જો સમજીને કરાય તો અનેક રીતે ઉપયોગી છે કપાલભાતિ ક્રિયા

31 October, 2019 04:16 PM IST  |  મુંબઈ | રુચિતા શાહ

જો સમજીને કરાય તો અનેક રીતે ઉપયોગી છે કપાલભાતિ ક્રિયા

કપાલભાતિ

ઘણા લોકો એને પ્રાણાયામ તરીકે ઓળખાવે છે, પરંતુ ઑફિશ્યલી એ પ્રાણાયામ નહીં પણ શુદ્ધિ ક્રિયાનો પ્રકાર છે જેનું લક્ષ્ય જ શુદ્ધ કરવાનું, ક્લેન્ઝિંગ કરવાનું છે. વજન ઘટાડવામાં, ફેફસાના સ્નાયુઓની સ્ટ્રેંગ્થ વધારવામાં, ચહેરા પર ગ્લો લાવવા જેવા અઢળક લાભ આ ક્રિયાના છે. દિવાળી પછી શરીરને ડિટૉક્સિફાય કરવા માટે એને દિનચર્યામાં સામેલ કરી શકો છો. કપાલભાતિ કેવી રીતે થાય, કોણે કરાય, કોણે શું સાવધાની રખાય અને અત્યાર સુધી વૈજ્ઞાનિક સંશોધનોમાં આ ક્રિયાની કેટલી ઉપયોગિતા થઈ શકી છે એ પ્રશ્નોના જવાબ જાણીએ.

યોગમાં સેલ્ફ-ડિપેન્ડન્ટ બનવાની વાત પર સૌથી વધુ ભાર મુકાતો રહ્યો છે. સ્વાવલંબી બનો અને એ બનવા માટે જે-જે કરી શકાય એ બધું કરો. યોગની સંપૂર્ણ સાધના એ જ દિશાનું સૂચન કરનારી છે. એની દરેક ક્રિયા તમને, તમારા શરીરને, તમારા મનને સ્વાધીનતા તરફ વાળવા માટેની જ છે. આસન, પ્રાણાયામ અને શુદ્ધિ ક્રિયાઓ શરીરની ફિઝિયોલૉજીને એટલે કે શરીરના સંપૂર્ણ તંત્રને સ્વાવલંબી રીતે તંદુરસ્ત બનાવવાની દિશામાં કામ કરે છે. કપાલભાતિ એવી જ એક ઉપયોગી ક્રિયા છે જેણે બાબા રામદેવને કારણે ખૂબ પૉપ્યુલરિટી મળી. જોકે કપાલભાતિની નેગેટિવ પબ્લિસિટી પણ ભરપૂર થઈ. આડેધડ ટીવી પર બાબા રામદેવને જોઈને કપાલભાતિ કરવા મંડેલા લોકોએ હૉસ્પિટલ સુધી પહોંચવું પડેલું એ સમાચારોએ ચકચાર મચાવી હતી. મૂળભૂત રીતે કપાલભાતિનું કનેક્શન પણ અન્ય પ્રાણાયામની જેમ શ્વાસોચ્છ્વાસ સાથે વધુ હોવાથી લોકો એને પ્રાણાયામ પણ ગણી લેતા હોય છે.

શું ખાસિયત?

