ટ્રાય કરો આ સ્પૅનિશ અને કોરિયન સ્ટાઇલનાં સૅલડ

16 June, 2022 02:06 PM IST  |  Mumbai | Sejal Patel

સૅલડ એટલે ગાજર, કાકડી, ટમેટાં, કાચી કેરી, કોબી અને કાંદા એવું માનીને તમને કાચું શાકભાજી ખાવાનો કંટાળો આવતો હોય તો ક્યારેક ક્લાઉડ કિચન હાર્વેસ્ટ સૅલડની ગ્લોબલ ફ્લેવર્સ ધરાવતી આ ડિશીશ જરૂર ટ્રાય કરવી.

કોરિયન તોફુ

ટેસ્ટમાં કદાચ તકલીફ પડે, પણ હેલ્થ અને ન્યુટ્રિશનમાં કંઈ જોવાપણું નહીં રહે

આપણી બેઠાડુ અને જન્ક-ફૂડ ખાવાની જીવનશૈલીને કારણે ડાયટમાં સૅલડનું પ્રમાણ વધારવાની સલાહ ડાયટિશ્યનો પાસેથી મળે છે. આપણા ગુજરાતી ભોજનમાં સૅલડનો કન્સેપ્ટ ઓછો છે. આપણે ત્યાં કચુંબર વધુ ખવાય. કચુંબરમાં પણ ધાણાજીરું, લીંબુ, સંચળ, કાળાં મરી જેવું નાખીને એને સુપાચ્ય બનાવવામાં આવ્યું હોય. જોકે જેટલી માત્રામાં ડાયટિશ્યનો સૅલડ ખાવાનું કહે છે એટલી માત્રામાં ઘરે જાતે બનાવેલાં સૅલડ્સ ખાઓ તો તમે થોડા જ દિવસમાં એનાથી ઉબાઈ જાઓ એવું સંભવ છે. ભલેને વાઇફે તમને સૅલડનો ડબ્બો પૅક કરીને આપ્યો હોય, પણ તમારી આંગળીઓ અનાયાસ સ્વિગી-ઝોમૅટો પર પહોંચી જ જાય. જોકે હવે ચિંતા કરવાની જરૂર નથી. તમે ફૂડ ડિલિવરી પ્લૅટફૉર્મ પરથી ઑર્ડર કરી શકો અને છતાં ડાયટિશ્યને આપેલી ગાઇડલાઇનમાં જરાય બાંધછોડ ન થાય એવા હેલ્ધી ફૂડના અઢળક ઑપ્શન્સ ઉપલબ્ધ છે. આવા ઢગલાબંધ વિકલ્પોમાંનું એક એટલે હાર્વેસ્ટ સૅલડ.

આ ક્લાઉડ કિચન સ્પેશ્યલી સૅલડ્સ અને બાઉલ્સ માટે જ બન્યું છે. હા, બે-ચાર ઑપ્શન્સ પનીની અને સાઇડર ચિપ્સના છે, પણ બાકી મેનુમાં દસથી અગિયાર ગ્લોબલ ફ્લેવર્સનાં સૅલડ્સ છે અને લગભગ એટલી જ સંખ્યામાં બાઉલ્સના ઑપ્શન્સ છે. મલ્ટિબ્રૅન્ડ ક્લાઉડ કિચન કંપની મેઇઝ હૉસ્પિટાલિટીના વીર ભારતીયનું આ બ્રેઇન ચાઇલ્ડ છે. હેલ્ધી અને ફ્રેશ પ્રોડ્યુસનો જ ઉપયોગ કરીને ગ્લોબલ ફ્લેવર્સનાં સૅલડ્સ અહીં સર્વ થાય છે. હાર્વેસ્ટ સૅલડનું મેનુ જોઈએ તો એમાં તમને કોરિયન અને સ્પૅનિશ ફ્લેવર્સનું પ્રભુત્વ વધુ જણાશે. અહીં એટલા ઑપ્શન્સ છે કે રોજ એક બાઉલ કે સૅલડ ઑર્ડર કરીએ તો પંદરેક દિવસે ફરી ડિશ રિપીટ થાય. હંમેશાં કંઈક નવું ટ્રાય કરવાની ચળ અમને રહી છે એટલે અમે પણ અહીંની ચારેક ડિશ ટ્રાય કરી જ નાખી. 
સૅલડ્સની ફ્લેવર હંમેશાં શાકભાજી, ફળો, સીડ્સ તેમ જ પ્રોટીનનું કૉમ્બિનેશન અને એના પરના ડ્રેસિંગ પરથી નક્કી થાય. અમને ઑર્ડર એકદમ સમયસર ડિલિવર થયો. પૅકિંગ પણ ખૂબ જ સરસ. કાગળના સ્ટર્ડી પૂંઠાનો ડબ્બો સરસ સીલપૅક્ડ થઈ શકે એવો હતો. દરેક ડિશની ઉપર એનું નામ લખેલું હોય અને સાથે એનાં ઇન્ગ્રિડિયન્ટ્સનું લિસ્ટ પણ હોય. સૌથી મહત્ત્વનું એ છે કે એ ડિશમાં કેટલી કૅલરી છે એ પણ લખેલું છે. સૅલડમાં પ્રોટીનની માત્રા કેટલી છે એ પણ લખેલી છે અને એડેડ શુગર કેટલી છે એનો પણ ઉલ્લેખ છે. અમે જે ચાર ડિશ મગાવેલી એમાં ઝીરો એડેડ શુગર હતી. આ લેબલ વાંચીને જ અડધા તો તમે ખુશ થઈ જાઓ કે આજે તમે બૉડીને જરૂર પોષક ભોજન આપવાના છો.

