ડરના મના હૈ

12 August, 2019 03:33 PM IST  |  મુંબઈ | સેજલ પટેલ

ડરના મના હૈ

પ્રતીકાત્મક તસવીર

સ્વરક્ષણ માટે જરૂરી ચીજોનો ભય જરૂરી છે, પણ અતાર્કિક અને બિનહાનિકારક ચીજોનો ફિયર મનના કોઈક ખૂણે ભરાઈ ગયો હોય તો એવા ફોબિયાને તો દૂર કરવો જ ઘટે. આવો જાણીએ કાઉન્સેલર અને થેરપીની મદદથી મનની અંદર જકડાઈને બેઠેલા ડરનો સામનો કઈ રીતે કરી શકાય.

ડર લાગવો એ સર્વાઇવલ ઇન્સ્ટિક્ટનો જ એક ભાગ છે. સ્વરક્ષણ માટે વ્યક્તિ સતત ચોકન્ની રહી શકે અને પોતાના માટે હાનિકારક હોય એવાં પરિબળોને દૂરથી જ સૂંઘીને જાતને બચાવવાની કોશિશ કરી શકે એ માટે કુદરતે દરેક પ્રાણીમાત્રમાં ભયની લાગણી મૂક‌ી અને એટલે જ જ્યારે પણ ભયજનક સ્થિતિ પેદા થાય કે તરત જ મગજ અલર્ટ થઈ જાય છે અને ફાઇટ ઑર ફ્લાઇટનો આદેશ આપે છે. મતલબ કે સામે જોખમ ઊભું છે અને એવામાં કાં તો લડો કાં ભાગી છૂટો એ બેમાંથી એક ચૉઇસ કરવા માટે મગજ તૈયાર થઈ જાય છે. એટલે જ વાઘ-સિંહ જેવાં શિકારી પ્રાણીઓની ગંધ આવતાં જ હરણાં જેવાં જંગલનાં અન્ય પ્રાણીઓ ભાગી જાય છે. જો ડર ન હોત તો છાતી કાઢીને સામે ઊભાં રહેતાં હરણાં ઘડીના છઠ્ઠા ભાગમાં કોળિયો થઈ જાય. ટૂંકમાં કહીએ તો, પ્રત્યેક સજીવના અસ્તિત્વને ટકાવી રાખવામાં ભય અને ડર એ બહુ જરૂરી છે.

માણસ જ એકમાત્ર એવું પ્રાણી છે જે ડરવા જેવી ચીજોથી ડરતો નથી અને જેનાથી જરાય ડરવું ન જોઈએ એવી ચીજોનો ડર પડીકે બાંધીને ફર્યા કરે છે. સમસ્યા ઘણી વાર એ થાય છે કે જેનાથી ડરવા જેવું ન હોય એવી ચીજોનો ભય એટલો મોટો થઈ જાય છે કે વ્યક્તિના જીવનનો આનંદ ઊડી જાય છે. જરાય ડરવા જેવું ન હોય એવી ચીજોનો ડર લાગે, એટલું જ નહીં, એ ડર એટલો વિકરાળ હોય કે એની કલ્પના, વિચાર પણ વ્યક્તિના બિહેવિયરને બેકાબૂ કરી દે એ છે ફોબિયા. અમુક-તમુક ચીજોનો ફોબિયા હોવો એ પણ એક પ્રકારનો ઍન્ગ્ઝાયટી ડિસઑર્ડર છે. ઘણી વાર જેનો બહુ ડર લાગતો હોય એવી ચીજો સામે આવી જાય તો ફોબિયા ધરાવનારને પૅનિક અટૅક્સ આવી જાય છે.

