02 June, 2026 11:12 AM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
કેટલીક પરંપરાઓ જળવાઈ રહે છે તો કેટલીક બદલાતી રહે છે તો કેટલીક નાશ પામે છે. ઘણી પરંપરા એવી છે જેનો નાશ સમાજનો ઉદ્ધાર કરે છે તો કેટલીક એવી છે જેનો નાશ આપણું ખૂબ મોટું નુકસાન સાબિત થાય છે. ગ્લોબલ વૉર્મિંગને કારણે ઉનાળામાં પહેલાં કરતાં અત્યારે ગરમી ખૂબ વધી ગઈ છે. અત્યારે સહન ન થતી ગરમીનો તોડ આપણી પાસે AC છે. ૨૪ કલાક આપણે ACમાં જ રહીએ છીએ. એમ છતાં ગરમીમાં ઘરની કે ઑફિસની બહાર નીકળવું તો પડે જ છે અને જેવા બહાર નીકળ્યા એટલે ગરમી પોતાનું કામ કરવા લાગે છે. આ સીઝનમાં ACમાં રહેવા છતાં લોકોને ગરમી સંબંધિત બીમારીઓ થાય જ છે. જેમ કે ગરમીના ફોલ્લા, ગરમીને કારણે થતો ખોડો, મંદ પાચન, ઍસિડિટી, માથાનો દુખાવો વગેરે. આ બીમારીઓ થવાનું કારણ એ છે કે AC બહારથી આપણને ચોક્કસ ઠંડક આપે છે પણ શરીરની અંદરથી આપણને ઠંડક થતી નથી.
બીજું એ કે ગરમીમાં ડીહાઇડ્રેશનનું પ્રમાણ ખૂબ વધી જાય છે. પાણી ઘણું વધારે પીવું પડે છે અને ઘણા લોકોને એકલું પાણી અંદર જતું નથી, થોડું-થોડું જ પી શકે છે. આ પરિસ્થિતિમાં મૉડર્ન ન્યુટ્રિશન સાયન્સ કહે છે કે ઇન્ફ્યુઝડ વૉટર પીઓ. એટલે કે ખાલી પાણી નહીં, પાણીમાં કશુંક નાખીને એમાં એની ફ્લેવર આવે પછી એ પાણી પીઓ. વચ્ચે ઇન્ફ્યુઝડ વૉટર ઘણું પૉપ્યુલર બન્યું હતું. હોટેલમાં પણ જાઓ તો જગમાં પાણીની અંદર કાકડી કે ફુદીનો નાખીને મૂક્યાં હોય. ઑફિસમાં લોકો પાણીની બૉટલમાં ઑરેન્જની કે લેમનની સ્લાઇસ નાખીને રાખતા થઈ ગયા હતા. હમણાં ઉનાળો ચાલે છે ત્યારે ઘણા લોકો આ ઇન્ફ્યુઝડ વૉટર પીતા જ હોય છે. જોકે આપણું જૂનું અને જાણીતું ઇન્ફ્યુઝડ વૉટર આપણે ભૂલી ગયા છીએ. પહેલાં જે દરેક ઘરમાં જોવા મળતું એ આજે ગમે એટલા હેલ્થ માટે જાગૃત લોકોના ઘરમાં પણ જોવા નથી મળતું અને એ છે પીવાના પાણીમાં વાળાનો પ્રયોગ. વાળો કે ખસ એ નામ પણ નવી જનરેશને તો સાંભળ્યું નથી હોતું. જોકે એમાં વાંક જૂની જનરેશનનો જ તો છે. આટલી સારી, હેલ્ધી પરંપરા આપણે કઈ રીતે વિસરી ગયા?
