૪૦ વર્ષ પછી વારંવાર કફ અને શ્વાસમાં તકલીફ થવાનાં કારણો શું હોઈ શકે?

15 October, 2024 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્યારે સ્મોકિંગના, પૉલ્યુશનના કે બીજા કણો નાક વાટે ફેફસાંમાં જાય છે ત્યારે મોટા ભાગે નાકની અંદર રહેલા વાળ એને રોકી લે છે છતાં અમુક કણો અંદર જતા જ રહે છે. આવા કેટલાય કણો શ્વાસનળીમાં જમા થતા જાય છે અને લાંબા ગાળે કફ પેદા કરે છે.

પ્રતીકાત્મક તસવીર

જ્યારે સ્મોકિંગના, પૉલ્યુશનના કે બીજા કણો નાક વાટે ફેફસાંમાં જાય છે ત્યારે મોટા ભાગે નાકની અંદર રહેલા વાળ એને રોકી લે છે છતાં અમુક કણો અંદર જતા જ રહે છે. આવા કેટલાય કણો શ્વાસનળીમાં જમા થતા જાય છે અને લાંબા ગાળે કફ પેદા કરે છે. આ કારણોસર શ્વાસનળી સાંકડી થઈ જાય છે જેથી શ્વાસ લેવામાં અને છોડવામાં તકલીફ ઊભી થાય છે. આ તકલીફ એટલે ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ જેને ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ ઍર વેઝ ડિસીઝ પણ કહે છે, કારણ કે આ રોગમાં સૌથી વધુ અસર શ્વાસનળીઓ પર થાય છે. ફેફસાંની આ બીમારી એવી છે જે સ્મોકિંગને કારણે થવાની શક્યતા ખૂબ જ વધારે છે અને એના વિશે સમાજમાં જ નહીં, પરંતુ ડૉક્ટર્સમાં પણ ઘણી વાર જાગૃતિ ઓછી જોવા મળે છે.  

૪૦ વર્ષની ઉંમર પહેલાં કોઈ પણ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય તો અસ્થમાની શંકા વધુ હોય, જ્યારે ૪૦ વર્ષ પછી શ્વાસમાં તકલીફ થાય અને વારંવાર કફની સમસ્યા રહ્યા કરે તો સમજવું કે તેને COPD હોઈ શકે છે. આવી વ્યક્તિઓને શ્વાસ લેવા સમય કરતાં શ્વાસ કાઢવામાં વધુ સમય લાગતો હોય છે. સિસોટી જેવો અવાજ શ્વાસમાં આવતો હોય છે. તેમની છાતીનો આકાર ધીમે-ધીમે એક બૅરલ એટલે કે પીપડા જેવો લાગવા માંડે છે. 

૩૫-૪૦ વર્ષની ઉંમરમાં જો વ્યક્તિને હાંફ ચડતો હોય, શ્વાસ ટૂંકો પડે, લાંબા ગાળાની કફની તકલીફ હોય તો તેણે પલ્મનરી ફન્ક્શન ટેસ્ટ કરાવવી જરૂરી છે. જો તમને આ લક્ષણ ન દેખાય તો પણ જો તમે સ્મોકિંગ કરતા હો તો ૪૦ વર્ષની ઉંમરે આ ટેસ્ટ કરાવી લેવી. જો ખૂબ સામાન્ય સ્ટેજ પર આ રોગ પકડાય જાય તો એનાથી બચવું શક્ય છે. ઇલાજ વડે તમારું જીવન ઘણું સુધરી શકે છે. ઇલાજમાં બ્રૉન્કોડાયલેટર્સ અને સૂંઘીને લઈ શકાય એવી સ્ટેરૉઇડ્સનો ઉપયોગ થાય છે. સૂંઘીને લઈ શકાય એવા બ્રૉન્કોડાયલેટર્સ કફને હટાવે છે અને શ્વાસનળીમાં હવાની અવર-જવરને સરળ બનાવે છે. સ્ટેરૉઇડ્સ આ શ્વાસનળીમાં આવેલા સોજાને દૂર કરે છે અને બીજી મોઢાથી લેવામાં આવતી સ્ટેરૉઇડ્સની જેમ એની સાઇડ ઇફેક્ટ્સ પણ નથી. જો તબિયત અચાનક બગડે તો ઇન્જેક્શન કે મોઢા દ્વારા અપાતી સ્ટેરૉઇડ્સ વાપરવામાં આવે છે. આ દરમ્યાન કોઈ ઇન્ફેક્શન થાય તો ઍન્ટિબાયોટિક પણ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિને ઑક્સિજન પણ આપવાની જરૂરિયાત પડે છે. આ સિવાય પલ્મનરી રીહૅબિલિટેશન પણ આ રોગમાં અત્યંત ઉપયોગી ઇલાજ છે જેમાં ફિઝિયોથેરપી દ્વારા વ્યક્તિનાં ફેફસાંની શક્તિને વધારવામાં આવે છે.

-ડૉ. અમિતા દોશી નેને

air pollution asthma health tips life and style mumbai columnists