મચ્છર ભગાવવાની અગરબત્તી 100 સિગારેટ બરાબર છે

20 November, 2019 01:41 PM IST  |  Mumbai | Sejal Patel

મચ્છર ભગાવવાની અગરબત્તી 100 સિગારેટ બરાબર છે

ફાઈલ ફોટો

તમે એક રાત મૉસ્કિટો રેપેલન્ટ સળગાવીને બંધ રૂમમાં સૂઈ જાઓ તો એ તમારાં ફેફસાંને સેંકડો સિગારેટ પીધા જેટલું નુકસાન કરે છે. આજે વર્લ્ડ ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ ડે છે ત્યારે જાણીએ હવે નૉન-સ્મૉકર્સમાં પણ આ સમસ્યા આકાર લેવા માંડી છે. આ રોગ એક વાર ઘર કરી ગયો તો એનો ક્યૉર સંભવ નથી અને ફેફસાંને થયેલું ડૅમેજ ફરી રિવર્સ પણ થઈ શકતું નથી. આવા સંજોગોમાં નિવારણ અને આગોતરું નિદાન એ જ વિકલ્પ બને છે.

ધ બર્ડન ઑફ ઑબ્સ્ટ્રક્ટિવ લંગ ડિસીઝ સંસ્થા દ્વારા થયેલા અભ્યાસ મુજબ વિશ્વમાં ૧૦.૧ ટકા લોકોને ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ હોય છે. પુરુષોમાં ૧૧.૮ ટકા અને સ્ત્રીઓમાં ૮.૫ ટકા જેટલી સંભાવના હોય છે. આ સમસ્યા અમુક ચોક્કસ રીજનમાં વધુ પ્રવર્તે છે અને આ ગ્રામીણ સમસ્યા છે કે શહેરી એ કહેવું મુશ્કેલ છે. કેમ કે શહેરીજનોને ઍર પૉલ્યુશન પરેશાન કરે છે અને ગ્રામીણ વિસ્તારોમાં ચૂલાનો ધુમાડો આ રોગનું મોટું કારક છે. આજે વર્લ્ડ સીઓપીડી ડે છે ત્યારે જરા ઊંડાણથી સમજીએ કે આ રોગ આજની પરિસ્થિતિમાં કેટલો અને કેમ ખતરનાક બની રહ્યો છે.

આંકડાઓથી કદાચ આ રોગની ગંભીરતા સમજવી મુશ્કેલ છે. એનાં શરૂઆતનાં લક્ષણો પણ એકદમ કૉમન હોય છે એને કારણે એનું આગોતરું નિદાન પણ મુશ્કેલ હોય છે. લગભગ ૧૩ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા પલ્મનોલૉજિસ્ટ ડૉ. જિજ્ઞેશ પટેલ કહે છે, ‘આ રોગની સૌથી મોટી સમસ્યા હોય તો એ છે કે જ્યારે દરદી ડૉક્ટર પાસે આવે ત્યારે ઑલમોસ્ટ બીજા કે ત્રીજા તબક્કામાં રોગ પ્રવેશી ચૂક્યો હોય છે. એ પછી એને વધુ આગળ વધતો અટકાવવાનું કામ પણ ઘણું અઘરું થઈ જાય છે. ભારતમાં તો આ રોગનું પ્રિવલન્સ ૧૫થી ૧૭ ટકા જેટલું હોય એવું મનાઈ રહ્યું છે.’

હવાનું પ્રદૂષણ

આ જ કારણસર સાઇલન્ટલી શરીરમાં આગળ વધતા ક્રૉનિક ડિસીઝ બાબતે જાગૃતિ આવે એ બહુ જરૂરી છે. જાગૃતિ કાર્યક્રમોની અસર પણ હવે ઘણી પૉઝિટિવ થઈ રહી છે એમ માનતા ગ્લોબલ હૉસ્પિટલના પલ્મનોલૉજિસ્ટ ડૉ. હરીશ ચાફલે કહે છે, ‘રોગ ભલે કાબૂમાં નથી આવ્યો, પણ જાગૃતિને કારણે એનું ડિટેક્શન હવે થવા લાગ્યું છે. કદાચ એવું પણ લાગી શકે કે હમણાં-હમણાંથી રોગ વધુપડતો ફેલાયો છે, પરંતુ એમાં ઘણાં પરિબળો કારણભૂત છે. ડિટેક્શનનું પ્રમાણ વધવાની સાથે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સે માણસોનાં ફેફસાંની ખરેખર દયનીય સ્થિતિ કરી નાખી છે. શ્વાસ લીધા વિના ચાલે નહીં અને શ્વાસમાં લેવાય છે એ હવા શુદ્ધ હોય નહીં ત્યારે આવા ક્રૉનિક સાઇલન્ટ કિલર્સ પેદા થાય છે. એક સમયે આ રોગ સ્મૉકર્સમાં જ થાય એવું મનાતું, પણ હવે સિનારિયો બદલાઈ ગયો છે. નૉન-સ્મૉકર્સમાં પણ શ્વાસનો આ રોગ વધી ગયો છે.’

