સદીઓ જૂનું સુપરફૂડ સ્પિરુલિના

13 December, 2019 02:30 PM IST  |  Mumbai | Sejal Patel

સદીઓ જૂનું સુપરફૂડ સ્પિરુલિના

સ્પિરુલિના

એક જ ગોળી ખાઈ લઈએ અને જરૂરી તમામ પોષણ મળી જાય તો કેટલું સારું? આવો વિચાર કદાચ દરેકને ક્યારેકને ક્યારેક આવ્યો જ હશે. એ જ કારણોસર વિટામિન અને મિનરલ્સના સપ્લિમેન્ટ્સનું માર્કેટ ધૂમ વધ્યું છે. ખોરાકમાં ખવાતી ચીજોનું પોષણ ઘટતું ચાલ્યું હોવાથી તેમ જ જીવનશૈલીના ઉતારચડાવને કારણે અમુક ઉંમર પછી પોષણની પૂર્તિ માટે સપ્લિમેન્ટ્સ લેવાનું જરૂરી બની ગયું છે. મોટા ભાગના સપ્લિમેન્ટ્સ કેમિકલ બેઝ્ડ હોય છે, પરંતુ નૅચરલ ફૂડમાંથી બનતી સ્પિરુલિનાનું માર્કેટ આજકાલ ધૂમ વધ્યું છે. ૨૦૧૬ના વૈશ્વિક આંકડાઓની વાત કરીએ તો લગભગ ૧.૨૮ લાખ ટન સ્પિરુલિનાનું વેચાણ થયેલું જે લગભગ ૫૦.૮૨ અબજ રૂપિયાનું માર્કેટ ધરાવે છે. સંભાવનાઓ એવી છે કે ૨૦૨૬ની સાલ સુધીમાં તો આ માર્કેટ ૨૦૦૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૧૪૧ અબજ રૂપિયાને આંબી જશે. હેલ્થ સપ્લિમેન્ટ્સના માર્કેટમાં આટલો અધધધ ફાળો ધરાવતી સ્પિરુલિનાએ કંઈ સાવ અમથી જ લોકપ્રિયતા નથી મેળવી. પશ્ચિમના દેશોમાં તો એનો ડેઇલી ફૂડમાં પણ બહોળાપાયે ઉપયોગ થાય છે. થાક લાગતો હોય, હાથ-પગમાં ખાલી ચડી જતી હોય, વિટામિન બી૧૨ની કમી હોય, વીગન લોકોના ડાયટમાં પ્રોટીનની કમી સર્જાતી હોય ત્યારે આ સ્પિરુલિના નૅચરલ પૂરક બને છે. કસરત કરવાનો સ્ટૅમિના બિલ્ડ કરવામાં પણ એ બહુ જ ફાયદાકારક મનાય છે.

હાલમાં ભલે આપણે એને સપ્લિમેન્ટ તરીકે લેતા હોઈએ, પરંતુ છેક ૧૬મી સદીથી મેક્સિકોની એક ખાસ આદિવાસી પ્રજા માટે આ વનસ્પતિ સ્ટેપલ ફૂડમાં વપરાતી હતી. ટેક્સકોકો લેકમાં સ્પિરુલિના પહેલવહેલી વાર પેદા થતી હોવાના ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. એ વખતે લોકો આ વનસ્પતિને સૂકવીને એમાંથી કેક જેવા ચોસલા બનાવીને વાપરતાં. જોકે એ ઘટનાની જાણ ૧૯૫૦માં એ જ લેકમાંથી મળી આવેલી વનસ્પતિના અવશેષોની ન્યુટ્રિશન વૅલ્યુની તપાસ દરમ્યાન થઈ હતી. શરૂઆતના બે દાયકા સુધી તો સ્પિરુલિના યુરોપનું સ્થાનિક મિરેકલ ફૂડ જ હતું. ૧૯૭૦માં ફ્રાન્સની એક કંપનીએ એનું કમર્શિયલી પ્લાન્ટેશન કરવાનું શરૂ કર્યું અને એનું જોઈને અમેરિકા અને જપાનમાં પણ એનો ફેલાવો થયો અને આજે તો વિશ્વના દરેક ખૂણે ફિટનેસ પ્રેમીઓનું માનીતું સપ્લિમેન્ટ બની ગયું છે ત્યારે જાણીએ એના ફાયદા શું છે, ગેરફાયદા શું છે અને એ ક્યારે, કોણે અને કેવી રીતે લઈ શકાય.

