કૅન્સરની સારવારમાં ક્રાન્તિકારી કદમ એટલે પ્રોટોન બીમ થેરપી

16 December, 2019 03:50 PM IST  |  Mumbai | Sejal Patel

કૅન્સરની સારવારમાં ક્રાન્તિકારી કદમ એટલે પ્રોટોન બીમ થેરપી

કૅન્સર

વિશ્વની સૌથી સૉફિસ્ટિકૅટેડ કૅન્સર ટ્રીટમેન્ટમાં જેની ગણના થાય છે એવી પ્રોટોન બીમ થેરપી હાલમાં ભારતમાં માત્ર ચેન્નઈમાં જ અવેલેબલ છે, થોડા સમયમાં એ ખારઘરમાં આવેલી તાતા મેમોરિયલ કૅન્સર હૉસ્પિટલમાં પણ શરૂ થશે. આ સારવાર પદ્ધતિ કોના માટે આશાનું કિરણ બનીને આવશે અને એના ફાયદા-ગેરફાયદા શું હોઈ શકે છે એ વિશે નિષ્ણાત પાસેથી જાણીએ.

કૅન્સરના નવા કેસીસમાં રોજબરોજ વધારો થતો રહ્યો છે, પરંતુ સારી વાત એ છે કે હવે એની સારવાર વ્યાપક માત્રામાં ઉપલબ્ધ છે. અતિશય કૉમ્પ્લેક્સ અને ઘાતક કૅન્સરોનું નિદાન આગોતરું થઈ શકે છે અને એની સારવાર માટે પણ મેડિકલ ટેક્નૉલૉજીએ જબરદસ્ત હરણફાળ ભરી છે.

સામાન્ય રીતે કૅન્સરની સારવાર મુખ્યત્વે ચાર પ્રકારે થતી હોય છે. એક તો સર્જરી દ્વારા કૅન્સરજન્ય કોષોને કાઢી નાખવા. બીજામાં કીમોથેરપી દ્વારા કૅન્સરના છૂટાછવાયા કોષોને મારી નાખવામાં આવે છે. ત્રીજી પદ્ધતિ છે રેડિયેશન. શરીરના અત્યંત અંતરિયાળ અને નાજુક ભાગોમાં ટ્યુમર જેવું થયું હોય ત્યારે એમાં કાપો પાડ્યા વિના ખાસ કિરણોની ગરમી આપીને કૅન્સરના કોષોને બાળી નાખવામાં આવે. છેલ્લાં થોડાં વર્ષોમાં બોન મૅરો અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા લોહીનાં વિવિધ પ્રકારનાં કૅન્સરોને ખતમ કરવામાં આવે છે. લેટેસ્ટ કૅન્સર ટ્રીટમેન્ટમાં ક્રાન્તિનો નમૂનો છે પ્રોટોન બીમ થેરપી. પશ્ચિમના દેશોમાં પ્રોટોન થેરપી છેલ્લા દોઢ-બે દાયકાથી અવેલેબલ હતી જે હવે ભારતમાં પણ ઉપલબ્ધ થઈ છે. ખારઘરના તાતા મેમોરિયલ કૅન્સર સેન્ટરમાં પ્રોટોન બીમ મશીન લાગી રહ્યું છે અને આવતા વર્ષ સુધીમાં એ લોકોની સારવાર માટે ઉપલબ્ધ રહેશે. આ મશીન શું છે, એ કઈ રીતે કામ કરે છે અને કેવા કૅન્સરના દરદીઓ માટે એ વરદાનરૂપ બનશે એ વિશે નિષ્ણાત પાસેથી જાણીએ.

પ્રોટોન થેરપી શું છે?

જેમ રેડિયેશન થેરપીમાં કૅન્સરની ગાંઠને બાળવા માટે ખાસ કિરણોત્સર્ગ આપવામાં આવે છે એના જેવી જ પ્રક્રિયા પ્રોટોન બીમ થેરપીમાં થાય. આ બન્ને વચ્ચેનો ભેદ સમજાવતાં જસલોક હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરના રેડિયેશન ઑન્કોલૉજિસ્ટ ડૉ. મુકુલ રૉય કહે છે, ‘કન્વેન્શલ રેડિયેશન થેરપીમાં ફોટોન આપવામાં આવે છે. ફોટોન એટલે એક પ્રકારના હાઈ ડોઝ એક્સ-રે. જ્યારે પ્રોટોન એ પાર્ટિકલ કહેવાય. પ્રોટોન વધુ હેવી હોય છે અને આજકાલ જે બીમ શોધાયા છે એના માધ્યમથી એ વધુ ચોક્કસાઈપૂર્વક નિશ્ચિત જગ્યાને ટાર્ગેટ કરી શકે છે. એક્સ-રે એવાં કિરણો છે જે આરપાર નીકળી જતાં હોવાથી ટ્યુમરની આજુબાજુના નૉર્મલ ટિશ્યુને પણ ડૅમેજ કરી દે છે જ્યારે પ્રોટોનમાં એક્ઝિટ ડોઝ બહુ જ નહીંવત્ હોવાથી જે એરિયામાં એને પહોંચાડવા હોય ત્યાં જઈને ડિપોઝિટ થઈ જાય એ રીતે કન્ટ્રોલ કરી શકાય છે.’