હવે વાત કરીએ સૅલડ્સની. પહેલી સૅલડ ડિશ જે અમે ટ્રાય કરી એનું નામ હતું ઝીયુસ પાવર. ડબ્બો ખોલતાં જ ફલાફલના ત્રણ પીસ જોઈને જ દિલ ખુશ. કાચી ચીજોમાં રોમાની લેટસ, અરુગુલાની ભાજી, મિન્ટ, ચેરી ટમેટોઝ, કકુમ્બર, બ્લૅક ઑલિવ્સ અને બેલ પેપર્સ હતાં. ફ્રેન્ચ વિનેગરનું ડ્રેસિંગ એની સાથે હતું. આ બધાની સાથે ચાવવામાં મજા આવે અને જરૂરી ઑઇલની પૂર્તિ થાય એ માટે પમ્પકિન સીડ્સ પણ હતાં.

બીજી ડિશ હતી સ્પૅનિશ ટેમ્પલ. આ ડિશમાં રેગ્યુલર અરુગુલા, રોમન લેટસ, બ્રૉકલી, કાકડી, અન્યન અને બેલ પેપર ઉપરાંત બે ચીજોની ફ્લેવર મજાની હતી. એક પાર્સલીની અને બીજી ઑરેન્જની પેશીઓની. આ ડિશને પ્રોટીન રિચ કરવા માટે એમાં તોફુના બારીક પીસીસ હતા.

સૅલડ્સ પછી વારો આવ્યો બાઉલ્સનો. પહેલો બાઉલ અમે ટ્રાય કર્યો હાર્વેસ્ટ બાઉલ. એમાં સૅલડ લીવ્સ, બ્રૉકલી અન્યન, ગાજર, કોબી ઉપરાંત કોલીફ્લાવર રાઇસ હતાં. મલ્ટિગ્રેન ક્રુટોન્સનો ક્રન્ચ અને ડ્રેસિંગ તરીકે હની મસ્ટર્ડનો તીખોમીઠો સ્વાદ હતો. પર્સનલી જોઈએ તો આ સૅલડ હોય કે બાઉલ હોય એનો ખાસ કોઈ ફરક ન પડ્યો. જોકે અમે જે બીજું બાઉલ ટ્રાય કર્યું એ મસ્ટ ટ્રાય છે. એ છે કોરિયન તોફુ. એમાં કેલ, કૅબેજ, સ્પ્રિન્ગ અન્યન, કૅરટ, રેડિશની સાથે બૉઇલ્ડ કીન્વાહ છે જેને કોરિયન ફ્લેવરના ડ્રેસિંગ સાથે સર્વ કરવામાં આવ્યું છે. આ ડ્રેસિંગનું નામ છે કોચુજાન. સહેજ સ્પાઇસી મરચાં અને તલની પેસ્ટ જેવું એ છે. આ ડ્રેસિંગને બાઉલમાં સરસ રીતે ભેળવી દેતાં તલની નટી ફ્લેવર, તીખાશ અને ગ્રિલ કરેલા તોફુના ચન્ક્સની સાથે સૅલડ ખાવાની મજા પડી ગઈ.

આટલું ધ્યાન જરૂર રાખજો
અહીં કૅચ એ છે કે મોટા ભાગના ગુજરાતીઓની જીભ અહીં સર્વ થતાં સૅલડ્સની ફ્લેવર્સને પહેલી વાર ટ્રાય કરતી હોય એવું બની શકે છે. એટલે તમે કંઈક નવી અને પહેલાં કદી ચાખી ન હોય એવી ફ્લેવર ટ્રાય કરવા ઓપન હો તો જ આ પ્રયોગો કરવા. બીજું, સૅલડ અને બાઉલમાં સર્વ થતો પૉર્શન એટલોબધો છે કે એકલા તમે ખતમ નહીં જ કરી શકો. જો કોઈ શૅર કરનારું હોય તો જ ટ્રાય કરવું. નહીંતર શરૂઆતમાં મજા આવશે, પણ છેલ્લે-છેલ્લે સૅલડ ચાવતાં તમે કંટાળી જાઓ એવું બની શકે છે.

life and style mumbai food sejal patel