ફૉરેન જતાં પહેલાં અમે બની ગયા આત્મનિર્ભર

05 June, 2020 09:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૉરેન જતાં પહેલાં અમે બની ગયા આત્મનિર્ભર

ઇન્ડિપેન્ડન્ટ બનવા તેઓ શું શીખી રહ્યા છે તેમ જ તેમના શું પ્લાન છે એ વિશે તેમની સાથે વાત કરીએ...

દર વર્ષે આ સમયે ભારતમાંથી હજારો વિદ્યાર્થીઓ હાયર સ્ટડીઝ માટે વિદેશ જવાની તૈયારી કરતા જોવા મળે છે. છેલ્લી ઘડીની દોડાદોડીની સાથે ઘરનાં કામકાજ અને રસોઈ શીખવી તેમને માટે ચૅલેન્જ બની જાય છે. જોકે હાલમાં ઇન્ટરનૅશનલ બૉર્ડર બંધ હોવાથી તેમ જ કોરોનાના વૈશ્વિક આંકડા જોતાં અત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં તો વિદેશ જઈ શકે એવું લાગતું નથી. એમ છતાં આ વાતને યંગ જનરેશન પૉઝિટિવલી લઈ રહી છે. તેમનું માનવું છે કે લૉકડાઉન આવી જતાં તેમને રસોઈ અને ઘરનાં કામકાજ શીખવાની ભરપૂર તક મળી ગઈ છે જે આગળ જતાં ખૂબ કામ લાગશે. ઇન્ડિપેન્ડન્ટ બનવા તેઓ શું શીખી રહ્યા છે તેમ જ તેમના શું પ્લાન છે એ વિશે તેમની સાથે વાત કરીએ...

દુનિયાના કોઈ પણ ખૂણામાં ગુજરાતી નાસ્તા
વિના નહીં ચાલે - હર્ષ મડિયાર, ભાંડુપ

ઇન્ટરનૅશનલ ફાર્માસ્યુટિકલ કંપનીમાં જૉબ કરતા ભાંડુપના ૨૪ વર્ષના હર્ષ મડિયારે માત્ર બે વર્ષમાં જ ખાસ્સી પ્રગતિ કરતાં હવે વિદેશમાં નોકરીના ઊજળા ચાન્સિસ છે. વર્તમાન પરિસ્થિતિ જોતાં તેમણે નિર્ણય લીધો નથી, પરંતુ સારી તક મળે તો ચોક્કસ જવું છે. હર્ષ કહે છે, ‘મારા પપ્પાને ચા બનાવતાં પણ નથી આવડતી. તેઓ ટોટલી મમ્મી પર ડિપેન્ડન્ટ હોય છે. એમાંથી બોધપાઠ લઈને હું બધું શીખી ગયો. હું રહ્યો અસ્સલ ગુજરાતી ટેસડાનો શોખીન. કેક, પીત્ઝા અને પાસ્તા કરતાં જલેબી-ગાંઠિયામાં મને વધુ રસ પડે. બે મહિનામાં અમીરી ખમણ, ઢોકળાં, થેપલાં, મસાલાવાળી પૂરી, ગુજરાતી-પંજાબીનું કૉમ્બિનેશન ધરાવતાં સમોસાં, બટાટાંવડાં જેવી ઘણી વરાઇટી શીખ્યો છું, એટલું જ નહીં; ખીચું, સાબુદાણાના પાપડ અને અથાણાંની રેસિપી પણ મોઢે થઈ ગઈ છે. આ બધું શીખતી વખતે રિસર્ચ કરતાં જણાયું કે અન્ય કલ્ચરના નાસ્તાની સરખામણીએ ટ્રેડિશનલ ગુજરાતી નાસ્તાઓની લાઇફ લાંબી હોય છે. થેપલાં કે પૂરી જેવી વસ્તુ એક વાર બનાવીને મૂકી રાખો તો દસેક દિવસ બગડતી નથી. એકલા રહેવાનું હોય અને બધાં કામ જાતે કરવાનાં હોય ત્યારે આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. રસોઈ ઉપરાંત ઝાડુ-પોતાં કરતાં આવડી ગયાં. થોડા દિવસથી ટેરોટ કાર્ડ રીડિંગ ઍન્ડ પૅન્ડુલમ શીખવામાં રસ જાગ્યો છે. ગરબાનો એટલો ગાંડો શોખ કે નવાં-નવાં સ્ટેપ્સ શીખ્યા કરું છું. દુનિયાના કોઈ પણ ખૂણામાં રહું ગુજરાતી છું એવું બધાને ખબર પડવી જોઈએ.’

