શુગર સબ્સ્ટિટ્યુટ વાપરતાં પહેલાં આટલું જાણી લો

15 January, 2019 01:16 PM IST  |  | Jigisha Jain

શુગર સબ્સ્ટિટ્યુટ વાપરતાં પહેલાં આટલું જાણી લો

પ્રતીકાત્મક તસવીર

શુગર માટે લોકો આજકાલ ઘણા જાગૃત થઈ ગયા છે. ઘણા એને સફેદ ઝેર પણ માને છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનું માનીએ તો લિમિટેડ પ્રમાણમાં લેવામાં આવતી શુગર નુકસાનકારક નથી, પરંતુ મોટા ભાગના હેલ્થ પ્રોફેશનલ માને છે કે એ સાવ ન લો તો બેસ્ટ. આપણા વડીલો તો ખૂબ શુગર ખાતા, પરંતુ એ શુગરને પચાવી પણ જાણતા. આજના આપણા બેઠાડુ જીવનમાં શુગર આપણને મદદની બદલે નુકસાનકારક લાગે છે, કારણ કે જે એનર્જી‍ શુગર આપણને આપે છે એ એનર્જીને આપણે વાપરતા જ નથી. જો તમે શુગર સાવ છોડી દેશો તો તમે હેલ્ધી બનશો એ નક્કી છે. લિમિટેડ પ્રમાણમાં એટલે કે દિવસની ૧ કે ૨ ચમચી શુગર લેશો તો પણ હેલ્થને ખૂબ વાંધો નહીં આવે એમ માની શકાય. પરંતુ આપણે ગYયું ખાવાની મજા પણ જોઈએ છે અને હેલ્થને નુકસાન પણ નથી થવા દેવું એમ વિચારીને શુગર સબ્સ્ટિટ્યુટ ખાવાનું શરૂ કરી દીધું છે. શુગર સબ્સ્ટિટ્યુટનો જન્મ જ એ માટે થયો છે. સ્વાદ આવે પણ નુકસાન ન થાય. પરંતુ શું ખરેખર એનું કોઈ નુકસાન નથી? જ્યારે પણ આપણે ખોરાક બબાતે નુકસાન વિશે વિચારીએ છીએ ત્યારે એક વાત ચોક્કસ યાદ રાખવા જેવી છે. જે કુદરત આપણને આપે છે એ ખાવાથી ક્યારેય આપણું નુકસાન થઈ ન શકે ભલે એ શેરડી પણ હોય, જેમાં પ્યૉર શુગર જ છે છતાં એ નુકસાન નહીં કરે, પરંતુ જે વસ્તુ આપણે આર્ટિફિશ્યલ રીતે લૅબોરેટરીમાં બનાવીએ છીએ એ ચોક્કસ કોઈ ને કોઈ રીતે આપણને નુકસાન કરતી હશે. છતાં જો તમે શુગરની જગ્યાએ વપરાતા શુગર સબ્સ્ટિટ્યુટ પર નિર્ભર રહેવા માગતા હો તો એ વિશે થોડી માહિતી મેળવી લઈએ.

તફાવત

ઠંડાં પીણાંના શોખીન હેલ્થ માટે જાગૃત લોકો ડાયટ કોલા અને ડાયટ ડ્રિન્ક્સનો ઉપયોગ કરતા હોય છે. ડાયટ ડ્રિન્ક અને રેગ્યુલર કોલા ડ્રિન્કમાં મોટો ફરક શું છે એ ભાગ્યે જ કોઈ જાણે છે. જાહેરાત મુજબ ડાયટ ડ્રિન્કમાં કૅલરી ઓછી છે. એ કૅલરી ઓછી હોવાનું મૂળભૂત કારણ એમાં ઉપયોગમાં આવતું એસ્પાર્ટેમ છે, જેને આર્ટિફિશ્યલ સ્વીટનર કહેવાય છે. એ વિશે સમજાવતાં ડાયટિશ્યન અને ફિટનેસ કન્સલ્ટન્ટ યોગિતા ગોરડિયા કહે છે, ‘સાદી ભાષામાં સમજાવીએ તો આર્ટિફિશ્યલ સ્વીટનર એટલે કે એક એવી સાકર જે મીઠી તો છે પરંતુ રિફાઇન્ડ શુગરની જેમ શરીરમાં જલદી ભળી જતી નથી, ધીમે-ધીમે ભળે છે. તેથી શુગર શરીરને જે નુકસાન પહોંચાડે છે એ નુકસાન આ આર્ટિફિશ્યલ સ્વીટનર પહોંચાડતું નથી. મોટા ભાગના લોકો જે વજન ઉતારવા માગે છે, હેલ્થ માટે જાગૃત છે અને ખાસ જેને ડાયાબિટીઝ છે અને શુગર ખાવાની બિલકુલ મનાઈ છે તેવા લોકો શરીરને નુકસાન ન થાય અને ટેસ્ટ પણ જળવાઈ રહે એ માટે આ આર્ટિફિશ્યલ સ્વીટનર્સનો ઉપયોગ કરે છે. એ રીતે ખરેખર એ એક ઉપયોગી પ્રોડક્ટ છે. આ આર્ટિફિશ્યલ સ્વીટનર્સ લૅબોરેટરીમાં કેમિકલ ફૉર્મ સ્વરૂપે બનાવવામાં આવે છે. આમ એ નૅચરલ નથી. ઘણી વાર નૅચરલ પદાર્થોને એમાં ભેળવવામાં આવે પણ ખરા, પરંતુ એ અંતે તો કેમિકલ ફૉર્મ જ છે.’

