જૅપનીઝને પજવી રહેલું આ હિકિકોમોરી શું છે?

27 December, 2019 03:43 PM IST  |  Mumbai | Darshini Vashi

જૅપનીઝને પજવી રહેલું આ હિકિકોમોરી શું છે?

ફાઈલ ફોટો

સાદી ભાષામાં તેને કહેવાય હાઉસ અરેસ્ટ. કોઈ માણસ પોતાની જાતને કિડનૅપ કરીને ઘરમાં પુરાઈ રહે અને એ પણ અચોક્કસ સમયમર્યાદા સુધી, ન કોઈની સાથે સંપર્ક કે ન કોઈ જાતનો વ્યવહાર. અહીં સુધી કે ઘરના સભ્યોની સાથે પણ કોઈ સંપર્ક નહીં એવી પરિસ્થિતિને જપાનમાં ‘હિકિકોમોરી’ કહે છે. જપાનમાં લાખો લોકોને પોતાની ચપેટમાં લેનાર હિકિકોમોરીના કેસ હવે ભારતમાં પણ સામે આવી રહ્યા છે ત્યારે આપણે ક્યાં સજાગ થવાની જરૂર છે એ જોઇએ.

જપાનમાં રહેતા હાઇડ નામક ૧૬ વર્ષના એક યુવકને ભણવામાં મન ન‍હોતું લાગતું. માબાપના અનેક પ્રયાસો બાદ હાઇડ સારા માર્ક્સ લાવી શકતો નહીં અને આખરે તેણે ભણવાનું છોડી દીધું. પરંતુ વાત અહીંથી પૂરી થતી નથી. ભણવાનું છોડી દીધા બાદ હાઇડનાં સગાંસંબંધીઓ અને તેના મિત્રો તેની મજાક કરતા. આડોશપાડોશના લોકો પણ ઘરે આવીને તેને અનેક સવાલો કરતા અને હાઇડ ડબ્બો હોય તેમ તેની સાથે બિહેવ કરતા. ત્યાં સુધી કે હવે માતાપિતા પણ તેને મહેણાં ટોણા મારતાં થઈ ગયાં. રોજ-રોજની આવી દિનચર્યાથી કંટાળીને હવે હાઇડ ઘરની બહાર જવાનું ઇગ્નૉર કરવા લાગ્યો. તેમ જ માતાપિતા સાથે પણ કમ્યુનિકેશન ઓછું કરી નાખ્યું. જેમ-જેમ સમય વીતતો ગયો તેમ આ ઇગ્નૉરન્સ ક્યારે એક ડર બની ગયો એની હાઇડને ખબર પણ ન પડી. હાઇડ આખો-આખો દિવસ બેડરૂમમાં ભરાઈ રહેતો. નકારાત્મક વિચારોથી ઘેરાઈ ગયો હતો. બધા માટે ગુસ્સો હતો. કોઈને પોતાની રૂમમાં આવવા દેતો નહીં. બસ, ચાર દીવાલની અંદર તેણે તેની દુનિયા બનાવી લીધી હતી. જ્યારે બહારની દુનિયા તેને જેલ સમાન લાગતી હતી. આવા પ્રકારની સ્થિતિનો સામનો કરી રહેલા લોકોને જપાનમાં  હિકિકોમોરી કહેવામાં આવે છે. હાઇડ તો એકમાત્ર ઉદાહરણ છે, પરંતુ તેના જેવા લાખો કેસ જપાનમાં નોંધાયા છે. ઘણા કેસમાં યોગ્ય સહાયથી આવી પરિસ્થિતિમાંથી લોકો બહાર પણ આવી શક્યા છે તો ઘણાં વર્ષો સુધી આવી પરિસ્થિતિમાં રહીને મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા છે. આવા પ્રકારના કેસની સામે ત્યાંનું પ્રશાસન અનેક પગલાંઓ પણ લઈ રહ્યું છે. સાદી ભાષામાં એકલતાનું એક આગળનું ડગલું એટલે હિકિકોમોરી. ભારતમાં આવા પ્રકારની સ્થિતિમાંથી ઘણા લોકો પસાર થઈ રહ્યા છે, પરંતુ કેસ બહાર આવી રહ્યા નથી.