ઘરમાં વપરાતાં કેમિકલ્સ

નૉન-સ્મૉકર્સ બે રીતે આ રોગનો ભોગ બની શકે છે એમ જણાવતાં ડૉ. હરીશ સમજાવે છે, ‘શહેરોમાં લોકો કાં તો પૅસિવ સ્મૉકિંગનો ભોગ બને છે કાં પછી ઘરમાં વપરાતાં કેમિકલ્સથી થતી હાનિથી સભાન નથી હોતા. મચ્છર ભગાવવા માટે લોકો અગરબત્તી કે મૉસ્કિટો રેપેલન્ટ પેપર સળગાવતા હોય છે. બીજા મચ્છર અંદર ન આવે એ માટે લોકો બારી-બારણાં ટાઇટ બંધ કરી દે છે. એક કોઇલ સળગાવીને બંધ રૂમમાં સૂઈ જવાથી બની શકે કે મચ્છર મરી જાય અને તમે નિરાંતે ઊંઘી શકો, પણ મચ્છરને મારતાં એ કેમિકલ્સ શ્વાસ વાટે ફેફસાંમાં ઊંડે જઈને ડૅમેજ કરી શકે છે. તમે એક રાત એક કોઇલ સળગાવીને બંધ રૂમમાં સૂઈ જાઓ એ ૧૦૦ સિગારેટ પીવા જેટલું નુકસાન તમારા ફેફસાંને કરી શકે છે.’

ગ્રામીણ વિસ્તારોની સમસ્યા વિશે ડૉ. જિજ્ઞેશ પટેલ કહે છે, ‘ગામડાંમાં લાકડાનો ચૂલો બાળવાની પ્રક્રિયા આ રોગને ઈંધણ પૂરું પાડે છે. બહેનો એનો વધુ ભોગ બને છે. ઘણી વાર નાનાં બાળકોને પાસે લઈને મહિલાઓ ચૂલા પર રસોઈ કરે છે. કૂમળા બાળકનાં ફેફસાં અને શ્વાસનળી ખૂબ સેન્સિટિવ હોય છે જેને લાકડાનો ધુમાડો ડૅમેજ કરે છે. બાળપણમાં જ ધુમાડાનું એક્સપોઝર બાળકોની રેસ્પિરેટરી સિસ્ટમને નબળી પાડી દે છે.’

બે પ્રકારનાં કારણો

સ્મૉક રિલેટેડ આ ડિસીઝને હિન્દીમાં કાલા દમા અથવા તો કાળો અસ્થમા કહેવાય છે. આ રોગ બે પ્રકારની કન્ડિશન્સ ધરાવી શકે છે. એક સમસ્યા છે એમ્ફીસેમા. ફેફસાંની અંદરના નાના દ્રાક્ષના ઝૂમખા જેવા દેખાતા ટિશ્યુઝ હોય છે. એની અંદરની પાતળી દીવાલો ગૅસ એક્સચેન્જ યુનિટ તરીકે કામ કરે છે. આ ભાગ લોહીમાંથી ઑક્સિજન ખેંચીને કાર્બન ડાયોક્સાઇડ લોહીને પાછો આપે છે. જ્યારે આ યુનિટની વૉલમાં ડૅમેજ થાય તો એને કારણે દ્રાક્ષના ઝૂમખામાં રહેતા કોષોની દીવાલ તૂટે છે અને એને કારણે લોહીમાંથી ઑક્સિજન ખેંચવાની ક્ષમતા ઘટી જાય છે અને લોહીમાં કાર્બન ડાયોક્સાઇડનો ભરાવો થવા માંડે છે. ગૅસ એક્સચેન્જ પ્રક્રિયામાં ગરબડ થવાને કારણે દરદી કોઈ ભારે કામ કરે તો શ્વાસ લેવાનું મુશ્કેલ બને છે. બીજા પ્રકારની સમસ્યા ક્રૉનિક બ્રૉન્કાઇટિસમાંથી આગળ વધે છે એમ સમજાવતાં ડૉ. હરીશ ચાફલે કહે છે, ‘શ્વાસનળીની અંદરની દીવાલમાં સોજો અને ઇરિટેશન વધે છે એને કારણે કફ ખૂબ પેદા થાય છે. જ્યારે લાંબો સમય અને વારંવાર ઍરવે અને આંતરિક દીવાલોમાં સોજો આવ્યા કરે તો એનાથી ખૂબ કફ નીકળે છે. જો કોઈને વારેઘડીએ ખાંસી, કફ નીકળવો, શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો દેખાવા લાગે તો લંગની ક્ષમતાની તપાસ કરાવી લેવી હિતાવહ છે.’

