તમારા બાળકનો શારીરિક અને માનસિક વિકાસ બરાબર થતો નથી?

23 April, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આટલી નાની ઉંમરમાં જે કારણોસર એનીમિયા થાય એનાં કારણોમાં આયર્ન એટલે કે લોહતત્ત્વની ઊણપ મુખ્ય કારણ હોય છે.

પ્રતીકાત્મક તસવીર

શું તમારું બાળક સાવ ફીકું લાગતું હોય, ક્યારેક ચહેરો એકદમ પીળો લાગે જાણે કમળો થઈ ગયો હોય એમ લાગે કે પછી તે ખૂબ જલદી થાકી જતું હોય, એનર્જી સતત ઓછી લાગ્યા કરે કે કોઈ પણ એક જગ્યા પર ધ્યાન ન આપી શકે, ફોકસ ન કરી શકે કે જે કરવાનું હોય એ કામમાં અટેન્શન ન રાખી શકે એવું તમને લાગતું હોય તો આ ચિહનો અવગણવા જેવાં નથી. જો બાળક ખૂબ ચીડચીડું રહે, તેના મોઢામાં ચાંદાં પડી જાય, તેને યાદ ન રહેતું હોય, તેને ભૂખ ન લાગતી હોય કે તેનું કોઈ પણ જાતનું ડેવલપમેન્ટ શારીરિક કે માનસિક પાછળ ધકેલાતું હોય કે ન થતું હોય તો તેને ડૉક્ટર પાસે લઈ જઈ તેની તપાસ કરાવો. તેને એનીમિયા હોય એવી શક્યતા ઘણી વધારે છે.

એનીમિયા થવાનાં ઘણાં અલગ-અલગ કારણો હોઈ શકે છે પરંતુ બાળકોમાં એનીમિયા થવાનાં કારણો ઘણાં અલગ હોઈ શકે છે. આટલી નાની ઉંમરમાં જે કારણોસર એનીમિયા થાય એનાં કારણોમાં આયર્ન એટલે કે લોહતત્ત્વની ઊણપ મુખ્ય કારણ હોય છે. બાળકના શરીરમાં કોઈ પણ કારણસર આયર્નનું જરૂરી પ્રમાણ ઘટી જાય તો બાળકને એનીમિયા થઈ શકે છે. આ ઉપરાંત બીજું મહત્ત્વનું કારણ વિટામિન B12ની ઊણપ પણ હોઈ શકે છે. જે બાળકોમાં B12ની ઊણપ હોય તેમને એનીમિયા થતો જોવા મળે છે અને ત્રીજાં કારણોમાં જિનેટિક કારણોનો સમાવેશ થાય છે જેમાં થૅલેસેમિયા માઇનર જેવા રોગોને કારણે બાળકનું હીમોગ્લોબિન ઓછું હોય છે. ૧૦માંથી ૯ બાળકોને થતા એનીમિયા પાછળ આયર્નની ઊણપ જવાબદાર ગણાય છે. આમ બાળકોને મોટા ભાગે જે એનીમિયા થાય છે એ પ્રકારને આયર્નની ઊણપને લીધે થતો એનીમિયા ગણવામાં આવે છે.

આયર્નનું મહત્ત્વ શરીરમાં ફક્ત હીમોગ્લોબિનના નિર્માણ પૂરતું જ નથી, બાકી પણ ઘણાં કાર્યોમાં એ જરૂરી છે. જ્યારે બાળકને આયર્નની ઊણપને લીધે એનીમિયા થાય છે ત્યારે એની સીધી અસર તેના શારીરિક અને માનસિક વિકાસ પર પડે છે. ઘણાં બાળકો આપણે જોઈએ છીએ જેમની ઉંમર પ્રમાણે વજન અને ઊંચાઈ વધેલાં હોતાં નથી. આ શારીરિક વિકાસ ન થવા પાછળ આયર્ન જવાબદાર હોઈ શકે છે. શરૂઆતનાં વર્ષો બાળકના વિકાસનાં વર્ષો છે. આ સમયે એનીમિયા તેના વિકાસમાં અવરોધક બને છે. તેના શારીરિક અને માનસિક વિકાસને અવરોધે છે. એની સામે જો નાનપણથી જ B12ની કમી હોય તો માનસિક ડેવલપમેન્ટ પર અસર ચોક્કસ પડે છે. એની સાથે-સાથે વર્તણૂક પર પણ અસર પડે છે. ઘણી વાર ફક્ત ખોરાક ઠીક કરવાથી યોગ્ય પરિણામ મળતાં હોય છે. એમ ન થાય તો ડૉક્ટર સપ્લિમેન્ટ આપે છે જેનાથી બાળકના ગ્રોથની તકલીફ દૂર થઈ શકે છે.

-ડૉ. મુકેશ દેસાઈ 

mental health health tips life and style columnists gujarati mid-day mumbai