તમે શું કરો છો આંખોની તંદુરસ્તી માટે?

10 October, 2019 04:17 PM IST  |  મુંબઈ | રુચિતા શાહ

તમે શું કરો છો આંખોની તંદુરસ્તી માટે?

આંખના યોગા

મોબાઇલ અને કમ્પ્યુટરનો અતિવપરાશ, બદલાઈ રહેલી જીવનશૈલી અને ખાણીપીણીની બગડેલી આદતોએ આંખોની સમસ્યામાં ધરખમ વધારો કર્યો છે. શું કરવું આંખની હેલ્થ માટે? આજે વર્લ્ડ આઇસાઇટ ડે નિમિત્તે યોગની કઈ ક્રિયાઓ અને આંખોની કઈ કસરતો કરવાથી ફાયદા થશે એ જાણી લો.

૧૮૮૭માં જન્મેલા અને ફિઝિશ્યનમાંથી યોગને સમર્પિત થયેલા સ્વામી શિવાનંદ સરસ્વતી કહેતા કે આપણી પાંચેય ઇન્દ્રિયમાંથી સૌથી વધુ શોષણ આપણે આંખોનું કરીએ છીએ. આ વાત હવે વધુ તીવ્રતાથી સ્વીકારવી પડે એમ છે. સ્વામીજીએ આ વાત કહી ત્યારે મોબાઇલ કે કમ્પ્યુટર નહોતા આવ્યા. સ્ક્રીન રેવલ્યુશન પછી તો આંખોનો દુરુપયોગ કરવામાં આપણે કોઈ કસર બાકી નથી રાખી. એની સાથે સતત વધી રહેલું પ્રદૂષણ, બદલાઈ રહેલી ખાણી-પીણીની આદતો, ઉજાગરાઓ અને અનિયમિત જીવનશૈલીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. છેલ્લા કેટલાક અરસામાં આઇ રિલેટેડ પ્રૉબ્લેમ્સ ખૂબ વધ્યા છે ત્યારે યોગ અને આંખોની હેલ્થને કઈ રીતે સાંકળી શકાય? આંખોની કઈ કસરતો કરવાથી ફાયદો થઈ શકે? આંખોની સંભાળ માટે સામાન્ય ટિપ્સ કઈ? જેવી દરેક બાબત પર આજે ચર્ચા કરીએ.

અઢળક રિસર્ચ

યોગ અને યોગ સાથે સંકળાયેલી વિવિધ ક્રિયાઓની આંખો પર અને આંખોના વિવિધ રોગો પર શું અસર થાય છે એના પર અઢળક રિસર્ચ થયાં છે, જેમાં સાબિત થયું છે કે કેટલાક પ્રાણાયામ, કેટલીક ક્રિયાઓ અને કેટલાંક આસનો જો યોગિક જીવનશૈલી સાથે અપનાવવામાં આવે તો બાળવયથી જ આંખોની તંદુરસ્તી વધારી શકાય છે. આ સંદર્ભે રિસર્ચ કરી ચૂકેલા બૅન્ગલોરની વૈજ્ઞાનિક અભિગમને જાળવીને યોગનો પ્રચાર-પ્રસાર કરતી સંસ્થા સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાન (એસ-વ્યાસા)ના મેડિકલ ડિરેક્ટર ડૉ. આર. નાગરથ્ના કહે છે, ‘આંખોની વાત કરીએ ત્યારે ત્રણ બાબત યોગથી શક્ય છે. પ્રિવેન્શન, ટ્રીટમેન્ટ અને પ્રમોશન. આંખોની તકલીફ આવે જ નહીં એ માટે પ્રિવેન્શન જરૂરી છે, જે યોગ દ્વારા શક્ય છે. નાની ઉંમરમાં યોગની ક્રિયાઓ કરાય તો નબળી થયેલી આંખોનું તેજ રીગેઇન પણ કરી શકાય છે. આંખોની ઍલર્જી, ડાયાબિટીઝને કારણે નબળી પડતી આંખો રેટિનાઇટિસ, ગ્લુકોમા, શૉર્ટ આઇ વિઝન જેવી તકલીફોની ટ્રીટમેન્ટમાં કેટલાંક આસનો, પ્રાણાયામ, ધ્યાન, ક્રિયા અને આંખોની કસરતથી ખૂબ સારું પરિણામ મળ્યું છે. તમારી આંખો સારી હોય તો એને પ્રમોટ કરવાનું કામ પણ યોગ દ્વારા શક્ય છે. આંખોની કસરતો, શરીરની મૂવમેન્ટ સાથેની બ્રીધિંગ એક્સરસાઇઝ, સૂર્યનમસ્કાર, નાડીશોધન અને ભ્રામરી પ્રાણાયામ, ત્રાટક જેવી કેટલીક બાબતો છે જે આંખોની તંદુરસ્તીમાં લાભ કરે છે. જોકે એની સાથે યોગિક જીવનશૈલીનું હોવું ખૂબ જરૂરી છે.’

