આંતરવસ્ત્રોની યોગ્ય સફાઈ તો કરો છોને?

28 November, 2019 01:13 PM IST  |  Mumbai | Arpana Shirish

આંતરવસ્ત્રોની યોગ્ય સફાઈ તો કરો છોને?

ફાઈલ ફોટો

થોડા સમય પહેલાં ‘મમ હૂ ક્લીન્સ’ નામના એક ફેસબુક ગ્રુપમાં એક સ્ત્રીએ એક ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં તેણે પોતાની બધી જ બ્રાને ગરમ પાણીમાં બોળી હતી અને લખ્યું હતું કે ‘જુઓ, જે બ્રાને હું રોજ મશીનમાં ધોતી એ હકીકતમાં કેટલી ગંદી છે.’ અર્થાત કે બ્રામાં પણ તમે ધારો એનાથી અનેકગણી ધૂળ અને બૅક્ટેરિયા હોય છે જે ફક્ત મશીનમાં ફેરવી દેવાથી સાફ નથી થતાં. ચાલો જાણીએ લૉન્જરી એક્સપર્ટ પાસેથી કે શરીરના ડેલિકેટ પાર્ટ્સ માટે બનેલા આ આંતરવસ્ત્રને ધોવામાં સ્ત્રીઓ કેવી ભૂલો કરે છે અને એને સાફ કરવાની યોગ્ય રીત કઈ છે.

અન્ડરગાર્મેન્ટ્સ હંમેશાં બીજાં કપડાંથી અલગ અને હાથેથી જ ધોવાં

મશીનમાં બ્રા વૉશ નહીં

શરીરના નાજુક અંગને ઢાંકતી બ્રા નાજુક ચામડીને સૂટેબલ એવા કાપડ અને નરમ ઇલૅસ્ટિકમાંથી બનેલી હોય છે, જે મશીનનું સ્પિનિંગ અને કેમિકલવાળા સાબુને સહન નથી કરી શકતી. એ સિવાય બ્રા જેવી ડેલિકેટ ચીજ મશીન વૉશ માટે પણ સૂટેબલ નથી. એ હાથેથી જ ધોવી અને ખુલ્લી હવામાં સૂકવવી જોઈએ. આ વિષે વાત કરતાં કઝારોનાં લૉન્જરી એક્સપર્ટ જયશ્રી ગુપ્તા કહે છે, ‘મશીન વૉશ બ્રાની લાઇફસ્પૅન ઘટાડે છે. બ્રા અને પૅન્ટી જેવાં ઉપવસ્રો બાકીનાં કપડાં કરતાં જુદાં ધોવાં જોઈએ, જેથી અન્ડરગાર્મેન્ટના બૅક્ટેરિયા બાકીનાં કપડાંને ન લાગે તેમ જ બાકીનાં કપડાંના રંગ અને ધૂળ બ્રાને ન લાગે. મશીનમાં બાકીનાં કપડાં સાથે ધોવાથી બ્રાનું ઇલૅસ્ટિક ઢીલું પડી જાય છે તેમ જ જો એ મોલ્ડેડ કપવાળી કે પૅડેડ હોય તો એનો શેપ પણ બગડી જાય છે. બ્રાનું ઇલૅસ્ટિક એક વાર ઢીલું થાય એ પછી એ બ્રેસ્ટને જોઈતો સપોર્ટ નહીં આપે.’

મશીનમાં બ્રા ધોવાનો બીજો એક ગેરફાયદો એટલે એના હૂક્સ વૉશ દરમિયાન બીજાં કપડાંમાં ભરાઈને ખેંચાય તો એ તૂટી જાય છે.

બ્રા નિયમિત ન ધોઈએ તો ચાલે?

