યોગથી વેઇટલૉસ થાય?

23 January, 2020 03:26 PM IST  |  Mumbai | Ruchita Shah

યોગથી વેઇટલૉસ થાય?

યોગા

આખા વિશ્વમાં અત્યારે લગભગ પોણાબે અબજથી વધારે લોકો ઓવરવેઇટ કેટેગરીમાં આવે છે અને ૬૫ કરોડથી વધારે લોકો ઓબીસ છે. ઓબીસ અને ઓવરવેઇટ હોવામાં ફરક છે. ઓવરવેઇટને પણ તમે કન્ટ્રોલ ન કરી શકો અને મોટાપો આગળ વધતો ચાલે ત્યારે ઓબેસિટી આવે. દર વર્ષે લગભગ ૨૮ લાખ કરતાં વધારે લોકો ઓવરવેઇટ અથવા ઓબીસ હોવાને કારણે થતાં કૉમ્પ્લીકેશન્સને કારણે મૃત્યુ પામે છે. ભારતમાં પણ લગભગ ૧૪ કરોડની આસપાસ લોકો ઓબેસિટીની કેટેગરીમાં આવે છે. ડાયાબિટીઝ, હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, હાઇપરટેન્શન, સાંધાનો દુખાવો, હાડકાને લગતા રોગો, કેટલાક પ્રકારનાં કૅન્સર જેવા રોગો વેઇટલૉસનાં સગાંસંબધીઓ ગણી શકાય. રૂપની દૃષ્ટિએ પણ સૌને પાતળી-પરમાર જેવા દેખાવાની ઇચ્છા હોય. જ્યારે અહીં તો બાવાના બેઉ બગડ્યા જેવી સ્થિતિ છે. હેલ્થ માટે પણ મોટાપો અને સ્થૂળતા કિલર છે અને દેખાવ તો બગાડે છે જ. કદાચ આ જ કારણ છે કે વેઇટલૉસનું માર્કેટ ‘દિન દોગુના રાત ચૌગુના’ની ઝડપે વિકસી રહ્યું છે. એક વાત આપણે ભૂલી ગયા છીએ કે સ્વસ્થ રહેવા માટે નહીં, પણ બીમાર પડવા માટે રોગ લાવવા માટે મહેનત કરવી પડતી હોય છે. સ્વાસ્થ્ય શરીરનો સ્વભાવ છે. નાનીમોટી તમારી તમામ દિનચર્યાની ભૂલોને શરીર પોતાની જાતે સુધારવાની કોશિશ કરે છે. શરીરનું આગવું મેકૅનિઝમ છે, પરંતુ આપણે એ હદ પર શરીરને બગાડવાની દિશામાં દોડી રહ્યા છીએ કે શરીર સેલ્ફ-હીલિંગથી પર થઈ ચૂક્યું છે. ક્યારેક હોય તો હજી બિચારું શરીર મૅનેજ કરે, પરંતુ આપણી તો રોજબરોજની બગડેલી લાઇફ-સ્ટાઇલ, અનહેલ્ધી ખાવું, અપૂરતી ઊંઘ, મિનિમમ ફિઝિકલ ઍક્ટિવિટી વગેરે નૅચરલ હીલિંગને સ્લો કરી દીધું છે. ઉપરાંત હૉર્મોનલ ઇમ્બૅલૅન્સને કારણે થાઇરૉઇડ, પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ જેવાં કારણો પણ મોટાપા માટે જવાબદાર હોઈ શકે. જોકે કોઈ પણ કારણ હોય, જો તમે ધારો અને નિશ્ચય કરીને જીવનમાં બદલાવ લાવો તો દરેક પરિસ્થિતિમાં વજનને મેઇન્ટેઇન કરી શકાય અને ક્વૉલિટી ઑફ લાઇફ સુધારી શકાય. હવે જોઈએ કે યોગ શું કામ બેસ્ટ છે વેઇટલૉસ માટે? યોગથી વજન ઘટે એવું ધરાર સ્ટેટમેન્ટ કરવું યોગ્ય નહીં ગણાય, પરંતુ યોગથી શરીરમાં અમુક પ્રકારનાં એવાં હકારાત્મક પરિવર્તનો આવે છે જે વજનઘટાડાને પણ બૂસ્ટ કરે છે. યોગ તમને શારીરિક રીતે અને માનસિક રીતે સ્વસ્થતા બક્ષે છે અને શરીરની મંદ પડેલી સ્વાવલંબી સિસ્ટમોને રીઍક્ટિવેટ કરે છે કે પછી વજન ઘટાડવું તમારું નહીં તમારા શરીરનો હેડેક બની જાય છે.