આટલું ધ્યાન રાખો

આંખો પટપટાવો : જેમ જીવન માટે આપણે શ્વાસ લઈએ છીએ એમ આંખો માટે બ્લિન્ક કરો. આંખોની અંદરની નમીને બરકરાર રાખવા માટે આંખોને પટપટાવવી જરૂરી છે. આપણા શરીરનાં કેટલાંક ઑર્ગન એવાં છે જ્યાં બ્લડ સપ્લાય નથી પહોંચતી. જેમ કે વાળ, નખ, આંખોની કૉર્નિયા. કૉર્નિયાના ઉપરની ભીનાશ જ હવામાંથી ઑક્સિજન લઈને કોર્નિયાને પૂરો પાડે છે. આંસુ પેદા કરતી લેક્રિમલ ગ્લૅન્ડ કૉર્નિયાના સર્વાઇવલ માટે જરૂરી છે. જ્યારે તમે આંખો પટપટાવો છો ત્યારે લેક્રિમલ ગ્લૅન્ડ ઍક્ટિવેટ થાય છે અને કૉર્નિયાને સેફ રાખતા આંસુ બનાવે છે. જોકે એ ચારથી છ સેકન્ડમાં સુકાઈ જાય છે. એટલે જ આંખો દર મિનિટે બારથી ચૌદ વાર આંખો પટપટાવતા રહો એ જરૂરી છે.

નજીક અને દૂર જોવું : જેમ તમે એક જગ્યાએ લાંબો સમય બેસો તો શરીર જકડાઈ ગયું હોય એવો અનુભવ થયો છેને? એ જ વાત આંખોને લાગુ પડે. લાંબા સમય સુધી એક જ જગ્યાએ જોતા રહેવાથી આંખોને પણ થકાવટ લાગે. તમે નજીકનું જોતા હો ત્યારે તમારી આંખના જુદા મસલ્સ કામ કરતા હોય છે. એટલે જ્યારે તમે લાંબા સમય સુધી નજીકની વસ્તુ જોઈ રહ્યા હો તો ૧૫-૨૦ મિનિટે દૂરના કોઈ ઑબ્જેક્ટ જોવાની કોશિશ કરો અને લાંબા સમયથી દૂરની કોઈ ચીજ પર તમારી નજર હોય તો થોડીક ક્ષણો માટે તમારી નજીકની કોઈ વસ્તુ પર નજર કેન્દ્રિત કરો.

બાળકો માટે ખાસ કીમિયો : તમે નોટિસ કરજો કે મોટા ભાગે જ્યારે આપણે લખીએ છીએ ત્યારે લખાઈ ગયેલો શબ્દ પહેલાં વાંચીએ છીએ. એના કરતાં જો લખતી વખતે જે અક્ષર લખાઈ રહ્યો છે એના પર જ એટલે કે તમારી પેનની ટિપ પર જ ધ્યાન રાખો અને વાંચો. એનાથી એ વસ્તુ તરત જ યાદ રહી જશે અને તમારી વાંચવાની ઝડપ પણ વધી જશે.

ડાયરેક્ટ લાઇટમાં ક્યારેય ન વાંચવું : સ્ટડી ટેબલ પર વાપરવામાં આવતા ફોકસ લૅમ્પની ખૂબ બોલબાલા છે જે ડાયરેક્ટ ફોકસ લાઇટ આપે. જોકે એ આંખોને નુકસાન કરે છે. કાં તો લાઇટ ઉપરથી અથવા પાછળથી થોડાક વધુ અંતરથી આવતી હોય એવા અજવાળામાં વાંચો.

અંધારા ઓરડામાં ક્યારેય ટીવી, કમ્પ્યુટર, મોબાઇલ જેવી સ્ક્રીન ન વાપરો.

