જીવનમાં સદાય સુખી રહેવાની પાંચ જૅપનીઝ ટેક્નિક

21 May, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં જપાનના લોકો લાંબું અને સુખી જીવન જીવે છે. એની પાછળનું કારણ તેમની ફિલોસૉફી છે, જેનું અનુકરણ કરીને તેઓ આત્મસંતોષ સાથે જીવન જીવે છે

પ્રતીકાત્મક તસવીર

આજના ભાગદોડભર્યા જીવનમાં આપણે બધા જ પૈસા પાછળ ભાગી રહ્યા છીએ, બહારની વસ્તુઓમાંથી ખુશી શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એવામાં આંતરમનમાંથી ખુશીની લાગણી આપણે કેવી રીતે પામી શકીએ, કેવી રીતે આત્મસંતોષથી જીવી શકીએ એનો વધુ વિચાર કરતા નથી. એવામાં આ રહી કેટલીક જૅપનીઝ ટેક્નિક જે જીવન જીવવાની કળા શીખવાડે છે.

વાબીસાબી - આ પ્રાચીન જપાની ફિલોસૉફી છે. વાબીસાબી અપૂર્ણતા, ક્ષણભંગુરતા અને સાદગીમાં સુંદરતા જોવાની એક રીત છે. આ જીવનને એના અનિશ્ચિત અને અસ્થાયી રૂપમાં સ્વીકાર કરવા વિશે છે. કોઈ પ્લેટમાં તિરાડ કે થીગડા મારેલું કપડું વાબીસાબી ફિલોસૉફીનો હિસ્સો છે, કારણ કે એ જીવનની ખામીઓને દર્શાવે છે. વાબીસાબી આપણને જીવનની અપૂર્ણતા અને પડકારોને સ્વીકારવામાં મદદ કરે છે. સાદગી, શાંતિ અને સંતુષ્ટિમાં જીવન જીવવામાં મદદ કરે છે.

ઇકીગાઇ - દુનિયામાં દરેક વ્યક્તિનો ઇકીગાઇ હોય છે. ઇકીગાઇનો અર્થ છે જીવનમાં એક સ્પષ્ટ ઉદ્દેશ હોવો જે જીવનને સાર્થક બનાવે. આ એક પ્રક્રિયા છે. તમને જે કામ ગમતું હોય, એ કરવાની તમારામાં ટૅલન્ટ હોય, એનાથી તમને પૈસા મળી શકતા હોય અને એ કામથી લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકતો હોય એવું કામ કયું છે એ શોધીને તમે તમારા જીવનનું લક્ષ્ય મેળવી શકો છો. ઇકીગાઇ જીવનના ઉદ્દેશ્યને શોધવામાં અને એનાથી ખુશી મેળવવામાં મદદ કરે છે. એ તમને જીવન પ્રત્યે એક સકારાત્મક દૃષ્ટિકોણ વિકસિત કરવામાં મદદ કરે છે જેનાથી તમે પડકારોનો સામનો કરીને ખુશ રહેવા માટે પ્રેરિત થાઓ. એ તમને તમારી રુચિઓ અને ક્ષમતાઓના આધારે જીવન જીવવા માટે મદદ કરે છે.

કિંત્સુગી - આ એક જૅપનીઝ કળા છે જેમાં માટીનાં તૂટેલાં વાસણોને રિપેર કરીને એને નવું જીવન આપવામાં આવે છે. આ કળામાં વાસણોમાં પડેલી તિરાડને સોના-ચાંદીના પાઉડરથી જોડવામાં આવે છે. એનાથી વાસણ વધુ સુંદર અને મૂલ્યવાન બની જાય છે. આ કળા જીવનમાં ભૂલોને, ક્ષતિ અને અનુભવોને સ્વીકાર કરવાનું અને એને ગરિમા સાથે અપનાવવાનું શીખવાડે છે. એનાથી આપણને એ પણ શીખવા મળે છે કે જીવનમાં ભાંગવું અને જોડવું એ જીવનનો એક સ્વાભાવિક હિસ્સો છે.

શિન્રિન યોકૂ - આને ફૉરેસ્ટ બેધિંગ કહેવામાં આવે છે. આમાં પ્રકૃતિ સાથે જોડાવાની વાત છે. પ્રકૃતિ સાથે પોતાની તમામ ઇન્દ્રિયોને જોડીને તનાવ ઓછો કરવાની અને મનને શાંતિ આપવાની આ એક કુદરતી રીત છે. શિન્રિન યોકૂ કરવા માટે તમે વૃક્ષોના સાંનિધ્યમાં રહો, કુદરતી વાતાવરણની ખુશ્બૂ માણી માટીને સ્પર્શ કરી સૂર્યના હળવા પ્રકાશને માણી પક્ષીઓનો કલરવ સાંભળીને કુદરત નજીક હોવાનો અહેસાસ મેળવી શકો.

શિકાતા ગા ના - આનો અર્થ છે એમાં કંઈ ન થઈ શકે. આમાં એ વસ્તુનો સ્વીકાર કરવાની વાત છે જેને બદલવાનું આપણા હાથમાં ન હોય. આપણને એ વસ્તુ છોડવા માટે પ્રોત્સાહિત કરે છે જે આપણા નિયંત્રણમાં ન હોય. નકારાત્મક પરિસ્થિતિમાં પણ સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવી રાખવામાં આ મદદ કરે છે. એ આપણને શીખવાડે છે કે આપણે એ વિચારો અને ભાવનાઓનો સ્વીકાર કરતાં શીખવું પડશે જે આપણા માટે અસુવિધાજનક હોય.

japan health tips mental health life and style gujarati mid-day mumbai columnists