એક્સ-રે: એક એવું હથિયાર જે હીલ પણ કરે અને હાનિ પણ પહોંચાડી શકે

08 November, 2019 02:26 PM IST  |  Mumbai | Sejal Patel

એક્સ-રે: એક એવું હથિયાર જે હીલ પણ કરે અને હાનિ પણ પહોંચાડી શકે

એક્સ-રે

શરીર પર એક કાપો પણ મૂક્યા વિના અંદરના અવયવો વિશે કહી શકે એ વિજ્ઞાનનો પાયો આજથી ૧૩૪ વર્ષ પહેલાં નખાયેલો. આ રેડિએશન કિરણો બેધારી તલવાર જેવાં છે. એ શરીરની અંદરના રોગોનું નિદાન કરવામાં અને કૅન્સર જેવા કોષોને ખતમ કરવામાં ઉપયોગી છે, જોકે એમાં સહેજ પણ પ્રમાણમાપ ચૂકાય તો એ જોખમી પણ ‌નીવડે છે. આજે વર્લ્ડ રેડિયોગ્રાફી ડે છે ત્યારે મેડિકલ વિશ્વમાં રેડિયેશનના સારાં-નરસાં તમામ ‌પાસાંઓ વિશે જાણીએ.

હાડકું તૂટ્યું હોય એવું લાગે કે છોકરું કંઈક ગળી ગયું હોય ત્યારે તરત જ એક્સ-રે કરવાની સલાહ અપાય છે. ફેફસાંમાં કંઈક તકલીફ હોય, કમરમાં કંઈક તકલીફ હોય તોય એક્સ-રે કરવાનું કહેવાય છે. એક્સ-રે પછી આવ્યું સીટી સ્કૅન એટલે કે કૉમ્પ્યુટેડ ટૉમોગ્રાફી. શરીરના કોઈ પણ સૉફ્ટ ટિશ્યુમાં તકલીફ હોય તો હવે અંદરના અવયવોની તપાસ માટે સીટી સ્કૅન કરવામાં આવે છે. હૃદયમાં ક્યાંક કોઈક ગરબડ કે બ્લૉકેજની તપાસ કરવાની હોય તો એ માટે ઍન્જિયોગ્રાફી થાય. હાડકાં નબળાં પડી ગયાં છે એવું લાગે અને ઑસ્ટિઓપોરોસિસ છે કે કેમ એની તપાસ કરવાની હોય ત્યારે પણ બોન ડેન્સિટી ટેસ્ટ કરવામાં આવે છે.

આ તમામ પરીક્ષણોમાં એક્સ-રે રેડિએશનનો ઉપયોગ થાય છે. ચોક્કસ પ્રકારનાં તરંગો શરીરમાંથી આરપાર જતા રહે અને બૉડીની અંદરની તસવીરો એની પાછળ મૂકેલી શીટ પર અંકિત કરી દે એ પ્રક્રિયા એટલે એક્સ-રે. ડાયગ્નોસ્ટિક રેડિએશન વિશે સમજાવતાં અંધેરીની કોકિલાબહેન અંબાણી હૉસ્પિટલના રેડિયોલૉજી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર ડૉ. વિમલ સોમેશ્વર કહે છે, ‘એક્સ-રેની ટેક્નિક ૧૮૯૫ની ૮ નવેમ્બરે વિલ્હેમ રોએન્જન નામના જર્મન સાયન્ટિસ્ટે શોધી હતી. આ એવી ટેક્નિક છે જે કોઈ પણ રોગના નિદાન માટે બહુ જ મોટું ટૂલ બની ગયું છે. એની મદદથી ખૂબ ચોકસાઈભરી રીતે દરદીને કયા અંગમાં, કેવી અને કેટલી તકલીફ છે એનું નિદાન થઈ શકે છે. આ ટેક્નિક પહેલાં ડૉક્ટરોએ દરદીનાં લક્ષણો, સ્ટેથોસ્કૉપ અને બહારથી સ્પર્શ કરીને જો ખબર પડે તો સૂજન, કડકપણું જેવાં લક્ષણો પરથી જ નિદાન કરવાનું રહેતું. આ એવી ટેક્નિક હતી જેણે પહેલી વાર દરદીના શરીરની અંદરની તસવીર ડૉક્ટરને દેખાડવાનું શરૂ કર્યું અને એ પણ કોઈ વાઢકાપ વિના. એને કારણે ડૉક્ટરો માટે સચોટ નિદાન સરળ બન્યું.’

