સર્વાઇકલ સ્પૉન્ડિલૉસિસની શરૂઆતમાં સાવધ થઈ જાઓ

27 November, 2020 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સર્વાઇકલ સ્પૉન્ડિલૉસિસની શરૂઆતમાં સાવધ થઈ જાઓ

પ્રતીકાત્મક તસવીર

ખોટી લાઇફ-સ્ટાઇલ અને વાતદોષને કારણે શિયાળામાં ગરદન અને કમરને જકડી નાખતી આ સમસ્યા વધુ કનડે છે. વાતદોષનું શમન થાય એવાં ઔષધો લેવાથી અને કરોડરજ્જુની ફલેક્સિબિલિટી જળવાઈ રહે એવી કસરતો કરવાથી આ સમસ્યા પ્રિવેન્ટ કરી શકાય છે

દિવસમાં આઠ-દસ કલાક લખવા-વાંચવાનું કામ કરો છો?
એક જ પોઝિશનમાં કમર, ગરદન અને હાથના સ્નાયુઓને તાણમાં રાખીને લાંબો સમય કામ કરવાનું થાય છે? કસરતના નામે ખાસ કશું જ કરતા નથી? વારેઘડીએ હાથમાં ખાલી ચડી જાય છે? ગરદન કે હાથ અવારનવાર જકડાઈ જાય છે? તો તમારે તમારી ગરદન અને કમરની વિશેષ કાળજી રાખવી શરૂ કરી દેવી જોઈએ, કેમ કે આ લક્ષણો તમને સર્વાઇકલ સ્પૉન્ડિલૉસિસ ભણી દોરી રહ્યા છે. અલ્ટ્રામૉડર્ન સુવિધાઓને કારણે આજકાલ સર્વાઇકલ સ્પૉન્ડિલૉસિસની સમસ્યા યંગ, મિડલ-એજ અને સિનિયર સિટિઝન્સ એમ ત્રણે વર્ગોમાં થવા લાગી છે. એમાં પાછી શિયાળાની સીઝન શરૂ થઈ છે ત્યારે થોડીક પણ બેકાળજી ગરદન અને કમરના દુખાવામાં વધારો કરશે. હકીકતમાં આપણી કમર ફલેક્સિબલ હોય છે, પરંતુ એનો યોગ્ય ઉપયોગ ન થવાથી એમાં સ્ટીફનેસ આવી જાય છે એ છે સ્પૉન્ડિલૉસિસ. ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના જુવાળને કારણે ઑફિસોમાં તમામ કામ કમ્પ્યુટર પર જ થવા લાગ્યાં છે. વિદ્યાર્થીઓએ વાંચવા-લખવામાં, સ્ત્રીઓએ સ્ટૅન્ડિંગ કિચનમાં રસોઈ બનાવવામાં કે વર્કિંગ સ્ત્રી-પુરુષોએ કલાકો સુધી કમ્પ્યુટર પર કામ કરવામાં માથું આગળ ઝુકાવવું પડે છે. આ પોઝિશનથી સર્વાઇકલ સ્પૉન્ડિલૉસિસને આમંત્રણ મળે છે. આ બીમારી સુખસગવડોને કારણે આવે છે. મુલાયમ સોફા, ડનલોપનાં ગાદલાં અને આખી કમર વાળવી ન પડે એ માટે બધું કામ ઊભા-ઊભા જ
થઈ જાય એવાં ડિશ-વૉશર અને વૅક્યુમ-ક્લીનર જેવાં સાધનોએ જ કમરની વાટ લગાડી છે. સ્પૉન્ડિલૉસિસ કમરના ગમે એ ભાગમાં થાય છે. ગરદન અને કમરને જોડતા કરોજરજ્જુના ઉપરના મણકાઓમાં જ્યારે ગરબડ થાય ત્યારે એને સર્વાઇકલ સ્પૉન્ડિલૉસિસ કહેવામાં આવે છે.
લક્ષણો શું હોય?
સૌથી પ્રથમ લક્ષણ તરીકે ગરદનની ફલેક્સિબિલિટી ઘટે છે. લાંબો સમય લખવા-વાંચવા કે કોઈ પણ એક જ એક્ટિવિટી કરવાથી હાથમાં ઝટકા આવે છે. કરોડરજ્જુની સાથે સંકળાયેલી નર્વ પર દબાણ આવવાથી આખા હાથમાં ખાલી ચડે છે. જો આ રોગને અવગણવામાં આવે તો એની અસર હાથની મૂવમેન્ટ પર પણ પડે છે. એને કારણે હાથ અને પગમાં સંવેદના ક્રમશઃ ઘટવા લાગે છે.
સારવારમાં શું? કમરના કોઈ પણ ભાગમાં સ્પૉન્ડિલૉસિસની સમસ્યા થાય અને જકડાહટ વધતી જાય એ વાતદોષમાં અસંતુલન હોવાની નિશાની છે. વાતદોષનું શમન અને શોધન બન્ને કરી શકાય. શમન એટલે નાથવું અને શોધન એટલે બહાર કાઢીને શુદ્ધ કરવું. વાતદોષ સંતુલિત કરવા માટે સૂંઠ અને એરંડિયું એ બે અકસીર અને ઉત્તમ ઔષધો છે. રોજ રાતે સૂતી વખતે સહેજ ગરમ પાણીમાં એરંડિયું અને સૂંઠ મેળવીને પી જવું.
વાયુના શમન માટે દશમૂળનો ક્વાથ અને ગંધર્વહસ્તાદિકષાય નામનો ક્વાથ પણ અત્યંત ઉપયોગી છે. આયુર્વેદ તજ્જ્ઞની સલાહ હેઠળ આ બન્ને ક્વાથ પણ હૂંફાળા પાણી સાથે લઈ શકાય.