વિશ્વભરમાં પ્રોટોન બીમ મશીનની સંખ્યા લગભગ ૧૨૦ જેટલી છે. એમાંથી એક મશીન ઑલરેડી ચેન્નઈના અપોલો કૅન્સર સેન્ટરમાં છે. ડૉક્ટરોનું કહેવું છે કે હાઈ ડોઝ એક્સ-રે રેડિયેશન આરપાર નીકળી જતાં હોવાથી એ હેલ્ધી કોષોને પણ નુકસાન કરે છે. એની સરખામણીએ પ્રોટોન થેરપી વધુ સેફ છે.

શું બધા માટે છે પ્રોટોન થેરપી?

કૅન્સરના કુલ દરદીઓમાંથી લગભગ ૫૦ ટકા લોકોને રેડિયેશન ટ્રીટમેન્ટની જરૂર પડે છે. જોકે દરેક દરદી માટે આ થેરપી બેસ્ટ છે એવું ન કહી શકાય, એમ જણાવતાં ડૉ. મુકુલ રૉય કહે છે, ‘આ એવા કૅન્સર માટે ઉપયોગી છે જેની આજુબાજુની જગ્યા બહુ સેન્સિટિવ હોય. પ્રોટોન થેરપી સૌથી વધુ અસરકારક પીડિયાટ્રિક ટ્યુમરમાં રહે. એમાં નૉર્મલ ટિશ્યુઝને બહુ જ ઓછી આડઅસર થાય છે. બ્રેઇન ટ્યુમર હોય, ખોપરીના બેઝના ભાગમાં કોડોમા ટ્યુમર હોય, સાર્કોમા સેલ માટે સારું છે કેમ કે એમાં પેનિટ્રેશન ચોક્કસ જગ્યાએ જ હોય છે. આંખમાં ઑક્યુલર પાર્ટમાં કૅન્સર હોય, પ્રોસ્ટેટ, લિવર, સ્પાઇન, અન્નનળી જેવાં અત્યંત સેન્સિટિવ ભાગોમાં ટ્યુમર હોય તો પ્રોટોન બીમ આવશ્યક છે. હેડ ઍન્ડ નેક કૅન્સરમાં પણ જો પ્રોટોન બીમ અપાય તો એનાથી લાળગ્રંથિઓને નિષ્ક્રિય થતી બચાવી શકાય. મગજમાં પણ આ થેરપી આપવાથી એની આજુબાજુના સેલ્સને નહીંવત્ નુકસાન થાય છે. અલબત્ત, એનો મતલબ એ નથી કે દરેક કૅન્સરમાં આ જ ગોલ્ડન ટ્રીટમેન્ટ છે. જે ભાગોમાં સરળતાથી પહોંચી શકાય એમ છે એમાં રેડિયેશન જ લેવું જોઈએ. દરેક કૅન્સરની એ દવા નથી. કેટલાક સ્પેસિફિક કૅન્સર માટે જ એ મહત્ત્વનું છે અને એ નક્કી કરવાનું કામ ડૉક્ટર પર છોડી દેવું જોઈએ.’

સાઇડ-ઇફેક્ટ્સ પણ થાય

એક વાત સમજી લેવી જોઈએ કે કૅન્સરની એકેય સારવાર એવી નથી જેની કોઈ જ સાઇડ-ઇફેક્ટ ન હોય. અલબત્ત, કૅન્સર જેવા પ્રાણઘાતક હુમલાને નાથવા માટે થોડીક આડઅસર થતી હોય તો એ કંઈ બહુ મોટી વાત નથી. પ્રોટોન બીમ થેરપીને કારણે પણ બીજી માઠી અસરો થાય છે એ વિશે ડૉ. મુકુલ રૉય કહે છે, ‘રેડિયેશન આપો તો એનો એક્ઝિટ ડોઝ વધુ હોય છે, પણ પ્રોટોનમાં પાર્ટિકલ્સનો એન્ટ્રી પૉઇન્ટ ડૅમેજ કરનારો બની શકે છે. બૉડીના જે રુટમાંથી કૅન્સરગ્રસ્ત ભાગ સુધી પ્રોટોન પહોંચે છે એ બધે જ થોડું ડિપોઝિશન થાય છે. ખૂબ હાઈ ડોઝ પાર્ટિકલ્સ હોવાને કારણે એની સારવાર પછી સ્કિન-રિઍક્શન્સ થવાની સંભાવના વધુ રહે છે. જો અતિશય હાઈ ડોઝ અપાયો હોય તો એના એન્ટ્રી પૉઇન્ટ પાસેની સ્કિન લાલ થઈ જવી, બળતરા અને ઇચિંગ જેવી તકલીફ થાય. ક્યારેક અલ્સર પણ થઈ શકે. ફોટોન રેડિયેશનથી એવું ન થાય, પણ એનાથી આંતરિક ડૅમેજ થાય જે બહારથી જોઈ શકાય એવું ન હોય.’

