હવે કૅલરી ગણવાની નથી, બાળવાની છે

07 January, 2020 03:32 PM IST  |  Mumbai | Varsha Chitaliya

હવે કૅલરી ગણવાની નથી, બાળવાની છે

રનિંગ

હેડિંગ વાંચીને તમને થતું હશે કે શું બકવાસ કરી રહ્યાં છો? પીત્ઝાની ડિશ સામે ચાલીને થોડી કહેતી હશે કે આજે તમારે કેટલી કૅલેરી બાળવાની છે? ચૉકલેટનું રૅપર પોતે તમને કહેશે કે ચાલ, એક કલાક દોડ જોઈએ. કંઈ પણ ખાતા પહેલાં કૅલરી તો મારે કાઉન્ટ કરવાની હોય. સાચે જ આ બહેનની ડાગળી ચસકી ગઈ લાગે છે. તમે પણ આવું વિચારતા હો તો વેઇટ, કહાનીમેં ટ્વિસ્ટ હૈ. ટૂંક સમયમાં તમને ખૂબ જ ભાવતા ચટપટા ફૂડના બૉક્સ પર ખાધા પછી વર્કઆઉટમાં શું કરવાનું છે એવા લેબલો લગાવેલા જોવા મળી શકે છે.

જન્ક-ફૂડના લીધે વિશ્વભરના દેશોમાં ઓબીસ લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે લોકોમાં જાગરૂકતા લાવવાના પ્રયાસો અમુક અંશે સફળ રહ્યા છે એમ છતાં યંગ જનરેશન અને ખાવાના શોખીનોને જન્ક-ફૂડથી દૂર રાખવા એ કંઈ ખાવાના ખેલ નથી. બ્રિટનની એક યુનિવર્સિટીએ આ બાબતને ધ્યાનમાં રાખી નવો જ તુક્કો શોધી કાઢ્યો છે. તેમણે સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે કે પીત્ઝા, બર્ગર, ચિપ્સ, ચૉક્લેટ્સ, સૉફ્ટ ડ્રિન્ક્સ વગેરે જેવી પ્રોડક્ટ્સ પર ઇન્ગ્રિડિયન્ટ્સ અને કૅલરીની સાથે હવે એવું પણ લખેલું હોવું જોઈએ કે આ વસ્તુ ખાધા પછી તમારે કેટલા કલાક ક્યા પ્રકારની એક્સરસાઇઝ કરવી જરૂરી છે. ધારો કે ૨૫૦ કૅલેરી ધરાવતી ચૉકલેટ તમે ખાધી છે તો હવે એને બાળવા ૧ કલાક વૉકિંગ કરો અથવા ૪૦ મિનિટ દોડો. આવું સ્પષ્ટ લેબલિંગ પ્રોડક્ટ પર કરવામાં આવશે. જોકે આવા તુક્કાઓ ખરેખર કારગત નીવડશે કે નહીં એ તો આવનારો સમય કહેશે, પરંતુ વાત ઇન્ટરેસ્ટિંગ તો છે જ.

પ્રસ્તાવ શું છે?

દરેક સામાન્ય વ્યક્તિ પોતાના ડેઇલી ઇનટેકમાંથી રોજની ૨૦૦ કૅલરી ઓછી કરે એવા હેતુથી વૈજ્ઞાનિકોએ કેટલાંક સંશોધનો કર્યા છે. કૅલરી બાળવાના આ પ્રસ્તાવને સંશોધનકર્તાઓએ ફિઝિકલ ઍક્ટિવિટી કૅલરી ઇક્વિલન્ટ (PACE) તરીકે ઓળખાવી છે એવી માહિતી આપતાં તારદેવના ન્યુટ્રિશનિસ્ટ જીનલ પટેલ કહે છે, ‘ફૂડ પૅકેટ પર લખવામાં આવેલા મેસેજ દ્વારા લોકો જાણી શકશે કે આ ખાવાથી કેટલી મિનિટ દોડવાનું છે. સમજો કે ત્રીસ મિનિટ દોડવાનું લખ્યું છે એનો અર્થ તમે અનહેલ્ધી ફૂડ ખાઈ રહ્યાં છો. કૅલેરી બાળવાનો સંદેશો આપતાં મેસેજથી હેલ્ધી લાઇફસ્ટાઇલ પ્રત્યે લોકોમાં સભાનતા આવશે.’

