19 August, 2026 06:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉ. જય અનમ
સ્તન-કૅન્સરનું નિદાન થતાં ઘણી મહિલાઓ માટે પહેલો ડર પોતાનાં સ્તન ગુમાવવાનો હોય છે અને જ્યારે સ્તન બચાવવાની સારવાર જેને બ્રેસ્ટ કન્ઝર્વેશન કહે છે એનો વિકલ્પ આપવામાં આવે છે ત્યારે બીજો ડર પાછળ-પાછળ આવે છે કે જો હું મારું સ્તન રાખીશ તો શું કૅન્સર પાછું આવશે? સ્તન બચાવવાની સારવાર એ માત્ર ગાંઠ દૂર કરીને બાકીના સ્તનને એમ જ છોડી દેવાની પ્રક્રિયા નથી. આ સર્જરીમાં કૅન્સરને સ્વસ્થ પેશીઓની યોગ્ય કિનારી સાથે દૂર કરવામાં આવે છે અને મોટા ભાગના કિસ્સાઓમાં બાકીના સ્તન પર રેડિયેશન થેરપી આપવામાં આવે છે. આનો ઉદ્દેશ કૅન્સરની સારવાર કરવાનો છે. એની સાથે જ જેટલી શક્ય હોય એટલી સુરક્ષિત રીતે સ્તનને બચાવવાનો પ્રયાસ થાય છે.
બીજા પ્રકારની સર્જરી એટલે મસ્ટેક્ટોમી. આ સર્જરીમાં અસરગ્રસ્ત આખું સ્તન એટલે કે સ્તનની તમામ પેશીઓ, નિપલ અને ચામડીનો અમુક ભાગ એમ સંપૂર્ણપણે સ્તન દૂર કરવામાં આવે છે. કૅન્સરગ્રસ્ત પેશીઓને સંપૂર્ણપણે શરીરમાંથી બહાર કાઢવી એ આ સર્જરીનો મુખ્ય ઉદ્દેશ હોય છે. ખાસ કરીને જ્યારે ગાંઠ મોટી હોય, સ્તનમાં એકથી વધુ જગ્યાએ કૅન્સર ફેલાયેલું હોય અથવા જો દરદી રેડિયેશન થેરપી લઈ શકે એમ ન હોય તો આ પ્રકારની સર્જરી સજેસ્ટ કરવામાં આવે છે.
તો પછી નક્કી કઈ રીતે થાય કે સર્જરીમાં સ્તન આખું કાઢી નાખવું કે ફક્ત અસરગ્રસ્ત ભાગ? તો આ નિર્ણય હંમેશાં ગાંઠ, એનું બાયોલૉજી, કૅન્સરનું સ્ટેજ, સ્તનની સાઇઝ, દરદીની પસંદગીઓ અને એકંદર સારવાર યોજનાના આધારે વ્યક્તિગત રીતે થાય છે. સ્તન-કૅન્સરના દરદી માટે બ્રેસ્ટ કન્ઝર્વિંગ સર્જરી કરવી કે મસ્ટેક્ટોમી એનો નિર્ણય ઑન્કો-સર્જ્યન કયા પરિબળોના આધારે લે છે એ સમજીએ.
સર્જ્યન માટે કૅન્સર અને સ્તન સંબંધિત પરિબળો સમજવાં મહત્ત્વનાં છે. જો સ્તનની સરખામણીમાં ગાંઠ નાની હોય તો લમ્પેક્ટોમી શક્ય છે. જો સ્તનના કદની સરખામણીએ ગાંઠ મોટી હોય તો મસ્ટેક્ટોમીની ભલામણ કરવામાં આવે છે. આ સિવાય ગાંઠોની સંખ્યા. જો સ્તનમાં એકથી વધુ જગ્યાએ કૅન્સરની ગાંઠો હોય તો સામાન્ય રીતે આખું સ્તન દૂર કરવું વધુ સુરક્ષિત ગણાય છે. કૅન્સરનું શરૂઆતનું સ્ટેજ હોય તો લમ્પેક્ટોમી કરી શકાય છે, જ્યારે કૅન્સર વધુ ફેલાયેલું કે અદ્યતન તબક્કામાં હોય ત્યારે મસ્ટેક્ટોમી જરૂરી બને છે.
લમ્પેક્ટોમી પછી રેડિયેશન થેરપી લેવી ફરજિયાત હોય છે. જો દરદી ગર્ભવતી હોય, ભૂતકાળમાં છાતીના ભાગમાં રેડિયેશન લીધું હોય તો તે રેડિયેશન મેળવી શકતી નથી. આવા કિસ્સામાં મસ્ટેક્ટોમી કરવી પડે છે. જો દરદીમાં BRCA1 કે BRCA2 જેવા કૅન્સર માટેના જનીન મ્યુટેશન પૉઝિટિવ આવે તો કૅન્સર ફરી થવાનું જોખમ રહે છે. તેથી ઘણા દરદીઓ મસ્ટેક્ટોમી પસંદ કરે છે. આમ બન્નેમાંથી એક સર્જરીની પસંદગી વિચારીને કરવી પડે છે.