પીડિત વ્યક્તિની આજુબાજુના લોકોને તેનું વર્તન બહુ બાલિશ લાગી શકે, પણ જેને ઍન્ગ્ઝાયટી અટૅક આવે છે તેને માટે એ રિયલ ફીલ ઑફ થ્રેટ હોય. બીજું, દરેક વખતે ડર એ ફોબિયા જ હોય એ જરૂરી નથી. કૉક્રૉચ, ગરોળી, કરોળિયા કે એવા કીડાઓનો ડર હોય તો એને જોઈને ચીતરી ચડે, તમે પલંગ પર ચડી જાઓ કે એને કાઢવા માટે બીજા કોઈકને બૂમો પાડીને બોલાવો... આ હજીયે સમજી શકાય એવી બાબત છે, પણ જ્યારે કોઈ ચીજને જોઈને તમે એવા છળી ઊઠો, તમારા ધબકારા વધી જાય, પસીનો વળી જાય અને પૅનિક થઈને તમે પોતાના પરનો કાબૂ ગુમાવી બેસો એ ફોબિયા છે.

સાઇકોલૉજિકલ, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ વેલબીઇંગ ક્ષેત્રે લગભગ બે દાયકાથી કાર્યરત એવાં સાઇકોલૉજિસ્ટ નેહા પટેલ સૌથી પહેલાં તો ફોબિયા અને ડર વિશેનો ભેદ સમજાવતાં કહે છે, ‘ડર લાગવો વાજબી છે. અમુક ચીજોનો ડર હોવો પણ જોઈએ જે જીવન માટે જરૂરી છે. જો ચાકુ બરાબર હૅન્ડલ નહીં કરો તો એ વાગી જશે એટલે હાથમાં ચપ્પુ હોય ત્યારે મસ્તી ન કરાય એ ડરમાંથી ઊભી થયેલી સમજણ છે. ડ્રાઇવિંગ કરતી વખતે બેધ્યાન થઈ જાઓ તો ઍક્સિડન્ટ થઈ શકે છે એ બાબતે સભાનતા હોવી જરૂરી છે, પણ જ્યારે તમે ડ્રાઇવિંગ કરશો તો ઍક્સિડન્ટ જ થશે એવો ભય ધરાવતા હો તો એ ખોટો ફિયર છે. ઘણી વાર કેટલાક લોકો એવી ચીજો માટે ડર ધરાવે છે જે અતાર્કિક છે. પ્લેન ક્રૅશ થઈ શકે છે, પણ દરેક ફ્લાઇટ ક્રૅશ નથી થતી એટલે વિમાનમાં ટ્રાવેલ કરવાનો ફોબિયા જો કોઈકને હોય તો એ તેના ડે ટુ ડે જીવનને પણ અસર કરે જ. મારી પાસે એક પેશન્ટ આવેલા, તેમને લિફ્ટનો ડર હતો. લિફ્ટમાં તેમને ક્લસ્ટ્રોફોબિયા (સાંકડી બંધિયાર જગ્યામાં ફસાવાનો ડર) થઈ જતો હતો. લિફ્ટથી ડરવાને કારણે તેમને રોજેરોજ તકલીફ પડવાની જ છે અને એને કારણે તમે વગર કારણે નાની વાતને લીધે હેરાન થવાના.’

કબૂતર કે પતંગિયાનો ડર લાગી શકે?

જ્યારે વ્યક્તિને એવી ચીજનો ડર લાગવા માંડે જે તેને માટે જરાય હાનિકારક નથી ત્યારે તેને કાઢવા માટે બહુ મહેનત કરવી પડે છે. બે ટીનેજ છોકરીઓના અતિ‌વિચિત્ર કેસ શૅર કરતાં નેહા પટેલ કહે છે, ‘સત્તર-અઢાર વર્ષની એક છોકરીને પતંગિયાં અને મોથનો ડર હતો. બહુ નાની હતી ત્યારથી જ તેને આ ડર હતો. સ્કૂલમાં પતંગિયાં અને મોથ જોઈને તેણે અનેક વાર ધમાલ કરી મૂકેલી. પતંગિયાંની સુંદર અને રંગબેરંગી પાંખો જોઈને તે બેબાકળી બની જતી. જેમાં સામાન્ય વ્યક્તિને સૌંદર્ય દેખાય એમાં તેને ગંદકી દેખાતી. તેનો આ ડર દિવસે-દિવસે વધતો ચાલ્યો. બીજી એક છોકરી હતી જેને કબૂતરનો ડર હતો. હવે કબૂતર તેને કઈ રીતે નુકસાન કરી શકવાનું છે અને શા માટે એનાથી ડરવું જોઈએ એનું કોઈ જ લૉજિક આપણે સમજી શકીએ નહીં, પણ તેને એટલો ફોબિયા હતો કે તે અનેક વાર ચક્કર ખાઈને પડી ગઈ હતી. કૉલેજમાં અચાનક જ કબૂતર તેને માથેથી ફર્‍ર્‍ર્ કરતું ઊડી ગયું અને તે ત્યાં જ બેભાન થઈ ગઈ.’

