પિરિયડ્સ સમયે ૩-૪ દિવસ આંખમાં કશુંક ખટકે છે

31 January, 2023 05:24 PM IST  |  Mumbai | Dr. Himanshu Mehta

આંખનાં આંસુ સુકાઈ જાય એ આંખની હેલ્થ માટે સારું નથી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હું ૩૨ વર્ષની વર્કિંગ વુમન છું. આજકાલ વિચિત્ર પ્રૉબ્લેમ શરૂ થઈ ગયો છે. બે મહિના પહેલાં મને આંખમાં એકદમ ખટકવાનું શરૂ થયું હતું. ત્રણ દિવસ ખૂબ તકલીફ રહી, પરંતુ હું ડૉક્ટર પાસે ગઈ નહોતી. જોકે ૩ દિવસ પછી એ જાતે ઠીક થઈ ગયેલું. એના પછીના મહિને ફરીથી ખટક્યું ત્યારે મને સમજાયું કે આ તકલીફ મને પહેલાં પણ થઈ હતી અને ત્યારે મારા પિરિયડ્સ ચાલુ થયેલા. મારી સાઇકલ આમ તો એકદમ નૉર્મલ છે, બીજી કોઈ તકલીફ નથી. સતત ત્રણ મહિનાથી પિરિયડ્સ આવે ત્યારે આંખમાં ખટક્યા કરે. પિરિયડ્સ જાય એટલે એ જતું રહે. આંખમાં તકલીફને પિરિયડ્સ સાથે કઈ લેવાદેવા ખરી? 
  
તમે જે કહો છો એ મુજબ તમને ડ્રાય આઈ એટલે કે સૂકી આંખની તકલીફ છે. પિરિયડ્સ અને આંખને આમ તો સીધો સંબંધ નથી, પરંતુ માસિક દરમ્યાન શરીરમાં જે બદલાવ આવે છે, ખાસ કરીને હૉર્મોનલ ફેરફાર આવે છે એ અમુક વસ્તુઓ માટે ટ્રિગર પૉઇન્ટ હોય છે. શરીરમાં અમુક તકલીફ હોય જ, પરંતુ પિરિયડ્સ દરમ્યાન એ ટ્રિગર થતી હોય અને એટલે બહાર આવતી હોય એવું સ્ત્રીઓમાં સામાન્ય રીતે જોવા મળે છે. સૂકી આંખનું પણ એવું જ સમજવું. 

આ પણ વાંચો : છેલ્લા એકાદ વર્ષથી મને ખૂબ પરસેવો વળે છે

આજકાલ સ્ક્રીન ટાઇમ એટલો વધી ગયો છે કે ડ્રાય આઈની તકલીફ ઘણા લોકોને થાય છે. આ એક સામાન્ય પ્રૉબ્લેમ બનતો જાય છે. આંખનાં આંસુ સુકાઈ જાય એ આંખની હેલ્થ માટે સારું નથી. આજની તારીખે આંખ કેટલી હદે સૂકી થઈ ગઈ છે એના માટે પણ અમુક પ્રોપર ટેસ્ટ આવે છે. તમારી તકલીફ ભલે ૩-૪ દિવસમાં જતી રહે છે, પરંતુ એ દર મહિને આવે છે એટલે જરૂરી છે કે તમે ડૉક્ટર પાસે જાઓ અને વ્યવસ્થિત ચેક-અપ કરાવો. મોટા ભાગે તમને ડ્રાય આયની જ તકલીફ નીકળવી જોઈએ, છતાં એક વખત રૂબરૂ મળીને ખાતરી કરી લેવી જરૂરી છે. તમને મહિનાના અમુક દિવસો જ આ પ્રૉબ્લેમ થાય છે એનો મતલબ એ પણ થાય કે આ તકલીફ હજી ઇનિશ્યલ સ્ટેજમાં છે અને એ આગળ વધે એ પહેલાં તમારે એનો ઇલાજ કરાવી લેવો જોઈએ, જેનાથી ડ્રાયનેસ વધે નહીં. આ માટે સ્ક્રીન ટાઇમ ઘટાડો. આંખોને ઉપયોગી અમુક એક્સરસાઇઝ કરો. આય યોગા પણ એમાં ઘણા મદદરૂપ થઈ શકે એમ છે. શરીરનું હાઇડ્રેશન લેવલ ઊંચું રાખો. બાકી ડૉક્ટરની સલાહ મુજબ અમુક સમય સુધી સૂચવેલાં આય-ડ્રોપ્સ વાપરો, જેથી ડ્રાયનેસની તકલીફ ન રહે.

columnists health tips life and style