રાતે સૂઓ બેડરૂમમાં અને ઊઠો લિવિંગ રૂમમાં તો તમે સ્લીપવૉકર હોઈ શકો!

16 October, 2019 03:47 PM IST  |  મુંબઈ | અર્પણા શિરીષ

રાતે સૂઓ બેડરૂમમાં અને ઊઠો લિવિંગ રૂમમાં તો તમે સ્લીપવૉકર હોઈ શકો!

સ્લીપવૉકર

બૉલિવૂડ એક્ટ્રેસ ઈલિયાના ડિક્રુઝે ટ્વિટર અકાઉન્ટ પર પોતાની એક વ્યથા તેના ચાહકો સાથે શૅર કરી હતી. તેણે લખ્યું હતું, ‘મને ખાતરી થઈ ગઈ છે કે હું ઊંઘમાં ચાલું છું. કારણ કે એ વિના મારા પગ પર સવારે ઊઠું ત્યારે જે રહસ્યમય ઘા પડેલા હોય છે અને પગમાં સોજા હોય છે એ ન હોય!’

બીજા ટ્વિટમાં તેણે જણાવ્યું હતું કે હું કદાચ ઊંઘમાં ફ્રીજ સુધી જતી હોઈશ.”

ઈલિયાનાને એ પોતે ઊંઘમાં ચાલે છે એવી શંકા છે. અને એની આ વાત સાચી પણ હોઈ શકે. કારણ કે ખૂબ જ રૅર ગણાતો આ સ્લીપ ડિસઑર્ડર એવી કંડિશન છે જેમાં સવારે ઊઠ્યા બાદ રાતે શું થયું એ યાદ નથી રહેતું. આ વિષે સમજાવતાં કન્સલ્ટિંગ સાયકિયાટ્રીસ્ટ ડૉ. પારૂલ ટાંક કહે છે, ‘સ્લીપવૉક કરતી વ્યક્તિનું મગજ એ સમયે શૂન્ય અવસ્થામાં હોય છે. ટૂંકમાં બૉડી એક્ટિવ પણ મગજ સૂતેલું. એટલે તેઓ એ દરમિયાન જે પણ કરે એ યાદ નથી રહેતું.’

સ્લીપ ડિસઑર્ડર

ઊંઘમાં ચાલવું એ એક પ્રકારનો સ્લીપ ડિસઑર્ડર છે. ઊંઘની બીમારીના ત્રણ પ્રકાર છે એમ જણાવીને ડૉ. પારૂલ ટંક કહે છે, ‘નાઇટમેર એટલે કે ખરાબ સપનાં આવવાં. નાઇટ ટેરર, જેમાં વ્યક્તિ ભયાનક સપનું જુએ છે અને ડરીને ઊઠી જાય છે. જેમાં તેને એવું લાગે છે કે જાણે સપનામાં જે જોયું તે ખરેખર એની સાથે થઈ રહ્યું છે અને ત્રીજો સ્લીપ ડિસઑર્ડર એટલે સ્લીપ વૉકિંગ, જેમાં વ્યક્તિ સબકોન્શિયસ રીતે જાગ્રત હોય છે, અને શારીરિક હાલચાલ કરે છે. જોકે એ વિષે તેને કોઈ જાણકારી હોતી નથી અને યાદ પણ રહેતું નથી. આ પ્રકારની ઊંઘને આરઈએમ (REM) સ્લિપ એટલે કે રેપિડ આઇ મૂવમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સૂતેલી વ્યક્તિની આંખની હિલચાલ વધી જાય છે તેમ જ શારીરિક હીલચાલ પણ થાય છે.’

કઈ રીતે ખબર પડે?