એકાકી જીવન

હિકિકોમોરીનાં ચિહ્નો એકલતાપણું પીડાવાને લીધે થતા અનેક માનસિક ડિસઑર્ડરની સાથે મેળ ખાતાં આવે છે. અલગ-અલગ વૈજ્ઞાનિક ભાષામાં માનવીના આ સ્વભાવને અલગ-અલગ નામ આપવામાં આવે છે એમ જણાવીને સાઇકિયાટ્રિસ્ટ ડૉ. ધારા ઘડિયાલી કહે છે, ‘જોકે એ થવાનાં કારણો અને ચિહ્‍નો લગભગ એકલતાપણું કોરી ખાઈ રહેલા લોકોનાં જેવાં જ છે. આવા પ્રકારની મનોવૃત્તિ ધરાવનાર વ્યક્તિ પોતાને દુનિયાથી અલગ કરી નાખે છે અને એકાકી જીવન જીવે છે. હિકિકોમોરી થવા પાછળનું એક કારણ સ્ટ્રેસ પણ હોઈ શકે છે. મેં એવા ઘણા લોકો જોયા છે જેઓ કોઈ માણસ માનસિક રીતે તૂટી રહ્યો હોય, ઉકેલ શોધી રહ્યો હોય ત્યારે તેને મદદ કરવાને બદલે તેને સવાલો પૂછી- પૂછીને, નકામી દખલગીરી કરીને વધુ અસ્થિર કરી નાખે છે. એવા સમયે તે વ્યક્તિ માનસિક પ્રશ્નો ઉકેલવા લોકો સાથે વાત કરવાનું જ બંધ કરી દે છે અને ધીરે-ધીરે એકાકી જીવન તરફ આગળ વધી જાય છે.’

શું ભારતીયો પણ એના શિકાર?

હિકિકોમોરીનું ભારતીયો પર કેટલું જોખમ છે એ બાબતે સાઇકોલૉજિસ્ટ પૂર્વી શાહ કહે છે, ‘હિકિકોમોરીનાં જે ચિહ્નો છે એ આપણે ત્યાં ઘણાની માનસિકતામાં જોવા મળતાં જ હોય છે. આમ જોવા જઈએ તો ઘણા વખતથી જોવા મળે જ છે. બસ, એ ખૂલીને બહાર આવ્યાં નથી અથવા તો એ બાબતને મહત્ત્વ અપાયું નથી. ભારતીયોની વાત કરીએ તો ઘણા કેસમાં જોવા મળ્યું છે કે કેટલાક લોકો ખાસ કરીને ટીનેજર્સ અને યુવાનોમાં અંતર્મુખી સ્વભાવ, વધારેપડતું સ્ટ્રેસ, ગુસ્સો, અકળામણ વધતાં જોવા મળી રહ્યાં છે. સહનશક્તિ ઘટી ગઈ છે, જેને લીધે તેઓ સમાજથી ધીરે-ધીરે દૂર થઈ રહ્યા છે અને જરૂરી કામ ન હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળતા હોય છે. ઘરમાં પણ અન્ય સભ્યોની સાથે વધુ સંપર્કમાં આવતા નથી. બસ, આખો દિવસ તેની રૂમના એક ખૂણામાં કાં તો કમ્પ્યુટર કે મોબાઇલ અથવા ટીવી લઈને બેસી જાય છે અને આખો-આખો દિવસ એમાં પસાર કરે છે. આ બધાં હિકિકોમોરીનાં પ્રાથમિક લક્ષણ જેવાં છે.’

