ઊંટવૈદોથી ચેતી જાઓ, આયુર્વેદિક દવાઓના નામે તેઓ તમને ઠગી રહ્યા છે

20 June, 2024 07:25 AM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

સમજ્યા-વિચાર્યા વગર દવાઓ લેવી એ પણ યોગ્ય નથી. દવા અંતે દવા છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આયુર્વેદિક દવાઓ માટે અલગ-અલગ માન્યતાઓમાં એક માન્યતા એ પણ છે કે એમાં હેવી મેટલ અને ભસ્મ જેવી વસ્તુઓ હોય છે જે કિડની અને ​લિવરને ખરાબ કરે છે. સામાન્યરૂપે આયુર્વેદિક દવાઓમાં એવું કશું ભેળવાતું નથી. કેટલાક કલ્પોમાં ભસ્મ હોય છે જેમને વૈદ્યના માર્ગદર્શન હેઠળ લેવા જરૂરી છે. તો ખાલી ડરો નહીં. ઘણા લોકોને એવી પણ ખોટી ધારણા મગજમાં ઘર કરી ગયેલી છે કે આ દવાઓ ઘણી ગરમ પડે છે. એને કારણે લોકો આ દવાઓ લેતાં ડરે છે. આ ન ખવાય અને આટલું ન ખવાયની ધારણાઓ પર ઇલાજ ન થઈ શકે. કોઈ એક વ્યક્તિને અમુક દવાઓ માફક ન આવી એટલે તમને પણ નહીં જ આવે એવું વિચારીને બેસવું ઠીક નથી. આવું કરવાથી એના ફાયદાથી તમે દૂર થઈ જાઓ છો.

બીજી બાજુ એનો અતિરેક પણ યોગ્ય નથી. સમજ્યા-વિચાર્યા વગર દવાઓ લેવી એ પણ યોગ્ય નથી. દવા અંતે દવા છે. એને યોગ્ય રીતે, યોગ્ય માત્રામાં અને વૈદ્યના ગાઇડન્સ હેઠળ જ લેવી જોઈએ. દવાઓનો અનિયંત્રિત ઉપયોગ જીવલેણ સાબિત થઈ શકે છે. આયુર્વેદિક દવાના નામે જે વેચાય એ બધું હંમેશાં સુરક્ષિત જ હોય એમ માનીને એને કેમિસ્ટ પાસેથી કે કોઈ પણ વ્યક્તિ પાસેથી લઈ શકાય એવું સમજવું જ ખોટું છે. હાલમાં જ અમારી પાસે પંચાવન વર્ષની મહિલા આવી હતી જે સાંધાની અસહ્ય પીડા ભોગવી રહી હતી. તેને પૂછ્યું કે શું દવાઓ કરી છે? તો ખબર પડી કે તે આયુર્વેદિક પડીકામાં દવાઓ આપતા કોઈ ઊંટવૈદ પાસેથી છેલ્લાં બે વર્ષથી દવા લઈ રહી હતી. જ્યાં સુધી એ પડીકાવાળી દવા ચાલુ ત્યાં સુધી સારું રહેતું અને જેમ એ દવા બંધ કરે એટલે તકલીફ બમણી થઈ જતી હતી. મોટા ભાગે લોકો સાંધાનાં દરદો, અસ્થમા, ઍલર્જી, ચામડીના રોગોમાં આ પ્રકારના ઊંટવૈદો પાસે જતા હોય છે. લોકોને લાગે છે કે આ દવાઓ કોઈ પણ રીતે નુકસાનકારક હોતી નથી એટલે વગર કોઈ તકલીફે તેઓ એ દવાઓ લઈ લેતા હોય છે. હકીકત એ છે કે આ રીતે દવાઓ લઈને લોકો પોતાના જીવન સાથે રમત રમી રહ્યા છે. ધુતારા લોકો ભોળા લોકોને આ રીતે ઠગી રહ્યા છે. આવા લેભાગુઓ તમને વધુ તકલીફમાં નાખશે એટલે તેમનાથી બચો. તે સ્ત્રીને આ દવાની અસરમાંથી બહાર કાઢતાં અમને બે મહિના લાગી ગયા હતા.

પહેલાં તો કોઈ જાણકાર વૈદ્યને જ તમારી તકલીફ જણાવો. પછી વૈદ્ય જેટલા સમય માટે જે દવા લેવાનું કહે એ દવા એટલા જ સમય માટે ખાવાનું રાખો. કોઈ પણ તકલીફ નહીં થાય. ઊલટું તમારા રોગનું નિદાન યોગ્ય થશે અને એનો ઇલાજ પણ.

health tips life and style columnists