શેવાળ જેવી ભાજી

હજી ઘણા લોકોને સ્પિરુલિના ઍક્ઝેક્ટલી છે શું એની પણ ખબર નહીં હોય. બ્લુ-ગ્રીન રંગની સાયનોબૅક્ટેરિયાવાળી લીલ એટલે સ્પિરુલિના. આ એક પ્રકારની શેવાળ જેવી વનસ્પતિ છે જે પાણીની અંદર થાય છે. જેમ ખારા પાણીમાં મોરસની ભાજી ઊગી નીકળે છે એવું જ સ્પિરુલિનાનું છે. મોટા ભાગે વનસ્પતિ કેવા સંજોગોમાં ઊગે છે એના આધારે એના ગુણો પણ નક્કી થતા હોય છે. દરેક ભાજી કે શેવાળને ચોક્કસ તાપમાન, ચોક્કસ પ્રકારની માટી કે પાણીની સાંદ્રતા જોઈતી હોય છે, પણ સ્પિરુલિનાની ખાસિયત એ છે કે એ કોઈ પણ તાપમાન અને કોઈ પણ સંજોગોમાં ઊગી શકે છે. એ જ કારણોસર એને સર્વાઇવર પ્લાન્ટ કહેવાય છે. એના આ ગુણ એના પાનમાં પણ હોય છે અને એમાં ઉછરી રહેલાં માઇક્રોઑર્ગેનિઝમ શરીરને પણ કોઈ પણ સંજોગોમાં સર્વાઇવલ માટે ફાઇટ કરતું કરી દે છે. મતલબ કે એનાથી રોગ પ્રતિકારક શક્તિ સુધરે છે. જોકે શેવાળ જેવી હોવાથી નૅચરલ ફૉર્મમાં એને ખાવાનું સંભવ નથી. એનો સ્વાદ પણ અત્યંત વિચિત્ર હોય છે જેને કારણે લીલી અવસ્થામાં જ એનો ઉપયોગ ફૂડ કે સપ્લિમેન્ટ્સમાં નથી થતો. અહીં એક જ ચેતવણી જરૂરી છે કે સ્પિરુલિના ગમે ત્યાં ઊગી શકતી હોય છે, પરંતુ એ ચોખ્ખા અને જંતુરહિત તેમ જ કેમિકલ ફ્રી વાતાવરણમાં ઊગી હોય એવી જ સ્પિરુલિના સપ્લિમેન્ટ તરીકે વાપરવી જોઈએ. 

