ચિયા સીડ્સ બધા માટે નથી

07 August, 2025 01:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજકાલ વિવિધ સીડ્સ ખાવાનો ટ્રેન્ડ છે અને એના હેલ્થ-બેનિફિટ્સ પર ભરપૂર વાતો થઈ રહી છે ત્યારે ચિયા સીડ્સ ખાતા હો તો આટલી વસ્તુ યાદ રાખજો

ચિયા સીડ્સ

સુપરફૂડ હોવાનો દબદબો ભોગવતાં વિવિધ પ્રકારનાં સીડ્સ આજકાલ ભારે ડિમાન્ડમાં છે જેમાંથી ચિયા સિડ્સે લગભગ દરેકના ઘરમાં એન્ટ્રી કરી દીધી છે. ડીટૉક્સ ડ્ર‌િન્કથી લઈને સ્મૂધી જેવી અઢળક આઇટમોમાં ચિયા સીડ્સ ઉમેરાતાં હોય છે. ફાઇબર, ઓમેગા-થ્રી, પ્લાન્ટ-બેઝ્ડ પ્રોટીન જેવાં કેટલાંક પોષક તત્ત્વોના મોહમાં ઘણા લોકોનું આ ફેવરિટ ફૂડ બની રહ્યું છે ત્યારે યાદ રાખજો કે યુનિવર્સલ હીરો તરીકે લોકપ્રિય બની રહેલાં આ નાનકડાં બીજ જો તમારી પ્રકૃતિને સૂટ કરનારાં નહીં હોય તો ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે છે. કોણે ચિયા સીડ્સ ન ખાવાં એ જાણી લો આજે.

જો તમારું પેટ સેન્સિટિવ હોય તો...

ચિયા સીડની ખાસિયત છે કે એને પાણીમાં પલાળો એટલે પાણીને શોષી લે છે. આ જ કારણ છે કે થોડુંક ખાવાથી પણ વ્યક્તિ પેટ ભરાઈ ગયાની ફીલિંગ અનુભવે છે. જોકે તમે જો ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ અથવા પાચનની સમસ્યા ધરાવતા હો તો વધારે પડતું ફાઇબર લાભ કરવાને બદલે નુકસાન કરી શકે. ડાઇજેશન સુધારવાને બદલે પેટમાં દુખાવો અને ગૅસ પણ કરી શકે.

હાઈ બ્લડપ્રેશર હોય તો...

ચિયા સીડ્સમાં આલ્ફા-લાઇનોલેનિક ઍસિડ અને પોટૅશિયમનું પ્રમાણ સારી માત્રામાં હોય છે જે તમારા બ્લડપ્રેશરને ઘટાડવામાં મદદ કરી શકે છે. જોકે તમે પહેલેથી જ લો બ્લડપ્રેશરની દવા લેતા હો તો? તો સંભવ છે કે જરૂર કરતાં વધુ બ્લડપ્રેશર ઘટે અને તમે નબળાઈ કે ચક્કર આવવા જેવું પણ ફીલ કરી શકો છો.

બ્લડ-થિનર લેતા હો તો...

ચિયા સીડ્સમાં ઓમેગા-થ્રી નામનું એક ફૅટી ઍસિડ છે જે સોજા ઘટાડવા માટે અને હાર્ટની હેલ્થને વધારવામાં ઉપયોગી છે. જોકે એ બ્લડને પાતળું પણ કરે છે એટલે જો તમે પહેલેથી જ લોહી પાતળું કરવાની દવાઓ લેતા હો તો ચિયા સીડ્સનું અતિસેવન લાભને બદલે નુકસાન કરી શકે છે.

પૂરતું પાણી પીતા હો તો...

ચિયા સીડ્સની ખાસિયત છે કે એને પલાળો એટલે એ પોતાની સાઇઝ કરતાં દસગણા એક્સપાન્ડ થાય અને એટલું પાણી શોષી લે છે. જોકે તમે પૂરતું પાણી ન પીતા હો અને પલાળ્યા વિનાનાં ચિયા સીડ્સ ખાઓ તો એનાથી પેટમાં આફરો ચડવો અથવા તો એનાથી પણ વધુ નેગેટિવ ફીલ થઈ શકે છે.

health tips diet food news food and drink life and style columnists gujarati mid day mumbai