કપાલભાતિ એટલે સાદી ભાષામાં સક્રિયપણે, ઝડપથી અને દબાણપૂર્વક શ્વાસ છોડવાની ક્રિયા. અહીં શ્વાસ લેવો ગૌણ છે. યોગનિષ્ણાત અને કપાલભાતિમાં વિશેષ પ્રયોગો કરનારા ડૉ. ગણેશ રાવ કહે છે, ‘આ એક પ્રકારની શોધન ક્રિયા છે. છ શુદ્ધિ ક્રિયામાંથી એક. જે મુખ્યત્વે તમારા બ્રેઇનના ફ્રન્ટલ લોબને, તમારા સાયનસિસને પ્યૉરિફાય કરે છે. મોટા ભાગે આપણા માટે શ્વાસ લેવો મુખ્ય હોય છે અને શ્વાસ છોડવાની બાબત ગૌણ હોય છે. શ્વાસ છોડવાની ક્રિયા પૅસિવલી થઈ જતી હોય છે. જ્યારે અહીં તમે રૅપિડ, ફોર્સફુલ એક્સેલેશન પર ફોકસ કરો છો. સામાન્ય બ્રીધિંગ પૅટર્નથી તદ્દન વિપરીત રિવર્સ બ્રીધિંગ પૅટર્ન થઈ જાય છે કપાલભાતિમાં. બીજું, સામાન્ય રીતે તમારા શરીરમાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે તમે ફોર્સફુલી અને ઝડપી ઉચ્છવાસ બહાર કાઢો છો ત્યારે શરીરમાં રહેલો એક્સ્ટ્રા કાર્બનડાયૉક્સાઇડ પણ બહાર નીકળે છે. ધીમે-ધીમે શરીરમાંથી કાર્બનડાયૉક્સાઇડની માત્રા ઘટવા માંડે અને તમારા શરીરની તમામ સિસ્ટમ ઍક્ટિવેટ થઈને પોતાના કામે વળગી જાય. જોકે પૅસિવલી ઇન્હેલેશન ચાલુ રહેતું હોવાથી બ્રેઇનને આવશ્યક હોય એટલો કાર્બનડાયૉક્સાઇડ પણ મળી રહે જ છે. એટલે હાઇપર વેન્ટિલેશન (ઝડપી શ્વસન, જે સામાન્ય રીતે શરીરમાં કાર્બનડાયૉક્સાઇડ અને ઑક્સિજનનું અસંતુલન ઊભું કરીને નુકસાન કરે છે) હોવા છતાં એ કોઈ પણ જાતની આડઅસર નથી થવા દેતું.’

કેવી રીતે ઉપયોગી?

કપાલભાતિનો શાબ્દિક અર્થ છે એવું જે તમારા કપાળને ચમકાવે. બાબા રામદેવે આ ક્રિયાને કુદરતી રીતે ફેશ્યલ કરી આપતી ક્રિયા તરીકે પણ નવાજી છે. ડૉ. ગણેશ કહે છે, ‘કપાલભાતિ શરીરના બીએમઆર એટલે કે બેસલ મેટાબોલિક રેટને ઝડપી કરે છે જેથી વેઇટલૉસ સહજ રીતે થાય છે. સ્વાનુભવો જ નહીં પણ કેટલાંક સર્વેક્ષણોમાં પણ આ પુરવાર થયેલી હકીકત છે. બીજું, આ પ્રાણાયામ ફેફસાંને સ્ક્વિઝ કરે છે. અત્યારની સ્ટ્રેસફુલ લાઇફમાં મોટા ભાગના લોકો શૅલો બ્રીધિંગને કારણે શ્વાસોચ્છવાસમાં ફેફસાંનો પૂરેપૂરો ઉપયોગ કરતા નથી. આપણી શ્વસનની વાઇટલ કૅપેસિટી એટલે કે મૂળભૂત ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ થતો જ નથી. એક નૉર્મલ હેલ્ધી વ્યક્તિ જ્યારે સંપૂર્ણ શ્વાસ લે ત્યારે તેનાં ફેફસાં ફુલાય-એક્સપાન્ડ થાય, ડાયાફ્રામ ઉપર આવે અને પેટ ફુલાય. નાનાં બાળકોમાં આ તમે ઑબ્ઝર્વ કર્યું હશે. કપાલભાતિ એ રીતે તમારા લંગ્સનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે. ફેફસાંને ક્લીન કરે છે અને આગળ કહ્યું એમ બ્રેઇનના ફ્રન્ટલ લોબના ક્લેન્ઝિંગ માટે પણ પૉપ્યુલર છે. કપાલભાતિના પ્રત્યેક સ્ટ્રોક સાથે ફેફસાં સ્ક્વિઝ થાય અને ઓપન થાય, જે એની કૅપેસિટીમાં વધારો કરે છે. બીજું, કપાલભાતિ કરનારાઓની શ્વાસને રોકવાની કૅપેસિટી ધીમે-ધીમે વધતી જાય છે. એક મિનિટ કપાલભાતિ કરો અને થોડીક ક્ષણો માટે એમ જ સ્થિર રહો તો તમે જોશો કે તમારી કુદરતી રીતે શ્વાસ લેવાની જરૂરિયાત ઘટી ગઈ છે. બૉડીને જોઈતો ઑક્સિજન એને મળી ગયો છે. તમારા ટૂંકા શ્વાસ લાંબા થતા જાય છે અને તમે ઓછા શ્વાસમાં વધુ કામ કરી શકો છો.’

વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ બ્રેઇનનું ક્લેન્ઝિંગ કરવા સમર્થ છે આ ક્રિયા

ફોર્સફુલ એક્સેલેશન માત્ર તમારા પેટના સ્નાયુઓને કસરત નથી આપતું, પરંતુ તમારાં ફેફસાં અને બ્રેઇનને ક્લીન કરવાનું કામ પણ કરે છે. હકીકતમાં બ્રેઇનનું ક્લીનિંગ એ જ કપાલભાતિનો વાસ્તવિક અર્થ હશે.

૧૯૪૧થી સૂક્ષ્મ રજકણો પર સંશોધનો ચાલે છે જેમાં તાજેતરમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે સિગારેટના ધુમાડામાંથી નીકળતા પાર્ટિકલ્સ કરતાં પણ ૧૦થી ૨૦ ગણા નાના નૅનોપાર્ટિકલ્સ હવામાં હોય છે, જે બ્લડ બ્રેઇન બૅરિયર (BBB)ને બાયપાસ કરીને નાક વાટે ડાયરેક્ટ બ્રેઇન સુધી પહોંચી શકે છે. આપણે પ્રદૂષિત હવામાંથી શ્વસનમાં જે પણ કંઈ લઈએ છીએ એનો થોડોક હિસ્સો બ્રેઇનને ડાયરેક્ટ મળે છે અને બાકીનો હિસ્સો ફેફસાંમાં ઑક્સિજન માટે જાય છે. ટૂંકમાં શ્વાસ તમારા મગજ અને શરીર બન્નેને ડાયરેક્ટ અસર કરે છે. મેડિકલ નિષ્ણાતોના મતે ફેફસાંનો કચરો તો શરીરની કુદરતી રોગપ્રતિકારક શક્તિ દ્વારા ફ્લશ આઉટ થઈ જાય છે, પરંતુ બ્રેઇનમાં એ ભેગો થતો જાય છે અને થોડીક માત્રામાં બ્રેઇનના સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડ દ્વારા બહાર નીકળી જાય છે. આ દિશામાં કેટલાક તર્કશાસ્ત્રીઓ એક તર્ક લગાવી રહ્યા છે કે જે હાનિકારક રજકણો નાકથી શ્વાસ લેવાને કારણે જ બ્રેઇન સુધી પહોંચ્યા છે એ શ્વાસની પ્રક્રિયાથી બહાર નીકળી શકે એ સંભાવના વધારે છે. ખાસ કરીને કપાલભાતિમાં ફોર્સફુલ ઉચ્છવાસમાં વેન્ટુરી ઇફેક્ટને કારણે નાસિકાના પૅસેજ સહેજ ફુલાય અને નાક વાટે બ્રેઇન સુધી ગયેલા પાર્ટિકલ્સ નાક વાટે જ હવાના ફોર્સફુલ ગમનને કારણે બહાર નીકળી જાય એ શક્ય છે.

અત્યારના પ્રદૂષણયુક્ત માહોલમાં નિયમિત કપાલભાતિનો આ એક બહુ મહત્ત્વપૂર્ણ ફાયદો થઈ શકે છે.

- ડૉ. અનિલ કે. રાજવંશી, રિસર્ચર અને સ્પિરિચ્યુઅલ એન્જિનિયર

આટલું ધ્યાન રાખો

- કપાલભાતિમાં ફોર્સફુલ શ્વાસ છોડવાનો છે એ બરાબર, પરંતુ ફોર્સ કેટલો રાખવો એ વ્યક્તિગત ક્ષમતા પર આધાર રાખે છે. કેટલાક લોકો એટલો ફોર્સ અજમાવતા હોય કે નાકમાંથી લોહી નીકળવા માંડે. ટ્રાયલ ઍન્ડ એરરની મેથડ દ્વારા તમારા શરીરની ક્ષમતાને ઓળખીને ધીમે-ધીમે આગળ વધો.