મેક્સિકન અને ઇટાલિયન ફૂડમાં પણ ઘરનો ટેસ્ટ મિસ ન થવો જોઈએ - સૃષ્ટિ શિરોદરિયા, કાંદિવલી

કાંદિવલીની ૨૩ વર્ષની ફિઝિયોથેરપિસ્ટ ડૉ. સૃષ્ટિ શિરોદરિયા સ્પોર્ટ્સ ફિઝિયોથેરપીમાં માસ્ટર્સ ડિગ્રી માટે યુકે જવાની છે. હાલમાં બન્ને દેશમાં લૉકડાઉન હોવાથી કેટલીક પ્રોસેસ અટકી છે. આ સંદર્ભે વાત કરતાં સૃષ્ટિ કહે છે, ‘કોરોનાને કારણે લેટ થશે એનું ફ્રસ્ટ્રેશન આવી ગયું છે. જે કામ માટે એક દિવસ લાગવો જોઈએ એ માટે ત્રણ દિવસ લાગે છે. પરિસ્થિતિ ક્યારે થાળે પડશે એ બાબત કોઈ સ્પષ્ટતા નથી. સ્ટડીમાં વિલંબ થાય એ ન ચાલે, પરંતુ ઠીક છે. એને કારણે રસોઈ શીખવાનો વધુ સમય મળી ગયો એ ફાયદો થયો છે. આપણને બધાને ઘરની રસોઈ જ ભાવતી હોય. જીભ પર એનો સ્વાદ ડેવલપ થઈ ગયો હોય પછી બહારનું ઓછું ભાવે. ઇન્ડિયામાં તો મેક્સિકન, ચાઇનીઝ કે ઇટાલિયન ફૂડ પણ મસાલેદાર હોય, જ્યારે વિદેશમાં સ્વીટ હોય. મને મેક્સિકન ખૂબ ભાવતું હોવાથી એમાં આપણો ટેસ્ટ શીખું છું. બેઝિક રસોઈ શીખવાની ચાલુ છે, એમાં પહેલાં ખીચડી બનાવતાં શીખી. પહેલી વાર લોટ બાંધવાનો પ્રયત્ન કર્યો. રોટલી આડીઅવળી થાય છે પણ આવડી જશે. જે વાતાવરણમાં હવે જવાનું છે એને ધ્યાનમાં રાખીને હેલ્ધી આઇટમ શીખવી અનિવાર્ય છે. ઇમ્યુનિટી વધારવા ડાયટ અને વર્કઆઉટ પર ફોકસ કરું છું. સાફસફાઈ શીખવાની એટલી જરૂર નથી, કારણ કે બધી જગ્યાએ લૉન્ડ્રી અને ક્લીનિંગ માટેનાં સાધનો ઉપલબ્ધ છે. લૉકડાઉનમાં રસોઈની સાથે કૅશિયો અને રીડિંગની હૉબી જાળવી રાખી છે.’

