કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેવાની સાચી ઉંમર કઈ?

22 November, 2019 04:04 PM IST  |  Mumbai | Varsha Chitaliya

કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેવાની સાચી ઉંમર કઈ?

ફાઈલ ફોટો

કિશોરાવસ્થામાં ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરનારી છોકરીઓમાં ડિપ્રેશનનાં પ્રારંભિક લક્ષણોની તીવ્રતા ૨૧ ટકા જેટલી વધુ હોય છે એવું બ્રિટનમાં કરવામાં આવેલા રિસર્ચમાં સામે આવ્યું છે. કાચી વયે આ પ્રકારની ગોળીનું સેવન કરનારી યંગ ગર્લ્સમાં સુસાઇડલ ટેન્ડન્સી, ઈટિંગ ડિસઑર્ડર, હાયપરસૉમ્નિયા અને ક્રાઇંગનાં લક્ષણો પણ જોવા મળ્યાં હતાં. આ સ્ટડી સંદર્ભે એક્સપર્ટનું શું કહેવું છે તેમ જ ગોળી લેવાની સાચી ઉંમર તેમ જ એની અસર વિશે જાણી લો.

આજકાલ કાચી વયે શારીરિક સંબંધો બાંધવાનું આકર્ષણ વધ્યું છે. ટીનેજમાં સેક્સનો અનુભવ લેવાની ઉતાવળ અને જાતીય સક્રિયતા તેમને અનેક રીતે ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. જોકે અસુરક્ષિત સેક્સ બાદ અનિચ્છિત ગર્ભથી બચવા શું કરવું જોઈએ એવી સમજણ વધતાં ટીનેજ ગર્લ્સમાં ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. લગ્નજીવનની શરૂઆતનાં વર્ષોમાં બાળક ન ઇચ્છતી હોય એવી મહિલાઓ માટે ગર્ભનિરોધક ગોળી સૌથી સરળ, સુરક્ષિત અને પ્રચલિત ઉપાય છે; પરંતુ યંગ ગર્લ્સમાં ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ (ગર્ભનિરોધક ગોળી અથવા બર્થ કન્ટ્રોલ પિલ્સ)નું સેવન ચોક્કસ ચિંતાનો વિષય છે.

સૌપ્રથમ ૧૯૬૧માં યુકેમાં આ પ્રકારની ગોળી લેવાની શરૂઆત થઈ હતી. ત્યારથી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ સ્ત્રીઓના મૂડ સ્વિંગ્સ પર કેવી અસર કરે છે એ સંદર્ભે વૈજ્ઞાનિકોએ અઢળક રિસર્ચ કર્યાં છે. વર્તમાન સમયમાં ટીનેજ ગર્લ્સમાં બર્થ કન્ટ્રોલ પિલ્સ લેવાનું ચલણ વધતાં રિસર્ચને એક સ્ટેપ આગળ લઈ જવામાં આવ્યો છે. બ્રિટનની બ્રિગહૉમ ઍન્ડ વિમેન્સ હૉસ્પિટલ, યુનિવર્સિટી મેડિકલ સેન્ટર ગ્રોનિનજેન અને નેધરલૅન્ડ્સની યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા સહિયારા રિસર્ચ બાદ તારણ નીકળ્યું હતું કે કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેનારી મહિલાઓની સરખામણીમાં ટીનેજથી એનો ઉપયોગ કરનારી યુવતીઓમાં ડિપ્રેશન અને સ્ટ્રેસનું પ્રમાણ ત્રણગણું વધુ હોય છે.

ચાઇલ્ડ સાઇકોલૉજી અને સાઇકિયાટ્રી જર્નલમાં પ્રકાશિત ઉપરોક્ત સ્ટડી માટે ૧૬ વર્ષની ટીનેજ ગર્લ્સના ગ્રુપનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમના બિહેવિયર, માસિક ધર્મની શરૂઆતની ઉંમર, પહેલી વખત સેક્સ સંબંધ બાંધવાની ઉંમર તેમ જ બર્થ કન્ટ્રોલ પિલ્સનો ઉપયોગ કરવાની ટેવનો અભ્યાસ કરતાં ગોળી લેનારી ગર્લ્સમાં ડિપ્રેશનનાં પ્રારંભિક લક્ષણોની તીવ્રતા ૨૧ ટકા જેટલી વધુ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત તેમનામાં સુસાઇડલ ટેન્ડન્સી, ઈટિંગ ડિસઑર્ડર, હાયપરસૉમ્નિયા અને ક્રાઇંગ (વારંવાર રડવું)ના લક્ષણો પણ જોવા મળ્યાં હતાં.

