નાગરવેલનું પાન ફક્ત મુખવાસ નથી, અનેક રોગોની ઔષધી છે

26 March, 2026 02:06 PM IST  |  Mumbai | Heena Patel

મુખવાસ તરીકે જમ્યા પછી પાન ચાવવાની પરંપરા વર્ષોથી આપણે ત્યાં છે જ ત્યારે મૉડર્ન સાયન્સ પણ માને છે કે નાગરવેલનું પાન ડાયાબિટીઝ કન્ટ્રોલ કરવામાં, પાચન સુધારવામાં, મોઢાની દુર્ગંધ દૂર કરવામાં, કફ મટાડવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે

પ્રતીકાત્મક તસવીર

ટીવી-અભિનેત્રી ઐશ્વર્યા સખુજા જેને ૨૦૧૮માં ટાઇપ-૧ ડાયાબિટીઝ હોવાનું નિદાન થયું હતું તેણે તાજેતરમાં શૅર કર્યું કે તેના ન્યુટ્રિશનિસ્ટે તેની ડાયટમાં HbA1c (ગ્લાયકેટેડ હીમોગ્લોબિન) ઘટાડવા માટે નાગરવેલનાં પાન ઉમેર્યાં છે. HbA1c એ છેલ્લા ત્રણ મહિનાના સરેરાશ બ્લડશુગર લેવલને સૂચવે છે. આપણી ભારતીય પરંપરામાં જમ્યા પછી પાન ખાવાની રીત સદીઓથી ચાલી આવે છે. મોટા ભાગના લોકો એને માત્ર મોઢાની ચોખ્ખાઈ કે સ્વાદ માટે ખાતા હોય છે પરંતુ આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બન્ને માને છે કે નાગરવેલનું પાન અનેક ઔષધીય ગુણો ધરાવે છે. એ‍વામાં આજે પણ નાગરવેલના પાનના ફાયદા, એનો ઉપયોગ કરવાની યોગ્ય રીત વિશે ડાયટિશ્યન શર્મિલા મહેતા પાસેથી તેમના જ શબ્દોમાં જાણી લઈએ...

ડાયાબિટીઝ કન્ટ્રોલ કરે

નાગરવેલના પાનમાં એવાં ખાસ તત્ત્વો હોય છે જે શરીરના કોષોને ઇન્સ્યુલિન પ્રત્યે વધુ સક્રિય બનાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે શરીરમાં ઇન્સ્યુલિન સારી રીતે કામ કરવા લાગે છે ત્યારે લોહીમાં રહેલી શુગર (ગ્લુકોઝ) લોહીમાં જમા થવાને બદલે શરીરને શક્તિ આપવામાં વપરાઈ જાય છે. જે લોકો ડાયાબિટીઝ કે બ્લડશુગરને કન્ટ્રોલમાં રાખવા માગતા હોય તેમના માટે નાગરવેલનું પાન મદદગાર સાબિત થઈ શકે છે, કારણ કે એ શરીરની શર્કરાને પચાવવાની શક્તિ વધારે છે.

પાચન સુધારે

નાગરવેલના પાનનું સેવન કરવાથી એ શરીરમાં ડાઇજેસ્ટિવ એન્ઝાઇમ્સને સક્રિય કરે છે જે ખોરાકના પાચનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ પાન ચાવવાથી મોઢામાં લાળનું ઉત્પાદન વધે છે જે ખોરાકને સરળતાથી તોડવામાં અને પચાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રક્રિયાના કારણે જમ્યા પછી અનુભવાતું પેટનું ભારેપણું, ગૅસ અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓમાં ઘટાડો થાય છે. વાસ્તવમાં સ્વસ્થ પાચનતંત્ર એ મજબૂત મેટાબોલિઝમ અને સારા સ્વાસ્થ્યનો પાયો છે. નાગરવેલનું પાન પાચનમાર્ગમાં એક તંદુરસ્ત વાતાવરણ તૈયાર કરે છે જે લાંબે ગાળે શરીરની આંતરિક કાર્યક્ષમતામાં સુધારો લાવે છે.

ઍન્ટિ-ઑક્સિડન્ટ ગુણો

આજકાલનાં પ્રદૂષણ, માનસિક તનાવ અને બગડેલી ખાણીપીણીને કારણે આપણા શરીરમાં ઝેરી તત્ત્વો (ફ્રી રૅડિકલ્સ) વધતાં જાય છે જે કોષોને નુકસાન પહોંચાડે છે. નાગરવેલના પાનમાં ભરપૂર પ્રમાણમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે જે આ નુકસાનકારક તત્ત્વોને ખતમ કરવામાં મદદ કરે છે. એ શરીરના કોષોનું રક્ષણ કરે છે જેનાથી વધતી ઉંમરની અસરો ધીમી પડે છે અને લાંબા ગાળે થતી હૃદયરોગ, કૅન્સર, ટાઇપ-ટૂ ડાયાબિટીઝ, મગજની બીમારીઓ, લિવર અને કિડનીની સમસ્યાઓ જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઘટાડે છે. ટૂંકમાં એ શરીરને અંદરથી સાફ રાખીને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.

