05 December, 2024 07:31 AM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયામાં કોઈ એક પ્રકારની રીલ ચાલુ થાય એટલે દરેક વ્યક્તિ એ જ વાત કરીને પોતાની રીલ મૂકતી થઈ જાય છે. એવી જ એક વાત ફિટનેસ વર્લ્ડના ઇન્ફ્લુઅન્સર કરતા થઈ ગયા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ફૅટ ઓછી કરવી હોય તો ચાલવું જોઈએ, દોડવું ન જોઈએ. તેમનું વૈજ્ઞાનિક એક્સપ્લેનેશન તેઓ એમ આપે છે કે આપણે જ્યારે ચાલીએ ત્યારે બૉડી ફૅટને બાળીને એનર્જી લે છે, જ્યારે આપણે દોડીએ ત્યારે બૉડી ગ્લુકોઝ વાપરીને એનર્જી લે છે જે કાર્બોહાઇડ્રેટ્સમાંથી મળે છે. એટલે તેમના મતે દોડવા કરતાં ચાલવું વધુ સારું છે. એના સિવાય પણ અમુક કારણો તેઓ આપી રહ્યા છે. ઇન્ફ્લુઅન્સર્સની ખાસિયત એ હોય છે કે તેઓ જે રીતે વાત કરે છે લોકોને એ સાચી લાગવા લાગે છે અને એટલે કેટલા બધા લોકો એ વાત માની પણ લે છે. આવી જ કોઈ રીલના ઇન્ફ્લુઅન્સમાં આવીને તમે માની લો કે દોડવા કરતાં ચાલવું વધુ સારું એ પહેલાં પૂરી માહિતી મેળવવી જરૂરી છે.
સંપૂર્ણ પરિપ્રેક્ષ્ય
વૉકિંગ કે રનિંગ બન્ને ઍરોબિક એક્સરસાઇઝ છે જે હૃદય માટે અત્યંત ઉપયોગી છે. તો પછી ફૅટ બર્ન માટે જેવું રીલમાં કહેવાઈ રહ્યું છે એ મુજબ રનિંગ કરતાં વૉકિંગ વધુ ઉપયોગી છે? આ વાતને સ્પષ્ટ નકારતાં સર એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં રીહૅબિલિટેશન અને સ્પોર્ટ્સ મેડિસિનના કન્સલ્ટન્ટ અને કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, ‘આ પ્રકારના દાવા પોકળ છે. એવું બિલકુલ નથી કે વૉકિંગ રનિંગ કરતાં વધુ ફાયદાકારક છે. એક સફરજનને તમે બીજા સફરજન સાથે મૂલવવાની વાત કરો છો. એક્સરસાઇઝ આ રીતે ન થાય. એક્સરસાઇઝમાં સૌથી પહેલી વસ્તુ જે મહત્ત્વની છે એ છે તમારું શરીર કઈ એક્સરસાઇઝ કરવા માટે ફિટ છે? જે વ્યક્તિ કોઈ પણ એક્સરસાઇઝ નથી કરતી તેમની શરૂઆત હંમેશાં વૉકિંગથી થાય છે. ચાલવાનું શરૂ કરવાથી કેટલાક મહત્ત્વના ફેરફાર થાય છે શરીરમાં. સતત ૪૫-૬૦ મિનિટનું વૉકિંગ જે લોકો સરળતાથી કરતા થઈ જાય છે તે પોતાની ફિટનેસ જર્ની એક સ્ટેપ આગળ લઈ જવા માગે છે ત્યારે તેઓ શરૂ કરે છે રનિંગ. જે લોકોને રનિંગ કરવામાં ખૂબ મજા પડે છે એવા લોકો ચાલવા જતા લોકો કરતાં ઘણા ઓછા છે, એનું કારણ છે કે રનિંગ માટે અમુક પ્રકારની ફિટનેસ અચીવ કરવી પડે. બીજું એ કે એક્સરસાઇઝ એ જ કરવી જોઈએ જે તમને કરવી ગમતી હોય અને એ કરવામાં મજા પડતી હોય. જે રનર્સ હોય છે તેમને ચાલવામાં મજા નથી આવતી તો તેમને દોડવાનું છોડીને ચાલવાનું ન કહેવાય. આમ ફિટનેસને સંપૂર્ણ પરિપ્રેક્ષ્યમાં જોવું જોઈએ. છતાં પણ સરખામણી કરવી જ હોય તો સીધી રીતે એ સમજવાનું છે કે દોડવું એ ચાલવાથી એક સ્ટેપ આગળનો ફિટનેસ ગોલ છે.’
