પેઢાંને અને ક્લૉટને કોઈ લેવાદેવા ખરી?

31 October, 2022 03:49 PM IST  |  Mumbai | Dr. Rajesh Kamdar

શરીરની પ્રકૃતિ એવી હોય તો પણ અને અચાનક શરીરમાં કોઈ બદલાવ આવે તો એ બન્ને પરિસ્થિતિમાં ક્લૉટ બની શકે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૫૨ વર્ષનો છું અને મને હાલમાં છાતીમાં ખૂબ જ પેઇન ઊપડ્યું ત્યારે મને તરત હૉસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ઍન્જિયોગ્રાફી થઈ અને એમાં બે ક્લૉટ નીકળ્યા. એક ૮૦ ટકા અને બીજું ૮૫ ટકા. બન્નેમાં ઍન્જિયોપ્લાસ્ટી થઈ હતી. મને ડાયાબિટીઝ નથી, મને બ્લડ-પ્રેશર પણ નથી. કૉલેસ્ટરોલ જેવી પણ કોઈ સમસ્યા નથી તો પછી મને કેમ ક્લૉટ થયા હશે? આ પહેલાં હું ક્યારેય હૉસ્પિટલમાં દાખલ થયો જ નહોતો. હા, વચ્ચે મને દાંતની સમસ્યા આવેલી. પેઢાંમાં થોડું ઇન્ફેક્શન થઈ ગયેલું અને એ ઇન્ફેક્શનને કારણે પેઢાં સૂઝેલાં રહેતાં હતાં. શરૂઆતમાં મને થયું કે ચાલશે એટલે ઇલાજ ન કરાવ્યો, પણ પછી લાંબો ઇલાજ ચાલ્યો હતો. આ સિવાય જો કોઈ તકલીફ ન હોય તો ક્લૉટ થવાનું શું કારણ?

ક્લૉટિંગ મોટા ભાગે ડાયાબિટીઝ, હાઈ બ્લડ-પ્રેશર કે કૉલેસ્ટરોલ જેવી તકલીફથી થઈ શકે એ વાત સાચી. એ સામાન્ય કારણો છે, પરંતુ ક્લૉટ કોઈ પણ પરિસ્થિતિમાં થઈ શકે છે. શરીરની પ્રકૃતિ એવી હોય તો પણ અને અચાનક શરીરમાં કોઈ બદલાવ આવે તો એ બન્ને પરિસ્થિતિમાં ક્લૉટ બની શકે. એ ક્લૉટ ક્યાં જઈને કઈ નળીને અસર કરે છે એના પરથી જાણી શકાય કે વ્યક્તિને શું તકલીફ થઈ. એનાં અઢળક કારણો હોઈ શકે અને એમાંથી ઘણાં કારણો જ્ઞાત ન હોય એમ પણ બને, પરંતુ તમને પેઢાંની જે તકલીફ છે એને કારણે તમને ક્લૉટ થયા હોય એવી સંભાવનાને નકારી શકાય નહીં. આ સંબંધ વિશે લોકો ખાસ જાણતા નથી, પરંતુ આ બાબતે જાગૃતિ હોવી જરૂરી છે.

પેરિડોન્ટલ ડિસીઝ એટલે કે પેઢાં સંબંધિત બીમારીઓને કારણે કાર્ડિયો-વૅસ્ક્યુલર પ્રૉબ્લેમ્સ થઈ શકે છે. રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે કે મોઢામાંના અમુક બૅક્ટેરિયા લોહીમાંના પ્લેટલેટ્સની સંખ્યાને વધારે છે. લોહીમાં જ્યારે પ્લેટલેટ્સ વધે ત્યારે લોહીમાં ગાંઠો થાય છે. આ ગાંઠો હૃદયમાંથી શરીર તરફ શુદ્ધ લોહી લઈ જતી ધમનીમાં થાય ત્યારે એ હૃદય માટે પ્રૉબ્લેમ ઊભા કરી શકે છે, જેને લીધે બ્લડ-પ્રેશર વધે અને અટૅકની સંભાવનાઓ વધી શકે છે. આમ મોઢાનું સામાન્ય લાગતું ઇન્ફેક્શન હૃદયને ડૅમેજ કરવાની ક્ષમતા ધરાવે છે. આથી લાપરવાહી કરવી નહીં. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનને અવગણો નહીં અને એનો ઇલાજ જરૂરી છે. શરીરમાં થનારા નાના પ્રૉબ્લેમ કયા મોટા પ્રૉબ્લેમને તાણી લાવશે એનો અંદાજ લગાવી ન શકાય. એટલે કોઈ પણ નાની તકલીફને અવગણો નહીં.

columnists health tips life and style