રોટલી વગર ખાઈ શકાય એવી હેલ્ધી આઇટમ આવડવી જોઈએ - વિરંચી લોટીયા, ભુલેશ્વર

વર્તમાન સિનારિયોને ધ્યાનમાં રાખીને ભુલેશ્વરના ૨૪ વર્ષના સૉફ્ટવેર એન્જિનિયર વિરાંચી લોટિયાએ હાયર સ્ટડીઝ માટે યુએસ જવાનો પ્લાન હોલ્ડ પર રાખ્યો છે. જોકે ભવિષ્યમાં એકલા રહેવાનું થાય તો બીજા પર ડિપેન્ડ ન રહેવું પડે એવો મત વ્યક્ત કરતાં વિરાંચી કહે છે, ‘ગ્રૅજ્યુએશન કમ્પ્લીટ કર્યા બાદ પહેલાં ઇન્ડિયામાં જ વર્ક એક્સ્પીરિયન્સ લેવો હતો. કામ કરવાનો અનુભવ હોય તો વિદેશમાં સારી તક મળે છે. ત્યાં તમારે બધું જાતે જ કરવું પડે. આ બાબત પહેલેથી સ્પષ્ટ છું એથી થોડી-થોડી રસોઈ કરતો હતો. લૉકડાઉને વધુ શીખવાની તક આપી. થોડા દિવસ પહેલાં મમ્મી હાથમાં દાઝી જતાં અત્યારે ટોટલી રસોડું હું જ સંભાળું છું. મારું ફોકસ હેલ્ધી અને રોટલી વગર ખાઈ શકાય એવી ડિશ શીખવા પર છે. જુદા-જુદા મસાલેદાર ભાત, ખીચડી, પૌંઆ જેવી આઇટમ હેલ્ધી છે અને એકલી પણ ખાઈ શકાય. સામાન્ય રીતે અમે બ્રેડ અવૉઇડ કરીએ છીએ, પરંતુ કોઈક વાર ખાવી પડે તો વેજિટેબલનું ફીલિંગ વધુ હોય એવી ડિશ ખાસ શીખ્યો. હવે જુદાં-જુદાં પરાઠાંની ટ્રાયલ ચાલે છે. મમ્મી જેવું માર્ગદર્શન ઇન્ટરનેટ ન આપી શકે એથી તેમની પાસે જ શીખવાનો આગ્રહ રાખ્યો છે. પેરન્ટ્સનું કહેવું છે કે મારી રસોઈ વધુ ટેસ્ટી બને છે. રસોઈ ઉપરાંત લીલાં શાકભાજીને ઓળખતાં અને ગ્રોસરીની ખરીદી કરતાં પણ શીખ્યો છું.’

મુંબઈનો ચટાકો જર્મનીમાં મળશે નહીં
એટલે શીખી લીધું - ક્રીમા શાહ, કાંદિવલી

જર્મનીમાં પાંઉભાજી કે ચાટ ખાવાનું મન થાય તો જાતે જ બનાવવું પડે. ત્યાં કંઈ મુંબઈની જેમ સ્ટ્રીટ-ફૂડ મળતાં નથી એમ જણાવતાં કાંદિવલીની ૨૧ વર્ષની આઇટી ગ્રૅજ્યુએટ ક્રીમા શાહ કહે છે, ‘થોડા સમય પહેલાં બા પાસેથી રોટલી વણતાં શીખી હતી. વીક-એન્ડમાં દાળ-ભાત, શાક-રોટલી જેવી બેઝિક રસોઈ બનાવવાનો પ્રયાસ કરી જોયો હતો, પરંતુ સ્ટડી-પ્રેશરને કારણે સમય મળતો નહોતો. કમ્પ્યુટર ડેટા સાયન્સમાં હાયર સ્ટડીઝ માટે જર્મનીની યુનિવર્સિટીમાંથી ઑગસ્ટ ઇનટેક માટે ઍડ્મિટ આવી જતાં આ વેકેશનમાં બધી રસોઈ શીખવાનો પ્લાન હતો જ. વિશ્વભરમાં કોવિડ-19ને લીધે ઇન્ટરનૅશનલ બૉર્ડર બંધ થઈ જતાં હવે મારે નેક્સ્ટ ઇનટેકમાં જવું પડશે. જોકે એને લીધે રસોઈ અને ઘરનાં કામકાજ શીખવાનો વધુ સમય મળી ગયો. પહેલાં એવી ડિશ બનાવતાં શીખી રહી છું જે મને ખૂબ ભાવે છે. જુદા-જુદા મિલ્કશેક પીવાની શોખીન છું. આ ઈઝી અને પેટ ભરાઈ જાય એવી વસ્તુ હોવાથી યુટ્યુબ પરથી નવું ટ્રાય કરતી રહું છું. આ સિવાય દાળઢોકળી, પનીર-બુર્જી, દાલ તડકા, નાન-પરાઠાં વગેરે આવડી ગયું છે. પીત્ઝા, પાસ્તા કે ફ્રૅન્કી જેવી આઇટમમાં પણ આપણો ટેસ્ટ એ લોકો કરતાં જુદો છે. આપણને મસાલેદાર વાનગીઓ ભાવે છે. જર્મનીના ઇન્ડિયન સ્ટોરમાં તમામ પ્રકારના મસાલા સહેલાઈથી મળી રહે છે એ જાણ્યા બાદ નિરાંત થઈ ગઈ અને નવી-નવી આઇટમ બનાવવાનો ઉત્સાહ જાગ્યો.’