એક સમય હતો જ્યારે ઘર-ઘરના માટલામાં વાળાનાં મૂળિયાંનો ગુચ્છો રહેતો હતો. હવે તો માટલાં પણ ધીમે-ધીમે ગાયબ થતાં જાય છે એમાં વાળો તો લોકોને ક્યાંથી યાદ રહેવાનો? જોકે આ વાળો છે શું? એ સમજાવતાં આયુર્વેદના નિષ્ણાત ડૉ. સંજય છાજેડ કહે છે, ‘વાળો પાણીની પાસે ઊગતી એક સુગંધિત વનસ્પતિ છે. એનાં મૂળિયાં અતિ ઉપયોગી છે. સંસ્કૃતમાં એને ઉશીર કહેવામાં આવે છે. અંગ્રેજીમાં વેટિવેરિયા ઝીઝાનોઇડસ કે વેટીવર કહે છે. એની સુગંધ ચંદન જેવી હોય છે. એ પાણીને સુગંધિત બનાવે છે અને એને કારણે પાણી પીવાની ઇચ્છા થાય છે. આ પાણી પીવાનો એક જુદો આનંદ આવે છે એટલે ગરમીમાં પાણીની કમી થતી અટકી જાય છે. એ કુદરતી રીતે પેટમાં ઠંડક કરે છે એટલે ગરમી સંબંધિત દરેક પ્રકારના રોગમાં એ દવાનું કામ કરે છે.’
વાળાનાં મૂળિયાંનો ગુચ્છો હજી પણ માર્કેટમાં કે ઑનલાઇન સરળતાથી મળી રહે છે. તમારા ઘરના માટલામાં એક નાનકડો ગુચ્છાનો વીંટો વાળીને અંદર નાખી દેવો. ઘણી વખત વાળાનાં મૂળ પાણીમાં આવી જાય છે તો પીવામાં તકલીફ પડે છે. એ મૂળ ખાવાનાં નથી હોતાં, એનાથી ખાલી પાણીને ફ્લેવર જ આપવાની હોય છે. ઘણા લોકો મલમલના એક કપડામાં એને વીંટાળીને પછી પાણીમાં નાખતા હોય છે એટલે મૂળિયાંના ઝીણા ટુકડા પાણીમાં ભળે નહીં. બીજા દિવસે એ કપડું બદલી કાઢવું. બીજા દિવસે વાળાના ગુચ્છાને બહાર કાઢી, માટલું ધોઈને ફરી એ માટલામાં મૂકી દેવું. આ વાળાનો ગુચ્છો ૨૦-૩૦ દિવસ સુધી કામ કરશે. આપોઆપ પાણીમાંથી સુગંધ આવવાનું બંધ થાય એટલે વાળો ફેંકી દેવો અને એની જગ્યાએ બીજો વાપરી શકાય. આ અતિ સસ્તો અને અકસીર ઇલાજ છે જે બધાએ અપનાવવો જોઈએ.
એના ઉપયોગ વિશે સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘મુંબઈમાં ભેજ વધુ હોવાને લીધે જો તમને લાગે કે મૂળિયાં પાણીમાં રાખીએ અને ફર્મેન્ટ થઈ જાય છે તો વધુમાં વધુ ૬-૭ કલાક એને માટલામાં રાખો. રાત્રે પલાળી દો અને સવારે પાણી પી લો અથવા સવારે પલાળો અને બપોર સુધીમાં ગુચ્છો બહાર કાઢી લો તો પણ ઘણું થઈ ગયું. તમને કેટલું માફક આવે છે, તમને કેટલું એ પાણી ભાવે છે, ગુચ્છો કેટલો મોટો રાખવો એ તમે તમારી પસંદ અનુસાર કરી શકો છો. ઘણાને આવું પાણી અતિ ભાવે છે, ઘણાને નથી ભાવતું. મહત્ત્વનું એ છે કે તમારી અનુકૂળતા પ્રમાણે એ ફેરફાર કરીને પણ વાળો વાપરો ચોક્કસ.’
