આ સન્ડે ટ્રાય કરજો રાગીના ફાફડા ગોળની જલેબી

21 May, 2020 10:54 PM IST  |  | Gujarati Mid-Day Correspondent

આ સન્ડે ટ્રાય કરજો રાગીના ફાફડા ગોળની જલેબી

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલની જેમ સવારે ગરમાગરમ ફાફડા, કઢી, પપૈયાનું છીણ અને જલેબી વિના જેનો રવિવાર ન ઊગતો હોય એવા લોકો માટે લૉકડાઉનના આ દિવસો બહુ કપરા થઈ ગયા છે. આમ તો ફરસાણવાળાઓ દ્વારા હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં આ ચીજોનું વેચાણ થાય ત્યારે લાંબી લાઇનો લાગે છે, પણ આજે જોઈએ અખતરા કરવાનાં શોખીન રસોઈ નિષ્ણાત નેહા ઠક્કરની આ ફાફડા-જલેબીની રેસિપી, જે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ


પાલક ફાફડા
સામગ્રી
૧ બાઉલ ઘઉંનો લોટ
અડધો બાઉલ રાગીનો લોટ
પાલક પ્યુરી - લોટ બાંધવા જરૂરી હોય એટલી જ
અડધી ચમચી અજમો
એક ચમચી હળદર
બે ચમચી લાલ મરચું પાઉડર
બે ચમચી તેલ
મીઠું સ્વાદ પ્રમાણે
બનાવવાની રીત
એક બાઉલમાં ઘઉંનો લોટ, રાગીનો લોટ, અજમો, મીઠું, મરચું, હળદર, તેલ લો. એને બરાબર મિક્સ કરી લો. પાણીને બદલે પાલકની પ્યુરીથી લોટ બાંધો. લોટ બહુ ઢીલો નહીં, બહુ કડક પણ નહીં એવો રાખવો.
લાકડાના પાટલા પર નાનો લૂવો લઈ એકદમ હથેળીથી પ્રેસ કરી ફાફડા તૈયાર કરવા.
જો તમને આવી રીતે ફાફડા બનાવવા ન ફાવતા હોય તો સંચામાં ફાફડાનો લોટ નાખી ફાફડા ડિશમાં કરી લેવા.
હવે ગરમ તેલમાં ફાફડાને તળી લેવા. એકદમ સરસ ફાફડા તૈયાર થઈ જશે.
હવે ગરમાગરમ ફાફડાને કઢી, મરચાં, જલેબી સાથે સર્વ કરવા.
ટિપ : સામાન્ય રીતે બેસનના ફાફડા બનતા હોય છે; પણ ઘઉંનો લોટ, રાગી અને પાલક વાપર્યાં હોવાથી એકદમ હેલ્ધી ફાફડા રેડી થશે. આ જ રીતે બીટના ફાફડા બનાવી શકાય છે.
ફાફડા સાથેની કઢી બનાવવા માટે
બેથી ત્રણ ચમચી ચણાનો લોટ
૧ ગ્લાસ પાણી
૧ નાની ચમચી લીંબુનાં ફૂલ
પા ચમચી હળદર
મીઠું સ્વાદાનુસાર
લીલું મરચું બે નંગ
વઘાર માટે
૧ ચમચી તેલ
૧ નાની ચમચી રાઈ
ચારથી પાંચ મીઠા લીમડાનાં પાન
બનાવવાની રીત
સૌપ્રથમ એક વાસણમાં ચણાનો લોટ લઈ એમાં પાણી, મીઠું, લીંબુનાં ફૂલ અને હળદર પાઉડર ઉમેરીને મિશ્રણને હૅન્ડ બ્લેન્ડરથી ચર્ન કરી લેવું જેથી લોટના કારણે ગઠ્ઠા ન પડે.
હવે એક પેણીમાં તેલ ગરમ કરીને એમાં રાઈ અને મરચાં અને લીમડાનો વઘાર કરીને તૈયાર કરેલા મિશ્રણને નાખીને પાંચ-છ મિનિટ ઊકળવા દેવું. તૈયાર છે ફાફડા સાથે ખવાતી કઢી.

ગોળની જલેબી
સામગ્રી
૧ વાટકી મેંદો
અડધી વાટકી ચોખાનો લોટ
૧ વાટકી દહીં
બે ચમચા રવો
બે ચમચી દૂધ
૩ વાટકી ગોળ
દોઢ વાટકી પાણી
ઘી તળવા માટે
રીત
જલેબી જ્યારે બનાવવી હોય એની આગલી રાતથી બનાવવાની તૈયારી શરૂ કરવી પડે છે. સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈ એમાં દહીં નાખી આખી રાત પલાળી રાખવું. ગોળને સમારી એમાં પાણી નાખી આખી રાત પલાળી રાખવું.
સવારે જલેબીના બૅટરમાં રવો અને દૂધ નાખી બરાબર ફેંટી લેવું. યાદ રહે, આમાં પાણી બિલકુલ નાખવાનું નથી.
બીજી તરફ ગોળમાં પાણી નાખી ઉકાળી લેવું. સાધારણ એક તારની ચાસણી જેટલું ઘટ્ટ કરવાનું છે. હવે કઢાઈમાં ઘી ગરમ કરી જલેબી ઉતારવી. સૉસની બૉટલ અથવા દૂધની થેલીમાં બૅટર નાખી જલેબી ઉતારવી.
હવે ઉતારેલી જલેબીને ગોળની ચાસણીમાં પાંચ મિનિટ માટે ડુબાડી રાખવી. એકદમ મસ્ત ક્રિસ્પી જલેબી તૈયાર થશે.
ગોળની જલેબી હોવાથી ટેન્શન વિના તમે ફાફડા સાથે બે-પાંચ જલેબી આરામથી માણી શકો છો. પાટલા ઉપરના ફાફડા બધાયને નથી ફાવતા તો આવી રીતે તમે ફાફડાની મજા લઈ શકો છો

indian food Gujarati food