સૂવાના એક કલાક પહેલાં ઘરનાં તમામ ઇલેક્ટ્રૉનિક સ્ક્રીન ડિવાઇસ બંધ કરી દો અને જુદી-જુદી રીતે આંખોને વાંચવાની પ્રૅક્ટિસ આપો. વાંચતી વખતે ત્રણથી ચાર વાર આંખો પટપટાવો. એક ફકરો ડાબી આંખથી વાચો અને એ સમયે જમણી આંખ બંધ કરી દો. બીજો ફકરો જમણી આંખથી વાંચો ત્યારે ડાબી આંખ બંધ કરી દો. પછી બન્ને આંખથી વાંચો. આમ કરવાથી બન્ને આંખોની ક્ષમતા પણ ખબર પડશે અને બ્રેઇનને પણ આંખની સાથે વિશેષ ટ્રેઇનિંગ મળશે.

- વીરામ અગ્રવાલ, આઇ-એક્સરસાઇઝ એક્સપર્ટ

ત્રાટક શું કામ શ્રેષ્ઠ છે આંખો માટે?

જ્યારે પણ તમે કોઈ એક જગ્યાએ તમારું ધ્યાન કૉન્સન્ટ્રેટ કરો છો ત્યારે તમારા શરીરની પ્રાણઊર્જાનો ફ્લો એ હિસ્સામાં થાય છે. જે હિસ્સો નબળો છે એ તરફ તમે તમારું ધ્યાન કેન્દ્રિત કર્યું તો સ્વાભાવિક રીતે પ્રાણઊર્જાનો એ દિશામાં થયેલો ફ્લો એના હીલિંગમાં લાગી જશે. ત્રાટકમાં આપણે માત્ર કૉન્સન્ટ્રેશન નથી કરતા, પરંતુ સાથે રિલૅક્સેશન પણ કરીએ છીએ. ધારો કે તમે જ્યોતિ ત્રાટક કર્યું તો દસ સેકન્ડ દીવાની જ્યોત તરફ ધ્યાન કેન્દ્રિત કરીને આંખો બંધ કરી અને દસ સેકન્ડ પામિંગ (બન્ને હાથની હથેળી એકબીજા સાથે ઘસીને સહેજ ગરમાટો આવે એટલે શંકુ આકાર બનાવીને એને આંખો પર હળવે હાથે મૂકવી.) કરવું. ફરી વીસ સેકન્ડ કૉન્સન્ટ્રેશન કરવું અને પાછુ વીસ સેકન્ડ માટે પામિંગ કરવું. આમ જેટલી વાર કૉન્સન્ટ્રેશન કરીએ છીએ એટલી જ વાર માટે રિલૅક્સેશન આપીએ એ પણ મહત્વનું છે અને એમ હીલિંગ ઝડપથી થાય છે. એ ભાગને ડીપ અવેરનેસ સાથે તમે ઉત્તેજિત કરો, રિલૅક્સ કરો, ઉત્તેજિત કરો અને રિલૅક્સ કરો. માંડુક્ય ઉપનિષદમાં ઋષિ ગૌડપદાએ આ વાતનો ઉલ્લેખ કર્યો જ છે.

