૂબ મહેચ્છા હોય અને અંડબીજનો જલદી ઉપયોગ કરે તો પણ સંતાનને ઉછેરવા માટે તમારા હાથમાં કેટલાં વર્ષ હશે? ચારથી પાંચ વર્ષે કૅન્સર પાછું આવવાની સંભાવના, ઇમ્યુનિટી ઓછી થવી, નબળાઈ લાગવી, દવાઓ અને સાયકોલૉજિક્લ અસર વચ્ચે માતૃત્વનો નિર્ણય લેવામાં જરાય સમજદારી નથી. યંગ એજમાં કૅન્સરની સારવાર લેનાર મહિલાઓએ ફૅમિલી પ્લાનિંગ માટે સારવાર બાદ ૪ વર્ષ રાહ જોવી જોઈએ. કેટલાક કેસમાં ફર્ટિલિટી પાછી આવી હોવાનું પણ નોંધાયું છે.’

ફર્ટિલિટી પ્રિઝર્વેશન એ વિજ્ઞાનની ઉપલબ્ધિ છે, પરંતુ કેટલીક ઉપલબ્ધિઓને પ્રૅક્ટિકલ લાઇફમાં ઇમ્પ્લીમેન્ટ કરવું સરળ નથી હોતું. માતા બનવું એ ૨૦ વર્ષનો પ્રોજેક્ટ છે. કદાચ કોઈ યુવતીને માતા બનવાની અંદરથી ખૂબ મહેચ્છા હોય અને સંગ્રહ કરી રાખેલા અંડબીજનો જલદી ઉપયોગ કરે તો પણ સંતાનને ઉછેરવા માટે તેના હાથમાં કેટલાં વર્ષ હશે? પાંચ વર્ષે કૅન્સર પાછું આવવાની સંભાવના, ઇમ્યુનિટી ઓછી થવી, દવાઓ અને સાયકોલૉજિક્લ અસર વચ્ચે માતૃત્વનો નિર્ણય લેવામાં સમજદારી નથી.
-ડૉ. રાકેશ બઢે, ‍ઑન્કોલૉજિસ્ટ

બ્રેસ્ટ કૅન્સરમાં માત્ર શસ્ત્રક્રિયા કરાવવાની હોય તો પ્રજનન ભાગને અસર થતી નથી, પરંતુ સર્જરી સાથે કીમો થેરપીમાંથી પસાર થવાનું હોય તો ફર્ટિલિટીને અસર થવાનું જોખમ રહે છે. રેડિયેશન પદ્ધતિ પ્રારંભિક મેનોપોઝ તરફ દોરીને અંડાશયમાં સચવાયેલા ઘણા બધા અંડબીજને નષ્ટ કરી શકે છે. કૅન્સરની સારવાર માટે જતાં પહેલાં અંડબીજ અથવા એમ્બ્રિયોને લૅબોરેટરીમાં સુરક્ષિત રાખવાથી ભવિષ્યમાં ફૅમિલી પ્લાન કરી માતૃત્વનો આનંદ ઉઠાવી શકાય છે.
- ડૉ. સ્નેહા સાઠે, ફર્ટિલિટી એક્સપર્ટ

cancer life and style health tips