07 June, 2026 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૩૯ અઠવાડિયાંની પ્રેગ્નન્સીમાં આવાં ઍડ્વાન્સ યોગાસન કરાય?
પ્રેગ્નન્સીમાં એક્સરસાઇઝ કરાય કે નહીં? કરાય તો કેટલી કરાય? એનાથી બાળકને નુકસાન તો નહીં થાયને? આવા સવાલો અનેક સ્ત્રીઓને થતા હશે. એવામાં બૅન્ગલોરની શશી પ્રભા દ્વિવેદીએ શૅર કરેલું ખાસ ફોટોશૂટ ચર્ચાનો વિષય બન્યું છે. શશી પ્રભાએ કોઈ સામાન્ય યોગાભ્યાસુને કરવામાં કઠિન પડે એવાં એક-એકથી જટિલ આસનોમાં પોઝ આપ્યો છે. એ પણ મજાની નવવારી સાડી પહેરીને. દેખાવમાં આ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. મા બનવાની આ પ્રક્રિયામાં એક પણ દિવસ એવો નથી કે શશી પ્રભાએ યોગાસનો ન કર્યાં હોય. હવે જ્યારે ડિલિવરીના છેલ્લા દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે પણ તેણે એમાં કોઈ બાંધછોડ કરી નથી. હવે તે ડિલિવરીમાં સરળતા થાય એવી કસરતો કરતા વિડિયો પોસ્ટ કરી રહી છે. જોકે ગયા અઠવાડિયે તેણે પ્રેગ્નન્સીના ચરમ કહેવાય એવા દિવસોમાં ભલભલાને પસીનો પડાવી દે એવાં આસનો પર્ફોર્મ કરીને લોકોને ચકિત કરી દીધા હતા. પહેલી નજરે જોઈને શશી પ્રભાની શારીરિક ક્ષમતા, ફ્લેક્સિબિલિટી, સંતુલન અને દરેક પોઝમાં જે ક્લીનલીનેસ છે એ જોઈને માન થાય. જોકે તરત બીજો સવાલ થાય કે શું આવાં આસનો કરવાથી તેના બાળકને કોઈ નુકસાન તો નહીં થાયને? આના બે જવાબો હોઈ શકે.
યોગનિષ્ણાતોમાં પણ બે મત છે. એક મત કહે છે કે પ્રેગ્નન્સી એવી અવસ્થા છે જેમાં શરીરને કસાયેલું રાખવા માટે જરૂરી યોગાસનો કરવાં જ જોઈએ, પરંતુ અઘરાં પોઝ કરવાથી વધુ ફાયદો થશે એવું માનવું નહીં. બીજો મત કહે છે કે જટિલ યોગાસન વખતે એકાદી નાની ચૂક બાળક અને મા બન્નેના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. શશી પ્રભા કદાચ વર્ષોથી યોગાભ્યાસુ રહી છે એટલે ચક્રાસન, મયૂરાસન, વક્રાસન, વૃશ્ચિકાસન, બકાસન જેવા પોઝ કરવા માટે તેનું શરીર ઑલરેડી કેળવાયેલું છે અને પ્રેગ્નન્ટ થયા પછી પણ તેણે રોજેરોજ આ પ્રૅક્ટિસ ચાલુ રાખી છે. એને કારણે તેનું શરીર અને તેના ગર્ભમાં ઊછરી રહેલા બાળક બન્ને માટે આ કોઈ મેજર અને કપરી કસરત જેવું નથી. જોકે આ પ્રકારે વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર મૂકવા બદલ અનેક લોકોએ તેને ટ્રોલ કરી છે. થોડાક વ્યુઝ માટે પોતાના અને આવનારા સંતાનના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવા બદલ લોકોએ તેની ભરપૂર ટીકા કરી છે. આવા જોખમી સ્ટન્ટ્સ પ્રેગ્નન્સી દરમ્યાન કરવાની શું જરૂર છે?