આયુર્વેદમાં વાળાનો પ્રયોગ ઘણો વધુ કરવામાં આવે છે. ગ્રંથો અનુસાર વાળો દીપન, પાચન, શીતળ, લઘુ, કડવો, મધુર, રૂક્ષ છે. આ એના ગુણો છે એટલે કે એની પ્રકૃતિનો ભાગ છે એમ જણાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘કોઈ પણ વ્યક્તિને તાવ આવતો હોય તો પણ વાળામાંથી બનેલી દવા અસરકારક સાબિત થાય છે. આ સિવાય ઉનાળામાં પેશાબમાં બળતરાની તકલીફ ઘણી સામાન્ય છે. આ તકલીફ માટે પણ જે આયુર્વેદિક દવા ‘ઉશીરાસવ’ બને છે એમાં વાળાનો પ્રયોગ કરવામાં આવે છે. દવાઓ માટે એક જુદા પ્રકારનો વાળો પણ ખાસ્સો પ્રખ્યાત છે જેનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. એને કાળો વાળો કહે છે. આ ઉપરાંત શરીર પર થતા ફોલ્લા કે અળાઈ પર પણ એ અકસીર સાબિત થાય છે. ઊલટીમાં વાળા અને ધાણાનું પાણી પિવડાવવામાં આવે છે. ભારતમાં પ્રાચીન સમયથી ઉશીરના લેપનો ઉપયોગ થતો આવ્યો છે. પરસેવો અને શીતળા કે ઓરીમાં વાળાના બારીક ચૂર્ણનો લેપ શરીર પર કરવામાં આવે છે. ગરમીની અળાઈ અને ફોલ્લી પર વાળો, નાગરમોથ અને ધાણા સાથે ગુલાબજળમાં વાટીને એનો લેપ કરવામાં આવે છે.’
વાળામાં જે પ્રૉપર્ટી છે એ ઠંડક આપનારી છે. તો શું એનો ઉનાળામાં જ પ્રયોગ કરાય કે એ સિવાય પણ લઈ શકાય? આ પ્રશ્નનો જવાબ આપતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘આપણી આજની લાઇફસ્ટાઇલ એવી છે કે આપણને બધાને બારે માસ ઍસિડિટી રહેવા લાગી છે. બહારનું ખાધું કે ઍસિડિટી થઈ ગઈ. રાત્રે જાગ્યા એટલે ઍસિડ વધી ગયું જેવી ફરિયાદો આપણને કાયમી થઈ છે ત્યારે વાળો ઇન્ફ્યુઝ કરેલું પાણી દરરોજ વધુ નહીં તો એક ગ્લાસ લઈ શકાય. એના માટે માટલું હોવું ફરજિયાત છે. એવું કરી શકાય કે ઘરમાં રહેતા બધા લોકો માટે રાત્રે એક નાનકડી માટલી ભરીને પાણીમાં વાળો પલાળીને મૂકી દેવો. એને ગરમ નથી કરવાનો, એમાં બીજું કશું જ નથી નાખવાનું. બસ, એ પાણી સવારે બધાએ એક-એક ગ્લાસ પી લેવું. જો આમ ન ભાવતું હોય તો એનું જ લીંબુપાણી બનાવીને પણ પી શકાય અથવા વરિયાળીનું શરબત બનાવી શકાય. એનાથી પાચનમાં ઘણો ફરક પડશે. ઍસિડિટીની માત્રા ઘટશે.’
વાળાનાં મૂળ સુગંધીદાર હોય છે. એમાંથી તેલ, અત્તર અને અર્ક બનાવવામાં આવે છે. ખસનું અત્તર ખૂબ જાણીતું છે. શરબત બનાવવામાં, ગરમીથી રક્ષણ મેળવવા ખસની ટટ્ટી બનાવવામાં અને ધાર્મિક કાર્યોમાં પણ એનો ઉપયોગ થાય છે. એની સુગંધનો ઉપયોગ અરોમા થેરપી તરીકે પણ થાય છે, કારણ કે એની સુગંધ અત્યંત કમ્ફર્ટ આપનારી છે.
વાળો એટલે ખસ. પહેલાંના સમયમાં વધુ જોવા મળતા ઍરકૂલરમાં ખસના પડદા જોવા મળતા. પહેલાંના સમયમાં લોકો બારી પર પણ ખસના પડદા લગાવતા, પણ હવે એનો ઉપયોગ થતો નથી. હજી પણ જેનો ઉપયોગ લોકો કરે છે એ છે ખસનું શરબત. શું એ હેલ્ધી છે? એ વાતનો જવાબ આપતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘ખસના શરબતમાં ખસનો અર્ક હોય, લીલો રંગ હોય અને સાકર હોય છે. એ જલદી ખરાબ ન થાય એટલે પ્રિઝર્વેટિવ્ઝ પણ હોય છે. એટલે એને હેલ્ધી ન કહી શકાય. ખસનું શરબત પીવું એના કરતાં ખસનું પાણી જ પીવું જોઈએ.’