અલોવેરા અક્સીર ઔષધ છે પણ એની અતિ સારી નહીં

25 November, 2019 01:49 PM IST  |  Mumbai | Darshini Vashi

અલોવેરા અક્સીર ઔષધ છે પણ એની અતિ સારી નહીં

અલોવેરા

એવું કહેવાય છે કે એનું દરેક અંગ ઉપયોગી છે. સૌંદર્યથી લઈને સુદૃઢતા અને વાળથી લઈને વા સુધીની તમામ તકલીફો અને બીમારીઓ માટેનો રામબાણ ઇલાજ એમાં છે, પરંતુ જો એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો જ. બાકી વધુ પડતા ઉપયોગના જોખમો શું છે એ નિષ્ણાતો પાસેથી જાણીએ

અલોવેરાને સંજીવની સાથે સરખાવવામાં આવે છે. જેમ સંજીવની મરતા માણસમાં પ્રાણ ફૂંકવાનું કામ કરે છે એમ અલોવેરા ગમેતેવી બીમારીઓને દૂર કરવાની શક્તિ ધરાવતો હોવાનું કહેવાય છે પરંતુ જો એનો યોગ્ય રીતે સાવધાનીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો. ઘણી વખત ગાડરિયા પ્રવાહની જેમ આપણે પણ અન્યનું અનુકરણ કરીને મુશ્કેલી નોતરી લેતા હોઈએ છીએ. અલોવેરાના કેસમાં પણ એવું જ છે. દરેકનું શરીર, પ્રકૃતિ અને જરૂરિયાત વિભિન્ન હોય છે એવી જ રીતે એને ઉપયોગમાં લેવાની પદ્ધતિ અને સમય અલગ હોય છે; જેની જાણકારી મેળવવી અત્યંત જરૂરી છે. અધૂરી માહિતી સાથે અલોવેરાનો ઉપયોગ ગંભીર કારણ લાવી શકે છે. અલોવેરાના ઉપયોગમાં શું સાવધાની રાખવી અને એના લીધે થતી સમસ્યાઓની અહીં આજે ચર્ચા કરીશું.

અલોવેરા એટલે કે કુંવારપાઠું, જેના લાભ અને અઢળક ફાયદાઓ વિશે હવે મોટા ભાગના લોકો માહિતગાર બન્યા છે. એને લીધે આજે ઘણાના ઘરની બાલ્કનીમાં તુલસીજી હોય કે ન હોય, પણ અલોવેરાના છોડ તો જોવા મળે જ છે. અલોવેરાના ફાયદાઓ વિશે માહિતગાર હોવું અને એનો ઉપયોગ કરવો ખૂબ સારી વાત છે, પરંતુ અતિ ઉપયોગ અને ખોટો ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે. એના વિશે આજે આપણે હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણીશું.

નો ઓવરયુઝ

કોઈ પણ વસ્તુનો તમે સતત એકસરખો ઉપયોગ કર્યે રાખશો તો એની અસર ઓછી થવા લાગે છે, જેનું ઉદાહરણ છે મેડિસિન. ઘણા લોકોને નાની વાતમાં દવા લઈ લેવાની આદત હોય છે, જેને લીધે તેઓને જ્યારે ખરેખર દવા લેવાની જરૂર પડે છે ત્યારે એ દવા કોઈ અસર કરતી નથી એવું અલોવેરાનું પણ છે એમ જણાવતાં ન્યુટ્રિશિનસ્ટ ડૉ. શ્વેતા શાહ કહે છે, ‘અલોવેરાને ઘણા લોકો રોજ પીએ છે, જે શરીર માટે સારું નથી. હું મારા પેશન્ટને અલોવેરા માત્ર દસથી પંદર દિવસ માટે લેવાનું સજેસ્ટ કરું છું. અને એ પણ એક ચોક્કસ માત્રામાં. જો કોઈને અલોવેરા પીવું હોય તો ૩૦ એમએલ જેટલું જ પીવું અને એ પણ રોજ સવારે પીવું. અલોવેરાનો જૂસ તમારા શરીરમાં રહેલા ટૉક્સિનને દૂર કરશે અને સ્વસ્થ શરીર રાખશે. જો તમે બહાર મળતા પૅકેજડ અલોવેરા જૂસ લેતા હોવ તો બૉટલની ઉપર માપ આપવામાં આવેલું હોય છે એ મુજબ જ અલોવેરા લેવું. જો ઘરે જ અલોવેરાના ઝાડ હોય તો ફ્રેશ જૂસ જ પીવો જોઈએ. બહારના જૂસમાં મિલાવટ આવતી જ હોય છે જેને લીધે તબિયત ખરાબ થઈ શકે છે.’

