શું તમને જીવનમાં કોઈ અફસોસ સતાવી રહ્યો છે?

07 October, 2019 01:09 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ- ફાલ્ગુની જડિયા

શું તમને જીવનમાં કોઈ અફસોસ સતાવી રહ્યો છે?

શું તમને જીવનમાં કોઈ અફસોસ છે?

નવરાત્રી પૂરી થવામાં છે. થોડા જ દિવસમાં દિવાળી અને નવું વર્ષ આવી જશે. શું ગત વર્ષમાં કે જીવનનાં વીતેલાં વર્ષોમાં કોઈ બાબત એવી છે જેનો તમને અફસોસ રહી ગયો હોય? એવો અફસોસ, જે તમને તમારી હાલની જિંદગીને પૂરેપૂરી માણવામાં અવરોધ ઊભો કરતો હોય. તમને વારંવાર એવો વિચાર કરવા પર મજબૂર કરી મૂકતો હોય કે આવું હોત તો...? તેવું હોત તો...? આપણામાંથી મોટાભાગના લોકો આ સવાલનો જવાબ ‘હા’ માં આપશે.
જેમ-જેમ જીવનરાહ પર આગળ વધતા જઈએ છીએ, તેમ-તેમ આપણને વધુને વધુ એવા લોકોનો ભેટો થતો જાય છે જેઓ અંતરમાં ક્યાંકને ક્યાંક આવો અફસોસ લઈને ફર્યા કરતા હોય છે. કોઈને પોતાને ગમતા વિષયનો અભ્યાસ ન કર્યાનો અફસોસ હોય છે, તો કોઈને ગમતા ક્ષેત્રમાં કારકિર્દી ન ઘડી હોવાનો અફસોસ, તો વળી કોઈને પોતાને ગમતો જીવનસાથી ન મળ્યો હોવાનો અફસોસ. બલકે આજના મોર્ડન અને ગળાકાપ હરીફાઈના સમયમાં આ બધા કરતાં પણ સૌથી વધુ અફસોસ લોકોને પોતાના પરિવાર સાથે પૂરતો સમય વિતાવવા ન મળતો હોવાનો અને તેમને ભરપૂર પ્રેમ ન કરવા મળતો હોવાનો અફસોસ હોવાનું સૌથી વધુ જોવા મળે છે. આ અને આવા બીજા કેટલાય અફસોસ લોકોને પોતાનું હાલનું જીવન, પોતાનો હાલનો વ્યવસાય, હાલની નોકરી કે હાલના જીવનસાથી પ્રત્યે સંતોષ અનુભવવા દેતો નથી અને પોતે સમાધાનભર્યું જીવન વ્યતીત કરી રહ્યા હોવાની લાગણી આપે છે. આ વધુ મોટા નુકસાન માટેની પૂર્વતૈયારી છે, જે તેમના સંપૂર્ણ જીવનને નકારાત્મક બનાવી તેમની આ માન્યતાને વધુ મજબૂત બનાવે છે.
આવા લોકોને એવું લાગ્યા કરે છે કે જીવનના અમુક તબક્કે તેમણે કરેલી હતી તેના કરતાં કેટલીક જુદી પસંદગીઓ કરી હોત તો અત્યારે તેમનું જીવન છે તેના કરતાં ઘણું જુદું અને કદાચ વધુ સારું બની શક્યું હોત. બની શકે કે તેમની વાત સાચી પણ હોય, પરંતુ મહત્ત્વની વાત એ છે કે હવે તેઓ એ પરિસ્થિતિઓને બદલવા શું કરી રહ્યા છે? મહદ્ અંશે કશું જ નહીં. આવા વખતે આપણે દોષનો ટોપલો નસીબ પર નાખી મનને એવું મનાવી લેતા હોઈએ છીએ કે જે થયું તે આપણા ભાગ્યમાં લખાયેલું હતું, તો વળી કેટલાક પોતાની જાતને દોષ આપી જીવનભર આ અફસોસમાં આળોટ્યા કરે છે.