મોંઘી અને ડેલિકેટ ફૅબ્રિકની અન્ડરવાયર બ્રા કે પછી પૅડેડ બ્રા જો રોજ નિચોવીને ધોવામાં આવે તો એ ડૅમેજ થાય છે. અને એટલે જ સ્ત્રીઓ આવા ગાર્મેન્ટને રોજ ધોવાનું ટાળે છે. આ વિષે વાત કરતાં લૉન્જરી એક્સપર્ટ જયશ્રી ગુપ્તા કહે છે, ‘બ્રા રોજ ન ધોઈએ તો ચાલે એવો કન્સેપ્ટ ફૉરેન કન્ટ્રીમાં છે અને હવે આપણે ત્યાં પણ કેટલીક સ્ત્રીઓ એનું અનુકરણ કરવા લાગી છે. જોકે એ હાનિકારક નીવડી શકે છે. બહારના ઠંડા દેશોમાં લોકોને પસીનો થતો નથી, જેને કારણે તેમનાં કપડાં અને અન્ડરગાર્મેન્ટ પણ કોરાં હોય છે. પણ આપણે ત્યાં ખાસ કરીને મુંબઈમાં બારેમાસ ભેજવાળા વાતાવરણને લીધે ખૂબ પરસેવો થાય છે અને એટલે જ બ્રાને રોજ ધોઈને સ્વચ્છ કરવી જરૂરી છે. ન ધોવામાં આવે તો પસીનામાં જમા થતા બૅક્ટેરિયાના લીધે સ્કિન ઇન્ફેક્શન થઈ શકે.’

પ્રકાર પ્રમાણે સફાઈ

બ્રા ધોવા માટે માઇલ્ડ સાબુનો ઉપયોગ કરવો. હૂંફાળા પાણીમાં સાબુ સાથે બ્રાને પલાળી રાખવી અને ત્યાર બાદ જો એ ફક્ત ફૅબ્રિકની પૅડ કે વાયર વિનાની હોય તો એને હાથેથી ચોળવી. અને પછી સાફ પાણીથી ધોઈ નીતરવા દેવી, પણ બ્રશથી ઘસવી કે નિચોવવી તો નહીં જ. પૅડવાળી કે વાયરવાળી બ્રાને સાબુવાળા હૂંફાળા પાણીમાં પલાળી રાખવી અને ત્યાર બાદ પૅડના શેપને તેમ જ વાયરને નુકસાન ન પહોંચે એ રીતે હળવા હાથે ચોળી લેવી. ત્યાર બાદ પાણીમાંથી કાઢી એને ટાંગી દેવી જેથી પાણી નીતરી જાય અને સુકાઈ જાય.

અહીં બ્રા ધોઈ લેવી જ પૂરતી નથી. બ્રામાંથી સાબુવાળું પાણી પૂરી રીતે નીકળી જાય અને ત્યાર બાદ પહેરતાં પહેલાં એ સુકાયેલી હોય એની ખાતરી કરવી મહત્ત્વની છે. આ વિષે વાત કરતાં જયશ્રી ગુપ્તા કહે છે, ‘ઘણી વાર ઉતાવળે વર્કિંગ લેડીઝ થોડી ભીની હોય તો એ બ્રા પહેરી લેતી હોય છે, પણ એ ભીનાશને કારણે સ્કિન પર રૅશિસ આવી શકે છે. આ પ્રૉબ્લેમનું સોલ્યુશન એ છે કે ફક્ત બે જ બ્રા આખું વર્ષ ચલાવવાનો આગ્રહ ટાળો અને ઓછામાં ઓછી જુદા-જુદા પ્રકારની અને રંગોની ૪-૫ બ્રા વસાવો. અને જો એને બ્રા માટે બજારમાં મળતા બૉક્સમાં જ રાખવામાં આવે તો વધુ સારું.’

આટલા પ્રકારની બ્રા તો હોવી જ જોઈએ

- સૉફ્ટ પૅડેડ કે ટી-શર્ટ બ્રા

- જો યોગ કે જિમમાં જતાં હો તો સ્પોર્ટ્સ બ્રા

- સ્ટ્રૅપલેસ બ્રા

- પાર્ટીવેઅર ડ્રેસિસ માટે પોતાની કમ્ફર્ટ પ્રમાણે અન્ડરવાયર બ્રા

ક્યારે ખરીદશો નવી બ્રા?

બ્રાના પટ્ટા વપરાશ બાદ ઢીલા થઈ ગયા હોય અને ખભા પરથી ઊતરી જતા હોય, એના પર પરસેવાના પીળા ડાઘ દેખાવા લાગ્યા હોય, ફૅબ્રિક ખૂબ કડક થઈ ગયેલું જણાય કે પછી પહેર્યા બાદ એ ઉપર ચડી જતી હોય ત્યારે સમજવું કે બ્રા હવે સપોર્ટ નહીં આપે અને એને ફેંકી નવી ખરીદવાનો સમય આવી ગયો છે.

 

health tips