બહારના જૂસમાં પ્રિઝર્વેશન હોવાની બાબત સાથે સંમતિ ધરાવતાં આયુર્વેદિક ડૉ. તેજસ ગોરાગાંધી કહે છે, ‘બહારના જૂસમાં પ્રિઝર્વેશન હોય છે, જેથી એ ન લેવો. ઘરમાં બનેલો ફ્રેશ જૂસ લઈ શકાય છે, પરંતુ ચોક્કસ માત્રામાં લેવો. બહારના જૂસમાં ભેળસેળ હોય એટલે અમે અમારા પેશન્ટને અલોવેરાને જૂસ અથવા કાઢારૂપે તૈયાર કરીને આપીએ છીએ. ઘણા એને ગોળીરૂપે લેવાનું પણ પસંદ કરે છે.’

આ તો વાત થઈ અલોવેરાના ઇન્ટેકની, પરંતુ એને જેલ તેમ જ ક્રીમ અથવા શૅમ્પૂ તરીકે વાપરવામાં પણ સાવધાની રાખવી પડે છે. વધારે પડતો યુઝ સ્કિન અને હેરમાં ડ્રાયનેસ લાવી શકે છે.

શું નુકસાન થઈ શકે?

અલોવેરાના લીધે થતા નુકસાન પર ડૉ. શ્વેતા કહે છે, ‘સૌપ્રથમ તો મોટા ભાગના લોકોને અનેક પ્રકારે થતા અલોવેરા અને એના ઉપયોગને લઈને અપૂરતી માહિતી છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે ખાવાનો, સ્કિન પર લગાડવાનો અને વાળમાં લગાડવામાં આવતો અલોવેરા અલગ-અલગ હોય છે. ઘણા લોકો એક જ પ્રકારના અલોવેરાને બધે વાપરે છે, જેને લીધે તેમને સાઇડ ઇફેક્ટ આવી શકે છે. ઓવરયુઝના લીધે કયારેક-ક્યારેક ડાયેરિયાનો પ્રૉબ્લેમ આવી શકે છે.’ 

ડાયેરિયા જ નહીં પરંતુ બહારના જૂસથી કૅન્સર પણ થઈ શકવાના ભય પર ડૉ. શ્વેતા કહે છે, ‘ઘણી કંપનીઓ તેમના પ્રોડક્ટને લૉન્ગ ટર્મ સુધી જાળવી રાખવા માટે એમાં પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરે છે જેને લીધે શરીરમાં કૅન્સરના કોષનું નિર્માણ થઈ શકે છે. આજે વિશ્વમાં કૅન્સરના કેસ વધી રહ્યા છે એનું એક કારણ પ્રિઝર્વેટિવ ફૂડનો વધી રહેલો વપરાશ પણ છે. એટલે બને ત્યાં સુધી દુકાનમાં મળતાં પૅકેજડ પ્રોડકટનો અને એમાં પણ જૂસનો ઉપયોગ ટાળવો જોઈએ.’

કોણે ન લેવું

ડૉ. શ્વેતા વધુમાં કહે છે, ‘દૂધ પીવડાવતી માતા અને પ્રેગ્નન્ટ મહિલાઓ માટે અલોવેરા નથી. તેમણે આ સમયે અલોવેરા લેવું નહીં. એવી જ રીતે જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે પણ અલોવેરાનો ઉપયોગ કરવો ન જોઈએ.’