કૉન્ટ્રાસેપ્ટિવ ગોળીના રિસ્ક થોડા અને લાભ વધુ છે એમ જણાવતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. વીણા ઔરંગાબાદવાલા કહે છે, ‘વાસ્તવમાં કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સની શોધથી બાળક ન ઇચ્છતી મહિલાઓને ઘણી રાહત થઈ છે. એનો સૌથી મોટો ફાયદો એ છે કે ગર્ભ રહેવાની શક્યતા માત્ર ૦.૦૩ ટકા જેટલી ઓછી છે. સરળ ભાષામાં કહું તો એક લાખ મહિલાએ બે જ કેસમાં ગોળીનો પ્રયોગ નિષ્ફળ જાય છે. યંગ ગર્લ્સની વાત કરીએ તો આપણે ત્યાં મેટ્રો સિટીમાં ૧૬થી ૧૮ વર્ષની છોકરીઓમાં કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સનું ચલણ વધ્યું છે ખરું. પ્રિકૉશન ન લેવાના કારણે કુંવારી છોકરીના પિરિયડ્સ મિસ થઈ જાય એટલે ડરના માર્યા તેઓ વિચિત્ર પ્રયોગો શરૂ કરી દે છે. જાણ્યા કર્યા વગર ભળતી જ મેડિસિન લઈ લે છે. તેમ છતાં ઘણી વાર ગર્ભ રહી જાય છે. ગર્ભપાત જેવી સર્જિકલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે એવી નોબત આવે એના કરતાં પિલ્સ લેવા જેટલી સમજદારી દાખવે એમાં વાંધો નથી, કારણ કે આપણા કકળાટ કરવાથી યુવાનો શારીરિક સંબંધોથી દૂર નથી રહેવાના. જોકે કૉન્ડોમ બેસ્ટ છે અને એનો પ્રયોગ જ કરવો જોઈએ.’

આજે યંગ ગર્લ્સમાં PCOD (પૉલિસિસ્ટિક ઓવરી ડિસીઝ)ની સમસ્યા કૉમન છે. આ રોગની તબીબી સારવાર દરમ્યાન જે ગોળીઓ આપવામાં આવે છે એ પણ એક પ્રકારની બર્થ કન્ટ્રોલ પિલ્સ જ હોય છે એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘PCODની સારવારમાં ત્રણ મહિનાથી લઈને બે વર્ષ સુધી ગોળીનું સેવન કરવાની ડૉક્ટરો સલાહ આપે છે. ઘણી ટીનેજર્સને હેવી બ્લીડિંગ અથવા પ્રી-મેન્સ્ટ્રુએલ સિન્ડ્રોમની સમસ્યા હોય છે. તેમને પણ આવી જ પિલ્સ આપવી પડે છે. એનાથી ઘણી રાહત થાય છે. બધી સ્ત્રીઓ માટે એક પ્રકારની ગોળી હોતી નથી. તેથી તબીબી પરીક્ષણ અને ડૉક્ટરની દેખરેખ હેઠળ જ ગોળી લેવી જોઈએ. કોણે લેવી જોઈએ, ક્યારે લેવાય અને કેટલો સમય લેવાય એ સંદર્ભે ડૉક્ટર સાથે પહેલાં જ વાત કરી લેવી જોઈએ. કાચી વયે ગોળીનું સેવન કરવાથી હાઇટ વધતી અટકી જાય એવું બની શકે છે. ઓવરૉલ ગ્રોથ પર બ્રેક લાગી જાય એવા કેટલાક કેસ સામે આવ્યા છે.’

કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેનારી ટીનેજ ગર્લ્સમાં ડિપ્રેશનનું પ્રમાણ ઊંચું હોય છે એવા રિસર્ચ સંદર્ભે વાત કરતાં ડૉ. વીણા કહે છે, ‘ગોળીના ફાયદા અને ગેરફાયદા વિશે પૂરતી માહિતી ન હોય તો ટેન્શન થઈ જાય એ સ્વાભાવિક છે. સામાન્ય રીતે ટીનેજ ગર્લ્સ ઇમર્જન્સી પિલ લેતી હોય છે. જો લાંબો સમય સુધી લેવામાં આવે તો ફાઇબ્રોએડીનોસિસ (સ્તન સંબંધિત રોગ)ની સંભાવના છે. બ્રેસ્ટ-કૅન્સરના અનેક કેસમાં ગર્ભનિરોધક ગોળીનું અતિ સેવન જવાબદાર હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે. જોકે આવા કેસ ખૂબ ઓછા છે. યંગ ગર્લ્સ વારંવાર પિલ્સ લે તો પિગમેન્ટેશન, ખીલ, વજન વધી જવું, ઈટિંગ ડિસઑર્ડર, ઊંઘ ડિસ્ટર્બ થવી વગેરે સામાન્ય લક્ષણો જોવા મળી શકે છે. જો આમાંથી કોઈ પણ લક્ષણો દેખાય તો ગોળી બંધ કરી દેવી જોઈએ અને અન્ય સુરક્ષિત માર્ગ અપનાવવા જોઈએ. ડિપ્રેશન ત્યારે આવે જ્યારે તમે અસલામત સેક્સ્યુઅલ ઍક્ટિવિટીમાં ઇન્વૉલ્વ હો. અહીં એક વાત સમજી લો કે એનાથી તમારી ફર્ટિલિટી પર કોઈ અસર પડતી નથી. ગોળી બંધ કર્યા બાદ ચારથી છ મહિના સામાન્ય ટ્રીટમેન્ટ બાદ કન્સીવ કરી શકાય છે.’