ફૅમિલી ઇન્વૉલ્વમેન્ટ જરૂરી

ફૅમિલી સાથે માત્ર રહેવાથી તમામ સમસ્યાઓનો ઉકેલ આવી જાય એવું નથી; પરંતુ એના માટે ફૅમિલીએ એકબીજાને સમજવું, જાણવું અને એના કરતાં પણ વધારે એકબીજાને સમય આપવો જરૂરી બને છે. આ બાબતે ડૉ. ધારા ઘડિયાલી કહે છે, ‘સામાન્ય રીતે આપણે અહીં છોકરાઓની રીતભાતમાં જરા પણ ફેરફાર આવે એટલે ઘરના લોકો કહે છે કે આ તો પહેલાંથી જિદ્દી જ છે. તેની સંગત બગડી ગઈ છે. આજકાલના છોકરાંઓને કઈ કહેવાય જ નહીં વગેરે-વગેરે જેવાં વાક્યો વારેઘડીએ સાંભળવામાં મળે છે. પરંતુ તેના મનને સમજવાની કે પછી પાસે બેસાડીને શાંતિથી વાત કરવાનું કોઈ વિચારતું નથી. તો ઘણા હૉર્મોન્સ ચેન્જ થયાં હશે એટલે આવો સ્વભાવ થઈ ગયો હશે એવું વિચારીને ડૉક્ટર પાસે જતા નથી અને પછી પરિસ્થિતિ વધુ બગડી જાય છે.        પેરન્ટ્સના ઘટી રહેલા ઇન્વૉલ્વમેન્ટ પર પૂર્વી શાહ કહે છે, ‘આજકાલ મૉડર્નાઇઝેશનની આડમાં છોકરાઓને એવી રીતે ઉછેરવામાં આવે છે કે તેઓ આગળ જતાં માતાપિતાનું કંઈ સાંભળવા તૈયાર જ નથી થતાં. અગાઉ સંતાનોને માતા પિતાની બીક હતી, શરમ હતી તેમ જ તેઓ જે કહેતાં હતાં એ સાંભળતાં પણ હતાં અને સમજતાં પણ હતાં. પરંતુ આજે ઊંધું થઈ ગયું છે. આજે સંતાનો બહારથી આવે ત્યારે જો તેનો મૂડ ખરાબ હોય તો મા-બાપ એવું વિચારે છે કે જવા દે, તેને થોડો સમય એકલો કે એકલી રહેવા દે; આપમેળે સરખું થઈ જશે. બસ, અહીંથી જ સમસ્યા શરૂ થઈ જાય છે. હવેના સમયમાં બન્ને પેરન્ટ્સ વર્કિંગ હોય છે એવા સમયે બાળકો તેમની વ્યથા કોને જઈને કહેશે? ભલે ઘરમાં બીજા હોય, પણ જે માબાપની હૂંફ હોય એ બીજા પાસેથી તો નહીં જ મળે. તો બીજી બાજુ સુસાઇડના કેસ વધી ગયા છે એટલે પેરન્ટ્સને ચિંતા હોય છે કે જો કંઈ આડુંઅવળું બોલાઈ ગયું તો એનું વિપરીત પરિણામ ભોગવું પડશે. બસ, આ જ બધી બાબતોને લીધે બે જનરેશન વચ્ચે મોટો ગૅપ આવી ગયો છે, જે માનસિક બીમારીના રૂપે જન્મ લે છે.’

શું કરી શકાય?

આપણામાં કહેવત છે કે નવરા નખ્ખોદ વાળે એટલે ક્યારે પણ મગજને નવરું પડવા દેવું નહીં. આગળ પૂર્વી શાહ કહે છે, ‘હંમેશાં ખાલી મગજમાં જ નકામા વિચાર આવે છે. બીજું એ કે ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ એનો ઉકેલ કાઢવો જોઈએ. મિત્રો, પરિવારજનો સાથે સમય વિતાવવો જોઈએ. પેટછૂટી વાત કરવી જોઈએ. જો તમે તમારા ઘરની કોઈ વ્યક્તિ કે મિત્ર કે પછી પાડોશીમાં આવાં કોઈ ચિહ્‍નો જુઓ કે તરત તેની સાથે વાત કરો. તેને આશ્વાસન આપો અને જરૂર લાગે તો ટ્રીટમેન્ટ માટે લઈ જાઓ. હિકિકોમોરીમાં પણ અનેક સ્ટેજ હોય છે, જેમાં શરૂઆતના સ્ટેજમાં માણસ ઝડપથી બહાર આવી શકે છે; પરંતુ સ્ટેજ આગળ જતું રહ્યું હોય તો ઘણો સમય લાગી શકે છે. કેમ કે આ કન્ડિશનમાં પીડિત માણસ પણ જાણી નથી શકતો કે તેની સાથે શું થઈ રહ્યું છે.’

