18 October, 2022 12:46 PM IST | Mumbai | Dr. Suruchi Desai
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
હું ૪૨ વર્ષની છું. બે દિવસ પહેલાં સેક્સ પછી મને થોડું બ્લીડિંગ થયેલું. મને લાગ્યું કે આ મહિને મારા પિરિયડ્સ આવ્યા ત્યારે બ્લીડિંગ યોગ્ય નહોતું થયું. પરંતુ પિરિયડ્સ તો ૧૦ દિવસ પહેલાં આવેલા. શું ૧૦ દિવસ પછી પણ અચાનક બ્લીડિંગ આવી શકે? મને સમજાતું નથી કે મારે કંઈ કરવું કે કંઈ કરવાની જરૂર નથી, એની મેળે એ ઠીક રહેશે?
શરીરમાં કોઈ પણ જાતનું બ્લીડિંગ કારણ વગરનું ભાગ્યે જ હોય. વળી, કોઈ પણ સ્ત્રીએ વજાઇનલ બ્લીડિંગને અવગણવું નહીં, એ નિયમ ધ્યાનમાં રાખવો. વજાઇનલ બ્લીડિંગમાં એવું હોઈ શકે કે ક્યારેક પિરિયડ સાઇકલની વચ્ચે એકાદ સ્પોટિંગ થાય અને એની પાછળ કોઈ કારણ હોય જ નહીં. થાય અને પછી ઠીક થઈ જાય, પરંતુ તમને આ સ્પોટિંગ સેક્સ કર્યા પછી થયું છે એટલે એની પાછળ ઘણી બધી શક્યતા રહેલી છે. પહેલાં તો એ કે અચાનક થઈ જતા સ્પોટિંગની જેમ જ એ થયું અને સેક્સ પછી થયું તો ખાસ ચિંતા જેવું નથી. ઘણી વાર ૪૦ વર્ષની ઉંમર પછી પણ પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ થવાની શક્યતા રહે છે તો ત્યારે પિરિયડ્સ અનિયમિત બની જતા હોય છે. આવું થયું હોય તો તમારે તમારી લાઇફસ્ટાઇલ સુધારવી પડે અને પિરિયડ્સ નિયમિત કરવા પડે.
પરંતુ આ સિવાયનાં કારણોમાં બને કે વજાઇના એકદમ ડ્રાય હોય તો તમને લોહી નીકળ્યું હોય, માટે તમને લુબ્રિકેશનની જરૂર છે. જો તમારી વજાઇના ડ્રાય હશે તો તમને ઇન્ટિમસી દરમ્યાન પીડા પણ થતી હશે. બીજાં કારણો સર્વાઇકલ રીલેટેડ હોય છે. સર્વિક્સ એટલે કે ગર્ભાશયના મુખમાં કોઈ ઇન્ફેક્શન હોય તો એ ઇન્ફેક્શનને કારણે બ્લીડિંગ થઈ શકે. મુખ પાસે માસ હોય તો પણ બ્લીડિંગ થઈ શકે. આ કયા પ્રકારનું ઇન્ફેક્શન છે એની તપાસ કરવી પડે. આ સિવાય સર્વાઇકલ કૅન્સર કે રીપ્રોડક્ટિવ ઑર્ગન્સ એટલે કે ગર્ભાશયનું કૅન્સર પણ હોઈ શકે. આ ચિહ્ન કૅન્સર માટેનું ખૂબ જ અગત્યનું ચિહ્ન પણ હોઈ શકે. આમ જ્યારે તમને આ ચિહ્ન દેખાયું છે તો ગફલતમાં રહી ન શકાય. જરૂરી છે કે તમે ડૉક્ટર પાસે ચેક-અપ કરાવો અને આ તકલીફ પાછળ શું કારણ જવાબદાર છે એનું નિદાન કરાવો. વાત ડરવાની નથી, પણ અમુક ચિહ્નને તમે જેટલાં અવગણો એટલી તકલીફ વધુ થવાની શક્યતા રહે. જે ન કરવું.