આ ગરદન સાથે સંકળાયેલી સમસ્યા હોવાથી કાન અને નાકમાં સ્નિગ્ધ અને ઔષધસિદ્ધ ઘી કે તેલનું પૂરણ કરવાથી સ્થાનિક વાતદોષોનું શમન થાય છે. હળવાશમાં લેવા જેવું નથી પ્રાથમિક તબક્કાનું દરદ હોય ત્યારે મૉડર્ન મેડિસિનમાં સર્વાઇકલ કૉલર પહેરવાની સલાહ આપવામાં આવે છે. એનાથી ચોક્કસ નર્વ પર આવતું દબાણ અટકાવી શકાય છે. જો શરૂઆતમાં જ કાળજી લેવામાં આવે તો વધુ ડૅમેજ થતું અટકાવી શકાય છે, પણ જો નર્વ પર દબાણ આવવા લાગે તો એનાથી શરીરની અન્ય ક્રિયાઓ અને મૂવમેન્ટ પર ઘણું રિસ્ટ્રિક્શન્સ આવી જાય છે. આના માટે સર્જરી કરવી પડે છે. અલબત્ત, એ યાદ રાખવું જોઈએ કે જે ડૅમેજ થઈ ગયું છે એ રિવર્સ કરી શકાતું નથી, પરંતુ આગળ વધારે ડૅમેજ થતું અટકાવી શકાય છે.

જીવનશૈલીમાં પરિવર્તન

સ્નાયુઓ અને સાંધાઓમાં લવચીકતા જળવાય એ માટે યોગાસન ઇઝ બેસ્ટ.
આખો દિવસ આગળ ઝૂકીને કામ કરવાનું હોય તો દિવસમાં ઓછામાં ઓછી પાંચથી
દસ વાર બૅકવર્ડ બૅન્ડિંગની કસરત કરવી.
વધુપડતાં પોચાં અને અંદર ખૂંપી જવાય એવાં નરમ ગાદલા-તકિયાનો ઉપયોગ ન કરવો. સૂતી વખતે એકદમ પાતળું ઓશીકું વાપરવું.
ગરદન માટેની સૂક્ષ્મ ક્રિયાઓ અનુભવી યોગનિષ્ણાત પાસેથી શીખીને દિવસમાં ત્રણથી ચાર વખત કરવી.

health tips