અકસ્માતે ઇન્વેન્શન થઈ ગયું

કોઈ પણ શોધ એક્ઝેક્ટલી કયા દિવસે થઈ એના ઉલ્લેખો ભાગ્યે જ ઇતિહાસમાં નોંધાતા હોય છે, પરંતુ એક્સ-રે માટે એવું નથી. જર્મન સંશોધક વિલ્હેમ રોએન્જન આઠમી નવેમ્બર, ૧૮૯૫ની સાંજે ખૂબ ઓછા દબાણવાળા ગૅસમાં ઇન્ડક્શન કૉઇલની વચ્ચે ઇલેક્ટ્રિસિટીનું વહન કઈ રીતે થાય છે એનો પ્રયોગ કરી રહ્યા હતા એ વખતે તેને અકસ્માતે ખાસ પ્રકરાનાં ફ્લોરોસન્ટ કિરણો થોડાક મીટર દૂરની એક સ્ક્રીન પર પડતા જોયા. જ્યારે તેણે એ કિરણો અને સ્ક્રીન વચ્ચેથી હાથ પસાર કર્યો તો તેને પોતાના જ હાડકાંનો શૅડો સ્ક્રીન પર દેખાયો. પછી તો ભાઈસાહેબ મચી પડ્યા. તેણે એ સ્ક્રીનને બદલે ફોટોગ્રાફિક પ્લેટ રિપ્લેસ કરીને પ્રયોગ કર્યો અને એમાંથી જન્મ થયો એક્સ-રેનો. આ નવતર શોધ માટે રોએન્જનને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું.

આ એવી શોધ હતી જેના માટે બહુ સંશોધનો ન થયાં, પણ તરત જ એનો ઍસ્ટ્રોનૉમી, કેમૅસ્ટ્રી અને મેડિકલ ડાયગ્નોસિસ માટે ઉપયોગ થવા લાગ્યો. સૌપ્રથમ વાર યુરોપિયન સર્જ્યનોએ માનવશરીરમાંથી બુલેટ્સ અને ફોરેન સબ્સ્ટન્સ પારખવા માટે એક્સ-રેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. ૨૦૦૯માં લંડનમાં સાયન્સ મ્યુઝિયમમાં મેડિકલ ક્ષેત્રની સૌથી મહત્ત્વની શોધ માટે જ્યારે લોકોના મત લેવાયા ત્યારે એક્સ-રેની શોધને સૌથી વધુ મહત્ત્વની ગણાવાઈ હતી.