અનેક પાસાંઓ

શ્રી પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશનના રિસર્ચર સાયન્ટિસ્ટ સચિન શર્મા કહે છે, ‘ઓબેસિટી બે પ્રકારની છે. એક શરીરના તમામ હિસ્સામાં ચરબી જામેલી હોય અને બીજા પ્રકારમાં શરીરના અમુક હિસ્સામાં જ એટલે કે પેટ અને કમરના હિસ્સામાં ચરબીનો ભરાવો થઈ શકે, જેને સેન્ટ્રલાઇઝ્ડ ઓબેસિટી કહેવાય. મોટા ભાગે એશિયન દેશોમાં સેન્ટ્રલ ઓબેસિટીનું પ્રમાણ વધારે છે. આ ઓબેસિટી જોખમી છે; કારણ કે કિડની, લિવર જેવા મહત્ત્વના અવયવોની ફરતે ચરબીનો ભરાવો છે. અમારો અનુભવ અને અભ્યાસ બન્ને કહે છે કે યોગ આસનો, પ્રાણાયામ, ક્રિયાઓ અને ધ્યાનની પદ્ધતિઓ મલ્ટિપલ ડાયમેન્શન પર કામ કરે છે. યોગ તમારા પ્રત્યેક કોષને પ્રભાવિત કરે છે. ૨૦૧૦થી ૨૦૧૨માં ૭૦ લોકો પર અમે એક સર્વેક્ષણ કરેલું, જેમાં એક વર્ગ એવો હતો જેમને પહેલાં વૉક કરાવેલું અને બીજા વર્ગને ૪૫ મિનિટના નિયમિત યોગ કરાવેલા. યોગ આસનો, પ્રાણાયામ અને ક્રિયાઓને કારણે તેમની સ્લીપ ક્વૉલિટી ઇમ્પ્રૂવ થઈ હતી. ઊંઘ સુધરે, ડીપ સ્લીપ મળે એટલે તમારી પૅરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થાય જે પાચનને વધુ બહેતર કરે. આ દરમ્યાન તમારાના શરીરમાં લેપ્ટિન નામના હૉર્મોનનો સ્રાવ વધે. લૅપ્ટિન અને હૉર્મોન્સ છે જે આપણામાં પેટ ભરાઈ ગયાની ફીલિંગ આપે, જેને કારણે વધુ ખાવાની ઇચ્છા જ ન થાય. આસનોને કારણે શરીરમાં રક્તપરિભ્રમણ સુધરે. પ્રાણાયામ ઑક્સિજનની માત્રા વધારે અને નેતિ, બસ્તી, શંખપ્રક્ષાલન જેવી ક્રિયાઓ ટૉક્સિન્સને બહાર કાઢે. આ બધાથી પાચનતંત્ર સુધરવાનું શરૂ થાય. વ્યક્તિમાં ફીલ ગુડ ફૅક્ટર કરાવતાં હૉર્મોન્સ પણ વધે.’

ભારતનાં ૨૪ રાજ્યોના ૫૪ ડિસ્ટ્રિક્ટના ૪૦૦૦ લોકોને સામેલ કરીને યોગ અને મોટાપા પર આવા જ એક અભ્યાસમાં સચિન શર્મા હિસ્સો લઈ ચૂક્યા છે જેમાં તેમણે મોટાપો ધરાવતા લોકોની ક્વૉલિટી ઑફ લાઇફ, ફિઝિકલ ઍક્ટિવિટી, સોશ્યલ એન્ગેજમેન્ટ, રિસ્ક ફૅક્ટર ઇમ્પ્રૂવમેન્ટ, સ્ટ્રેસ મૅનેજમેન્ટ જેવા પૅરામીટર્સ પર અભ્યાસ કર્યો હતો. સચિન શર્મા કહે છે, ‘વધુ વજન હોય તે વ્યક્તિ પોતે પોતાનાથી ખુશ ન હોય, પોતે જ પોતાનો સ્વીકાર ન કરી શકતી હોય ત્યારે દુનિયા કેવી રીતે સ્વીકારશે એ વિચારે તેનું સોશ્યલ એન્ગેજમેન્ટ ખૂબ જ ઓછું હોય. યોગને કારણે આ હીનતાના ભાવને હટાવી શકાય છે. યોગનિદ્રા દરમ્યાન અફર્મેશન આપીને, આસનો અને પ્રાણાયામને કારણે ઍટિટ્યુડમાં જે બદલાવ આવ્યો એનાથી ફૅટ કૅટેગરીમાં આવતા લોકોનું અન્ય લોકો સાથે હળવા-ભળવાનું વધ્યું. સ્ટ્રેસ-મૅનેજમેન્ટમાં યોગ શ્રેષ્ઠ પરિણામ આપે છે જેનાથી પણ વેઇટલૉસમાં મદદ મળે છે, કારણ કે આપણે ચિંતામાં હોઈએ ત્યારે વધારેને વધારે ચરબી આપણા સેન્ટ્રલ હિસ્સામાં એટલે કે પેટના ભાગમાં જમા થતી હોય છે. ત્રીજો બેનિફિટ એ જોયો કે સ્થૂળ લોકોમાં રહેલા કાર્ડિઍક અને ડાયાબિટીઝ જેવા રિસ્ક ફૅક્ટરની સંભાવના ઘટી હતી. વજન ઘટ્યું ન હોય, પણ શરીરની ક્ષમતા વધે. હલકાપણાનો અહેસાસ થાય. પહેલાં ચાર દાદરમાં થાકતા હોય એવા દસ-બાર દાદર સડસડાટ ચડી જાય જેવા ચેન્જિસ અમે જોયા છે.’