બજારમાં આ આર્ટિફિïશ્યલ સ્વીટનર્સના ઘણાબધા પ્રકાર મળે છે. મોટા ભાગે એ ગોળીઓ અને પાઉડર સ્વરૂપે વેચાય છે. આજે જાણીએ આ આર્ટિફિશ્યલ સ્વીટનર્સના જુદા-જુદા પ્રકાર અને એની સેફ્ટી વિશે.

ફ્રુક્ટોઝ અને લૅક્ટોઝ

આર્ટિફિશ્યલ સ્વીટનર્સમાં ફ્રુક્ટોઝ સૌથી મોંઘું છે. લગભગ ૧ કિલો ફ્રુક્ટોઝ ૩૦૦-૪૦૦ રૂપિયાનું મળે છે. એનો ઉપયોગ મોટા ભાગે ઇન્ડસ્ટ્રીઝમાં જ વધુ કરવામાં આવે છે. ઘરમાં વ્યક્તિગત રીતે એનો ઉપયોગ થતો નથી. એ વિશે યોગિતા ગોરડિયા કહે છે, ‘ફ્રૂટમાંથી નૅચરલી મળતી શુગરને લૅબમાં બનાવવામાં આવે ત્યારે એ આર્ટિફિશ્યલ સ્વીટનર બની જાય છે. ફ્રૂટ પાઉડર ડ્રિન્ક્સ, કૅન્ડી બાર્સ, જેલી જેવી વસ્તુઓ જે ઇન્ડસ્ટ્રી બનાવતી હોય એ આ સ્વીટનરનો ઉપયોગ કરે છે. એનું ખાસ કોઈ નુકસાન છે નહીં. એ જ રીતે લૅક્ટોઝ દૂધમાંથી મળતી શુગર છે. એને લૅબમાં બનાવે તો એ આર્ટિફિશ્યલ સ્વીટનર બને. જોકે ભારતમાં આર્ટિફિશ્યલ સ્વીટનર તરીકે બનતી લૅક્ટોઝ વધુ માત્રામાં વપરાતી નથી.’

સૅકરિન અને સુક્રલોઝ

સૅકરિન મોટા ભાગે શરબતો કે તૈયાર સિરપમાં વપરાય છે, જ્યારે સુક્રલોઝ ગોળીઓ અને પાઉડર સ્વરૂપે શુગરની અવેજીમાં વાપરી શકાય છે. સુક્રલોઝ્નો ઉપયોગ આજે ઘણો પ્રચલિત બન્યો છે. આ આર્ટિફિશ્યલ સ્વીટનર લેવાથી અમુક લોકોને થોડા ગેરફાયદા થઈ શકે છે, જે જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘આ બન્નેથી પાચનક્રિયા પર અસર થઈ શકે છે. ઍસિડિટી અને ઝાડા પણ થઈ શકે. સૅકરિનથી ગળું પકડાઈ જાય કે ગળાનું ઇન્ફેક્શન થઈ જાય, પાણીનો શોષ પડે અને લાંબા ગળે અલ્સર થાય. સુક્રલોઝ સૅકરિન કરતાં વધુ સેફ છે.’

