મૅસ્ટરબેશન કરવાનું શરૂ કર્યા પછી હાઇટ વધતી અટકી જાય એમ બને?

29 September, 2020 03:58 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

મૅસ્ટરબેશન કરવાનું શરૂ કર્યા પછી હાઇટ વધતી અટકી જાય એમ બને?

પ્રતીકાત્મક તસવીર

સવાલ - મને ચાર મહિના પછી ૧૮ વર્ષ થશે. મને પહેલેથી મારી હાઇટ માટે ખૂબ ચિંતા રહે છે કેમ કે વચ્ચેનાં વરસોમાં મારી હાઇટ સારીએવી વધી હતી, પણ હવે મને લાગે છે કે છેલ્લા છ-આઠ મહિનાથી મારી હાઇટ વધતી અટકી ગઈ છે. મારા ફ્રેન્ડ્સ પાંચ ફૂટ અને આઠ ઇંચ જેટલા ઊંચા થઈ ગયા છે, જ્યારે મારી હાઇટ પાંચ ફૂટ ત્રણ ઇંચથી આગળ વધી જ નથી. મારા એક ફ્રેન્ડનું કહેવું છે કે તેણે મૅસ્ટરબેશન કરવાનું શરૂ કર્યા એ પછી હાઇટ વધતી અટકી ગયેલી. હું છેલ્લા દસેક મહિનાથી ક્યારેક એકાંતમાં અડપલું કરી લઉં છું એને કારણે તો મારી હાઇટ અટકી નહીં ગઈ હોય? છેલ્લા એક મહિનાથી તો સંપૂર્ણપણે હસ્તમૈથુન બંધ કરી દીધું છે. શું એમ કરવાથી રિવર્સ પૉઝિટિવ ઇફેક્ટ થાય ખરી? મૅસ્ટરબેશન બંધ કર્યું તો ગંદા વિચારો આવે છે અને ઊંઘમાં જ ઇજેક્યુલેશન થઈ જાય છે. બકરી કાઢતાં ઊંટ પેસ્યા જેવું અત્યારે તો લાગે છે. આ વિષચક્રમાંથી નીકળવા શું કરવું?
જવાબ- આ વિષચક્ર શારીરિક નહીં, પણ માનસિક સ્તરે પેદા થયેલું છે. મનમાં પાળેલી ખોટી માન્યતાઓને કારણે ઊભું થયેલું છે. જેને કોઈ જ સાયન્ટિફિક બૅકઅપ નથી. પહેલી ખોટી માન્યતા એ કે મૅસ્ટરબેશન કરવાથી હાઇટ વધતી અટકી જાય એવું શક્ય નથી. હાઇટ તમારા જિનેટિકલ વારસા પર પણ નિર્ભર રહે છે. પ્યુબર્ટી એજ દરમ્યાન હાઇટ ખૂબ ઝડપથી વધે છે અને પછી એની ઝડપ આપમેળે ઘટી જાય છે. એટલે મૅસ્ટરબેશન બંધ કરવાથી હાઇટ વધવા લાગશે એવું નથી. તમે હસ્તમૈથુન કરશો તોય અને નહીં કરો તોય હાઇટને કોઈ ફરક નથી પડવાનો એટલે હવે કરવું ન કરવું એની ચૉઇસ તમારે જાતે કરવાની રહે.
હા, આ સમયમાં તમે કેટલીક એક્સરસાઇઝ નિયમિત કરશો અને ફિઝિકલ ફિટનેસ જાળવશો તો આપમેળે મસલ્સ અને બોનનો ગ્રોથ વધશે.
પુરુષનાં જનનાંગોમાં વીર્યનું ઉત્પાદન સતત થયા જ કરે છે. જો એને હસ્તમૈથુન કે મૈથુન વડે બહાર કાઢવામાં ન આવે તો એ આપમેળે ઊંઘમાં સ્ખલિત થઈ જાય છે. વીર્યનો સંગ્રહ થઈ શકતો નથી. સ્વપ્નસ્ખલન તમે હસ્તમૈથુન બંધ કર્યું છે માટે થાય છે. એનાથી ચિંતાને કોઈ જ કારણ નથી. ખોટી માન્યતાઓ દૂર કરશો તો વિષચક્ર આપમેળે તૂટશે.

dr ravi kothari sex and relationships