- ડૉ. આર. નાગરથ્ના

ઉપનિષદ અને પુરાણોમાં પણ કહેવાયું છે આંખોની એક્સરસાઇઝ વિશે

આંખોની વિવિધ કસરતો દ્વારા જ આંખોની તંદુરસ્તી મેળવી આપતા વિઝન યોગના વિરામ અગ્રવાલ આંખોની હેલ્થને સુધારવા માટે કેટલીક ટિપ્સ આપે છે. તેઓ કહે છે, ‘આંખોને ટચ કર્યા વિના માત્ર કસરતો, થોડો ડાયટ અને જીવનશૈલીમાં બદલાવ લાવીને આંખોના નંબરને ઓછા કરી શકાય છે એ હું મારી વીસ વર્ષની પ્રૅક્ટિસ પરથી કહું છું. આપણે આંખોની તંદુરસ્તીને સૌથી વધુ ઇગ્નૉર કરીએ છીએ. આંખોની કસરત વિશે આપણાં ધર્મશાસ્ત્રોમાં પણ કેટલાક ઉલ્લેખ છે. ચક્ષુશોપનિષદ અને નેત્રદ્રયમ નામના પુરાણમાં કેટલીક વાતો કહેવાઈ છે. તેમ જ ન્યુ યૉર્ક પોસ્ટ ગ્રૅજ્યુએટ મેડિકલ સ્કલ ઍન્ડ હૉસ્પિટલના ડૉ. ડબલ્યુ. એચ. બેટ્સે લગભગ ૩૦ હજાર પશુઓ અને માનવો પર ૩૮ વર્ષના રિસર્ચ પછી કેટલીક આંખોના સ્વાસ્થ્યની આવી જ વાતો રીડિસ્કવર કરી છે. ભારતમાં ડૉ. આર. એસ. અગ્રવાલે આંખોના સ્વાસ્થ્ય માટે ભરપૂર કામ કર્યું છે. આ મહારથીએ સિક્રેટ્સ ઓફ ઇન્ડિયન મેડિસિન, માઇન્ડ એન્ડ વિઝન અને યોગા ઓફ પર્ફેક્ટ આઈ નામના ત્રણ પુસ્તકો લખ્યા છે. જેમાં પણ આંખોના સ્વાસ્થ્યને લઈને ભરપૂર માહિતી આપવામાં આવી છે. આ આંખની કરસતો ખરેખર આંખોને ઉપયોગી થયાનું મેં છેલ્લાં ૨૦ વર્ષની પ્રૅક્ટિસમાં જોયું છે. આપણે મેમરી દ્વારા વાંચવા ટેવાયેલા છીએ. આપણી આંખો જ્યારે કોઈ પણ શબ્દ વાંચે છે ત્યારે પહેલાંના શબ્દો વાંચીને બાકીના શબ્દોનો અંદાજ લગાવી લે છે. આંખોને લગતી કસરતો દ્વારા આંખોના વૉલન્ટરી (રેક્ટસ નામના સ્નાયુ જે તમારી આઇબૉલને એની જગ્યા પરથી ખસવા ન દે) અને ઇનવૉલન્ટરી (સિલિઅરી અને ઑબ્લિક નામના સ્નાયુઓ જે આંખોની મૂવમેન્ટ કન્ટ્રોલ કરે) એમ બન્ને પ્રકારના મસલ્સને કસરત મળી જતી હોય છે. એની સાથે જ આંખ અને બ્રેઇન વચ્ચે માહિતી પહોંચાડતાં ઑપ્ટિક સેન્ટર અને ઑપ્ટિક નર્વ (ક્રેનિઅલ નસ તરીકે પણ ઓળખાય છે)ને પણ આંખોની એક્સરસાઇઝ પ્રભાવિત કરે છે.’

20-20-20 : કમ્પ્યુટર પર કામ કરનારાઓ માટે બેસ્ટ છે આ ફૉર્મ્યુલા

છેલ્લા કેટલાક અરસામાં ડ્રાય આઇઝની સમસ્યા વધી છે જેને ડૉક્ટરો કમ્પ્યુટર વિઝન સિન્ડ્રૉમ તરીકે ઓળખાવે છે. લાંબા સમય સુધી કમ્પ્યુટર સ્ક્રીન પર અથવા મોબાઇલ પર એકધારું જોતા રહેવાથી આંખોને ખૂબ સ્ટ્રેઇન પડે છે એનો ઉપાય દર્શાવતાં જાણીતા આઇ સર્જ્યન ડૉ. સિદ્ધાર્થ વી. મહેતા કહે છે, ‘મોબાઇલ અથવા કમ્પ્યુટર પર એકધારું જોતા રહેવાથી આંખો થાકી જાય. આંખોના મસલ્સ નબળા પડે, ડ્રાય આઇઝની સમસ્યા સર્જાય. માથાનો દુખાવો થાય. એના માટે અમે લોકોને 20-20-20ની ફૉર્મ્યુલા ફૉલો કરવાની સલાહ આપીએ છીએ, જેમાં વીસ મિનિટ થાય એટલે વીસ સેકન્ડ માટે તમારાથી વીસ ફીટની દૂરી પર હોય એવી વસ્તુઓ જોવી. બીજું, આઇ ડ્રૉપ્સ પણ નિયિમિત નાખવાથી આર્ટિફિશ્યલ ટિયર જન્મે અને આંખોની હેલ્થ સુધરે છે.’

સૂર્યને પાણી કેમ ચડાવવાનું?

રોજ સવારે સૂર્યને પાણી અર્પણ કરવાની હિન્દુ શાસ્ત્રોની પરંપરાનું કનેક્શન તમારી આંખોની હેલ્થ સાથે પણ છે. વિરામ અગ્રવાલ કહે છે, ‘જ્યારે તમે આઇ લેવલની ઉપરથી પાણીની ધારા કરો છો અને એ ધારામાંથી સૂર્યનાં કિરણોના દર્શન કરો છો ત્યારે આંખોની કીકીઓનું સંકોચન અને વિસ્તરણ થાય છે. આ એક પ્રકારની આંખો કીકીઓને મસાજ આપતી, ફોકસ વધારતી અને સ્વાસ્થ્ય બક્ષતી કસરત છે.’

health tips