શું પૉશ્ચર કરેક્ટિંગ બેલ્ટ નમેલી પીઠને સીધી કરી શકે ખરો?

19 February, 2026 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખરાબ પૉશ્ચરને કારણે થતા પીઠના દુખાવાથી બચવા માટે આજકાલ પૉશ્ચર બેલ્ટ લોકપ્રિય બન્યા છે ત્યારે આ બેલ્ટ તમારી પીઠને સીધી કરવામાં કેટલી મદદ કરી શકે એ નિષ્ણાતો પાસેથી જાણીએ

પૉશ્ચર બેલ્ટ તમારા હેલ્થ રૂટીનનો એક ભાગ હોઈ શકે છે, પરંતુ એ સંતુલિત આહાર અને નિયમિત કસરતનો વિકલ્પ નથી.

આજના ડિજિટલ યુગમાં આપણે મોટા ભાગનો સમય ફોન, લૅપટૉપ કે ગૅજેટ્સ પાછળ વિતાવીએ છીએ. આ દરમિયાન આપણને ખ્યાલ પણ નથી રહેતો કે આપણી પીઠ અને ખભા ક્યારે નમી જાય છે. લાંબા ગાળે આ આદત પીઠનો દુખાવો, ગરદન જકડાઈ જવી, શ્વાસ લવામાં તકલીફ વગેરે જેવી સમસ્યાઓ નોતરે છે. આ સમસ્યાના ઉકેલ તરીકે આજકાલ પૉશ્ચર કરેક્ટિંગ બેલ્ટ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે, પરંતુ શું એ ખરેખર કાયમી ઉકેલ છે?

બેલ્ટનું કામ?

ઑર્થોપેડિક નિષ્ણાતોના મતે આ બેલ્ટનો મુખ્ય હેતુ તમારી પીઠને કાયમી ધોરણે સીધી કરવાનો નથી પરંતુ તમને જાગૃત કરવાનો છે. જ્યારે તમે આ બેલ્ટ પહેરો છો ત્યારે એ તમારા ખભાને પાછળની તરફ ખેંચે છે અને તમને સીધા બેસવા કે ઊભા રહેવા માટે યાદ અપાવે છે. એ એક રિમાઇન્ડર તરીકે કામ કરે છે કે તમે નમી રહ્યા છો.

ફાયદા?

ટૂંકા ગાળાની રાહત : જે લોકો લાંબા સમય સુધી બેસીને કામ કરે છે તેમને આ બેલ્ટ પહેરવાથી સ્નાયુઓના તનાવમાં થોડી રાહત મળે છે. 

જાગૃતિ વધારવી : એ તમારા સ્નાયુઓને યોગ્ય સ્થિતિમાં રહેવાની આદત પાડવામાં મદદ કરે છે. 

થાકમાં ઘટાડો : પીઠ સીધી રહેવાથી શરીરમાં ઊર્જાનું સ્તર જળવાઈ રહે છે અને થાક ઓછો લાગે છે. 

પીઠ કાયમી સીધી કરી શકે?

નિષ્ણાતો સ્પષ્ટ જણાવે છે કે બેલ્ટ તમારી પીઠને કાયમી ધોરણે સીધી કરી શકતો નથી. જો તમે માત્ર બેલ્ટ પર જ નિર્ભર રહો અને પીઠના સ્નાયુઓ મજબૂત કરવા માટે કસરત ન કરો તો બેલ્ટ કાઢ્યા પછી તમારું શરીર ફરીથી મૂળ સ્થિતિમાં આવી જશે.

વધુ વપરાશનાં જોખમો

સ્નાયુઓની નબળાઈ : જો તમે આખો દિવસ બેલ્ટ પહેરી રાખો છો તો તમારા શરીરના કુદરતી સ્નાયુઓ આળસુ બની જાય છે અને નબળા પડી શકે છે. 

ત્વચામાં બળતરા : સતત બેલ્ટ પહેરી રાખવાથી અથવા વધુપડતો ટાઇટ બાંધવાથી ત્વચા પર નિશાન કે બળતરા થઈ શકે છે. 

હલનચલનમાં અવરોધ : બેલ્ટ કુદરતી રીતે હલનચલન કરવાની ક્ષમતાને મર્યાદિત કરે છે.

કરવું શું?

જો તમે ખરેખર તમારા પૉશ્ચરને સુધારવા માગતા હો તો આ બેલ્ટને માત્ર એક સહાયક સાધન તરીકે વાપરો, કાયમી ઇલાજ તરીકે નહીં. 

કસરત : પીઠ, ખભા અને પેટના સ્નાયુઓને મજબૂત કરવાની કસરતો કરો.

બ્રેક લો : દર ૩૦-૪૦ મિનિટે કામમાંથી બ્રેક લો અને સ્ટ્રેચિંગ કરો. 

યોગ્ય અર્ગોનૉમિક્સ : તમારી ઑફિસની ખુરશી અને કમ્પ્યુટરની ઊંચાઈ એવી રીતે સેટ કરો કે તમારે નમવું ન પડે. 

healthy living health tips life and style lifestyle news columnists