નિયમિતતા જરૂરી
ચાલવા કે દોડવામાં ફાયદો શેમાં વધારે એ પ્રશ્નના જવાબમાં હસીને જવાબ આપતાં સેલિબ્રિટી ફિટનેસ એક્સપર્ટ લીના મોગરે કહે છે, ‘જે તમે નિયમિતપણે કરી શકો એમાં ફાયદો છે. જો તમે અઠવાડિયામાં એક વખત રનિંગ કરો એના કરતાં દરરોજ ચાલવા જાઓ એમાં વધુ ફાયદો છે. વળી તમે ૧૦ મિનિટ દોડો અને ૫૦ મિનિટ ચાલો તો ચાલવામાં વધુ ફાયદો છે. જો તમે ૪૫ મિનિટ દોડો અને ૪૫ મિનિટ ચાલો તો બન્નેમાં લગભગ સરખો ફાયદો છે. પણ એટલે શું દોડવાની મહેનત મૂકીને ચાલવા લાગવું? એવું ન હોય. એક્સરસાઇઝના ફાયદા દરેક વ્યક્તિ પર જુદા-જુદા હોય. દોડવામાં મહેનત લાગે એટલે ઘણા આળસુ લોકોને કંટાળો આવે. આરંભે શૂરાની જેમ તે થોડા દિવસ દોડે, પછી થાકી જાય એટલે આખો દિવસ સૂઈ રહે તો આમાં ફાયદો નથી. કઈ એક્સરસાઇઝ કરવી એ પ્રશ્નના જવાબમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે જે તમે નિયમિત કરી શકો એક્સરસાઇઝ કરવી અને એ કરતાં-કરતાં ધીમે-ધીમે એક-એક સ્ટેપ આગળ વધીને ક્ષમતા વધારી શકો.’
વૉકિંગ, જૉગિંગ અને રનિંગ
લોકો સામાન્ય રીતે માને છે કે ઉંમરલાયક વ્યક્તિએ ચાલવું જોઈએ અને યુવાન હોય તો તેણે દોડી શકાય. પણ સાવ એવું નથી, તમારાં હાડકાં અને સાંધા મજબૂત હોય તો તમે કોઈ પણ ઉંમરે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરી શકો છો એમ સ્પષ્ટ કરતાં ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, ‘મૅરથૉનમાં આજે ૮૫ વર્ષના વૃદ્ધ લોકો પણ દોડતા જોવા મળે છે. એ લોકોએ પોતાનાં હાડકાંની અને શરીરની માવજત સારી કરી છે. જીવનભર એને સશક્ત કર્યાં છે એટલે તેઓ દોડી શકે છે એટલું જ નહીં, હૃદયરોગના ઘણા દરદીઓ પણ રનિંગ કરતા હોય છે. એનો અર્થ એ નથી કે દરેક દરદીએ રનિંગ કરવું પણ એની સાથે એ પણ હકીકત છે કે હૃદયરોગ છે એટલે રનિંગ ન કરી શકાય એમ પણ નથી. એક્સરસાઇઝ કઈ કરવી એ વ્યક્તિગત છે. તમારી ફિટનેસ, તમારી પસંદ અને ધીમે-ધીમે તમે ફિટનેસ ગોલમાં કેટલું આગળ વધ્યા છો એ બધા પર નિર્ભર કરે છે. કોઈ માણસ સીધું દોડવા ન લાગે. એ ચાલે, પછી એ ચાલવામાં નિયમિત બને, પછી તે ચાલવાની સાથે જૉગિંગ કરતા શરૂ થાય. જૉગિંગ સતત કરી શકે ત્યારે એ ચાલવાનું અને દોડવાનું બન્ને ભેગું કરીને એક્સરસાઇઝ કરે અને એનાથી આગળ વધે ત્યારે એ દોડતા થાય. એમાં પણ વ્યક્તિ પહેલી ૫ મિનિટ દોડે. જો નિયમિતરૂપે એટલું દોડી શકે સરળતાથી એટલે એ સમય વધારે અને પછી ૧૫ મિનિટ દોડે, એ માફક આવે પછી એ ૨૫-૩૦ મિનિટ દોડતા થાય. આમ આ એક પ્રોસેસ છે.