ડરનું મૂળ શોધવાથી શરૂઆત

કહેવાય છે કે ફોબિયા દૂર કરવો હોય તો જેનો ડર લાગે છે એનાથી દૂર રહેવાને બદલે એ ચીજોનું એક્સપોઝર વધારીને જ દૂર થઈ શકે. જોકે એમાં પણ સાવધાની રાખવી જરૂરી છે. ડ્રાઇવિંગનો ફોબિયા છે તો તમારે એ દૂર કરવા ડ્રાઇવિંગ કરવાનું ચાલુ કરી ન દેવાય. એનું કારણ એ છે કે ફોબિયા ધરાવનાર વ્ય‌ક્તિ જેનાથી ડરતી હોય છે એ ચીજના એક્સ્પોઝરથી બેકાબૂ થઈ જતી હોય છે. એવામાં જો બેકાબૂ થઈને તે ક્યાંક ઍક્સિડન્ટ કરી બેસે અથવા તો પછી પોતાના જ ડરને હૅન્ડલ ન કરવાને કારણે તેને કંઈક થઈ જાય તો લેવાના દેવા પડી શકે છે. સામાન્ય ડર દૂર કરવા માટે વ્યક્તિ જાતે પ્રયત્ન કરી શકે છે, પણ જ્યારે ડરને કારણે તમારી ફિઝિયોલૉજીમાં ફરક આવી જતો હોય એટલે કે ધબકારા વધી જાય, ચક્કર આવે, બબડાટ વધે જેવાં લક્ષણો દેખાતાં હોય ત્યારે કાઉન્સેલરની હેલ્પ લેવી બહુ જરૂરી છે. ફોબિયાનું મૂળ શું છે એ શોધવું સૌથી પહેલું ડગલું છે એમ જણાવતાં નેહા પટેલ કહે છે, ‘મોટા ભાગે વ્યક્તિને જેનો ડર હોય એનું મૂળ બહુ ઊંડું હોય. એનું કનેક્શન કંઈક બીજી જ જગ્યાએ હોય. જેમ કે આ પહેલાં જે મોથનો ફોબિયા ધરાવતી છોકરીની વાત કરી તેના ફોબિયામાં બાળપણનો એક અનુભવ કારણભૂત હતો. બહુ નાની હતી ત્યારે તેણે રમતાં-રમતાં મોથ હાથમાં લઈ લીધી. મરેલા જીવડા સાથે રમતી હોવાથી તેની મમ્મી ગુસ્સે થઈ અને કહ્યું કે આ તો બહુ ખરાબ હોય એને તરત ફેંકી દે નહીંતર... એમ મમ્મીએ તેને જે સહેજ અમસ્તી ડરાવેલી, પણ તેના મનમાં એ ડર એવો ઊંડો ઘૂસી ગયો કે પછી તે મોથ અને બટરફ્લાય કે પાંખ ધરાવતા તમામ કીડાથી ડરવા લાગી. બીજા કબૂતરવાળી ટીનેજરના કેસમાં પણ કંઈક આવું જ હતું. તે નાની હતી ત્યારે નાની તેને બહુ વહાલાં હતાં. નાનીના ઘરે જાય ત્યારે તેઓ પીજનને ચણ નાખતાં એને કારણે તેમના ઘેર બહુ પીજન આવતાં. એક વાર નાનીને કંઈક ઇન્ફેક્શન થયું અને એ તેમને પીજનની ચરકને કારણે થયેલું એવું જાણવા મળ્યું. એ માંદગીમાં દાદીનું મૃત્યુ પણ થઈ ગયું. આ ઘટનાને કારણે તેના મનમાં કબૂતર માટે એટલો ધિક્કાર, ચીડ અને ડર બેસી ગયાં કે તે કબૂતરનું નામ પડતાં પણ છળી ઊઠતી. આવા પેશન્ટ્સનું કાઉન્સેલિંગ કરવાનું હોય ત્યારે તેમને કૉગ્નિટિવ લેવલ પર સમજવા પડે. જે-તે ચીજ જોઈને તેમના મનમાં કેવા વિચાર આવે છે, કેવી ફીલિંગ્સ હોય છે, એને કારણે તેઓ કઈ હદે પોતાના જીવનમાં બદલાવ કરવા તૈયાર થઈ જાય છે એ બધી બાબતો સમજવાની જરૂર પડે છે. આમ ભૂતકાળનું કનેક્શન અને વર્તમાનનું રીઍક્શન સમજીને આગળ વધવામાં આવે એ જરૂરી છે.’