બાસુંદી બનાવતાં અને રોટલી વણતાં
શીખી રહ્યો છું - આયુષ શાહ, વિલે પાર્લે

આ વર્ષે બારમાની પરીક્ષા પાસ કરનારો વિલે પાર્લેનો ૧૭ વર્ષનો આયુષ શાહ બિઝનેસ મૅનેજમેન્ટમાં અન્ડરગ્રૅજ્યુએટ માટે વિદેશ જવાનો છે. યુકે અને યુએસ બન્ને જગ્યાએથી ઍડ્મિટ લેટર આવી ગયા બાદ ક્યાં જવું એ બાબત વિચારણા ચાલતી હતી ત્યાં બધું બંધ થઈ ગયું. ઇન્ટરનૅશનલ બૉર્ડર બંધ થવાથી ફાયદો થયો છે એમ જણાવતાં આયુષ કહે છે, ‘વિદેશમાં જઈને ઑનલાઇન સ્ટડી નથી કરવી. યુનિવર્સિટીમાં ક્લાસ અટેન્ડ કરવા છે. ત્યાં એક્સપ્લોર કરવું છે. ફ્યુચરમાં કયા દેશમાં વધુ ઑપોર્ચ્યુનિટી છે એ બાબત રિસર્ચ કરું છું જેથી કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય. બીજો ફાયદો એ થયો કે મમ્મી ઘરે છે. જો લૉકડાઉન ન આવ્યું હોત તો વર્ક-કમિટમેન્ટને કારણે તેની પાસે મને રસોઈ શીખવા માટે ટાઇમ ઓછો હોત અને હું પણ ઉતા‍વળમાં જેટલું આવડે એટલું શીખીને ફ્લાય કરી જાત. અત્યારે રિલૅક્સ થઈને શીખું છું. સૌથી પહેલાં મારી ફેવરિટ પાઉંભાજી શીખ્યો. બાસુંદી પણ બહુ ભાવે છે. જોકે એની પ્રોસેસ સમજવામાં વાર લાગે છે. દૂધ કેટલું ઉકાળવું વગેરે સમજવા માટે મમ્મીને ઑબ્ઝર્વ કરું છું. બેઝિક રસોઈમાં ટિંડોળા, કોબી અને ભીંડાનું શાક બનાવતાં શીખી ગયો છું. વિદેશમાં પનીર અને ચીઝ સહેલાઈથી મળતાં હોવાથી એમાંથી બનતી આઇટમ વધુ શીખ્યો. હાલમાં રોટલી ગોળ થતી નથી, પણ જાન્યુઆરીમાં જવાનો પ્લાન છે ત્યાં સુધીમાં આવડી જશે.’

life and style indian food