કોને ફાયદો થશે?

લેબલિંગમાં કંઈક ઇનોવેટિવ કરવાનો આઇડિયા ખોટો નથી એમ જણાવતાં વડાલાના સાયકોથેરપિસ્ટ અને લાઇફકોચ નીતા શેટ્ટી કહે છે, ‘અવેરનેસ માટે આ પ્રકારના ગતકડાં કરવામાં વાંધો નથી. જે લોકો હેલ્થ કૉન્શ્યસ છે અને ડિસિપ્લિનવાળી લાઇફ જીવે છે તેમને વર્કઆઉટ વિશે જાણકારી આપતાં લેબલથી ચોક્કસ લાભ થશે. સામાન્ય રીતે તેઓ કૅલરી ગણીને ખાતા હોય છે, પરંતુ ક્યારેક તો તેમને પણ જન્ક-ફૂડ ખાવાનું મન તો થાય જ ને. આવા ટાણે જો પૅકેટ્સ પર લખેલું હોય કે ખાધા પછી આટલી મિનિટ દોડવાનું છે તો કદાચ તેઓ ન ખાય અથવા ઓછું ખાય અથવા વધુ એક્સરસાઇઝ કરવા પ્રેરાય. આવા લેબલિંગથી નાનાં બાળકોના પેરન્ટ્સને ઘણો ફાયદો થશે. આજકાલ નાના બાળકોમાં પૅક્ડ ફૂડનો ક્રેઝ વધ્યો છે. કોઈપણ દુકાનમાં જાઓ તમને પૅકેટ્સ લટકતા જોવા મળશે તેથી બાળકોને કંટ્રોલ કરવું મુશ્કેલ છે. પૅકેટ પર લખેલું હોય કે ખાધા પછી સાઇક્લિંગ કરવાનું છે તો તેઓ મોટિવેટ થશે. પેરન્ટ્સ પણ તેમને પ્રોત્સાહિત કરી શકે છે.’

કૅલરી કઈ રીતે બર્ન કરવાની છે એ વિશે લખેલું હોય તો અસર થાય એવો અભિપ્રાય આપતાં જીનલ પટેલ કહે છે, ‘કૅલરી બર્ન કરવાના પ્રસ્તાવને હું ઝુંબેશ તરીકે જોઉં છું. નાનાં બાળકો માટેનાં ફૂડ પૅકેટ્સ પર ક્યા પ્રકારનું વર્કઆઉટ કરવાની જરૂર છે એનું પિક્ચર દોરેલું હોવું જોઈએ. આમ પણ તેઓ કાર્ટૂન કૅરેક્ટર્સથી ખાસ્સા પ્રભાવિત થતાં હોય છે. પિક્ટોરિયલ લેબલિંગની તેમના મન પર સારી અસર થશે. મમ્મી પણ કહી શકે કે જો ચિપ્સ ખાવી હોય તો અપાવી દઈશ પણ પછી સોસાયટીમાં છ રાઉન્ડ સાઇક્લિંગ કરવું પડશે. સ્કૂલ ટીચર્સ પણ આ ઝુંબેશમાં જોડાઈ શકે છે. વર્કઆઉટ દર્શાવતા લેબલિંગ દ્વારા યંગ જનરેશનને ટાર્ગેટ કરી શકાય. યંગસ્ટર્સ એક જ ટ્રેન્ડ ફૉલો કરતા હોય છે. ફિટનેસ પ્રત્યે સભાનતા ધરાવતા લોકોના માધ્યમથી અથવા સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ દ્વારા અવેરનેસ લાવી શકાય. દાખલા તરીકે એક મિડિયમ સાઇઝનો પીત્ઝા ખાધા બાદ ફલાણા ઍક્ટરે ત્રીસ મિનિટ જૉગિંગ કરી કૅલરી બાળી લીધી. આવા તુક્કાઓ અને જાહેરખબરોની ધારી અસર થશે. બીજો ફાયદો થશે કોસ્ટ કટિંગનો. સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતાથી તમારા ખિસ્સાનો ભાર પણ હળવો થશે.’