નિયમિત અને યોગ્ય પદ્ધતિથી યોગાસનો, પ્રાણાયામ, શુદ્ધિ ક્રિયાઓ કરો તો સાતત્યતાપૂર્વક વજનમાં ઘટાડો શક્ય છે, કારણ કે યોગ વજન ઘટાડવાની સાથે તમને ઓવરઑલ હેલ્ધી કરશે. બની શકે શરૂઆતમાં તમારું વજન ન ઘટે, પણ જે-તે હિસ્સામાંથી ચરબી દૂર થવાની શરૂ થાય. શરીરમાં હલકાપણું લાગે, સ્ટ્રેસ-મૅનેજમેન્ટ થાય, હૃદયરોગ અને ડાયાબિટીઝ જેવા મોટાપાને કારણે આવનારા રોગોની સંભાવના ઘટે. જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાય અને વ્યક્તિ જીવનને માણવાનું શરૂ કરે. યોગ, મિતાહાર અને ક્રિયાઓથી વ્યક્તિનું ૪૦ કિલો જેટલું વજન ઘટે એવું પણ અમારા અભ્યાસમાં નોંધ્યું છે.

-સચિન શર્મા, સાયન્ટિસ્ટ, શ્રી પતંજલિ યોગ રિસર્ચ ફાઉન્ડેશન.

રામબાણ ઇલાજ?

કેટલાક અભ્યાસો કહે છે કે વજન ઘટાડવા માટે જમ્યા પછી અડધો કલાક સૂર્યભેદી પ્રાણાયામ થાય તો એ અદ્ભુત પરિણામ આપે છે, કારણ કે સૂર્યનાડી પાચનને ઝડપી કરવામાં ઉપયોગી છે. આ પ્રાણાયામમાં જમણી નાસિકામાંથી શ્વાસ લેવો અને ડાબી નાસિકામાંથી એને બહાર છોડવો અને શ્વાસ લેવાની પ્રક્રિયા કરતા શ્વાસ છોડવાની પ્રક્રિયામાં ડબલ સમય લાગે એ રીતે સ્પીડને મૅનેજ કરવી

શું કરી શકાય?

ઊભા રહીને થતાં આસનોમાં તાડાસન, ‌‌િત્ર‌કોણાસન, કોણાસન, પાદહસ્તાસન કરી શકાય.

બેસીને થતાં આસનોમાં ચક્કી ચાલન, સ્થિ‌તકોણાસન, શ્વાસોચ્છવાસના લય સાથે પશ્ચિમોત્તાનાસન કરી શકાય.

કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા, ભ્રામરી જેવા બધા જ પ્રાણાયામ ક્ષમતા અનુસાર કરી શકાય.

બસ્તી, નૌલી જેવી ક્રિયાઓ કરી શકાય.

(આ બધું જ તમારી હેલ્થ-કન્ડિશન જાણી-સમજીને અનુભવી શિક્ષકની સલાહ મુજબ કરવું, કારણ કે દરેક વ્યક્તિ અલગ છે એટલે દરેકની યોગાસનોની જરૂરિયાતો પણ જુદી હોઈ શકે)

health tips yoga ruchita shah