નૅચરલ સબ્સ્ટિટ્યુટ

આમ તો ઘણાં જુદા-જુદા પ્રકારનાં શુગર સબ્સ્ટિટ્યુટ બજારમાં મળે છે એમાં એક પ્લાન્ટ બેઝ્ડ હોય છે એટલે કે વનસ્પતિમાંથી સીધું મેળવવામાં આવે છે, જેનું નામ છે સ્ટેવિયા. આ ઘણી હદે હેલ્ધી માનવામાં આવતું સબ્સ્ટિટ્યુટ છે. મોટા ભાગના હેલ્થ પ્રોફેશનલ માને છે કે આ સૌથી સેફ છે, પરંતુ એ રીતે તો આપણી શુગર પણ સેફ હોવી જોઈતી હતી; કારણ કે એ પણ શેરડીમાંથી બને છે અને પ્લાન્ટ બેઝ્ડ જ ગણાય. જોકે આ બાબતે સ્ટેવિયા વિદેશી પ્રોડક્ટ છે એટલે એના પર રિસર્ચ થયેલાં હોય એટલે વાત સાબિત થયલી હોય. આપણી શેરડી પર કોઈ રિસર્ચ થયાં નથી એટલે એ બાબતે કોઈ વસ્તુ સાબિત કરી શકાય નહીં કે એ શુગર કેટલી સેફ છે. વળી જો દેશી મીઠાઈની વાત કરીએ તો એ સ્ટેવિયામાંથી બનાવવી શક્ય નથી, કારણ કે આ શુગરને પકાવવી જ શક્ય નથી.

પ્રચલિત પ્રકાર

બાકી બે મહત્વના પ્રકાર છે જે લોકો રેગ્યુલર ઉપયોગમાં લેતા હોય છે એ બાબતે જાણકારી આપતાં ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘એક પ્રકાર છે એસ્પાર્ટિમ. આ ઘણી બહોળી માત્રામાં લોકો લે છે, પરંતુ એની અસર હાનિકારક સાબિત થઈ શકે છે. આ સબ્સ્ટિટ્યુટને સેફ માનવામાં આવતું નથી. એટલે એનો પ્રયોગ ન જ કરવો. જ્યારે બજારમાંથી શુગર-ફ્રી પ્રોડક્ટ ખરીદો ત્યારે એ વાંચો કે એમાં કયું તત્વ છે. સુક્રલોઝ નામનું તત્વ ઘણું સેફ ગણાય છે અને એનાથી ભારતીય મીઠાઈઓ બની પણ શકે છે. એટલે આ સબ્સ્ટિટ્યુટ વાપરી શકાય. પરંતુ અહીં પણ એ ધ્યાન રાખવું જરૂરી છે કે અતિરેક યોગ્ય નથી.’

શુગર સબ્સ્ટિટ્યુટનો પ્રૉબ્લેમ

શુગર હાનિકારક છે એ જાણીતું સત્ય છે, પરંતુ આજકાલ લોકો શુગરના બદલે શુગર-ફ્રી વાપરે છે એટલે કે શુગરનાં સબ્સ્ટિટ્યુટ જે પ્લાન્ટ બેઝ્ડ અને કેમિકલ બેઝ્ડ એમ બે પ્રકારનાં આવે છે એ વાપરવા લાગ્યા છે. એમાં કૅલરી નથી હોતી અને શુગર જેવું હાનિકારક પણ એ નથી. પરંતુ ટેસ્ટ મીઠો આવતો હોય છે. ડાયટ કોલા ડ્રિન્ક્સમાં પણ એ જ ઉમેરવામાં આવે છે. આ શુગર સબ્સ્ટિટ્યુટ વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ અને ફિટનેસ કન્સલ્ટન્ટ મુનમુન ગનેરીવાલ કહે છે, ‘જે પણ શુગર સબ્સ્ટિટ્યુટ હોય છે એનું મગજ સાથે જે કનેક્શન છે એ જોડાતું નથી એટલે કે જ્યારે આપણે ખાંડ ખાઈએ છીએ ત્યારે મગજને જે સંતોષ મળે છે એ આ સબ્સ્ટિટ્યુટથી મળતો નથી, જેને કારણે મગજ વધુ કૅલરીની ડિમાન્ડ કરે છે.

આ પણ વાંચો : એક દૂજે કે લિએ બનેલાં પૌષ્ટિક ફૂડ-કૉમ્બિનેશન

જો ધ્યાનથી ઑબ્ઝર્વ કરશો તો સમજાશે કે કેમ આપણે ડાયટ કોલા ડ્રિન્ક સાથે જન્ક ફૂડ ખાવાનું પસંદ કરીએ છીએ. એટલા જ માટે કારણ કે એ પીવાથી આપણું મગજ વધુ કૅલરી માટે ક્રેવ કરે છે. આમ આપણે આ સબ્સ્ટિટ્યુટ ખાઈને મગજને કન્ફ્યુઝ કરવાને બદલે શુગર કે એના સબ્સ્ટિટ્યુટ બન્ને જ ખાવાનું બંધ કરી દઈએ એ એક આદર્શ પરિસ્થિતિ છે.

world health organization