ઊંઘમાં ચાલવાની આ ક્રિયા સામાન્ય રીતે વ્યક્તિ સૂએ એના એક કે બે કલાક પછી શરૂ થાય છે. આનું નિદાન પણ જાતે કરી શકાય છે. જે રીતે ઈલિયાના ડિક્રુઝના કેસમાં એના પગ પર ઈજા જોવા મળે છે, એ જ રીતે સવારે શરીર પર કોઈ ઈજા હોય કે જેના વિશે કંઈ યાદ ન હોય એ સિવાય ઊંઘમાંથી ઊઠ્યા બાદ કનફ્યુઝનવાળી ફિલિંગ આવે, ઊંઘ પૂરી ન થઈ હોય એવું લાગે, મન એકાગ્ર ન થાય તો આ બધા સ્લીપ વૉકિંગનાં પરિણામ હોઈ શકે. આ વિષે ડૉ. પારૂલ કહે છે, ‘એ સમયે ફક્ત શરીર ચાલે છે. મગજ નહીં, એટલે જો પોતાના પ્રત્યે શંકા હોય તો, પરિવારના સભ્યને નજર રાખવા કહી શકાય. જેથી સ્લીપ વૉકનું નિદાન થઈ શકે.’

અપૂરતી ઊંઘ અને તાણ જવાબદાર

ઊંઘમાં ચાલવાની આ કંડિશન માટે જવાબદાર ઊંઘની કમી જ છે. એવું કહેતાં ડૉ. પારૂલ ઉમેરે છે, ‘જો કામને લીધે કે કોઈ બીજાં કારણોસર ઊંઘ પૂરી ન થઈ શકતી હોય, ઊંઘમાં ખલેલ પહોંચતી હોય તો એના કારણે આ રીતે ઊંઘમાં ચાલવાની બીમારી થઈ શકે છે. આ સિવાય તાણ અને લાઇફમાં જો કોઈ કરુણ કે અણધાર્યો બનાવ બન્યો હોય તો એનાંથી પણ સ્લીપ ડિસઑર્ડર થાય છે. મારી પાસે આવો જ એક સ્લીપ વૉકિંગનો કેસ આવેલો. ૨૪ વર્ષની એક યુવતીએ ઓછા સમયગાળામાં બન્ને પેરેન્ટ્સને ગુમાવ્યા. જેના લીધે તે ખૂબ ડિપ્રેશનમાં હતી તેમ જ તે એકલી પડી ગઈ હતી. દિવસ-રાત ઊંઘ ન આવતી અને પછી જ્યારે ઊંઘવાની કોશિશ કરતી ત્યારે ડર લાગવાને કારણે તે સ્લીપ ડિસઑર્ડરનો શિકાર બની ગઈ હતી. મનમાં ડર રહેવાને કારણે તે ઊંઘમાં ઘરમાં ચાલતી રહેતી. લક્ષણો જોતાં ખબર પડી કે તે ઊંઘમાં ચાલે છે. આ રીતે જો મગજ તાણમાં હોય તો પણ સ્લીપ વૉકિંગ થઈ શકે છે. તાણ સિવાય જો ફિટ આવતી હોય તોપણ વ્યક્તિને સ્લીપ વૉકિંગ થઈ શકે છે. ખાસ કરીને બાળકોમાં જ્યારે વધુ તાવની સાથે ફિટ આવતી હોય તો તેઓ ઊંઘમાં બબડે તેમ જ ચાલે છે.’

આ તો વાત થઈ માનસિક અને શારીરિક કારણોની. જોકે ડ્રગ્સ અને આલ્કોહોલના નશામાં હોય તોપણ વ્યક્તિ ઊંઘમાં ચાલે છે.

જોખમ ઘણાં

સ્લીપ વૉકિંગ એ પોતે જ જોખમી છે એટલે એનાથી આવતાં પરિણામો તો જોખમી હોય જ. આ વિષે ડૉ. પારૂલ કહે છે, ‘આ એક નોન-પ્રોડક્ટિવ એક્ટિવિટી હોવાને કારણે તેમ જ એ સમયે મગજ નિદ્રા સ્થિતિમાં હોવાને કારણે ઊંઘમાં ચાલતી વ્યક્તિ કોઈનું ખૂન કરી આવી કે પછી ડ્રાઇવ કરીને ક્યાંય જતી રહી એ બધી કિતાબી વાતો છે, એવું કહી શકાય. અહીં જોખમ એટલું જ કે જો બારી કે બારણાં ખુલ્લાં રહી ગયાં હોય તો એ ઊંઘમાં ચાલતી વ્યક્તિ માટે જોખમી નીવડી શકે છે. એ સિવાય ચપ્પુ, ફર્નિચરની ધાર વગેરેનું જો ધ્યાન રાખવામાં ન આવે તો ઈજા થઈ શકે. એટલે જો ઘરમાં કોઈ સ્લીપ વૉકર હોય તો, બાકીના સદસ્યોએ તેમની સેફ્ટીની કૅર કરવી જોઈએ.’