અહીં ક્યાંક સાંભળેલી એક વાર્તાનો પ્લોટ યાદ આવે છે. પચાસની ઉંમર વટાવી ગયેલી એક મહિલાને એકાએક એવો અહેસાસ થાય છે કે પોતે એક ખોટી વ્યક્તિ બની ગઈ છે. સંયુક્ત પરિવારની સર્વેસર્વા અને પારિવારિક વ્યવસાયની ચૅરમૅન એ મહિલાને એવું લાગવા માંડે છે કે પોતે એક એવું જીવન જીવી રહી છે, જે તેના માટે નથી બનેલું. અચાનક તેને એવો વિચાર સતાવવા માંડે છે કે કૉલેજના દિવસોમાં તેણે પોતાના બૉયફ્રેન્ડને દગો આપી ત્રણ પુત્રો ધરાવતા ધનાઢ્ય પુરુષ સાથે લગ્ન ન કર્યા હોત તો આજે તેનું જીવન કેવું હોત? તેથી તે નક્કી કરે છે અને સ્વેચ્છાએ જે જીવનનો ત્યાગ કર્યો હતો એ કેવું બની શક્યું હોત તે જોવા પ્રવાસે નીકળી પડે છે, પરંતુ એ પ્રવાસને અંતે તેને સમજાય છે કે સારા જીવન જેવું કશું હોતું નથી. દરેક વ્યક્તિનું સાચું જીવન એ જ છે, જે તેને મળ્યું હોય છે. આપણા હાથમાં ફક્ત જે મળ્યું છે તેને વધુ સારું બનાવવાના પ્રયત્નો માત્ર છે. ત્યાર બાદ જે મળે છે તે જ આપણું હોય છે.
એ મહિલાની જેમ જો આપણે બધા પણ એ સ્વીકારી લઈએ કે જે આપણને મળ્યું છે તે જ આપણા માટે બનેલું છે તો જીવનમાં ઘણી શાંતિ અને સંતોષ આવી શકે છે. આપણે સેકેન્ડ બેસ્ટ સાથે અટવાઈ ગયા છીએ એ અફસોસને સ્થાને જે મળ્યું છે એ માટેનો શાંતિપૂર્ણ સ્વીકારભાવ જન્મે છે. કોઈનેય આ બની શક્યું હોત કે પેલું થઈ શક્યું હોત જેવા વિચારો સાથે જીવવાનું કે પછી એવા વિચારોમાં ફર્યા કરતી વ્યક્તિ સાથે જીવવાનું ગમતું નથી.
પરિસ્થિતિઓ કે સંજોગો જુદા હોત તો...એવા વિચારોના વમળમાં ગોતા લગાવવાનો કોઈ અર્થ નથી, કારણ ત્યારની પરિસ્થિતિઓ કે સંજોગોને હવે બદલી શકાતાં નથી, પરંતુ હાલ આપણી પાસે જે કંઈ છે તેના પર ફોકસ કરી હવે જીવનમાં સાચી પસંદગી કરવા પર ધ્યાન આપવામાં આવે તો બાકીનું જીવન વધુ કે બીજા નવા અફસોસ સાથે વિતાવવાથી ચોક્કસ બચી શકાય છે. આ માટે સૌથી વધુ જરૂરી એ છે કે આપણે પોતાના મૂળભૂત મૂલ્યો સાથે ક્યારેય સમાધાન કરીએ નહીં, તેથી અંદરખાને આપણને એટલું તો આશ્વાસન રહે કે વધુ કંઈ નહીં તો આપણે પોતાની જાતને તો વફાદાર રહ્યા જ હતા અને એ કર્યું હતું જે એ સમય અને સંજોગોમાં આપણે મન સૌથી વધુ સાચું અને સારું હતું.

આ પણ જુઓઃ જુઓ કેટરિના કૈફ જેવી દેખાય છે આ બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ

આ સાથે જાણતા-અજાણતા આપણાથી કોઈનું મન દુભાઈ ન જાય તેનું ધ્યાન રાખવાની એક નાની, પણ જરૂરી તકેદારી રાખવી પણ આવશ્યક છે. એમાંય ખાસ કરીને એવા લોકો, જે આપણા પ્રિય છે, આપણા સ્વજન છે અને આપણે મન મહત્ત્વના છે. જીવનપથ પર આટલી સાવધાની રાખી આપણા અંતરાત્માના અવાજને અનુસરતા રહીએ તો ભલે જીવનમાં સારી તકો કે મોટી સફળતાઓ આપણા હાથમાંથી સરી ગઈ હોવાનો અફસોસ રહે, પરંતુ એટલિસ્ટ આપણે મન જે મહત્ત્વના હતા તેમને ચૂકી ન ગયા હોવાનો અફસોસ તો નહીં જ રહે.

life and style