ઇન્ફ્લમેશન ઘટાડે

આજકાલની જીવનશૈલીમાં ડાયાબિટીઝ, પાચનની સમસ્યાઓ અને હૉર્મોન્સનું અસંતુલન જેવી બીમારીઓ પાછળનું મુખ્ય કારણ શરીરમાં લાંબા સમયથી ચાલતો અંદરનો સોજો એટલે કે ક્રૉનિક ઇન્ફ્લમેશન હોય છે. ઘણી વાર આપણને ખબર પણ નથી હોતી અને શરીરની અંદર આ પ્રક્રિયા ચાલતી હોય છે. નાગરવેલના પાનમાં એવાં કુદરતી તત્ત્વો હોય છે જે આ આંતરિક સોજાને શાંત કરવામાં અને શરીરને અંદરથી સાજું કરવામાં મદદ કરે છે. એ શરીરની રોગપ્રતિકારક શક્તિને સંતુલિત રાખીને ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે.

ઓરલ હાઇજીન સુધારે

નાગરવેલનું પાન મોઢાના સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે. પાનમાં ઍન્ટિબૅક્ટેરિયલ ગુણો હોય છે જે મોઢામાં દુર્ગંધ પેદા કરતા બૅક્ટેરિયાનો નાશ કરે છે. એ લાળના ઉત્પાદનને વધારે છે જે મોઢાને સાફ રાખવામાં અને શ્વાસને તાજગી આપવામાં મદદરૂપ થાય છે. પાન ચાવવાથી મોઢાનું pH લેવલ સંતુલિત રહે છે. એ દાંત પર જામતા પ્લૅકને દૂર કરવામાં અને ઍસિડિક વાતાવરણને ઓછું કરવામાં મદદ કરે છે, જેથી દાંતના સડાનું જોખમ ઘટે છે.

રેસ્પિરેટરી હેલ્થ માટે

નાગરવેલનું પાન શ્વસનતંત્રના સ્વાસ્થ્ય માટે ખાસ કરીને એના ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી, ઍન્ટિબૅક્ટેરિયલ અને કફનિવારક ગુણોને કારણે અત્યંત ઉપયોગી છે. એ ફેફસાંમાં જમા થયેલા કફને દૂર કરવામાં અને શ્વાસનળીના સોજાને ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી અસ્થમા, ઉધરસ અને બ્રૉન્કાઇટિસ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. પરંપરાગત રીતે પાનને હળવું ગરમ કરીને છાતી પર શેક કરવા માટે વાપરવામાં આવે છે અથવા એના રસને મધ સાથે ભેળવીને લેવાથી ઉધરસ અને કફમાં તરત રાહત મળે છે.

પાનનું સેવન કેવી રીતે કરવું?

નાગરવેલના પાનનો મહત્તમ લાભ લેવા માટે એના સેવનની રીત પણ એટલી જ મહત્ત્વની છે. જમ્યા બાદ એક તાજું અને વ્યવસ્થિત સાફ કરેલું પાન ધીમે-ધીમે ચાવીને ખાવું એ શ્રેષ્ઠ રીત માનવામાં આવે છે, કારણ કે એનાથી લાળગ્રંથિઓ સક્રિય થાય છે અને પાચનપ્રક્રિયા તરત વેગ પકડે છે. આ સિવાય જેમને પાન ચાવવું અનુકૂળ ન હોય તેઓ એક પાનને પાણીમાં ઉકાળી એ પાણી થોડું ઠંડું થયા બાદ ગાળીને પી શકે છે. આ બન્ને રીતો શરીરના આંતરિક શુદ્ધીકરણમાં અને મેટાબોલિઝમને વેગ આપવામાં અત્યંત અસરકારક સાબિત થાય છે. ડાયાબિટીઝના દરદીઓએ જ્યારે પાન ચાવીને ખાવું હોય ત્યારે એમાં ગુલકંદ, ખાંડ, જેઠીમધ કે કોઈ પણ ગળ્યા પદાર્થો ઉમેરવાને બદલે માત્ર સાદું પાન જ લેવું જોઈએ. આ જ રીતે પાનનું પાણી બનાવીને પીતી વખતે પણ એમાં મધ કે સાકર ઉમેરવાનું ટાળવું જોઈએ. પાન ખાતી વખતે એમાં તમાકુ, સોપારી કે ગળ્યા મસાલા ઉમેરવાનું ટાળવું જોઈએ. આ વસ્તુઓ ઉમેરવાથી પાનના કુદરતી ફાયદાઓ ખતમ થઈ જાય છે અને એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

healthy living health tips life and style lifestyle news columnists