વર્ષમાં ત્રણ મહિના

ક્યારે વ્યક્તિએ ચેતવું જોઈએ એની સિમ્પલ ગાઇડલાઇન આપતાં ડૉ. જિજ્ઞેશ પટેલ કહે છે, ‘જો કોઈને બ્રોન્કાઇટિસ જેવાં લક્ષણો દર વર્ષે ત્રણેક મહિના માટે રહેતાં હોય અને આવું સતત ત્રણ વર્ષ સુધી ચાલતું જ રહે તો એ ચેતવણીની નિશાની છે. ખૂબ ગળફો નીકળ્યા જ કરે અને શ્વાસ લેવામાં તકલીફ પડે એ ખૂબ સામાન્ય સમસ્યા પ્રાથમિક ધોરણે જણાય. સ્મૉકિંગની આદત હોય તો-તો વિશેષ ધ્યાન રાખવું. મોટા ભાગે આ રોગ ૫૦ વર્ષ પછી દેખા દેતો હતો, પરંતુ હવે ઍર-ક્વૉલિટી અને અન્ય પરિબળોને કારણે એ ૪૦ વર્ષની આસપાસ પણ જોવા મળે છે. આ રોગનાં લક્ષણો ખૂબ કૉમન છે એટલે મોટા ભાગે એને લોકો નજરઅંદાજ કરી લે છે. જોકે એને હળવાશથી લેવાને બદલે યોગ્ય સ્ક્રીનિંગ જરૂરી છે. ઘણી વાર હાર્ટની સમસ્યામાં પણ શ્વાસ ચડે છે અને થાક લાગે છે. એટલે જ્યારે પણ લાંબા ગાળા સુધી ખાંસી, ગળફો, શ્વાસ ચડવો જેવાં લક્ષણો દેખાય તો પહેલાં તો ચેસ્ટ ફિઝિશ્યનને કન્સલ્ટ કરવા. જેટલું વહેલું નિદાન કરી લેશો એટલું એને કાબૂમાં રાખવાનું સરળ બનશે. ડૉક્ટર સામાન્ય રીતે ચેસ્ટ-એક્સરે કાઢે અને પલ્મનરી ફંક્શન તપાસે. જો એમાં પણ યોગ્ય નિદાન ન થાય તો વધુ પરીક્ષણો કરાવવાં પડે.’

બીજાં ઓછાં સામાન્ય લક્ષણોમાંનું એક છે શ્વાસ લેવા કરતાં ઉચ્છ્વાસ કાઢવામાં વધુ સમય લાગવો. શ્વાસોચ્છ્વાસ વખતે સિસોટી જેવો અવાજ આવે એ બીજું લક્ષણ છે. લાંબા ગાળે આ દરદીઓનો છાતીનો ભાગ બૅરલ એટલે કે પીપડા જેવો લાગવા લાગે છે. ઘણી વાર કોઈ અન્ય રોગ માટે સર્જરી કર્યા પછી રિકવરીમાં તકલીફ પડે ત્યારે એનું નિદાન થાય છે.

પ્રિવેન્શન માટે શું કરવું?

- સ્મૉકિંગ કરતા હો તો વહેલી તકે છોડી દેવું. કોઈ નજીકમાં સ્મૉક કરતું હોય તો પૅસિવ સ્મૉકિંગ પણ ન કરવું.

- તમારી આસપાસની ઍર-ક્વૉલિટી સુધરે એ માટે મથો. ટ્રાફિકનો ધુમાડો ઓછો થાય, ચૂલાનું બળતણ ન કરો, પરાળી ન સળગાવો, ઘરમાં સૂતી વખતે મૉસ્કિટો રેપેલન્ટ અગરબત્તી ન જલાવો. જલાવો તો એની હવા બંધિયાર રૂમમાં ભરાઈ ન રહે એનું ધ્યાન રાખો.

- આ રોગનો કોઈ કાયમી ઈલાજ નથી એટલે જો એક વાર એ ઘર કરી ગયો તો એ માટે જીવન પર્યંત દવાઓ લીધા વિના છૂટકો નથી રહેતો. એટલું જ નહીં, દવાઓ પછી પણ ફેફસાંમાં થયેલું ડૅમેજ પાછું સુધરતું નથી.

- જો તમારી ફિઝિકલ ઍક્ટિવિટી ઘટી ગઈ હોય અને ૬ મહિના પહેલાં તમે જે કામ કરતા હતા એ કરવામાં હવે શ્વાસ ચડે છે અથવા તો થાક લાગે છે તો આ લક્ષણને હળવાશથી ન લો.

- લગભગ એક ટકા લોકોને આ રોગનું જિનેટિકલી જોખમ હોય છે, એટલે જેમને આ રોગનું જોખમ જણાતું હોય તેમને માટે એક વૅક્સિનની શોધ થઈ છે. ડૉક્ટરને કન્સલ્ટ કરીને તમે આ વૅક્સિન લઈ શકાય એમ છે કે નહીં એની તપાસ કરી શકો.

health tips