અભ્યાસોમાં ચમત્કારિક

મેક્સિકો, અમેરિકા અને યુરોપના અભ્યાસકર્તાઓએ સ્પિરુલિનાની અંદરના ઘટકોનું વિશ્લેષણ કરીને એના જે ફાયદાઓની યાદી તૈયાર કરી છે એ પછી તો એને ચમત્કારિક સુપરસપ્લિમેન્ટ કહેવું પડે એમ છે. લેટેસ્ટ અભ્યાસમાં તો આ સપ્લિમેન્ટ્સને ટાઇપ-ટૂ ડાયાબિટીઝ અને કૉલેસ્ટરોલ ઘટાડવામાં પણ સહાયભૂત હોવાનું બહાર આવ્યું છે. બાકી, જો એનાં ઘટકોની વાત કરીએ તો શાકાહારીઓ અને એમાંય વીગન (દૂધ સહિતની કોઈ પણ પ્રાણીજ પેદાશ ન લેનારા) લોકો માટે તો એ વરદાનરૂપ છે. નૉનવેજ લોકોને મળતાં પોષક તત્ત્વો શાકાહારીઓને સ્પિરુલિનાના માઇક્રોઑર્ગેનિઝમમાંથી મળી રહે છે. એમાં રહેલાં પોષણના ભંડારની વિશેષતા સમજાવતાં જુહુનાં ડાયટિશ્યન કમ ફિટનેસ એક્સપર્ટ યોગિતા ગોરડિયા કહે છે, ‘આ શેવાળ જેવી ચીજ છે, પરંતુ એ પ્રોટીનનો ખજાનો છે. લગભગ ૬૫ ટકા જેટલો ભાગ પ્રોટીનનો હોય છે જે શાકાહારીઓને ડેઇલી પ્રોટીનની જરૂરિયાતની પૂર્તિ માટે બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. વેજિટેરિયન્સ માટે દૂધ અને કઠોળ જ પ્રોટીનનો મુખ્ય સૉર્સ હોય છે એટલે ઘણા લોકો જિમમાં વર્કઆઉટ કર્યા પછી મસલ્સને ફરીથી મજબૂત બનાવવા માટે વે પ્રોટીન તરીકે પાઉડર્સ લેતાં હોય છે. આ પાઉડર્સમાં પણ ક્યાંક મિલ્ક પાઉડરનો સમાવેશ થતો હોય છે, જ્યારે વીગન લોકો કે જેમણે મિલ્ક કે મિલ્ક પ્રોડક્ટ્સ પણ નથી લેવી તેમના માટે સ્પિરુલિના ઉત્તમ છે. આ સંપૂર્ણપણે વેજિટેરિઅન છે જે ટેબ્લેટ, પાઉડર કે કૅપ્સૂલના સ્વરૂપમાં મળે છે. સામાન્ય ખોરાકમાંથી જેટલું પ્રોટીન મળે એના કરતાં વધુ પ્રોટીન આ શેવાળમાંથી મળી જાય છે.’

શામાં મદદરૂપ થાય?

વેઇટ-લૉસઃ વજન ઘટાડે એવી કોઈ પણ ચીજની વાત સાંભળીને તમારા કાન પણ ઊંચાં થઈ ગયાં હશે. છોટા પૅકેટ અને બડા ધમાકા જેવી આ વનસ્પતિમાં કૅલરી ખૂબ ઓછી હોય છે અને પોષક તત્ત્વો કૂટીકૂટીને ભરેલાં છે. એને કારણે વેઇટ-લૉસના ડાયટમાં એનો ઉપયોગ કરવામાં આવે તો એ શરીરનો સ્ટૅમિના, રોગપ્રતિકારકશક્તિ અને પોષણની જરૂરિયાતને પૂરી પાડે છે.

ડાયાબિટીઝઃ ઍન્ટિ-ઑક્સિડન્ટ્સની પ્રચુર માત્રાને કારણે હજી ગયા વર્ષે જ થયેલા અભ્યાસમાં એ ટાઇપ વન અને ટાઇપ ટૂ બન્ને પ્રકારના ડાયાબિટીઝના દરદીઓમાં ‌લિવર અને સ્વાદુપિંડમાંથી ઝરતા એન્ઝાઇમ્સને કન્ટ્રોલ કરે છે.

કૉલેસ્ટરોલ અને બ્લડપ્રેશરઃ લોહીમાં લિપિડ લેવલ એટલે કે ખાસ પ્રકારની ચરબીના કોષોને કાબૂમાં રાખવામાં આ વનસ્પતિ મદદરૂપ છે. એને કારણે રક્તવાહિનીઓની હેલ્થ સુધરે છે અને આડકતરી રીતે બ્લડપ્રેશર કાબૂમાં રાખવામાં પણ સહાયતા થાય છે.

શું ધ્યાન રાખવું?