- કપાલભાતિ તમારા બીએમઆરને વધારે છે એટલે સ્વભાવિક રીતે શરીરની અન્ય સિસ્ટમને પણ હાયર ગિયરમાં ઍક્ટિવેટ કરે છે. ડાસજેસ્ટિવ સિસ્ટમ ઍક્ટિવ થવાથી પેટમાં પાચકરસો વધુ ઝરશે તો જેમને ઍસિડિટી હશે તેમને કપાલભાતિથી ઍસિડિટી વધી પણ શકે છે. હાર્ટ રેટ વધે એટલે હાઈ બ્લડ-પ્રેશર, હૃદયરોગીઓએ પોતાની ક્ષમતાને જાણી સમજીને ધીમે-ધીમે કપાલભાતિની સમયમર્યાદા વધારવી. શરૂઆત પાંચ, દસ અથવા ૧૫ સ્ટ્રોકથી જ કરવી. ડૉ. ગણેશ રાઓ કહે છે, ‘મારી પાસે એક એવા દરદી છે જે ૭૫ વર્ષના છે, હૃદયમાં પેસમેકર બેસાડેલું છે અને છતાં સ્વસ્થતાપૂર્વક બાર મિનિટ કન્ટિન્યુઅસ કપાલભાતિ કરી શકે છે. જોકે દસ વર્ષ નિયમિત પ્રૅક્ટિસ કરતાં-કરતાં ધીમે-ધીમે આ સ્ટેજ સુધી અમે અહીં પહોંચ્યા છીએ. ધીમે-ધીમે થોડી-થોડી માત્રા વધારતાં જવું એ જ એનો ગોલ્ડન રૂલ છે.’

- કપાલભાતિ કરતી વખતે જો તમારા શ્વાસ રૂંધાવા લાગે તો પ્રૅક્ટિસ ત્યાં જ બંધ કરવી. ક્યારેય બળજબરીપૂર્વક ન કરવું.

- કપાલભાતિ કરતી વખતે કરોડરજ્જુ હંમેશાં સીધી રાખવી અને જો કમરમાં દુખાવો હોય તો પીઠને ઓશીકાનો સપોર્ટ આપવો.

- કપાલભાતિ એટલે સંપૂર્ણ વિપરીત શ્વાસોચ્છવાસની ક્રિયા છે જે તમારા બ્રેઇનમાં પણ ડિસઓરિયેન્ટેશન ઊભું કરે છે એટલે કેટલીક વાર કરતી વખતે બગાસાં આવતાં હોય છે, જે તદ્દન નૉર્મલ છે.

કપાલભાતિના આ પ્રકારો વિશે જાણો છો?

મોટા ભાગે કપાલભાતિ એટલે ઝડપથી શ્વાસ છોડવાની પદ્ધતિ એ એક જ રીત પૉપ્યુલર છે, જેને વાતક્રમ કપાલભાતિ કહેવાય છે. આ ઉપરાંત વ્યુતક્રમ અને શીતક્રમ નામના પ્રકારો છે જેનો પણ યોગનાં પરંપરાગત પુસ્તકોમાં ઉલ્લેખ છે. વ્યુતક્રમ કપાલભાતિમાં હૂંફાળું સૉલ્ટયુક્ત પાણી નાસિકાના માધ્યમથી અંદર લઈ મુખ વાટે બહાર કાઢવાનું હોય છે, જે સાઇનસ ક્લેન્ઝિંગ માટે પૉપ્યુલર છે. શીતક્રમમાં મોઢામાં આવું જ હૂંફાળું સલાઇન વૉટર લઈ નાસિકા વાટે બહાર કાઢવાનું હોય છે, જેને મ્યુકઝ ક્લેન્ઝિંગ પ્રૅક્ટિસ કહેવાય છે.

યોગિક ટિપ

દિવાળી કે પછી ક્યારેક કોઈ આગ જેવી દુર્ઘટના ઘટ્યા પછી હવામાનમાં પ્રદૂષણનું પ્રમાણ સામાન્ય કરતાં વધી જાય છે. એવા સમયે થોડાક દિવસો સુધી શક્ય હોય ત્યાં સુધી બહાર ગાર્ડનમાં બેસીને પ્રાણાયામ અવૉઇડ કરવું, કારણ કે હવામાં રહેલું પ્રદૂષણ ફેફસાંને, બ્રેઇનને નુકસાન કરી શકે એવાં કેટલાંક હાનિકારક તત્ત્વો લાંબા સમય સુધી રહે છે. એવા સમયે ઘરે રહીને ઘરની હવાને ધૂપ, કપૂરથી પ્યૉરિફાય કરીને પ્રાણાયામ કે ક્રિયાઓ કરી શકાય.

કેટલું કરવું?

જો તમે એક હેલ્ધી વ્યક્તિ છો અને ધારો કે રોજનો એક કલાક કસરત કે યોગને ફાળવો છો તો ત્રણથી પાંચ મિનિટ કપાલભાતિ કરવું પૂરતું રહેશે. કોઈ પણ જાતની શારીરિક તકલીફ ધરાવતા લોકો માટે કપાલભાતિની સમયમર્યાદા અનુભવી યોગશિક્ષકની મદદ લઈને વ્યક્તિગત રીતે નક્કી કરવી જોઈએ.

health tips