સ્તનપાન કરાવતી મહિલાઓ કોવિડની રસી કેટલી સલામત જાણો એક્સપર્ટ પાસેથી

03 August, 2021 07:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્તનપાન કરાવતી મહિલાઓ અને કોવિડ-19 રસી સાથે સંબંધિત મર્યાદિત ડેટા ઉપલબ્ધ હોવા છતાં કોવિડ-19 તમામને અસર કરી શકે છે એ સમજવું મહત્વપૂર્ણ છે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતી મિડ-ડે ડોટ કૉમે વાત કરી  પી ડી હિંદુજા હૉસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચમાં કાર્યરત ડૉ. શિરાઝ વઝિફદાર, કન્સલ્ટન્ટ, ગાયનેકોલોજી એન્ડ ઓબ્સ્ટેટ્રિક્સ સાથે અને જાણ્યું કે સ્તનપાન કરાવતી મહિલાઓ માટે રોગચાળાના સમયે તેની સામેની સુરક્ષા સમાન વેક્સિન લેવી કેટલી સલામત છે. જાણો ડૉક્ટરનો મત.

જ્યારે દેશમાં વિવિધ વયજૂથના લોકો માટે રસીકરણ અભિયાન આગળ વધી રહ્યું છે, ત્યારે કેટલીક સ્તનપાન કરાવતી મહિલાઓ દ્વિધામાં છે કે, કોવિડ-19 રસીનો ડોઝ લેવો કે પછી થોડા મહિના રાહ જોવી. સ્તનપાન કરાવતી મહિલાઓ માટે સૌથી મોટી ચિંતા સ્તનપાનના પુરવઠા અને રસીની તેમના સ્તનપાન પર અસરને લઈને હોય છે. આ સ્તનપાન સપ્તાહમાં ચાલો આપણે રસી અને સ્તનપાન સાથે સંબંધિત કેટલાંક ભ્રમો તોડીએ અને તેમની ચિંતાઓ દૂર કરીએ, જેથી સ્તનપાન કરાવતી મહિલાઓને સાચી માહિતી મળે.

ઘણા ડૉક્ટર્સને સ્તનપાન કરાવતી મહિલાઓ પૂછે છે કે, જો તેઓ કોવિડ-19 રસી લેશે, તો તેમના બાળકો પર કોઈ આડઅસર થશે કે નહીં. સ્તનપાન કરાવતી ઘણી માતાઓએ રસીના ઘટકોને પણ ચિંતાજનક ગણાવ્યા હતા અને એવી અફવા પર ચિંતા વ્યક્ત કરી હતી કે, રસીના ઘટકોથી ખરેખર સ્તનમાંથી દૂધનો પુરવઠો ઓછો થાય છે?

સ્તનપાન કરાવતી મહિલાઓ અને કોવિડ-19 રસી સાથે સંબંધિત મર્યાદિત ડેટા ઉપલબ્ધ હોવા છતાં કોવિડ-19 તમામને અસર કરી શકે છે એ સમજવું મહત્વપૂર્ણ છે. કોઈ પણ જાતિ કે વય ધરાવતી વ્યક્તિને કોરોનાવાયરસનું ઇન્ફેક્શન થઈ શકે છે, જેમાં સ્તનપાન કરાવતી માતાઓ પણ સામેલ છે. એટલે સ્તનપાન કરાવતી માતાઓ સલામત રહે એ મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ બાળક સાથે ગાઢ સંપર્કમાં હોય છે. એ જ રીતે આ સમજવું પણ પડશે કે ભારતમાં ઉપલબ્ધ મોટા ભાગની કોવિડ રસીમાં નિષ્ક્રિય વાયરસ છે. એટલે રસીના ઘટકો વિશે ચિંતિત મહિલાઓએ રસીની આડઅસરો અને દૂધના પુરવઠા પર નુકસાનકારક અસરોની ચિંતા કરવાની જરૂર નથી.

તાજેતરમાં ભારત સરકારે જાહેરાત કરી હતી કે, સ્તનપાન કરાવતી માતાઓ અને ગર્ભવતી મહિલાઓ કોવિડ-19ની રસી લઈ શકે છે. હકીકતમાં ફેડરેશન ઓફ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા (એફઓજીએસઆઈ)એ પણ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે કોવિડ-19 રસીના ફાયદા પર સરકાર અને આરોગ્ય મંત્રાલયને તેમની ભલામણો સુપરત કરી દીધી છે. આ ભલામણોમાં રસી લેવા પર સુમાહિતગાર નિર્ણય લેવાની મહિલાઓને છૂટ સામેલ છે. ઉપરાંત તાજેતરમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, મહામારીની પ્રથમ અને બીજી લહેરમાં કોવિડ-19 સાથે સંબંધિત ન્યૂમોનિયા અને શ્વાસોશ્વાસની સમસ્યાઓને કારણે માતાઓના મૃત્યુમાં વધારો થયો હોવાથી સ્તનપાન કરાવતી અને ગર્ભવતી મહિલાઓ માટે રસીકરણ મહત્વપૂર્ણ છે.

આરોગ્ય નિષ્ણાતો, ખાસ કરીને ગાયનેકોલોજિસ્ટ અને કન્સલ્ટન્ટ ઓબ્સ્ટેટ્રિક્સે દ્રઢતાપૂર્વક ભલામણ કરી છે કે, રસી લેવાથી બે પ્રકારનું રક્ષણ મળે છે – સ્તનપાન કરનાર માતાને અને બાળકને.

કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

આ સ્તનપાન સપ્તાહમાં ચાલો આપણે સાચી માહિતીનો પ્રસાર કરીએ અને ખોટી ધારણાઓ અને અફવાઓ ફેલાતી અટકાવીએ, જેથી નોવેલ કોરોનાવાયરસના ઇન્ફેક્શનથી સ્તનપાન કરાવતી મહિલાઓને રક્ષણ મળે.

 

*****

health tips covid vaccine