હવે સવાલ એ થાય કે આટઆટલા ગુણો અને ન્યુટ્રિશનથી ભરપૂર હોવા છતાં સ્પિરુલિના સુપરફૂડ બનીને માર્કેટમાં ધૂમ કેમ નથી મચાવતી? એ વિશે ડૉ. યોગિતા ગોરડિયા કહે છે, ‘સૌથી મોટો ડ્રૉબૅક એ છે કે નૅચરલ સ્પિરુલિનાને પ્રોસેસ કરીને એમાંથી પાઉડર, ટૅબ્લેટ કે કૅપ્સ્યૂલ બનાવવામાં આવે છે ત્યારે પ્રોસેસિંગને પછી એમાં લગભગ ૩૦ ટકા જેટલા જ ન્યુટ્રિશન્સ બચે છે. વળી, આ પાણીજન્ય વનસ્પતિને ઉગાડવાની રીત, પ્રોસેસિંગની વિવિધ પદ્ધતિઓને કારણે કઈ બ્રૅન્ડ કે કંપની સારી અને પ્રમાણભૂત છે એ નક્કી કરવાનું કોઈ પૅરામીટર નથી.’

ઓવરડોઝ થઈ શકે?

જ્યારે સ્પિરુલિનાને મિરૅકલ સપ્લિમેન્ટ કહેવામાં આવી રહી છે ત્યારે કોઈકને એમ લાગી શકે કે આ તો મનફાવે એટલી લઈએ તો ચાલે. પણ ના. એ જો વધુ માત્રામાં લેવાય તો એનાથી પણ તકલીફ થઈ શકે છે. યોગિતા ગોરડિયા કહે છે, ‘જો તમે જરૂર કરતાં વધુ માત્રામાં આ સપ્લિમેન્ટ લો તો મળ લીલા રંગનો થઈ જાય, વધુપડતો ગૅસ પાસ થાય, ઍન્ગ્ઝાયટી વધે, સ્કિન પર ઝીણી ફોડલીઓ થઈ જાય કે પછી ખૂબ ઊંઘ આવે એવી સાઇડ ઇફેક્ટ્સ જોવા મળી શકે છે. ’

વિટામિન બી૧૨ અને બી કૉમ્પ્લેસ

આજના જમાનામાં લોકોને ઇન્સ્ટન્ટ સપ્લિમેન્ટ્સ જોઈતાં હોય છે જે સ્પિરુલિનામાંથી આસાનીથી મળી રહે છે એમ જણાવતાં કાંદિવલીના ડાયટિશ્યન બીના છેડા કહે છે, ‘એમાં તમામ પ્રકારનાં વિટામિન્સ ભરપૂર માત્રામાં છે. ખાસ કરીને વિટામિન બી૧૨ અને બી કૉમ્પ્લેક્સ. કેટલાક રોગોમાં તેમ જ ચોક્કસ સમય-સંજોગોમાં સ્પિરુલિના સપ્લિમેન્ટ્સ ખૂબ અસરકારક પણ છે.’

આર્સેનિક પૉઇઝનથી છુટકારો

સ્પિરુલિનામાં રહેલાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને રંજકદ્રવ્યો એટલાં સ્ટ્રૉન્ગ હોય છે કે એ પાણીમાંના આર્સેનિકની ભેળસેળને કારણે જો બૉડીમાં પૉઇઝનસ અસર થઈ હોય તો એને પણ ખતમ કરે છે. આ વાત માત્ર અભ્યાસો કે જર્નલોમાં જ નથી નોંધાઈ, પરંતુ હકીકતમાં આર્સેનિક પૉઇઝનિંગનો ભોગ બનેલા બંગલાદેશીઓ પર સફળ પ્રયોગ દ્વારા સાબિત થયેલી છે. ઝેરી અસરને કારણે ઝાડા-ઉલટી અને ક્રૅમ્પ્સનો ભોગ બનેલા લોકોને સ્પિરુલિના પાઉડરની મદદથી સાજા કરી શકાયા છે અને હવે એનો વિવિધ પ્રકારના ફૂડ-પૉઇઝનિંગમાં પણ કેટલી અસર થઈ શકે એમ છે એના પર સંશોધનો ચાલી રહ્યાં છે.

કેટલો ડોઝ?

સામાન્ય રીતે બેથી ૧૦ ગ્રામ સ્પિરુલિનાનો પાઉડર એક વ્યક્તિ આરામથી લઈ શકે છે. સામાન્ય રીતે દિવસની એક નાની ચમચી અથવા તો એક જ ટૅબ્લેટથી શરૂઆત કરવામાં આવે છે.

health tips