સાવ હાર્મલેસ હોવાનું મનાતું

જ્યારે એક્સ-રેની શોધ થઈ ત્યારે એની કોઈ સાઇડ-ઇફેક્ટ પણ હોઈ શકે છે એવો કોઈને વિચાર પણ નહોતો આવ્યો. જેમ નૉર્મલ પ્રકાશનાં કિરણો હાર્મલેસ છે એવાં જ આ એક્સ-રે કિરણો પણ હશે એવી ધારણા હતી. ત્યાં સુધી એક્સ-રેનો ઉપયોગ અતિશય છૂટથી થતો હતો. કાર્નિવલ શો, થિયેટ્રિકલ શો અને પ્રમોશનલ ગતકડાંઓમાં પણ એક્સ-રે વપરાતાં. ૧૯૩૦થી ૧૯૫૦ દરમ્યાન અમેરિકામાં શૂ-સ્ટોર્સમાં પણ એક્સ-રે મશીન્સ જોવા મળી જતાં. તમને કયા શૂઝ બેસ્ટ ફિટ આવશે એ એક્સ-રે દ્વારા નક્કી કરી શકાતું. ક્યારેક તો બર્થડે પાર્ટીઓમાં બાળકોને તેમના હાથનું હાડપિંજર દેખાડીને મજા કરાવવા માટે પણ એક્સ-રે મશીન વપરાતાં. જોકે ૧૯૦૪માં થોમસ એડિસનનો અસિસ્ટન્ટ ક્લેરેન્સ ડલ્લી એક્સ-રે કિરણો સાથે ખૂબ પ્રયોગો કરવાને કારણે સ્કિન કૅન્સરથી મૃત્યુ પામ્યો ત્યારે આ નવી ટેક્નૉલૉજીનાં ગંભીર પાસાંઓ વિશે પણ વિચારવાનો સમય આવ્યો. એ પછી એક્સ-રેના તરંગોથી થતી હાનિ વિશે પણ ઊંડા અભ્યાસો થયા અને નિષ્કર્ષ નીકળ્યો કે આ બેધારી તલવાર જેવું ટૂલ છે. યોગ્ય રીતે વપરાય તો એ તમારો હુકમનો એક્કો બને અને જો ખોટી રીતે વપરાય તો તમારા જ ગળે તલવાર બનીને આવે.

જોકે એની સાઇડ-ઇફેક્ટનો અભ્યાસ કરતી વખતે સંશોધકોને એમાંથી કૅન્સરને માત આપવાની થેરપી પણ મળી. થોડાક તીવ્ર માત્રાના રેડિએશનનો ઉપયોગ કરીને કૅન્સરના કોષોનો ખાતમો પણ બોલાવી શકાય એવી થેરપી ડેવલપ થઈ. આમ રેડિયોલૉજી સાદાથી અતિજટિલ રોગોના નિદાનમાં પણ મદદરૂપ થવાની સાથે કૅન્સર જેવા ઘાતક રોગને નાથવા માટેની થેરપી તરીકે પણ કારગર નીવડી.

શું રેડિયેશનથી ડરવા જેવું?

એક્સ-રે તરંગો પોતે પણ કાર્સિનોજન કહેવાય છે એનો જો ઓવરડોઝ થઈ જાય તો એ ખરાબ ભેગા સારા કોષોને પણ હાનિ પહોંચાડી શકે છે. ઇન્ટરવેન્શનલ રેડિયોલૉજિસ્ટ ડૉ. વિમલ સોમેશ્વર સમજાવે છે કે, ‘જ્યારે તમે ડાયગ્નોસ્ટિક હેતુથી રેડિએશનના સંસર્ગમાં આવતા હો ત્યારે મોટા ભાગે ચિંતાને કોઈ કારણ નથી રહેતું. પહેલાં જ્યારે એક્સ-રેની શોધ થઈ એ વખતની કિરણોની સમજણ અને હાલમાં અનેક કડક સંશોધનો બાદ નિશ્ચિત કરવામાં આવેલી ગાઇડલાઇન પછીની ટેક્નૉલૉજીમાં ઘણો તફાવત છે. શરીરમાં કોઈક પ્રકારની તકલીફ હોય ત્યારે એક્સ-રે, સીટી સ્કૅન, બોન ડેન્સિટી મૅટ્રિક્સ કે ઍન્જિયોગ્રાફી જેવાં પરીક્ષણોમાં એક્સ-રે બીમ વપરાય છે. એ ખાસ હાર્મફુલ નથી હોતાં. હા, સીટી સ્કૅનમાં ઘણું રેડિએશન આપવું પડે છે. એમાંય જો એક વીકમાં બે કે ત્રણ વાર સીટી સ્કૅન કરવું પડે તો ટેન્શન આવે, બાકી કોઈ વાંધો નથી હોતો. હાલમાં જે રેડિએશન લેવલ અપાય છે એ ખૂબ ચોકસાઈ અને કાળજીપૂર્વક તૈયાર થયું છે. જો કંઈક મોટી ગરબડની સંભાવના વર્તાતી હોય તો જ ટેસ્ટ કરવી પડે. બીજું, ધારો કે કૅન્સરને કારણે ટ્રીટમેન્ટના ભાગરૂપે રેડિએશન થેરપી લેવાની હોય તો એમાં બહુ જ પાવરફુલ રેડિએશન હોય છે. જોકે લેટેસ્ટ સંશોધનો દ્વારા એવાં મશીનો શોધાયાં છે જે ખૂબ જ પ્રીસાઇઝ પોઝિશન નક્કી કરીને કૅન્સરના કોષોને જ ડાયરેક્ટ ટાર્ગેટ કરીને રેડિએશન આપે છે. એને કારણે એની આજુબાજુના સ્વસ્થ કોષોને ઓછામાં ઓછું અને લગભગ નહીંવત્ કહેવાય એવું નુકસાન થાય. આ ક્ષેત્રમાં પણ ઍપ્લિકેશન અને સેફ્ટી મેઝર્સ એટલાં વધી ગયાં છે કે દરદીએ ચિંતા કરવા જેવું નથી રહેતું. રેડિએશનથી શરીરના બીજા ભાગોમાં કોઈ અસર નથી થતી. પહેલાંની સરખામણીએ રેડિએશન થેરપી એટલી જોખમી નથી રહી.’

