11 March, 2025 06:54 AM IST | Mumbai | Dr. Mukul Choksi
ઇલસ્ટ્રેશન
આપણે ત્યાં હાર્ડ્લી એક પર્સન્ટ પેરન્ટ્સ એવા છે જે બાળકોની વાત સાંભળ્યા પછી એ દિશામાં નક્કર સ્ટેપ લેવાનું કામ કરે છે. વાત-વાતમાં ખબર પડી કે મારા ફ્રેન્ડની દીકરી છેલ્લા થોડા સમયથી વાયલન્ટ થઈ જાય છે. આવું બે-અઢી મહિનાથી શરૂ થયું હતું. સીધા જજમેન્ટ પર આવવાને બદલે હું તેને મળ્યો અને તેની સાથે વાત કરી. શરૂઆતમાં તો તે સહજ રીતે વાત કરતી હતી, પણ જેવી તેની એક્સ્ટ્રા ઍક્ટિવિટી વિશે વાત કરું કે તરત એ ટૉપિક ચેન્જ કરી નાખે. એ દીકરીની એક્સ્ટ્રા ઍક્ટિવિટીમાં બે ઍક્ટિવિટી જ હતી. એક ડાન્સ ક્લાસ અને બીજી સ્વિમિંગ. સેક્સોલૉજિસ્ટ હોવાની સાથોસાથ સાયકોલૉજિસ્ટ હોવાનો ફાયદો અહીં થયો.
તેના એ બન્ને ક્લાસના ટીચર્સ વિશે થોડી પૃચ્છા કરી તો વાત-વાતમાં તે રડવા માંડી અને ખબર પડી કે એ બન્ને ક્લાસના સરના ટચથી તે ઇરિટેટ થતી હતી. આપણા વડવાઓ કહી ચૂક્યા છે કે ફીમેલ અનકમ્ફર્ટેબલ ટચને બહુ ઝડપથી ઓળખી જતી હોય છે. જો બાળક નાનું હોય તો તે એ વાતને વર્ણવી ન શકે, પણ અયોગ્ય સ્પર્શને તે સમજી તો જતું જ હોય છે. તે દીકરીની ઉંમર આઠેક વર્ષની હતી એટલે તે પોતાના પેરન્ટ્સ પાસે એ બૅડ-ટચ વિશે વધારે અસરકારક રીતે વાત કરી નહોતી શકતી, પણ તે પ્રયાસ કરતી રહી અને પેરન્ટ્સ એવું માનતા રહ્યા કે ઘરે આવ્યા પછી પણ દીકરી આખો વખત સ્વિમિંગ અને ડાન્સની જ વાતો કરે છે, તેનું ફોકસ હવે એ જ દિશામાં છે.
એક તો ન સમજાવી શકવાની પીડા અને ઉપરથી નિયમિત રીતે પેલા લોકોના સંપર્કમાં આવવાની સજા. છોકરી વાયલન્ટ થવા માંડી. રીતસર મારામારી કરવા માંડે. પણ મારામારી ક્યાં કરે? પોતાના આ એક્સ્ટ્રા ક્લાસિસમાં જ. બાળકની આ પ્રકારની ફરિયાદ આવે ત્યારે પેરન્ટ્સે તેમને સમજવાની કોશિશ કરવી જોઈએ કે ક્યારેય એવું સ્ટેપ નહીં લેનારું બાળક અચાનક શું કામ એવું સ્ટેપ લેવા માંડ્યું છે?
અમુક બૅડ-ટચ એ પ્રકારના હોય છે જેને તમે કાનૂની રીતે ચૅલેન્જ નથી કરી શકતા તો સાથોસાથ કોર્ટમાં જવાની લોકોની તૈયારી પણ નથી હોતી, પણ એનો અર્થ એવો નથી કે તમે આ દિશામાં આંખ આડા કાન કરો. પ્રયાસ કરવો જોઈએ કે તમારું બાળક જ્યાં ભણે છે કે આવી એક્સ્ટ્રા ઍક્ટિવિટી કરે છે ત્યાં તેને એ જ જેન્ડરના કોચ કે ટીચર્સ મળે. એ જ જેન્ડરના કોચ હોય છે ત્યાં બૅડ-ટચના ચાન્સિસ રેર છે અને એ બાળકના ભવિષ્ય માટે બહુ જરૂરી પણ છે.