ટીનેજ ગર્લ્સને ગોળીઓ કઈ રીતે મળી શકે? પેરન્ટ્સની જાણ બહાર ગોળી લેવી હિતાવહ છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. વીણા કહે છે, ‘ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ગોળીઓ મળતી નથી તેમ છતાં તેઓ મૅનેજ કરી લે છે. ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ કે જે અસલામત સેક્સ બાદ લેવાની હોય છે એ દવાની દુકાનેથી મળી રહે છે. જો ગર્લની ઉંમર ૧૮થી ઉપર હોય અને અમારી પાસે આવે તો અમે તેને પ્રિસ્ક્રિપ્શન લખી દઈએ છીએ. ઍડલ્ટ હોય તેથી પેરન્ટ્સની પરવાનગીની જરૂર રહેતી નથી. ગોળી લખી આપતી વખતે ડૉક્ટર એનું સેવન કઈ રીતે કરવું અને એની આડઅસર વિશે સમજાવે છે. કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેવાની સાચી ઉંમર જેવું કશું હોતું નથી, પણ ૧૬ વર્ષ બાદ લેવાથી સાઇડ ઇફેક્ટના ચાન્સિસ લગભગ ઝીરો છે. બધી ગર્લ્સ માટે એક જ પ્રકારની કૉન્ટ્રાસેપ્ટિવ પિલ હોતી નથી તેથી આંધળુકિયાં ન કરવાની સલાહ છે.’

આ શક્યતાઓ વિશે જાણી લો

- નાની વયથી બર્થ કન્ટ્રોલ ગોળીઓનું સેવન કરવાથી માસિક ચક્રમાં પરિવર્તન આવે છે. બે માસિક ચક્રની વચ્ચે ક્યારેક બ્લીડિંગ પણ થાય છે.

- વજાઇનલ ડ્રાયનેસ, ફંગલ ઇન્ફેક્શન તેમ જ મેનૉરેજિયા એટલે કે ઍક્સેસ બ્લીડિંગના ચાન્સિસ વધી જાય છે.

- પાંચ-સાત વર્ષ સતત આ પ્રકારની ગોળી પર અવલંબન રાખવાથી સેક્સ્યુઅલ ડિઝાયર તેમ જ ફર્ટિલિટી પર અસર પડી શકે છે. કેટલાક કેસમાં ભવિષ્યમાં ગર્ભ રહેવામાં વિલંબ થાય છે.

- કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સનું સેવન કરનારી ગર્લ્સમાં સ્તનના દુખાવાની ફરિયાદ વધુ જોવા મળે છે જે ડેન્જરસ સાઇન છે.

- બોન ડેન્સિટી અને હૉર્મોનની ઊથલપાથલનું જોખમ રહેલું છે. નૅચરલ હૉર્મોન ડિસ્ટર્બ થતાં હેલ્થ પર વિપરીત અસર થાય છે.

આ પણ વાંચો : ગાજર એટલે ગાજર

કૉન્ટ્રાસેપ્ટિવ ઇન્જેક્શન

ગર્ભનિરોધક ગોળીની આડઅસરથી બચવા તેમ જ ભૂલી જવાના ભયથી હવે યંગ ગર્લ્સમાં કૉન્ટ્રાસેપ્ટિવ ઇન્જેક્શન લેવાનું શરૂ થઈ ગયું છે. અનિચ્છિત ગર્ભ ન રહી જાય એ માટે આપવામાં આવતાં આ ઇન્જેક્શન બાદ ત્રણ મહિના સુધી ગર્ભ રહેતો નથી. દર ત્રણ મહિને એને રિપીટ કરી શકાય છે. કિશોરાવસ્થામાં આ પ્રકારનાં ઇન્જેક્શન પણ એટલાં જ જોખમી છે તેથી ડૉક્ટરની દેખરેખ વગર એનો પ્રયોગ ન કરવો.

health tips