કોણ નહીં માને?

જેમને વર્કઆઉટ કરવાની જ આળસ છે તેમને કંઈ અસર થશે નહીં એમ જણાવતા સાઇકોથેરપિટસ્ટ નીતા કહે છે, ‘ફૂડ તમારા મૂડને અસર કરે છે. ફૂડ અને સાયકોલૉજીને સીધો સંબંધ છે. બહુ ખુશ હો ત્યારે ખૂબ ખાઓ છો અને દુખી છો ત્યારે પણ વધુ ખાઓ છો. જેમના ઇમોશન્સની અસર ફૂડ પર કન્વર્ટ થાય છે એવી વ્યક્તિઓને કૅલરી બાળવાના સંદેશાઓની અસર થશે નહીં. જોકે, આ વ્યક્તિગત વિષય છે. સિગારેટના પૅકેટ્સ પર લખેલું જ હોય છે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમ છતાં જેમને પીવી જ છે તેઓ ક્યાં માને છે? કૅન્સરના ડરથી ગુટકા ખાવાવાળાની સંખ્યા ક્યાં ઘટી છે? આવી જ રીતે ખાવાના શોખીનોના મગજમાં વર્કઆઉટવાળી વાત બેસે એવું મને નથી લાગતું. આ પ્રકારના લેબલને તમે ઑલ્ટરનેટ થેરપી ફૉર ઑબેસિટી તરીકે લઈ શકો. એના પર દર્શાવેલી ગાઇડલાઇન્સ પ્રમાણે ચાલવાથી લાભ જ લાભ છે એવું સમજાવી શકાય. જન્ક-ફૂડ ખાશો તો તમારે વધુ મહેનત કરવી પડશે એ પ્રકારના સંદેશાઓનો યોગ્ય રીતે પ્રચાર થવો જોઈએ.’

ગર્ભવતી મહિલા, સ્તનપાન કરાવતી માતા, ઍથ્લીટ, કામદારવર્ગ, પેશન્ટ એમ બધાની કૅલેરીની જરૂરિયાત જુદી હોય છે. PACEના પ્રસ્તાવમાં આ બાબતે હજી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી એમ જણાવતાં જીનલ કહે છે, ‘વૉકિંગ, રનિંગ, સ્વિમિંગ, સાઇક્લિંગ એમ અનેક પ્રકારની એક્સરસાઇઝ છે. જિમમાં જતાં લોકો ટ્રેડમિલ પર ચાલે છે જ્યારે મૉર્નિંગ વૉક માટે લોકો બગીચા કે રોડ પર ચાલે છે. કૅલરી બાળવામાં એક જ એક્સરસાઇઝ કઈ રીતે કરવાની છે એ બાબત સ્પષ્ટતા હોવી જોઈએ. કૅલરી બાળવા એક્સરસાઇઝ કરો છો ત્યારે શરીરમાંથી પાણી પણ ઘટે છે. જન્ક-ફૂડના બિઝનેસમાં સંકળાયેલી કંપનીઓએ અનેક બાબતોનું ધ્યાન રાખવું પડશે. બીજું એ કે પૅકેટ પર જે લખ્યું હશે એ આખા પૅકેટની વાત છે. બિસ્કિટના પૅકેટ પર વીસ મિનિટ દોડવાનું લખ્યું હોય પણ તમે બે કે ત્રણ બિસ્કિટ જ ખાઓ તો કેટલું દોડવાનું એની ખબર હોવી જોઈએ. ડાયાબિટીઝના દરદીઓને સર્વિંગ બાબતે નિષ્ણાતની સલાહની જરૂર પડશે. વૈજ્ઞાનિકોએ એક દિવસની ૨૦૦ કૅલરી કટિંગ સુધીની રિસર્ચ કરી છે. જોકે વીક અને મહિનામાં કેટલી કૅલરી બાળવાની છે એ પ્રમાણેના ચાર્ટ તૈયાર કરવા વધુ અભ્યાસ કરવો જોઈએ.’