ઈજા સિવાય સ્લીપ વૉકરોની ઊંઘ સારી રીતે પૂરી ન થવાને કારણે તેઓ હંમેશા થાકેલા, સુસ્ત અને દિવસના સમયે સૂતેલા નજરે પડે છે. પોતાની ઊંઘમાં ચાલવાની તકલીફને લીધે બીજાની પણ ઊંઘ બગડતી હોવાની ગ્લાનિ તેઓ અનુભવતા હોય છે જેને લીધે સોશિયલ રિલેશનશિપને મામલે તેઓ પાછળ પડી શકે છે.

ઇલાજ શું?

જો બાળકો ઊંઘમાં ચાલતાં હોય તો તેમને કોઈ ટ્રિટમેન્ટની જરૂર પડતી નથી. કારણ કે વધતી વયની સાથે આવી તકલીફો ઘટી જાય છે અથવા જતી રહે છે. જોકે મોટાઓમાં સ્લીપ વૉકિંગની તકલીફ મૂળમાં શા માટે થઈ રહી છે, એ વાત જાણવી જરૂરી હોય છે. આ વિષે સમજાવતાં ડૉ. પારુલ કહે છે, ‘પુખ્ત વયની વ્યક્તિઓમાં સ્લીપ વૉકિંગ માટે મુખ્યત્વે સ્ટ્રેસ અને ડિપ્રેશન જવાબદાર હોય છે. સિવાય ક્યારેક કોઈ ન્યુરોલોજિકલ ડિસઑર્ડર પણ હોઈ શકે. માટે સૌથી પહેલાં આ મૂળ કારણો જાણીને એના પર ઇલાજ કરવામાં આવે છે. જો ન્યુરોલોજિકલ ડિસઑર્ડર હોય તો એનો ઇલાજ કરવામાં આવે છે. અને ન હોય તો લાઇફસ્ટાઇલમાં તેમજ ઊંઘના રૂટીનમાં બદલાવ લાવવાથી સ્લિપવૉકિંગની સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. જો ઊંઘની કમીને લીધે આવું થતું હોય તો પેશન્ટને ઊંઘ પૂરી થાય એ માટે એને લગતી દવાઓ પણ આપવામાં આવે છે.’

સ્લીપ વૉકિંગ એક સાયકોલોજિકલ ડિસઑર્ડર છે જેનો ઇલાજ લાઇફસ્ટાઇલ ચેન્જ દ્વારા પણ શક્ય છે. જેમ કે, સૂતાં સમયે કૅફિનયુક્ત પદાર્થોનું સેવન ન કરવું, સૂવા તેમજ ઊઠવા માટેના સમયનું રૂટિન નક્કી કરવું, મેડિટેશન અને યોગની મદદથી તાણને દૂર રાખવી.

લોકોએ ઊંઘમાં ચાલતાં કરેલાં કામો

સ્ટેન ફોર્ડ સેન્ટર ઑફ સ્લીપના એક રિપોર્ટ પ્રમાણે ૫૧ વર્ષીય એક મહિલાએ સતત એક દાયકા સુધી ઊંઘમાં ફ્રીજ સુધી ચાલતા જઈ જે કંઈ પણ હોય તે ખાધું હતું. સવારે તેને સ્વાભાવિકપણે કંઈ યાદ ન રહેતું એટલે ફ્રીજ ખાલી જોઈ તે ગુસ્સે થતી અને તેની રૂમમેટ પર ચોરીનો આરોપ મૂકતી. જોકે પછીથી ખણખોદ કરતાં તે પોતે જ ઊંઘમાં ભોજન કરતી હોવાનું નિદાન થયું હતું.

આ પણ વાંચો : શું દોસ્તોની સાથે ચાલવામાં તમે પાછળ રહી જાઓ છો?

બીજા એક કેસમાં એક રાઇટરે ઊંઘમાં રોજ ઊઠીને સેન્ડવિચ બનાવવાનું કબૂલ કર્યું હતું. તે રોજ સેન્ડવિચ બનાવી, જમીન પર રાખતો અને ફરી પાછો જઈ સૂઈ જતો.

health tips