બૉડી ઍરોબિક ઝોનમાં રહે એના ફાયદા છે
ઍરોબિક એક્સરસાઇઝની કૅટેગરીમાં ચાલવું, દોડવું, સ્વિમિંગ, સાઇક્લિંગ બીજું ઘણું આવે છે. આ કોઈ પણ એક્સરસાઇઝ ક્યારે તમારા શરીર પર કામ કરે એનું એક પૅરામીટર આંકવામાં આવ્યું છે, જેના વિશે જાણીએ લીના મોગરે પાસેથી.
જે ઍરોબિક એક્સરસાઇઝમાં શરીર ઍરોબિક ઝોનમાં આવે એ ઍરોબિક એક્સરસાઇઝ તમારા શરીર પર કામ કરે છે. ઍરોબિક ઝોન એટલે ૨૨૦માંથી તમારી ઉંમરનાં વર્ષો બાદ કરતાં જે આંકડો આવે એના ૫૦-૮૫ ટકા કાઢવાના. એ સંખ્યા જે આવે એ છે તમારા દર મિનિટે આવનારા ધબકારા.
જેમ કે તમારી ઉંમર ૪૦ વર્ષ હોય તો ૨૨૦-૪૦ = ૧૮૦ થાય. હવે એના ૫૦-૮૫ ટકા એટલે ૯૦થી લઈને ૧૫૩ સુધીનો કોઈ પણ આંકડો લઈ શકાય. જો આટલા ધબકારા દર મિનિટે ધબકે તો શરીર ઍરોબિક ઝોનમાં છે એમ કહી શકાય. પરંતુ આ ઝોનમાં તમારે ૪૦-૪૫ મિનિટ ઓછામાં ઓછું રહેવું જરૂરી છે.
આમ જો ચાલો કે દોડો બન્ને પરિસ્થિતિમાં ધબકારા એટલા વધુ હોવા જોઈએ. જો શાંતિથી ચાલશો તો ધબકારા વધશે નહીં એટલે બ્રિસ્ક વૉક જરૂરી બને છે અને આ ધબકારાનો કાઉન્ટ ૪૦ મિનિટ દરમિયાન સતત આ ઝોનમાં જ રહેવો જરૂરી છે.
બીજું એ કે ઘણા વૉકિંગ અને રનિંગ બન્ને સાથે કરે છે. એટલે કે થોડી વાર ચાલે, પછી દોડે, પછી ફરી ચાલે, ફરી દોડે. આ એક્સરસાઇઝ બેસ્ટ ગણાય. એના ફાયદા અઢળક છે. એને હાઈ ઇન્ટેન્સિટી વર્ક-આઉટ ગણાય જે ખાલી રનિંગ કે ખાલી વૉકિંગ કરતાં વધુ ફાયદાકારક છે. હાર્ટ એનાથી મજબૂત બને છે અને શરીરની ક્ષમતા ઘણી વધે છે. ફૅટ ઘટે છે અને કૅલરી પણ ખાસ્સી ઓછી થાય છે.