28 May, 2026 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
હમણાં મારા ક્લિનિકમાં એક દંપતી આવ્યું જેમાં મહિલા થૅલેસેમિયા માઇનર હતી. તેને એની જાણ ત્યારે થઈ જ્યારે તે પ્રેગ્નન્ટ હતી. જોકે તેનો પતિ થૅલેસેમિયા માઇનર નહોતો એટલે કંઈ વાંધો ન આવ્યો. જોકે ડૉક્ટરે તેને સમજાવ્યું હતું કે તેનું બાળક થૅલેસેમિયા માઇનર હોઈ શકે છે. હમણાં થોડા સમય પહેલાં જ તેમણે તેમની ૧૦ વર્ષની દીકરીની બ્લડ-ટેસ્ટ કરાવી જેમાં ખબર પડી કે તે પણ થૅલેસેમિયા માઇનર છે. તેનું હીમોગ્લોબિન જીવનભર ઓછું જ રહેશે. જોકે વાત એમ હતી કે તે દીકરીને સ્પોર્ટ્સમાં ખૂબ રસ છે. તે બાસ્કેટબૉલ સારું રમે છે, બૅડ્મિન્ટન પણ શીખે છે. થૅલેસેમિયા માઇનર હોવા છતાં સ્પોર્ટ્સમાં આગળ વધી શકાય કે નહીં એના માર્ગદર્શન માટે એ લોકો મારી પાસે આવ્યા હતા.
મેં તેમને કહ્યું કે એ વાત સારી છે કે તમને અત્યારથી જ ખબર પડી ગઈ કે તમારી દીકરીને થૅલેસેમિયા માઇનર છે. હવે એ ખબર પડી ગઈ હોવા છતાં તમારું કે તમારી દીકરી બન્નેનું જીવન કોઈ રીતે બદલાવાનું નથી. તે અત્યારે ફક્ત ૧૦ વર્ષની છે. ૧૦ વર્ષથી તે થલેસેમિયા માઇનર જ છે છતાં સ્પોર્ટ્સ સારું જ રમે છે. એવું જ તે રમતી રહેશે, એ માટે ચિંતા ન કરો. હીમોગ્લોબિન ઓછું હોવાથી થૅલેસેમિયા માઇનરની કોઈ પણ પ્રકારની ઍક્ટિવિટી ઓછી થતી નથી. તે લોકો એક સાવ નૉર્મલ જીવન જીવે છે એટલે તેને સ્પોર્ટ્સમાં આગળ વધવા દો.
કોઈ વ્યક્તિ જ્યારે થૅલેસેમિયા માઇનર હોય તો તેણે એટલું સમજી લેવું જરૂરી છે કે કોઈ પણ પ્રકારની દવા કે કોઈ પણ પ્રકારની અલગ પ્રકારની ડાયટ આપવાથી તેનું હીમોગ્લોબિન વધશે એવું માનવું નહીં. કંઈ પણ કરશો તો તેનું હીમોગ્લોબિન નહીં જ વધે એટલે એવા ખોટા પ્રયત્નો ન કરતા. જોકે થૅલેસેમિયા માઇનર દરદીઓને ફોલિક ઍસિડની પાંચ ગ્રામની એક ગોળી દરરોજ આપી શકાય છે. એ તેમના ડેવલપમેન્ટમાં મદદરૂપ બને છે. એ તમે ચાલુ કરી શકો છો.
થૅલેસેમિયા માઇનરનાં લગ્ન થાય ત્યારે થોડું કૅરફુલ રહેવું પડે છે. તેનો પાર્ટનર થૅલેસેમિયા માઇનર ન જ હોવો જોઈએ, કારણ કે એવું થાય તો તેમનું આવવાવાળું બાળક થૅલેસેમિયા મેજર જન્મી શકે છે. કુંડળી મેળવતાં પહેલાં આ વસ્તુ મેળવવી ખૂબ જરૂરી છે. આ જાગૃતિ લોકોમાં આવી છે, પરંતુ વધુ જાગૃતિની જરૂર છે. તમે લગ્ન કર્યાં ત્યારે તમને ખબર નહોતી. તમારાં નસીબ સારાં હતાં કે તમારા પતિ થૅલેસેમિયા માઇનર ન નીકળા. જોકે આવું રિસ્ક તમારી દીકરી સાથે તમે ન લેતાં.