નાની-મોટી બીમારી જ નહીં કૅન્સર જેવી ભયંકર બીમારીમાં પણ તમારો વિલપાવર કામ કરી જાય છે એ જ રીતે કૅલરી બાળવા માટે તમારી માનસિક તૈયારી હોવી જરૂરી છે એવી ભલામણ આપતાં જીનલ આગળ કહે છે, ‘સાયકોલૉજિકલ ટ્રીટમેન્ટનો રોલ નકારી ન શકાય. જન્ક-ફૂડ ખાવાની શોખીન વ્યક્તિના બિહેવિયરલ અપ્રોચને સમજવો પડશે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ દ્વારા અવેરનેસ લાવી શકાય. લેબલિંગ અંગે લોકોમાં સભાનતા આવશે તો જન્ક-ફૂડ બનાવતી કંપનીઓને પણ રેસિપીમાં પરિવર્તન લાવવાની ફરજ પડશે.’

કૅલરી બર્ન કરવાના પ્રસ્તાવને હું ઝુંબેશ તરીકે જોઉં છું. નાનાં બાળકો માટેનાં ફૂડ પૅકેટ્સ પર ક્યા પ્રકારનું વર્કઆઉટ કરવાની જરૂર છે એનું પિક્ચર દોરેલું હોવું જોઈએ. આમ પણ તેઓ કાર્ટૂન કૅરેક્ટર્સથી ખાસ્સા પ્રભાવિત થતાં હોય છે. પિક્ટોરિયલ લેબલિંગની તેમના મન પર સારી અસર થશે.

- જીનલ પટેલ, ડાયટિશ્યન

આવાં લેબલિંગથી નાનાં બાળકોના પેરન્ટ્સને ઘણો ફાયદો થશે. આજકાલ નાના બાળકોમાં પૅક્ડ ફૂડનો ક્રેઝ વધ્યો છે. કોઈપણ દુકાનમાં જાઓ તમને પૅકેટ્સ લટકતા જોવા મળશે તેથી બાળકોને કંટ્રોલ કરવું મુશ્કેલ છે. પૅકેટ પર લખેલું હોય કે ખાધા પછી સાઇક્લિંગ કરવાનું છે તો તેઓ મોટિવેટ થશે. પેરન્ટ્સ પણ તેમને પ્રોત્સાહિત કરી શકે છે.

- નીતા શેટ્ટી, સાઇકોથેરપિસ્ટ

કૅલરી કૅલક્યુલેશન

એક નૉર્મલ વ્યક્તિને રોજની ૧૭૦૦થી ૨૦૦૦ કૅલેરી જોઈએ. જો તમે ૨૫૦ કૅલરી વધુ લીધી છે તો તમારે વીસ મિનટિ બ્રિસ્ક વૉક કરવું જોઈએ એમ જણાવતાં જીનલ કહે છે, ‘પૅકેજ્ડ ફૂડ ખાધા પછી બ્રિસ્ક વૉક, સ્વિમિંગ અથવા સાઇક્લિંગ બેસ્ટ ફૉર્મ ઑફ એક્સરસાઇઝ છે. બ્રિસ્ક વૉકમાં એક જ રિધમમાં ચાલવાનું હોય છે તેથી કૅલરી જલદી બળશે. એ જ રીતે સ્વિમિંગ કરવાથી ઓવરઑલ બૉડીના મસલ્સનું વર્કઆઉટ થશે. કૅલરી બાળતી વખતે ફૅટ રિડ્યુસ કરવા પર ફોકસ રાખવું જોઈએ. મોટી વયના દરદીઓએ ગ્લુકોઝની માત્રા બાબત ડાયટિશ્યનની સલાહ લેવી. કાર્ડિયો એક્સરસાઇઝ કરતાં હો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું.’

health tips Varsha Chitaliya