કૅન્સરનો ઊથલો મારવાની સંભાવના

સામાન્ય રીતે રેડિયેશન લીધા પછી ત્વરિત તો કૅન્સરને માત આપી શકાય છે, પરંતુ એક્સ-રે કિરણોની આડઅસરને કારણે એક-બે દાયકા પછી ફરીથી કૅન્સરનો ઊથલો મારે એવી સંભાવના ઘણી વધારે હોય છે. પ્રોટોન થેરપીમાં એ સંભાવના ઘટી જાય છે એમ જણાવતાં ડૉ. મુકુલ રૉય કહે છે, ‘રેડિયેશનમાં અપાતાં ફોટોન કિરણોની પોતાની લાંબા ગાળાની સાઇડ-ઇફેક્ટ હોય છે. એવું જોવા મળ્યું છે કે રેડિયેશન લીધા પછી સાજા થઈ ગયેલા દરદીઓમાં પણ ૧૦-૧૫-૨૦ વરસે ફરીથી એ રેડિયેશનની આડઅસરરૂપે કૅન્સરના કોષો પેદા થાય છે. એનું કારણ એ છે કે એક્સ-રે કિરણો બૉડીના હેલ્ધી ટિશ્યુઝ માટે પણ હાનિકારક હોય છે. જ્યારે પ્રોટોન થેરપીમાં એની આડઅસરને કારણે ફરીથી કૅન્સર થવાનું જોખમ ઘટી જાય છે. એટલે જ પીડિયાટ્રિક કૅન્સરમાં બાળકો માટે આ સારવાર ખૂબ સારી અને લૉન્ગ-ટર્મ ફાયદાકારક છે. એનાથી બાળકોના નાજુક ટિશ્યુઝને ઓછામાં ઓછું ડૅમેજ થાય છે અને કૅન્સર રિલૅપ્સ થવાના ચાન્સ ઘટી જાય છે.’

પ્રોટોન મશીન બહુ ખર્ચાળ

પ્રોટોન બીમ મશીન અત્યંત ખર્ચાળ અને ખૂબ જાયન્ટ હોય છે. મોટા ભાગની મશીનરી હૉસ્પિટલની દીવાલની પાછળ જ હોય છે, પણ એની સાઇઝ લગભગ બેથી ત્રણ માળ જેટલી ઊંચી હોય છે. દરદીની સારવાર માટેનો રૂમ તો નૉર્મલ સીટી સ્કૅન અથવા તો એમઆરઆઇ મશીન જેવો જ હોય છે. મશીન જાયન્ટ હોવાનું કારણ એ છે કે પ્રોટોન પેદા કરવા માટે સાઇક્લોટ્રોન મશીનની જરૂર પડે છે. અતિશય ગતિથી પ્રોટોન પાર્ટિકલ જનરેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે પ્રોટોન જનરેટિંગ સાઇક્લોટ્રોન બિલ્ડિંગથી દૂર હોય છે. ત્યાંથી એને સારવાર માટેના રૂમમાં લાવવાનો માર્ગ પણ ઘણો લાંબો હોય છે. સારવાર માટેના રૂમમાં જે પ્રોટોન બીમ હોય છે એ દરદીની ફરતે ચારેકોર કોઈ પણ ખૂણે વળીને ચોક્કસ જગ્યાએ ફેંકી શકે એવું ફ્લૅક્સિબલ હોય છે. આ મશીન બનાવવાનો ખર્ચ જ હોય છે લગભગ ૫૫૦ કરોડ રૂપિયા જેટલો. એને કારણે સારવાર પણ અત્યંત મોંઘી હોય છે. સામાન્ય રીતે આ સારવાર ૧૧ લાખથી ૫૦ લાખ સુધીમાં પડે છે. ચેન્નઈમાં આ સારવાર લગભગ ૨૫ લાખ રૂપિયામાં પડે છે.

health tips cancer