સવારે ઊઠતાં જ આંખો બળે છે ને થાકેલી લાગે છે

12 April, 2021 03:23 PM IST  |  Mumbai | Dr. Himanshu Mehta

વર્ક ફ્રૉમ હોમ કરતા લગભગ દર દસમાંથી આઠને વધતેઓછે અંશે આંખની સમસ્યા જણાય છે

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૪૧ વર્ષની છે. મને દૂરનાં ચશ્માં છે અને માઇનસ ફાઇવ જેટલો નંબર છે. હમણાંથી સાંજ પડતાંની સાથે માથું દુખવાનું ચાલુ થઈ જાય છે અને આંખો ખેંચાય છે. વર્ક ફ્રૉમ હોમને કારણે દિવસમાં દસથી વધુ કલાકો સ્ક્રીનની સામે જ જોવાનું બને છે. એને કારણે આંખો બહુ જલદી થાકી જાય છે. ચશ્માં તૂટી ગયેલાં તો ઑપ્ટિશ્યનને ત્યાં નંબર ચેક કરાવેલા. તો નંબરમાં ખાસ ફરક નથી, પણ સવારે ઊઠીને આંખો બળવી, ચળ આવવી જેવાં લક્ષણો જતાં જ નથી. સાથે જ મને નજીકનું જોવામાં પર આંખો ખેંચાય છે. ચશ્માંના નંબર ઉતારવાની સર્જરી કરવાનું વિચારું છું, પણ અત્યારે વર્ક ફ્રૉમ હોમ ચાલી રહ્યું છે ત્યારે એ પછી પણ સ્ક્રીન ટાઇમ તો ઘટવાનો નથી જ, તો શું કરવું એ સમજાતું નથી.

 

વર્ક ફ્રૉમ હોમના જેમ ફાયદા છે એમ એની આડઅસરો પણ છે જ. જોકે હાલમાં આપણે કોરોનાને કારણે જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ એમાં વર્ક ફ્રૉમ હોમ એ જ સેફેસ્ટ વિકલ્પ છે. કામ માટે, સોશ્યલ નેટવર્કિંગ માટે, મનોરંજન માટે એમ અનેક કારણોસર સ્ક્રીન ટાઇમ ખૂબ વધી ગયો છે. આને કારણે અત્યારે વર્ક ફ્રૉમ હોમ કરતા લગભગ દર દસમાંથી આઠને વધતેઓછે અંશે આંખની સમસ્યા જણાય છે.

સવારે ઊઠીને આંખો બળવીએ ડ્રાયનેસનું જ લક્ષણ છે. જોકે તમે જે એજમાં છો એમાં આંખની અંદર બીજા ચેન્જિસ થવાની સંભાવના પણ છે. આ સમય દરમ્યાન નજીકના વિઝનમાં તકલીફ થવા ઉપરાંત આંખની અંદર પણ કેટલાક ચેન્જિસ આવી શકે છે. તમે ઑપ્ટિશ્યનને ત્યાં નંબર ચેક કરાવી લીધા, પણ ત્યાં માત્ર આંખના નંબર જ ચેક થાય છે. આંખની અંદર શું ગરબડ થવાની શરૂઆત છે એની ખબર તો આંખના નિષ્ણાત પાસેથી જ ખબર પડશે.

મને લાગે છે કે તમારા નિષ્ણાત પાસે આંખનું ચેક-અપ કરાવવું જોઈએ. જો તમે ચશ્માંનાં નંબર ઉતારવાની સર્જરી કરાવવા માગતા હો તો એ પણ અત્યારે સંભવ છે જ. એ માટે તમારે બહુ શૉર્ટ બ્રેકની જ જરૂર પડશે. જોકે નંબરમાં ઉતારચઢાવને કારણે જો માથું દુખવાનું થતું હશે તો એ કારણ રુલ-આઉટ થઈ જશે.

columnists