જ્યારે બે વરાઇટી એક બને ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ?

02 December, 2021 06:35 PM IST  |  Mumbai | Sanjay Goradia

આ વાત ભાગ્યે જ કોઈના ધ્યાનમાં હોય છે પણ ગોરેગામ-વેસ્ટનો પ્રતાપ સમોસા-પાંઉવાળો એ બખૂબી જાણે છે. અહીં સમોસાને પણ એવી જ રીતે બનાવવામાં આવે છે જે પાંઉને ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે

સમોસા પાંવનો ચટાકો

આ વખતની ફૂડ ડ્રાઇવ પર જોડાયા પછી તમને થઈ શકે કે આ શું ફરી પાછું વડાપાંઉ ને સમોસા-પાંઉ પણ તમને એવું થાય અને તમે મોઢું બગાડો એ પહેલાં ચોખવટ કરી દઉં કે એક જેવા લાગતાં વડાપાંઉ કે પછી સમોસા-પાંઉ આપણા મુંબઈમાં એવા-એવા ટેસ્ટના મળે છે કે એક ચાખો અને બીજું ભૂલો. ચાલુ કરીએ આપણી ડ્રાઇવ?

ઓકે?

સ્ટાર્ટ...

બન્યું એમાં એવું કે ગોરેગામ બાંગુરનગરથી આપણે જમણે એમ. જી. રોડ પર જઈએ એટલે થોડા આગળ જતાં એસ. વી. રોડ આવે. મારે જવાનું હતું એસ. વી. રોડ. ત્યાંથી પસાર થતો હતો ત્યાં સામેની બાજુએ મેં મોટું ટોળું જોયું. મેં ધ્યાનથી જોવાની કોશિશ કરી તો એટલું દેખાયું કે બધા કશુંક ખાઈ રહ્યા છે પણ તેમના હાથમાં શું છે એ દેખાયું નહીં એટલે મેં તો ડ્રાઇવરને ગાડી એ તરફ લેવાની સૂચના આપીને કહ્યું કે ભઈલા, આ બકાસુરને ત્યાં લઈ જા.

ડ્રાઇવર મારો કહ્યાગરો કંથ એટલે એ તો મને લઈ ગયો ત્યાં. ત્યાં ગયો એટલે ખબર પડી કે નાનકડો બાંકડો લઈને પ્રતાપ નામનો આપણો ગુજરાતી છે પણ એ મરાઠી બોલે એવી કે કોઈ માને નહીં કે આ ગુજરાતી હશે. આમ તો મુંબઈમાં વસતા મોટા ભાગના ગુજરાતીઓને ફ્લુઅન્ટ મરાઠી બોલતાં આવડે છે. મારી વાત કરું તો મને મરાઠી બોલતાં જ નહીં, વાંચતાં પણ આવડે છે અને હું મરાઠી બુક્સ સુધ્ધાં વાંચું છું. ઍનીવેઝ, મગજ પરથી પાછા પેટ પર આવી જઈએ.

ત્યાં ગયો એટલે મને ખબર પડી કે પ્રતાપ વડાપાંઉ, સમોસા-પાંઉ અને ગરમાગરમ વાટીદાળનાં ભજિયાં આપતો હતો. મને થયું કે ચાલો આજે સમોસા-પાંઉ ટ્રાય કરીએ. મન તો મેં બનાવી લીધું હતું પણ એમ છતાં પ્રતાપને પૂછ્યું કે આપણી ફેમસ વરાઇટી કઈ?

‘સમોસા-પાંઉ ટ્રાય કરો, સંજયભાઈ... મજા આવશે.’

મેં માસ્ક પહેર્યો હતો છતાં પ્રતાપ મને ઓળખી ગયો. તેની એ તીક્ષ્ણ નજરો માટે મને માન થયું પણ સાહેબ, એનાથી પણ વધારે મને માન તેના પાકશાસ્ત્ર-જ્ઞાન માટે થયું. સમોસા-પાંઉમાં શું વળી નવું, સમોસું હોય અને પાંઉ હોય. તમને પણ એમ જ થશે, મને પણ એવું જ થયું હતું. પણ ના, એવું નહીં. સમોસા બનાવવામાં રીતસર ધ્યાન રાખવામાં આવ્યું હતું કે આ સમોસું એમ જ નહીં પણ પાંઉ સાથે ખાવાનું છે, જેથી ક્યાંય કોઈનો પણ ટેસ્ટ એકબીજાને ઓવરલેપ ન કરે.

સમોસામાં ગરમ મસાલો એટલો નહીં કે એ પાંઉને ફીકા કરી નાખે. એમાં વટાણા હતા, જે ગળી જાય એ હદે બાફવાને બદલે એને સહેજ કાચા રહેવા દીધા હતા જેથી વટાણાની ક્રન્ચીનેસ અકબંધ રહે તો સમોસું પણ એવું ક્રિસ્પી કે દરેક બાઇટ પર એનું કરકરાપણું તમને સ્પર્શે. ચટણી પણ અવ્વલ હતી. લીલા રંગની અને સાઉથ ઇન્ડિયામાં જોવા મળે એવી જાડી અને એકદમ ઘટ્ટ. કુલ ત્રણ ચટણી અહીં વાપરવામાં આવે છે. કોપરાની ચટણી, લસણની ચટણી અને એની ઉપર મીઠી ચટણી અને ત્રણેત્રણ ચટણીનો સ્વાદ એકબીજા સાથે પણ પોતાની આઇડેન્ટિટી જાળવી રાખે. જલસો જ જલસો.

તમને ઍડ્રેસ બરાબર સમજાવી દઉં. એસ. વી. રોડથી ગોરેગામ જતી વખતે લેફ્ટ સાઇડ પર એમ. જી. રોડ પકડવાનો અને કાં તો લિન્ક રોડથી જમણે જવાનું. એસ. વી. રોડથી ડાબે જઈ સો મીટર આગળ જશો ત્યાં ડૉક્ટર જોબનપુત્રાનું નિયૉન બોર્ડ તમને દેખાશે. એકદમ એની બહાર આ પ્રતાપ છે.

સમોસા-પાંઉ પછી મેં બધી વરાઇટી ટ્રાય કરી. વાટી દાળનાં ભજિયાં મહાલક્ષ્મી મંદિર પાસે બહુ સરસ મળે છે, એવાં જ ભજિયાં અહીં પહેલી વાર ટેસ્ટ કરવા મળ્યાં તો વડાં પણ એકદમ સરસ અને એકદમ ફ્રેશ. પણ એ બધામાં સમોસાની મજા તો શિરમોર સમાન. એક વખત જજો, બહુ મજા આવશે. જો ડૉક્ટર જોબનપુત્રાનું બોર્ડ ન દેખાય પણ ત્યાં તમને બહુ બધા લોકો ઊભેલા જોવા મળે તો પણ સમજી જજો, તમારું સ્થાનક આવી ગયું.

Gujarati food mumbai food