શું સ્તનપાન કરાવવાથી સ્તન-કૅન્સર નથી થતું?

06 May, 2026 05:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડા સમય પહેલાં મારી એક પેશન્ટની દીકરીએ મને પૂછ્યું કે કોઈ પેરન્ટિંગ બુક વાંચતી વખતે તેણે જાણ્યું કે સ્તનપાન કરાવવાથી સ્તન-કૅન્સર થતું નથી. તે ખુદ પ્રેગ્નન્ટ હતી અને તેની મમ્મીએ તેને સ્તનપાન કરાવ્યું જ હતું. છતાં તેને તો બ્રેસ્ટ-કૅન્સર થયું.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

થોડા સમય પહેલાં મારી એક પેશન્ટની દીકરીએ મને પૂછ્યું કે કોઈ પેરન્ટિંગ બુક વાંચતી વખતે તેણે જાણ્યું કે સ્તનપાન કરાવવાથી સ્તન-કૅન્સર થતું નથી. તે ખુદ પ્રેગ્નન્ટ હતી અને તેની મમ્મીએ તેને સ્તનપાન કરાવ્યું જ હતું. છતાં તેને તો બ્રેસ્ટ-કૅન્સર થયું. એટલે તેને આ વાત પર પ્રશ્ન થયો કે મમ્મીને પણ એ રોગ નહોતો થવો જોઈતો. તેણે મને પૂછ્યું કે શું સ્તનપાન અને બ્રેસ્ટ-કૅન્સર વચ્ચે કોઈ સંબંધ છે? સ્તનપાન બાળક માટે તો સારું છે જ, પરંતુ શું મમ્મી માટે પણ એટલું જ સારું છે?

સમજવાની વાત એ છે કે શરીરમાં કોઈ પણ અંગનો એક હેતુ છે. એ હેતુસર તમે એની પાસે કામ ન લો તો એમાં તકલીફ ઊભી થઈ શકે છે. સ્તનનું કામ જ રીપ્રોડક્શન અંગ તરીકેનું છે. જ્યારે બાળક થાય ત્યારે તેના પોષણ માટે સ્ત્રીના શરીરમાં જે દૂધ બને છે એ બાળકને પિવડાવવું જરૂરી છે. આમ તો દૂધ લાંબા સમય સુધી બાળકને પિવડાવવું જોઈએ, પરંતુ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ગાઇડલાઇન્સ મુજબ ઓછામાં ઓછા ૬ મહિના સુધી સ્તનપાન જરૂરી છે. સ્ત્રી જ્યારે કોઈ પણ કારણસર સ્તનપાન નથી કરાવી શકતી ત્યારે તેના શરી૨માં આવતા હૉર્મોનલ બદલાવોને કારણે બ્રેસ્ટ-કૅન્સર થવાનું રિસ્ક વધી જાય છે.

તમને એક ઉદાહરણ આપું કે કોઈ એક સ્ત્રીએ સ્તનપાન કરાવ્યું છતાં તેને બ્રેસ્ટ-કૅન્સર થયું. તો સમજવાની વાત એ છે કે સ્તનપાન ન કરાવવું એ જ બ્રેસ્ટ-કૅન્સર થવા માટેનું એકમાત્ર રિસ્ક-ફૅક્ટર નથી. સ્ત્રી હોવું એ જ પોતાનામાં મોટું રિસ્ક-ફૅક્ટર છે સ્તનપાન માટેનું. આ સિવાય ફૅમિલી-હિસ્ટરી, સ્મોકિંગ, ઓબેસિટી, ખોટી લાઇફસ્ટાઇલ જેવાં ઘણાં કારણો છે જે બ્રેસ્ટ-કૅન્સર માટે જવાબદાર બને છે. આપણે સ્ત્રી હોવાનું તો ટાળી શકતા નથી કે પછી ઘરમાં જો કોઈને બ્રેસ્ટ-કૅન્સર થયું હોય તો એ રિસ્કને પણ ટાળી શકતા નથી; પરંતુ સ્તનપાન ન કરાવવાથી ઊભા થતા રિસ્કને તો રોકી શકીએ છીએ, સ્મોકિંગ અને આલ્કોહોલ જેવી ખોટી આદતોથી દૂર રહી શકીએ છીએ, રેગ્યુલર એક્સરસાઇઝ અને હેલ્ધી ડાયટ વડે ઓબેસિટી ટાળી શકીએ છીએ, સ્ટ્રેસથી બચીને મેન્ટલ હેલ્થ સાચવી શકીએ છીએ. આ બધું ધ્યાન રાખવું, આ રીતે બ્રેસ્ટ-કૅન્સરનું રિસ્ક ઓછું કરવું આપણા હાથમાં છે. હા, એ હકીકત છે કે સ્તનપાનથી ફક્ત બાળકને જ નહીં, માતાને પણ ઘણા ફાયદાઓ થાય છે. એક સ્ત્રી તરીકે અને એક મા તરીકે પણ બાળકને તેના સ્તનપાનનો હક આપવો જરૂરી છે. આ ઉપરાંત જો ઘરમાં કોઈને બ્રેસ્ટ-કૅન્સર થયું હોય તો રેગ્યુલર ચેકઅપ દ્વારા લેવાનારી સતર્કતા પણ એટલી જ જરૂરી છે.

cancer parenting tips health tips medical information life and style lifestyle news