26 March, 2026 01:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજના કમ્પ્યુટર યુગમાં ગરદન અને પીઠનો દુખાવો સામાન્ય બની ગયો છે. મોટા ભાગના લોકો એને ખોટી રીતે બેસવાનું પરિણામ માનીને પેઇન કિલર લેતા હોય છે, પરંતુ જો આ દુખાવો લાંબા સમય સુધી રહે અને ચોક્કસ હલનચલન વખતે વધે તો એ ફૅસેટ જૉઇન્ટ સિન્ડ્રૉમ હોઈ શકે છે. કરોડરજ્જુના એક અગ્રણી સર્જ્યન આ બાબતે ગંભીર સાવચેતી રાખવાની સલાહ આપે છે.
ફૅસેટ જૉઇન્ટ્સ એ કરોડરજ્જુના મણકા વચ્ચે આવેલા નાના સાંધા છે જે આપણી પીઠને ફ્લેક્સિબિલિટી એટલે કે લવચીકતા આપે છે. જ્યારે આ સાંધામાં ઘસારો થાય કે સોજો આવે ત્યારે પીઠના નીચેના ભાગમાં અથવા ગરદનમાં તીવ્ર જડતા અનુભવાય છે. આ સિન્ડ્રૉમની ખાસ ઓળખ એ છે કે જ્યારે તમે પાછળની તરફ નમો છો અથવા શરીરને મરોડો છો ત્યારે દુખાવો વધી જાય છે. ઘણી વાર આ દુખાવો હિપ્સ અથવા ખભા સુધી પ્રસરે છે.
જો આ સમસ્યાનું સમયસર નિદાન ન થાય તો કરોડરજ્જુની હલનચલન કાયમી ધોરણે મર્યાદિત થઈ શકે છે. ફિઝિયોથેરપી, નિયમિત યોગ અને વજન પર નિયંત્રણ આ બીમારીને અટકાવવાના મુખ્ય રસ્તા છે. ખાસ કરીને કોર મસલ્સ એટલે કે પેટના સ્નાયુઓને મજબૂત કરવાથી કરોડરજ્જુ પરનું દબાણ ઓછું થાય છે. જો ઘરગથ્થુ ઉપાયોથી રાહત ન મળે તો નિષ્ણાત સ્પાઇન-સર્જ્યનની સલાહ લેવી અનિવાર્ય છે.
યાદ રાખો કે પીઠનો દુખાવો માત્ર સ્નાયુનો સોજો નથી, એ સાંધાનો ઘસારો પણ હોઈ શકે છે.