ડૉ. તેજસ કહે છે, ‘અલોવેરાને આયુર્વેદિક ભાષામાં કુમારી કહેવામાં આવે છે, જેનો અગાઉ સ્ત્રીઓ દ્વારા માસિક બાબતે ઉપયોગ લેવામાં આવતો હતો. એટલે કહેવાનો અર્થ એવો છે કે અલોવેરા પેટમાં ઘણી ઊથલપાથલ કરી શકે છે એટલે જેની પાચનશક્તિ નબળી હોય તેના માટે અલોવેરા તો નથી જ સાથે પ્રેગ્નન્ટ લેડી માટે અલોવેરા નથી. અલોવેરાનો વધુપડતો ઉપયોગ ગર્ભપાત પણ કરાવી શકે છે. તો સામાન્ય વ્યક્તિ જો એને વધારે લે તો તેને પણ લૂઝ મોશનથી લઈને વૉમિટ સુધીની તકલીફ થઈ શકે છે. એવી જ રીતે ડ્રાય સ્કિન ધરાવતા લોકો જો વધુ અલોવેરા ક્રીમ યુઝ કરે તો તેમની સ્કિન વધુ સૂકી થઈ શકે છે. એવી જ રીતે વાળની બાબતમાં પણ એમ જ છે. જ્યારે ઑઇલી સ્કિનને કોઈ નુકસાન થતું નથી. અલોવેરાના લીધે સ્કિન અથવા હેરમાં રીઍક્શન અથવા સાઇડ ઇફેક્ટ થવાના કેસ ઓછા જોવા મળ્યા છે.’

અલોવેરા વિશે જાણવા જેવું

અલોવેરાને સૌથી મોટી ઍન્ટિસેપ્ટિક અને ઍન્ટિબાયોટિક મેડિસિન ગણવામાં આવે છે, જેનો ઇતિહાસ લગભગ ૫૦૦૦ વર્ષ જૂનો છે. એનું મૂળ વતન અરેબિયન પેનિન્સુએલા છે, જે અગાઉ ધૃતકુમારી તરીકે ઓળખાતી હતી. અલોવેરા લગભગ ૨૫૦ પ્રજાતિનો આવે છે, જેમાંથી કેટલાક ઔષધીય ગુણોથી પ્રચુર હોય છે. એમાંનો એક બારબાડેન્સીસ  મિલર છે. આપણા શરીરને ૨૧ અમીનો ઍસિડની જરૂર પડે છે જેમાંથી ૧૮ અલોવેરામાંથી મળી રહે છે. આ ઉપરાંત અલોવેરામાંથી કૅલ્શિયમ, સોડિયમ, આયર્ન, પોટૅશિયમ, મૅન્ગેનીઝ અને તાંબું પણ મળી રહે છે. ટૂંકમાં અલોવેરામાં ૧૮ અમીનો ઍસિડ, ૧૫ ધાતુ અને ૧૨ વિટામિન્સ હોય છે એટલે અલોવેરા ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે પણ ઓળખાય છે. મેડિકલ અને ઍગ્રિકલ્ચર ક્ષેત્રે અત્યંત ઉપયોગી હોવા ઉપરાંત અલોવેરા એક ડેકોરેટિવ પ્લાન્ટ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

આ પણ વાંચો : કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેવાની સાચી ઉંમર કઈ?

અલોવેરાના ઓછા જાણીતા ઉપયોગ

જેમને અલોવેરા પીવાનો કંટાળો આવતો હોય છે તેઓ એનો ઉપયોગ શાકમાં પણ કરે છે. ઘણા લોકો શાક બનાવતી વખતે અલોવેરાના ટુકડા પણ અંદર નાખે છે.

અલોવેરામાં શુગર હોતી નથી તેથી ડાયાબિટીઝના દરદીઓ પણ એ લઈ શકે છે. ટાઇપ-ટૂ ડાયાબિટીઝના દરદીઓને ઘણો લાભ મળે છે.

ઘણા કિચનમાં એક ડબ્બીમાં અલોવેરા ભરી રાખે છે. કહેવાય છે કે એ નાના ઘાવ પર જલદી રૂઝ લાવે છે અને રાહત આપે છે.

માઉથવૉશ તરીકે અલોવેરા બેસ્ટ કામ આપે છે.

જેમને નખ ખાવાની આદત હોય તેમણે એના પર અલોવેરા જેલ લગાવી દેવી, આમ કરવાથી આદત દૂર કરવામાં મદદ થાય છે.

કાનના દુખાવામાં પણ અલોવેરાનાં ટીપાંનો ઉપયોગ થાય છે.

ત્યાં સુધી કે પ્રાણીઓના કાન સાફ કરવા માટે પણ અલોવેરાનો જૂસ ઉપયોગમાં લેવાય છે.

health tips tips