મુખ્ય કારણો

જપાન અને ભારત બન્ને દેશના લોકો માટે પારિવારિક મૂલ્યો ઘણાં મહત્ત્વનાં છે, જેથી અહીંના લોકોમાં શરમ અને આદર જોવા મળે છે. પરંતુ એ જ વસ્તુ ઘણી વખત તેના પર દબાણ પણ લાવે છે.

બાળકો વધુમાં વધુ ભણે, ઊંચા પગારની જૉબ મળે, નવું મોટું ઘર ખરીદે, ગાડી ખરીદે એવી પરિવારની ઇચ્છા ઘણી વખત માનસિક દબાણ વધારવામાં કામ કરે છે.

નોકરીમાં કામના કલાક અને દબાણ વધવાને લીધે એમાંથી ભાગી છૂટવા માગતા હોય છે.

ટેક્નૉલૉજી એટલી બધી આગળ વધી ગઈ છે કે હવે દરેકને દરેક વસ્તુ આંગળીના ટેરવે મળી જાય છે એટલે લોકો બહાર જવાનું ટાળે છે.

ન્યુક્લિયર ફૅમિલીઓ વધી રહી છે. ખાસ કહી શકાય તેવા મિત્રો ઓછા થઈ ગયા છે. લોકોને મળવાનું ઓછું થઈ ગયું છે.

ઘરનો માહોલ, વિસ્તાર તેમ જ સમાજ પણ ઘણી વખત કોઈ વ્યક્તિને હિકિકોમોરી બનાવી દે છે. 

હિકિકોમોરીની ચોંકાવનારી માહિતી

નૅશનલ જ્યોગ્રાફીના એક અહેવાલ મુજબ જપાનમાં ૧૫થી લઈને ૩૯ વર્ષનાં પાંચ લાખથી વધુ યુવક-યુવતીઓ હિકિકોમોરીનો શિકાર બન્યાં છે.

એક સ્ટડી પ્રમાણે ૩૦ ટકા લોકો ઇન્ટરનેટનું ઍડિક્શન હોવાને લીધે હિકિકોમોરીનું જીવન જીવે છે.

જપાની અર્થશાસ્ત્રીનું કહેવું છે કે હિકિકોમોરીથી પીડાતા લોકો સોસાયટીથી દૂર રહે છે એટલે જૉબ પણ નથી કરતા, જેને લીધે દેશની અર્થવ્યવસ્થાને પણ નુકસાન થઈ રહ્યું છે.

જપાનમાં થોડા સમય પૂર્વે ‘રેન્ટલ સિસ્ટર’ નામનો એક પ્રોગામ પણ લૉન્ચ કર્યો હતો જેમાં હિકિકોમોરી લોકોની સાથે સમય વિતાવવા માટે એક સ્ત્રી વૉલન્ટિયરને મોકલવામાં આવે છે જે તેમને હિકિકોમોરીમાંથી બહાર લાવવામાં મદદ કરે છે.

હિકિકોમોરીની મદદ માટે જપાનમાં એક ન્યુઝપેપર પણ નીકળે છે જેમાં હિકિકોમોરીથી પીડાતી વ્યક્તિઓને બહાર નીકળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

જપાન ઉપરાંત હિકિકોમોરીના કેસ ભારત, પાકિસ્તાન, સિંગાપોર, સ્પેન, હૉન્ગકૉન્ગ, અમેરિકા, મૉરોક્કો, ઇટલી, ઓમાનમાં પણ નોંધાયા છે.

health tips