ડૉક્ટરો માટે સતત વિશ્લેષણનો વિષય

રેડિએશન એ રેમેડી પણ છે અને નિદાન માટેનું હાથવગું સાધન પણ, એમ છતાં એનાથી હાનિ પણ થઈ શકે એમ હોવાથી ક્યારે એનો ઉપયોગ કરવો અને ક્યારે નહીં એ નક્કી કરવાનું કામ ડૉક્ટરો માટે વિશ્લેષણનો વિષય હોય છે. ડૉ. વિમલ સોમેશ્વર કહે છે, ‘નિદાન માટે અમુક-તમુક ટેસ્ટ કરાવવી જરૂરી છે એવું નક્કી કરતાં પહેલાં દરેક ડૉક્ટર દરદીના સંદર્ભમાં વિચારે જ છે કે ખરેખર એને એક્સ-રે કે સીટી સ્કૅનની કેટલી જરૂર છે. એનું જોખમ પણ આપણને ખબર છે અને છતાં એના ફાયદાનું પલડું જ્યારે ભારે થઈ જાય ત્યારે જ ડૉક્ટર નિદાન માટે અથવા તો સારવાર માટે રેડિયોલૉજીનો સહારો લેવો જોઈએ.’

આ પણ વાંચો : ગર્ભાશય કઢાવવાની જરૂર ક્યારે પડે છે?

કોણે એક્સ-રે બીમથી ચેતવું?

l નાનું બાળક હોય અને એક્સ-રે કરવો પડે કે સીટી સ્કૅન કરવાનું હોય તો બે વાર વિચાર કરવો પડે. એમાં પણ જો નિદાન માટે અતિઆવશ્યક હોય તો રેડિએશનના રિસ્ક કરતાં નિદાનની સચોટતાનો ફાયદો લેવો અનિવાર્ય બની જાય. l પ્રેગ્નન્ટ મહિલાઓએ પેટ અને પેડુના ભાગમાં આ રેડિએશન ન પડવાં દેવાં જોઈએ. ખાસ કરીને પ્રેગ્નન્સીના પહેલા ત્રણ મહિના દરમ્યાન બાળકના અવયવો બનવાની પ્રક્રિયા થતી હોય ત્યારે આ કિરણો ન જ પડે એનું ધ્યાન રાખવું મસ્ટ છે. l લોકો માને છે કે સીટી સ્કૅન કર્યા પછી બૉડીમાંથી રેડિએશન નીકળે છે, પણ એવું કંઈ નથી હોતું. હા, આઇસોટોપ્સ સ્કૅન કરવાનું હોય ત્યારે શરીરમાં કેટલીક દવાઓ ઇન્જેક્ટ કરવામાં આવે ત્યારે થોડુંક સાચવવું પડે.

health tips