કન્ટ્રોલ્ડ એક્સપોઝર આપવું

ડર રૅશનલ હોય કે ઇરૅશનલ, ફોબિયા ધરાવતી વ્યક્તિને પહેલાં કલ્પનાજગતમાં તેના ડરની ચીજોનો સામનો કરવા માટે તૈયાર કરવા પડે. એ કામમાં કાઉન્સેલરે તેના દરેક ડરને ઉખેળીને ધીમે-ધીમે એનું હીલિંગ કરવાની હોય એમ સમજાવતાં નેહા પટેલ કહે છે, ‘ભૂતકાળના અનુભવોને ખોદી-ખોદીને ફોબિયાનું મૂળ સમજ્યા પછી એને દૂર કરવા માટે એક્સ્પોઝર આપવું પડે. જેનો ડર હોય એ ચીજનો સામનો કરવા માટે તૈયાર થવું પડે. જોકે એ પણ બહુ ટૅક્ટફુલી કરવાનું હોય. જે છોકરી કબૂતરનો ફોટો જોઈને બેબાકળી થઈ જતી હોય તેની સામે ડાયરેક્ટ કબૂતર લાવીને ન મૂકી શકાય. તેને સામેના દૂરના બિલ્ડિંગ પર બેઠેલું કબૂતર હોય તો ચાલે એ માનસિક સ્થિતિ પર પહેલાં લાવવી પડે. પહેલી વાર તેને તમે કહો કે પીજન‌ આ ક્લિનિકની બારી પર બેઠું છે તોય તે રીઍક્ટ કરી ઊઠે. સ્ટેજવાઇઝ દરેક વખતે કાઉન્સેલિંગ દ્વારા તેના મનમાં ચાલતી થૉટ પ્રોસેસને બદલવી પડે. દરેક વખતે એક્સ્પોઝરની સાથે રિલૅક્સેશન ટેક્નિક પણ વાપરવી પડે.’

ફોબિયા દૂર કરવામાં સંકોચ ન રાખો. એનાથી રોજિંદી જિંદગીને અસર થતી હોય તો-તો ખાસ, કાઉન્સેલિંગ કે થેરપિસ્ટની હેલ્પ લેવી જ જોઈએ. બાકી એક ડરમાંથી બીજા ડર પેદા થયા કરે અને જીવન એ ભય પેદા કરનારી ચીજોથી છેટા રહેવામાં જ વ્યતીત થઈ જાય.

ધ્યાન રહે કે...

કાઉન્સેલિંગ સાથે ડર દૂર કરવા માટે ફોબિયા ધરાવતી ચીજનું એક્સપોઝર તમે વધારતા હો ત્યારે કોઈ જ માઠી, ડરામણી કે નકારાત્મક ઘટના ન ઘટે એનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. જો કંઈક નકારાત્મક થયું તો ફોબિયા દૂર કરવાનું નવેસરથી એટલે કે ઝીરોથી શરૂ કરવું પડે.

- નેહા પટેલ, સાઇકોલૉજિસ્ટ

health tips